વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી નજર બદલાઈ

" મારી નજર બદલાઈ "


     " આ બસ રાધનપુર જાય..? " 


   એક મહિલાનાં જાણીતા સ્વરે મને એ તરફ નજર નાખવા મજબૂર કર્યો. હું બસમાં હંમેશાં બારીએ બેસું છું. લોકો સાથે વાતો કરવાનું ટાળુ છું. લગભગ તો હાથમાં પુસ્તક હોય જ...મને મુસાફરીમાં વાત કરવી નથી ગમતી.


    લીલી બાધણી પહેરેલી સ્ત્રી બસમાં ચઢી.એનો ચહેરો જોઈ હું વિચારમાં પડી ગયો...


   " નક્કી છે તો પ્રેમલી જ...પણ મોઢું વધારે ધોળું લાગે છે.." હું મનોમન ચિંતન કરવા લાગ્યો.


   એ આરામથી મારી આગળની સીટ પર બેઠી.એણે એકવાર પાછળ વળીને જોયું. મારા મોઢે માસ્ક બાધ્યો હતો એટલે એ મને ઓળખી ન શકી પણ,એને  મારી અંદર પરિચીતપણુ જરૂર લાગ્યું હશે..! હું તો એને હવે બરાબર ઓળખી ગયો હતો. એ પ્રેમલી જ હતી.


  બસ આગળ ચાલી ને હું એની પીઠ,ચોટેલા તરફ તાકી રહ્યો.


  પ્રેમલી મારા ગામની વહુ હતી. આમ તો એ એક જ પુરુષની પત્ની હતી પણ, એનાં પતિ તરીકે મારા તમામ મિત્રોએ ભૂમિકા ભજવી હતી.


    પ્રેમલી પ્રત્યે હું હંમેશા તિરસ્કારની નજરે જોતો. પ્રેમલી હવસખોર હતી. પોતાનો પતિ હટ્ટોકટ્ટો અને મજબૂત હોવા છતાં એ હંમેશા ગામનાં જુવાન છોકરાઓ ફસાવતી.જરુરીયાતમંદ યુવાનોને પૈસા આપી બોલાવતી.એની જાતિય ભુખ સમજાય નહીં તેવી હતી. ગામના અસંખ્ય મિત્રોએ આ વહેતી ગંગામાં હાથ ધોયા હતાં.


   આ બધું બન્યું ત્યારે હું બહાર હતો. અવારનવાર ગામ આવતો ત્યારે પ્રેમલીના પરાક્રમ મિત્રો પાસે સાભળતો.મને તિરસ્કાર છુટતો.કોઈ સ્ત્રી આટલી ખરાબ અને ચારિત્ર્યહીન કેવી રીતે હોઈ શકે..? 


    આખરે પાપ છાપરે ચઢી પોકાર્યુ.પ્રેમલીના પરાક્રમ વિશે એનાં પતિને જાણ થઈ.હાહાકાર મચી ગયો. એના પતિએ પ્રેમલીને લાકડી વડે ઢોરમાર માર્યો. ચોટલેથી ઢસડીને પાદર સુધી લઈ ગયો ને પિયર ભેગી કરી દીધી.સમાજના આગેવાનો મળ્યા. પ્રેમલીના છુટાછેડા થયાં. એનાં બેય બાળકો છોડીને પ્રેમલીએ લખણુ લીધું ને બીજે ઘઘરી ગઈ.


   આજે પાંચ વર્ષ પછી હું એને જોઈ રહ્યો હતો. એક જુવાન છોકરો એની બાજુમાં બેઠો હતો. એ કદાચ, એનાં બીજા પતિનો બાળક હશે.એ છોકરો ઉઠીને પાછળ બારીએ બેસવા ગયો. પ્રેમલી એકલી પડી.


    હવે મે મારો માસ્ક કાઢ્યો ને બારીએથી આવતી ખુલ્લી હવામાં ઉડા શ્વાસ ભર્યા.


   અચાનક પ્રેમલીની નજર મારા પર પડી.એ આછું મલકી.


   " ઓહ..તમે છો..? "


    એણે સામેથી મને બોલાવ્યો એટલે મે પણ એનાં ખબર અંતર પુછ્યા.


   " બીજા ઘરે શાંતિ છે ને.." મે પુછી લીધું.


   " હવ..જલસા છે.."


   " તમારા ઘરવાળાએ બીજે કરી લીધું.. "


   " ખબર પડી મને..એમણે ખોટી ઉતાવળ કરી.. હું એમનાં આખા ઘરનો ઢસરબોળો કરતી તી...માણહથી ભુલ તો થાય.."


   " હા..તમને ચોટલેથી ઘસડ્યા..એવું અપમાન ના કરાય ને...."


   " અરે..મને તો એવું કાય નથી.. ઘરવાળો મારે એમાં શું..? બીજા કોઈએ હાથ લગાડ્યો હોત તો ભોયભેગો કરી દઉં... એ બિચારો ખીજમા હતો એટલે બાકી માણહ હારો હતો હો.."


   મને નવાઈ લાગી. મને તો એમ હતું કે આને આ રીતે છુટાછેડા આપ્યા છે તો એ પોતાના પતિ વિરુદ્ધ કશુંક બોલશે.


    " ને સાચું કહું તમને....મને મારા છોકરા બહું સાભરે હો...ગમે તેમ તોય હું એમની સગી મા છું.. આગળીથી નખ વેગળા ઈ વેગળા.."


   મારા મગજમાં નવો જ પ્રકાશ પથરાતો હતો. જેને હું મનોમન ધૃણા કરતો હતો એ સ્ત્રીનું આ દર્શન મારી ભીતર ઉથલપાથલ મચાવી રહ્યું હતું.


     એણે ગામમાં સૌના ખબર અંતર પુછ્યા ને સૌને યાદ આપવાનું કહી એ પોતાનું સ્ટેશન આવતાં નીચે ઉતરી.


     પણ,હું હલી ગયો. સ્ત્રીના અંતરનો આ પણ એક ખુણો હોય છે. એની અંદર મમતાનો ઝરો કાયમ સજીવન હોય છે.


  સાચે જ સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી.. એવો નિશ્વાસ નાખી મે મારા હાથમાં રહેલ પુસ્તકની અંદર નજર નાખી પણ,મન લાગ્યું નહીં.


    જે સ્ત્રીની પાંચ વર્ષ સુધી મારા મગજમાં હું ખરાબ છાપ લઈ જીવતો હતો એ છાપ બદલાઈ હતી.. મારી નજર બદલાઈ હતી.


  કોઈનું મુલ્યાંકન એની સાથે બનેલી ઘટના પરથી નહીં કરુ એવાં સંકલ્પ સાથે હું બારીની બહાર આવતી મુકત હવાને હરખભેર માણી રહ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ