વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચહેરો

*ચહેરો*
"બેટા ધર્મેશ, ફક્ત ચહેરો જોઈને જીવનસાથી પસંદ ન કરાય. ચહેરાની સાથે સાથે સંસ્કાર, સ્વભાવ ,ખાનદાન એ બધું પણ જોવું પડે.ધોળો કોથળો જો કાળી મેશથી ભરેલો હોય અને એમાં હાથ નાંખવાથી આપણા હાથે ફક્ત મેશજ લાગવાની હોય તો બહારથી ધોળો દેખાતો  એ કોથળો શું કામનો? જીવનસંગીની તો એવી  હોવી જોઈએ જે આપણા દુ:ખે દુ:ખી અને આપણા સુખે સુખી થાય. ઘરના વડીલોને માન સન્માન આપે અને નાના ને પ્રેમ." ઉર્મિલા એના ઉંમરલાયક થયેલા દિકરાને સમજાવી રહી હતી.પરંતુ ધર્મેશ ઉર્મિલાની એક પણ વાત સમજવા તૈયાર નહોતો.એણે તરતજ ઉર્મિલાને વળતો જવાબ આપી દીધો." જો મમ્મી તું મને ગમે એટલું સમજાવ, મારે તો મારા જેવીજ ,મારી જોડીમાં શોભે એવી ગોરી અને સુંદર છોકરીજ જીવનસાથી તરીકે જોઈએ છે.હું આટલો ભણેલો છું,મારો આટલો ઊંચો પગાર છે. અને હું પોતે પણ આટલો ગુડલુકીંગ છું.મારે મોટા મોટા લોકો સાથે ઊઠવા બેસવાનું થાય છે.વારે ઘડીએ મારે બિઝનેસ પાર્ટીઓમાં જવું પડે છે,ત્યારે મને મારી બાજુમાં શોભે એવી પત્ની જોઈએ છે.અને તું જે શ્યામાની વાત કરે છે એ મને જરા પણ નથી ગમતી.ભલે ચહેરે મ્હોરે એ નમણી છે,મારા જેટલીજ ભણેલી છે અને સ્માર્ટ પણ છે પરંતુ એનો રંગ કાળો છે.એકવાર ઓછું ભણેલી હશે તો ચાલશે. પરંતુ મને તો ગોરીજ છોકરી જોઈએ."  "અરે પણ ધર્મેશ, શ્યામાનું ઘર ,એના માતા પિતા ખાનદાની.........!" " બસ મમ્મી, હવે મારે તારા આ જૂનવાણી વિચારો નથી સાંભળવા.તું મારા માટે મને ગમે એવી છોકરી શોધી શકતી હોય તો શોધ ,નહીંતર હું મારી મેળે શોધી લઈશ." કહીને ધર્મેશે પોતાનો આખરી નિર્ણય ઉર્મિલાને જણાવી દીધો.
         આખરે ધર્મેશની ગોરી પત્નીની જીદની સામે ઉર્મિલાએ નમતું જોખી દીધું અને શહેરના પ્રખ્યાત બિઝનેસમેન ચંદુલાલ નાણાવટીની રંગે રૂપે એકદમ સુંદર, દેખાવડી અને અનેક બ્યુટી કૉનટેસ્ટો જીતેલી એવી દિપાલીને ધર્મેશ માટે પસંદ કરી.ધર્મેશ તો દિપાલીને જીવનસાથી તરીકે મેળવીને જાણે સાતમાં આસમાને વિહરવા લાગ્યો.ધર્મેશને પોતાની પત્ની સુંદર હોવાનું અભિમાન હતું અને એટલેજ એ પોતાની દરેક બિઝનેસ પાર્ટીઓમાં દિપાલીને અચૂક લઈ જતો.સામે છેડે દિપાલી ધર્મેશથી ઓછું ભણેલી હતી.પરંતુ એને પણ પોતાના રૂપનું ખૂબજ અભિમાન હતું.જે ઉર્મિલાની અનુભવી આંખોએ તરતજ અનુભવ્યું.લગ્નના બીજાજ દિવસથી દિપાલીએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.ઘરના કામની વાત તો દૂર રહી , એ પોતાના કામો  જેમકે પોતાનો બેડરૂમ  વ્યવસ્થિત રાખવો, પોતાના કપડાં, ચંપ્પલ, મોબાઈલ વગેરે એની જગ્યાએ રાખવા. જમીને પોતાની થાળી ઊપાડી સિંકમાં મૂકવી વગેરે જેવા કામો  પણ જાતે ન કરતી.ઘરની તમામ જવાબદારી ઉર્મિલાજ અદા કરતી. ઉર્મિલાએ દિપાલીને આડકતરી રીતે ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દિપાલી તરતજ કંઈને કંઈ બહાનું કાઢી ઉર્મિલાની વાતને આંખ આડા કાન કરી દેતી. ધર્મેશને કંઈપણ કહેવા જાય તો ધર્મેશ તરતજ  ઉર્મિલાને તોડી પાડતો. અને "મમ્મી તારી જૂનવાણી ઢબ આજની દિપાલી જેવી મોર્ડન છોકરીઓને ન ગમે." કહીને ઉર્મિલાને ચૂપ કરી દેતો.પરંતુ ઉર્મિલા બરાબર સમજી ગઈ હતી કે જો આ પતંગિયા જેવી દિપાલીને કાબૂ નહીં કરે તો એક દિવસ એ ધર્મેશને પણ વેચીને ચણા ખાઈ આવશે.એટલે ઉર્મિલાએ દિપાલીના પગ જમીન પર લાવવાનું અને ધર્મેશની આંખ ઉઘાડવાનું નક્કી કર્યું.એક દિવસ અચાનક સવારે ઊઠીને ઉર્મિલાએ ધર્મેશને કહ્યું કે, " જો બેટા ધર્મેશ,મારી તો હવે ઉંમર થઈ. મારે હવે પાછલી જીંદગી પ્રભુસ્મરણમાં વિતાવવી છે.તો તું મને આપણે ગામ મુકી જવાની સગવડ કરી દે.હું ત્યાં આપણા બંગલામાં એકલી રહીને પ્રભુસ્મરણ કરીશ." આ તો ભાવતું હતું ને વૈદે દીધું.એમ સમજીને દિપાલીએ તરતજ ધર્મેશને કહ્યું," ધર્મેશ તમે પણ બહુ સ્વાર્થી છો.મમ્મીને થોડી સ્વતંત્રતા આપો ક્યાં સુધી એ આમ તમારા કામો કર્યા કરશે? તમારા લીધે થઈને તો એ બિચારા આખો દિવસ ઘરમાં ને ઘરમાંજ હોય છે.મમ્મી કાલેજ તમને આપણી ગાડીમાં ગામ મૂકી જઈશું.તમતમારે આરામથી,આનંદથી ત્યાં રહો અને ભગવાનનું નામ લેજો." ઉર્મિલા દિપાલીના સ્વરને ઓળખી ગઈ કે' હાશ ડોશીથી છૂટકારો મળ્યો.'
          આ બાજુ ઉર્મિલા દેશમાં ગઈ અને દિપાલીને છૂટો દોર મળી ગયો.ઉર્મિલાની હાજરીને કારણે દિપાલી એના મિત્રોને ઘરે બોલાવી ને પાર્ટીઓ નહોતી કરી શકતી.વેળા ક વેળા ફરવા જવું. વગેરે જેવી છૂટછાટ લેવા એણે હવે કોઈને જણાવવાની કે પૂછવાની જરૂર નહોતી.ધર્મેશ તો આમ પણ આખો દિવસ ઓફીસમાં હોય એટલે દિપાલીને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ હતી.પરંતુ ઉર્મિલાના ગયા પછી ધર્મેશની તો જાણે દશા બેઠી.આમ પણ દિપાલીને ઘરના તો કોઈજ કામકાજ નહોતા આવડતા.ઉર્મિલાના દેશમાં ગયાના બીજાજ દિવસે સવારે ધર્મેશને નાસ્તો કર્યા વગરજ ઑફીસ જવું પડ્યું.કારણ દિપાલીને તો સવારે વહેલા ઊઠવાની ટેવજ નહોતી.ઑફીસ જતાં જતાં એ દિપાલીને કહેતો ગયો કે,"ટીફીનવાળો નવ વાગે આવશે તો જમવાનું બનાવીને મોકલી આપજે." પરંતુ દિપાલી જેનું નામ,સવારના ઊઠીને બૅડ ટી તો રોજ સાસુમા જ આપતા હતા.બૅડ ટી પીને પછી એને પોતાની બ્યુટી ટ્રીટમેન્ટો કરવા જોઈએ.જાતજાતના ક્રીમથી ચહેરા પર મસાજ કરવા,હાથના પગના નખ સાફ કરવા, વાળનું ધ્યાન રાખવા વિવિધ તેલોથી માથામાં મસાજ કરવું વગેરે વગેરે.એમાં એ ધર્મેશ માટે ટીફીન ક્યાંથી બનાવે!! એટલે  ધર્મેશે પણ લગભગ રોજ બહારથીજ ખાવાનું મંગાવવું પડતું.સાંજે ઑફીસેથી આવીને પણ એજ રામાયણ.ઘર જૂઓ તો અખાડો. છાપાંઓ, મેગેઝીનો, કપડાં,ચંપ્પલો,મોબાઈલ ચાર્જર, લૅપટોપ બધુંજ અસ્ત વ્યસ્ત પડ્યું હોય.રસોડામાં પણ એક પણ વસ્તુ એની જગ્યા પર ન મળે.અને રાત્રે જમવાના સમયે દિપાલી ધર્મેશને બહાર જમવા જવા ગમેતેમ કરીને મનાવી લે.ધર્મેશે ઘણા દિવસ દિપાલીનું આ વર્તન ચલાવ્યું.એમાં એક દિવસ ધર્મેશને એક બિઝનેસ પાર્ટીમાં જવાનું થયું.દર વખતની જેમ આ વખતે પણ દિપાલી પાર્ટીમાં જવા સરસ તૈયાર થઈ.પહેલા પણ દિપાલી જ્યારે જ્યારે તૈયાર થઈને ધર્મેશ સામે આવતી ત્યારે ધર્મેશ એને  અચુક એક ચુંબન આપતો અને પોતાની બાંહોંમાં લઈ ,''માઈ બ્યુટીફૂલ ડૉલ." કહીને ફરી એને ચુમી લેતો. પણ આજે ધર્મેશને આવું કરવાની ઈચ્છા ન થઈ.એણે દિપાલી સામે નજર પણ ન નાંખી અને ગાડીની ચાવી લઈને આગળ નીકળી ગયો.દિપાલી ધર્મેશના આ વર્તનથી થોડી નારાજ થઈ ગઈ.
      યોગાનુયોગ આજની પાર્ટીમાં શ્યામા પણ આવી હતી.પાર્ટી હૉલમાં પ્રવેશતાંજ ધર્મેશની નજર અનાયાસેજ શ્યામા પર પડી.અને શ્યામાને જોતાંજ એ અચંબામાં પડી ગયો.કોણજાણે કેમ પણ આજે શ્યામા પાર્ટીમાં હાજર બધી માનુનીઓથી અને દિપાલીથી પણ અલગ તરી આવતી હતી.કાળા રંગના પાર્ટી આઉટફીટમાં શ્યામા ખરેખર આકર્ષક દેખાતી હતી.એમાં પણ એણે છુટ્ટા રાખેલા એના લાંબા,કાળા ભમ્મર,સ્ટ્રેઈટનિંગ કરેલા  વાળ એની સુંદરતાને ઔર નિખારતા હતા.લંબગોળ ચહેરા પર એની મારકણી આંખો અને મરુન રંગની લિપ્સ્ટીકથી રંગેલા એના ઉભરેલા માદક હોઠ......!!" આહ્" ધર્મેશથી એક શિશકારો નીકળી ગયો.એમાં પણ શ્યામાએ જયારે સ્ટેજ પર જઈને માઈકમાં પોતાની કંપનીનું જે રીતે પ્રેઝન્ટેશન આપ્યું, એ જોઈને પાર્ટીમાં હાજર બીજી કંપનીના ડાયરેકટરો અને બીજા સ્ટાફ મેમ્બરો પણ ખૂબ પ્રભાવિત થઈ ગયા.અને બધાએ શ્યામાને તાળીઓથી વધાવી લીધી.આજની પાર્ટીમાં ચારેબાજુ ફક્ત શ્યામાજ છવાયેલી હતી.ધર્મેશનાએક મિત્રએ તો કહ્યું પણ ખરું કે ," શ્યામા તો ખરેખર બ્યુટી વીથ બ્રેઈન છે. આવી લાઈફ પાર્ટનર જો હોય ને તો સોસાયટી અને સમાજમાં વટ પડે હં કે.શ્યામા સાથે પરણનાર ખરેખર લકીજ હશે." એના મિત્રની વાત સાંભળીને ધર્મેશથી એક નિ:સાસો નંખાઈ ગયો.અને મનમાં બોલ્યો ,' કાશ તે દિવસે મમ્મીની વાત મેં માની લીધી હોત.' ત્યાં તો દિપાલીએ ધર્મેશનો હાથ પકડી હલાવ્યો અને બોલી, " ધર્મેશ....! ક્યાં ખોવાઈ ગયો?ચલને આપણે ઘરે જઈએ. હું બૉર થાઉં છું આજે." કારણ આમ પણ આજે  પાર્ટીમાં બધાની નજર ફક્ત શ્યામા પર હતી,જે દર વખતે દિપાલી પર રહેતી. પરંતુ આજે તો પાર્ટીમાં દિપાલી તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. જેનાથી દિપાલી પણ થોડી અપસૅટ હતી. ઘરે આવીને પણ ધર્મેશને સતત શ્યામાનાજ વિચારો આવતા હતા. શ્યામા ધર્મેશની માસીની  પડોશમાં રહેતી હતી.નાનપણમાં એ ઘણીવાર માસીના ઘરે રોકાવા જતો.ત્યારે આ શ્યામા પણ માસીના ઘરે આવતી જતી. માસી વિધવા હતા અને છૈયાં છોકરાં હતા નહીં. એકલાજ રહેતા હતા.એટલે શ્યામા અને એના માતા પિતા માસીની ઘણી મદદ કરતાં.એમાં પણ શ્યામા માસીને ઘરના દરેક નાના મોટા કામમાં મદદ કરતી.મોટા થયા પછી પણ ધર્મેશ અવારનવાર માસીના ઘરે જતો.માસીના ઘરે એણે ઘણીવાર શ્યામાના હાથની બનાવેલી વાનગીઓ ઘણા ચાવથી આરોગી હતી.શ્યામા જેટલી ઘરકામમાં હોંશિયાર હતી એટલીજ ભણવામાં પણ હોંશિયાર હતી. પરંતુ શ્યામાના ભીનાવાનને કારણે ધર્મેશે હંમેશા શ્યામાના આ બધા ગુણોની અવગણનાજ કરી હતી.
        આજે એને એની ભૂલ સમજાઈ ગઈ.ધર્મેશને ઉર્મિલાના શબ્દો યાદ આવી ગયા કે 'ફક્ત ચહેરો જોઈને જીવનસાથીની પસંદગી ન કરાય.ચહેરાની સાથે સંસ્કાર અને સ્વભાવ પણ ખૂબજ મહત્વના છે.' ધર્મેશને શ્યામા યાદ આવી ગઈ.પણ હવે શું થાય? આખરે ધર્મેશે દેશમાં જઈ માના પગે પડી માફી માંગી.અને ઉર્મિલાને કહ્યું, " મા તું સાચી હતી.ગોરા રંગની લાલચમાં મેં ખરેખર મેશના કોથળામાંજ હાથ નાંખ્યો છે.તું ઘરે પાછી ચાલ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું તારી અને દિપાલીની વચમાં નહીં આવું. તું એને ઘરના કામકાજ શીખવાડીને તારા અને શ્યામા જેવી બનાવી દે." અને ઉર્મિલા હસી પડી અને બોલી," દીકરા ચહેરો તો આત્માનું ઉપરનું આવરણ છે.વ્યક્તિને ઓળખવા વ્યક્તિના અંતરમાં ઊતરવું જરૂરી છે. ચાલ તું ચિંતા ન કર.હું તારી ધોળી દિપાલીને મારી શ્યામા જરૂર બનાવી દઈશ."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ