વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નેગેટિવ સમાચારોની વચ્ચે પોઝિટિવ અનુભવની વાત



સુશાંત સ્યુસાઈડ કેસ અને એ પછી રિયા ચક્રવર્તી અને કંગના રનૌત મામલે મીડિયા જે રીતે રિપોર્ટિંગ કરી રહ્યું છે તેની સોશિયલ મીડિયા પર કેટલાક લોકો મજાક ઉડાવી રહ્યા છે. પરંતુ એ લોકો એ ભુલી જાય છે કે, સમાચારોની દુનિયામાં દર્શકો જે ડિમાન્ડ કરે છે તે જ મીડિયા બતાવે છે. દર્શકો જે સમાચારો જોઈને TRP અપાવે તેવા જ સમાચારો ટીવી ચેનલો બતાવે છે એટલે દોષનો ટોપલો ખાલી મીડિયા પર ઢોળી દેવો તે ખોટી વાત છે. એક પત્રકાર તરીકેની મારી કારકિર્દીને આશરે તેર વર્ષ થયા. આ ક્ષેત્રમાં મને ઘણાં યાદગાર અનુભવો થયાં, પરંતુ એક અનુભવ મારા હૃદયની સૌથી નજીક છે. નકારાત્મકતાની વચ્ચે એક પોઝિટિવ અનુભવ તમને જણાવવો છે. વર્ષ 2013ની વાત છે. એ સમયે હું ક્રાઈમ સમાચારોનું બુલેટિન સંભાળતી. રોજની જેમ તે દિવસે પણ હું મારા કામમાં વ્યસ્ત હતી. એ જ સમયે મારા ચેનલ હેડે મને તેમની કેબિનમાં બોલાવી. હું તેમની સામે હાજર થઈ. કેબિનમાં ચેનલના સિનિયર ક્રાઈમ રિપોર્ટર પહેલેથી જ બેઠાં હતા. પરિસ્થિતિ જોઈને મને થોડો અંદાજ આવી ગયો કે, કોઈ નવો ટાસ્ક મળવાનો છે. સાંભળતા પહેલાં જ 'મન મેં લડ્ડુ ફૂટા' જેવી સ્થિતિ હતી. મને આમ પણ ક્રિએટીવ કે ચેલેન્જિંગ ટાસ્ક મળે તેમાં આનંદ આવતો. "રિદ્ધિ તારે એક બાળકને ખરીદવાનું છે." મારા ચેનલ હેડ બોલ્યા. હું આશ્ચર્યથી તેમની સામે જોઈ રહી. મારા ચેનલ હેડનો ચહેરો ગંભીર હતો. "હું કંઈ સમજી નહીં સર.." મેં ગંભીરતાથી પૂછ્યું કે તરત જ મારા ચેનલ હેડ હસવા લાગ્યા. તેઓ મારી સાથે મજાક કરી રહ્યાં હતા. માહોલને હળવો કરી નાંખવો તે તેમને સારી રીતે આવડતું. એ પછી તેમણે વિગતે વાત કરતા કહ્યું અમારા ક્રાઈમ રિપોર્ટરને એક ટીપ મળી હતી. અમદાવાદ શહેરમાં જ આધેડ ઉંમરની એક મહિલા છ મહિનાના માસૂમ બાળકને વેચવાની ફિરાકમાં હતી. પોલીસની મદદ મેળવવા માટે અમારે પુરાવા એકઠા કરવાના હતા. મારા ચેનલ હેડ ઈચ્છતા હતા કે, તે મહિલા સાથે હું વાત કરું અને સ્ટીંગ ઓપરેશન કરીને પુરાવા એકઠા કરું. એ માટે મારે એક પરિણીત સ્ત્રી બનીને તે મહિલાનો સંપર્ક કરવાનો હતો. તેને વિશ્વાસ અપાવવાનો હતો કે હું તે બાળક ખરીદવા માગુ છું. હું તો ઉત્સાહમાં આવી ગઈ. એક બાળકને બચાવવાનું હતું. મેં ટાસ્ક સ્વીકારી લીધો. એ જ સમયે ચેનલ હેડે મને મહિલા સાથે ફોન પર વાત કરવાનું કહ્યું. તેમણે મને ચેતવી પણ ખરા, "જો જે હો, ધ્યાન રાખીને વાત કરજે, પેલી મહિલાને કોઈ શંકા ન જાય." મેં ફોન લગાવ્યો. ફોનની રિંગ વાગીને સાથે મારા હૃદયના ધબકારા પણ વધી ગયા. ચિંતા એક જ વાતની હતી કે, મારાથી કોઈ ભૂલ ન થઈ જાય. થોડી જ ક્ષણોમાં પેલી મહિલાએ ફોન ઉપાડ્યો. મેં તેની સાથે વાતની શરૂઆત કરી. મારુ ખોટું નામ જણાવ્યું અને બાળક વિશે પૂછ્યું. પેલી મહિલાએ તરત જ મારી ઈન્કવાયરી શરૂ કરી દીધી. જાત-જાતના સવાલોનો મારો ચલાવ્યો. સ્થિતિ કપરી બની ગઈ. મારે તે મહિલાનો વિશ્વાસ જીતવાનો હતો. મહિલાના સવાલોથી મને એક વાતનો અંદાજ આવ્યો કે, તેને મારા પર શંકા હતી. લાગ્યું કે, મારા અવાજ પરથી તેને મારી ઉંમરનો અંદાજ લગાવી રહી હતી. મારી પાસે વિચારવાનો સમય નહોતો. એ સમયે મને જે સુઝ્યું તે હું બોલતી ગઈ. મારા ચેનલ હેડના પ્લાન મુજબ મારે મારા માટે બાળક ખરીદવાનું હતું, પરંતુ મહિલા સાથે વાત કરતી વખતે મેં પ્લાન બદલી નાંખ્યો. બાળક મારી મોટી બહેન માટે ખરીદવાનું છે તેમ બોલી ગઈ. પેલી મહિલા અકળાઈ ગઈ અને તેણે અધવચ્ચે જ ફોન મુકી દીધો. હું ગભરાઈ ગઈ. મારા ચેનલ હેડ અને પેલા રિપોર્ટર મારી સામે જોઈ રહ્યાં હતા. જે વાતચીત થઈ તે તેમની સામે જ થઈ હતી. તેઓ બધુ જ જાણતા હતા. તેમના ચેહરા પર નિરાશા જોઈને હું થોડી હતાશ થઈ ગઈ. વાત થોડી બગડી હોય તેમ બધાને લાગ્યું. મારા ચેનલ હેડ બોલ્યા, "જે થયું તે થયું. હવે આપણે નવો કોઈ રસ્તો શોધીએ. પણ હવે થોડો સમય રાહ જોવી પડશે." હું તેમની કેબિનમાંથી બહાર આવી. એ દિવસે મારું કામમાં મન લાગ્યું નહીં. એક બાળકને બચાવવાનું હતું. પત્રકારત્વમાં આવી તક ભાગ્યે જ મળે. બ્રેકિંગ ન્યૂઝ, આગ, અકસ્માત, ભૂકંપ જેવી હોનારતો અને પોલિટિક્સની ખબરોની વચ્ચે માનવતાને જીવંત રાખવાની તક ઓછી મળે. મેં એક તક ગુમાવી દીધી હોય તેમ લાગ્યું. મને અફસોસ થયો. એક બે દિવસ એમ જ વિતી ગયા. કામની વ્યસ્તતામાં પણ હું એ વાતને ભૂલી નહોતી. બે દિવસ પછી ફરી એકવાર મને ચેનલ હેડે તેમની કેબિનમાં બોલાવી. અમે જે નંબરથી પેલી મહિલાને કોન્ટેક્ટ કર્યો હતો તેના પર મહિલાએ સામેથી કોલ કર્યો હતો. મારા ચહેરા પર ચમક આવી ગઈ. મનમાં જે અફસોસ હતો તે આનંદમાં ફેરવાયો. મનોમન નક્કી કર્યું કે, એ બાળકને હવે બચાવ્યે જ છુટકો. બીજી વારની વાતચીતમાં મહિલાએ થોડી ખુલીને વાત કરી. મેં આશરે અડધો કલાક વાત કરી. મારી મોટી બેનને બાળકની કેમ જરૂર છે તે વાત સમજાવવા મથામણ કરી. ભાવનાત્મક શબ્દોનો ભરપુર ઉપયોગ કર્યો. આખરે મહિલા મુલાકાત કરવા તૈયાર થઈ.


મહિલા સાથે ફોન પર વાત થઈ. તેણે અમને મુલાકાત માટે સમય આપ્યો. ફોન મુક્યા પછી મેં, મારા ચેનલ હેડ અને ક્રાઈમ રિપોર્ટરે મળીને સ્ટીંગ ઓપરેશન માટે યોજના ઘડી. મારી જ ઓફિસના એક કેમેરામેનને મારા નકલી પતિ બનાવવાનું નક્કી થયું. ચાર દિવસ પછી મહિલાને મળવાનું હતું. મેં સ્પાય કેમેરાને કેવી રીતે ઓપરેટ કરવો તેની થોડી સમજ મેળવી. અમે મહિલાના ઘરની આસપાસ રેકી શરૂ કરી દીધી. કેમકે મહિલા જે વિસ્તારમાં રહેતી હતી તે અમદાવાદ શહેરનો સૌથી ખતરનાક વિસ્તાર હતો. માત્ર તે મહિલાની જાણકારી માટે નહીં પણ અમારે અમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખવાનું હતું. અમે વિસ્તારની પૂરેપુરી જાણકારી મેળવી. સાથે જ મહિલાની દિનચર્યા જાણી. મુલાકાત પહેલા અમે મહિલાનું શક્ય તેટલું ઈન્વેસ્ટિગેશન કર્યું. મહિલા એક કુખ્યાત ગુનેગાર હતી. તે પહેલા પણ રૂપિયા કમાવવા માસૂમ બાળકોનો વેપાર કરી ચુકી હતી. આ સિવાય દેશી દારૂ, જુગાર જેવા બીજા ગુનાઓમાં પણ તેનું નામ હતું. સાચું કહું તો આ બધું સાંભળીને થોડો ડર લાગ્યો હતો. કેમકે જો અમે પકડાઈ ગયા તો અમારા રામ નામ સત્ય થઈ જવાના એ નક્કી હતું. પરંતુ માસૂમ બાળક વિશે વિચારતા જ ડર છૂમંતર થઈ ગયો. નક્કી કર્યું કે, હવે કોઈ જ ભૂલ નહીં થવા દઉં. મુલાકાતનો દિવસ આવ્યો. પંજાબી ડ્રેસ, હાથમાં બંગડીઓ, માથે ચાંલ્લો અને વાળને ખુલ્લા રાખવાને બદલ ચોટલો લઈને હું તૈયાર થઈ. એ દિવસે ખાસ ધ્યાન રાખ્યું કે, મારા વર્તનમાં હું એક રિપોર્ટર છું એ વાત છલકાય નહીં. હું અને મારા કેમેરામેન કાર લઈને નીકળ્યા. મહિલાના ઘરથી થોડે દૂર અમે ઉભા રહ્યા. અમારે બંનેએ પતિ-પત્ની છીએ તેમ વર્તવાનું હતું. ભુલથી પણ સાચા નામ બોલાઈ ન જાય તે ધ્યાન રાખવાનું હતું. અમે થોડી પ્રેક્ટીસ કરી. મહિલાની સામે ખાનગીમાં વાત કરવા માટે ઈશારા નક્કી કર્યા. મહિલાની પાસે બાળક છે તેવા દ્રશ્યોને કેમેરામાં કંડારવાના હતા. જો અમારી વચ્ચે તાલમેલ ન હોય તો ખેલ બગડી શકે તેમ હતો. મહિલા જ્યાં રહેતી હતી તે ગલી ખૂબ નાની હતી. તેના ઘરથી થોડે દૂર અમારે કાર પાર્ક કરવી પડી. સેફ્ટી માટે અમારી બીજી ટીમ તે જ વિસ્તારમાં મદદ માટે તૈયાર હતી. અમે ચાલતા મહિલાના ઘરે પહોંચ્યા. સાવ નાનકડું ઘર. ઘરની બહાર એક ખાટલામાં કેટલાંક છોકરાઓ બેઠાં હતા. અમે મહિલાનું નામ આપ્યું અને તે ક્યાં મળશે તેમ પૂછ્યું. એક છોકરાએ ઈશારો કર્યો અને ઘરની અંદર જવાનું કહ્યું. ઘરમાં પ્રવેશતા જ જોયું કે, મકાનમાં સીધા પટ્ટા પર એક પછી એક ત્રણ ઓરડા હતા. અમને પહેલા ઓરડામાં જ બેસાડ્યા. ઘરમાં તે સમયે બે પુરુષો અને ઘણી મહિલાઓ હતી. વળી એ જ ઓરડામાં ઉપર જવાની સીડી હતી. સીડી પર મહિલાઓ અને બાળકો બેઠા હતા. ત્યાં એકવર્ષથી નાના ત્રણ બાળકો હતા. અમે જે બાળક માટે આવ્યા હતા તેને હું શોધવા લાગી. ત્યાંનો માહોલ જોઈને થોડીવાર તો લાગ્યું કે, અમે ફસાઈ ગયા. નાના ઓરડામાં મેળો હોય તેમ માણસો એકઠાં થયાં હતા. પેલા ત્રણ બાળકો પર મારું ધ્યાન હતું. જોકે એ સમયે કંઈ પણ કળવું અશક્ય હતું. થોડીવારમાં પાણી આવ્યું. એક ઘૂંટડો પાણી પીધું પણ ગળે ઉતારવામાં આકરું પડ્યું.  એટલામાં જેમને મળવાનું હતું તે મહિલા બીજા ઓરડામાંથી બહાર આવ્યા. તેણે અમારો પરિચય મેળવ્યો. મહિલાએ મારી પરીક્ષા લેવાનું શરૂ કર્યું. કેમરામેન એટલે કે મારા નકલી પતિ સ્પાય કેમરામાં દ્રશ્યો કેદ થાય તેના પ્રયાસમાં હતા અને મારા પર સવાલોનો મારો ચાલી રહ્યો હતો. જવાબ આપવા ભારે પડી રહ્યા હતા. કારણ કે, હું એક રિપોર્ટર હતી. સવાલો પૂછવાનો મને પૂરો અનુભવ હતો પણ અભિનય કરવાનો બિલકુલ નહીં. વળી અહીં રિટેક કરવાની કોઈ સંભાવના નહોતી. એક જ ટેઈકમાં દમદાર પર્ફોર્મન્સ આપવાનું હતું. પોણો કલાકની વાતચીત દરમિયાન મારી બહેનના લગ્ન પછી પણ તેને બાળક ન હોવાથી સાસરીવાળા ત્રાસ આપે છે અને એટલે તેનો સંસાર બચાવવા બાળક જોઈએ છે. એ વાત મેં મહિલાના ગળે ઉતારી. લાગ્યું કે, મહિલાને મારા પર થોડો વિશ્વાસ બેઠો છે કે તરત જ મેં બાળક જોવાની ઈચ્છા વ્યક્ત કરી. મારી વાત સાંભળીને મહિલાના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેણે તરતજ નનૈયો ભણી દીધો. લાગ્યું જાણે તેણે બાળક વેચવાની ચોખ્ખી ના પાડી દીધી હોય. તેણે મને કહ્યું કે, બાળક બહું નાનું છે. અમે કંઈ બાળક વેચતા નથી. અમે તે માસૂમ બાળકને એની માતાને પાછું આપી દેવાના છે. એની માતા તકલીફમાં હતી એટલે તે મુકી ગઈ હતી પરંતુ અમે તેને સમજાવીને પાછું આપી દઈશું. મહિલાના શબ્દો મને થોડીવાર તો સમજાયા નહીં. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ટસની મસ ન થઈ. મારા હાથ-પગ ઠંડા પડી ગયા. મેં મારા નકલી પતિની સામે જોયું. હવે શું કરવું તે સમજાતું નહોતું. હું નર્વસ થઈ ગઈ. બરોબર એ જ સમયે મારા કેમેરામેન કમ નકલી પતિએ બાજી સંભાળી. તેણે મને ઉદ્દેશીને કહ્યું, "ચિંતા ન કરીશ, આપણે કોઈ રસ્તો શોધી લઈશું. મોટી બેનને આપણે હેરાન નહીં થવા દઈએ." તમને ભલે આ વાક્ય કંઈ ખાસ ન લાગે પણ મારા માટે તો એનર્જી બુસ્ટ કરનારું હતું. એ જ સમયે મને એક વાતનું ધ્યાન પડ્યું. આગળની સ્ક્રિપ્ટ મારા મગજમાં ક્લિયર થઈ ગઈ. મેં તરત જ રડમસ અવાજે મહિલાને કહ્યું, "બેન, તમે માતાને બાળક સોંપવા માગો છો. હું પણ એક મા માટે જ આવી છું. મારા મોટીબેનના આંગણે બાળક રમતું થાય એ માટે હું તમે કહેશો તેટલા રૂપિયા આપવા તૈયાર છું." મારા શબ્દો બ્રહ્માસ્ત્ર જેવા હતા. તેની ધારી અસર થઈ. આખરે મહિલાએ ગોળ ગોળ વાતો કરીને એક અઠવાડિયા પછી ફરીથી મળવા આવજો એમ કહ્યું. જોકે મહિલાની શંકા પુરેપુરી દૂર થઈ નહોતી. મને સમજાઈ ગયું કે, મહિલા બાળક વેચવા તો તૈયાર જ હતી પણ તે અમારી ચકાસણી કરવા માગતી હતી. સાથે જ બાળકની કેટલી કિંમત વસૂલવી તે પણ નક્કી કરવાનું હતું. અમે તેની વાત માની લીધી. અમે મહિલાનો આભાર માનીને બહાર નીકળ્યા. એક પડાવને સફળતા પૂર્વક પાર કરી લીધો હતો.



બાળક બચાવવા માટે મહિલાએ એક અઠવાડિયા પછી ફરીથી આવવાનું કહ્યું. હવે અમારી પાસે પોલીસની મદદ મેળવવા પુરાવા એકઠા થઈ ચુક્યા હતા. જોકે પેલી મહિલાએ બાળકને બતાવ્યું નહોતું જેથી પોલીસ ત્યાં જઈને સીધા દરોડા પાડે તે શક્ય નહોતું. કોઈ એવી યોજના ઘડવી પડે તેમ હતી જેથી બાળકને બચાવી શકાય અને મહિલાના કારસ્તાનનો પર્દાફાશ થાય. ચેનલની ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી. એવું નક્કી કરાયું કે, પતિ એટલેકે કેમેરામેન, પત્ની એટલે કે હું અને જેમના માટે બાળક ખરીદવાનું છે તે મારા મોટાબેન તરીકે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે લઈ જવા. જેથી એક સાક્ષી ઉભા કરી શકાય. વળી પોલીસ કોન્સ્ટેબલ સાથે હોય તો અમારી સુરક્ષા જળવાય. મોટીબેનને સાથે લઈ જવાથી બાળક વેચનાર મહિલાની બધી શંકાઓ પણ દૂર થાય. યોજના મુબજ અમે મહિલા સાથે મુલાકાત કરી. આ વખતે અમારી યોજના મુજબ જ કામ થયું. પેલી મહિલા હવે બરાબર અમારી જાળમાં ફસાઈ ગઈ હતી. તેણે એ દિવસે અમને બાળક બતાવ્યું. બાળકને એક ખાટલા નીચે સુવાડવામાં આવ્યું હતું. માતા વિના બાળક સાવ ઓશિયાળું થઈ ગયેલું. તેની તબિયત પણ સારી નહોતી. તેના ચહેરાનું તેજ ઉડી ગયેલું. બાળકની સ્થિતિ જોઈને પાષાણ હૃદયનો માણસ પણ રડી પડે. મારી આંખો પણ ભીની થઈ ગઈ. બાળક તેની માતાના વિરહમાં ઝુરી રહ્યું હતું. પરંતુ એ સમયે લાગણીમાં વહી જવાનો સમય નહોતો. અમે બાળક ખરીદવાની વાત આગળ વધારી. મહિલાએ બાળકની કિંમત કહી. મારા મોટાબેન બનીને આવેલા પોલીસ કોનસ્ટેબલે મહિલાને પૂછ્યું, "બાળક ખરીદ્યા પછી તેની માતા કોઈ કેસ કે ફરિયાદ તો નહીં કરે ને?" મહિલાએ જવાબમાં તેની માતા પાસે એફિડેવિટ કરાવી લેવાની ખાત્રી આપી. વાતચીતના અંતે મહિલા સાથે સોદો કરવાનો સમય અમે નક્કી કર્યો. પેલી મહિલા રાજી થઈને માની ગઈ. તેને નાણાં મળવાના હતા. અમે બાળકને છેલ્લીવાર જોયું. તેની સુરક્ષા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરીને ત્યાંથી વિદાય લીધી. જે દિવસે સોદો થવાનો હતો તે હવે અમારા સ્ટિંગ ઓપરેશનનો સૌથી છેલ્લો દિવસ હતો. બીજી મુલાકાતમાં મહિલા સાથે થયેલી વાતચીત અને બાળકના વિઝ્યુઅલ અમને મળી ચુક્યા હતા. હવે પોલીસ દરોડા પાડી શકે તેમ હતી પરંતુ બાળકની સુરક્ષા માટે અને કેસને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે એવું નક્કી કરાયું કે, એકવાર સોદો થઈ જવા દેવો. જેથી બાળક સુરક્ષિત રીતે અમારા હાથમાં આવી જાય. આવા કેસમાં જો ગુનેગારોને પોલીસની ગંધ આવે તો તેઓ બાળકોને ગુમ કરવામાં ચપળ હોય છે. આખરે ફરી એકવાર હું અને મારા કેમેરામેન પતિ-પત્ની બનીને પેલી મહિલાના ઘરે ગયા. અમને જોઈને મહિલા હરખાઈ. એને હસતી જોઈને મને હસવું આવ્યું. એ દિવસે મારો આત્મવિશ્વાસ બમણો થઈ ચુક્યો હતો. ક્રાઈમબ્રાન્ચની મોટી ટીમ મહિલાના ઘરથી થોડે દૂર અમારા એક ઈશારાની રાહ જોઈ રહી હતી. મહિલા સાથે થોડી આડી-અવળી વાતો થઈ. એ પછી તેના હાથમાં અમે રૂપિયાની ગડ્ડી મુકી. રૂપિયાની નોટોના નંબર અમે પહેલેથી જ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાવી ચુક્યા હતા. જેથી કોર્ટમાં તેને પણ એક પુરાવા તરીકે રજૂ કરી શકાય. મહિલાએ પોતાના હાથમાં રૂપિયા લીધા કે તરત જ અમે ક્રાઈમબ્રાન્ચની ટીમને મેસેજ કરી દીધો. ટીમ પહોંચે ત્યાં સુધી અમારી પાસે ગણતરીની મિનિટો હતી. તે મિનિટોનો ઉપયોગ કરીને મહિલાની અમે વધુ પૂછપરછ કરવાનું ચાલુ રાખ્યું. અમે મહિલાનો વિશ્વાસ જીતી ચૂક્યા હતા. મહિલા અમારી સામે પોપટની જેમ ખુલીને બોલી રહી હતી. અમે તેને પૂછ્યું કે, બાળકને લઈને કોઈ બબાલ તો નહીં થાય ને? તેણે કહ્યું કે, તે પહેલા પણ આવી રીતે બાળકો વેચી ચુકી છે. મહિલાએ અમને વિશ્વાસ અપાવવા તેના જૂના કારનામાનું રાઝ ખોલ્યું. તેનું એ નિવેદન અમે અમારા સ્પાય કેમેરામાં કેદ કરી લીધું. એટલીવારમાં બહાર બૂમાબૂમ સંભળાઈ. મહિલાની ચાલીમાં એકદમ જ ચહલ-પહલ વધી ગઈ. લોકોની બૂમો સંભળાવા લાગી. અમે સમજી ગયા કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી ચૂકી છે. અમે મહિલાની સાથે તેના ઘરના સૌથી છેલ્લા ઓરડામાં હતા. અમને થોડી ચિંતા થઈ કે, ક્રાઈબ્રાન્ચની ટીમ ઘરની ઓળખ કેવી રીતે કરશે? પરંતુ અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે એક પોલીસકર્મીએ સાદા કપડાંમાં અમારો પીછો કર્યો હતો. જેથી અમે કયા ઘરમાં છીએ તેની તેમને જાણ રહે. છતાં ક્રાઈમબ્રાન્ચની ટીમને મહિલાનું ઘર શોધવામાં તકલીફ પડી. કેમકે ચાલીમાં ઘરના દરવાજા ખૂબજ પાસે-પાસે હતા. ટીમ બાજુના ઘરમાં જતી રહી. મહિલા જે ચાલીમાં રહેતી હતી ત્યાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી. સુરક્ષા માટે ક્રાઈમબ્રાન્ચ મોટી ટીમ સાથે ત્યાં પહોંચી હતી. આટલી પોલીસને જોઈને ચાલીમાં દોડાદોડ થઈ ગઈ. જોકે પોલીસની ટીમે ઝડપથી ઘર શોધી લીધું. તે પછી ક્રાઈમબ્રાન્ચની ટીમે મહિલાની ધરપકડ કરી. અમારા પર હુમલો ન થાય તે માટે અમને સુરક્ષિત રીતે તે ચાલીમાંથી બહાર લવાયા. ભગવાનની દયાથી ઓપરેશન સફળ રહ્યું. બાળકને હોસ્પિટલ ખસેડાયું. ક્રાઈમબ્રાન્ચની ઓફિસે અમારા સ્ટેટમેન્ટ નોંધાયાં. અમારું કામ પુરું થયું હતું પછી જ્યારે અમે બહાર નીકળી રહ્યાં હતા ત્યારે પેલી મહિલા અમને સામે મળી. અમને જોઈને તેણે ત્યાં હાજર અધિકારીઓને વિનંતીના સૂરમાં કહ્યું, "સાહેબ, આ લોકોને છોડી દો. એમાં એમનો કંઈ વાંક નથી. તેમણે કંઈજ કર્યું નથી." પેલા અધિકારીએ અમારી સામે જોયું. અમે ચૂપ રહ્યા. તેઓ મહિલાને લઈને ત્યાંથી નીકળી ગયા. થોડીવાર માટે મને હસવું આવ્યું. મારા નકલી પતિ બનેલા કેમેરામેને કહ્યું,"હવે એક્ટિંગ ક્ષેત્રે પણ આપણે ચાલી જઈએ હોં...પેલી મહિલાને હજુ સુધી એમ છે કે, આપણે ખરેખર બાળક ખરીદવા આવેલા..." અમે બંને હસી પડ્યા. બહાર નીકળ્યા ત્યારે મને એક અનોખો આનંદ અનુભવાઈ રહ્યો હતો. ચેનલની ટીમ અને ક્રાઈમબ્રાન્ચે મળીને અત્યંત પ્રશંશનીય કામગીરી કરી હતી. આ આખું ઓપરેશન ટીમના પ્રયાસથી સફળ થયું અને એ ટીમનો હું એક હિસ્સો હતી. આજે પણ આ સ્ટોરી મને પ્રેરણા આપે છે. નેગેટિવ સમાચારોની વચ્ચે મને જે પોઝિટિવ અનુભવ મળ્યો તે મારી માણસાઈને જીવંત રાખે છે. ક્રાઈમબ્રાન્ચે કેસમાં તપાસ કરીને બાળકને થોડા સમય પછી તેની માતાને પહોંચાડ્યું. માતાને તેનું બાળક પાછું મળ્યું તેનો આનંદ આજે પણ અનુભવાય છે.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ