વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નેનસી

 નેનસી / જગદીપ ઉપાધ્યાય

 

પણ નેનસીના વિચારો એના મનમાંથી ખસતા નહોતા!. ‘આવું શુ કરે છે બકા....?’  એમ નિર્દોષ હાસ્ય વેરતા બોલતી નેનસી તેની નજર સામે આવતી રહી! 

પોતે નોબેલ ઇન્ડસ્ટ્રી નથી છોડી દેતો એનું કારણ કદાચ નેનસી હોઇ શકે. એમ એણે ક્યારેય નથી કહ્યું  પણ પોતાના નોબેલ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરવાના આગ્રહને જોઇને પોતાને ત્યાં રહેવા દેવો કે કેમ? એ નક્કી કરવા બોસને મળવા આવેલા અનુમામા માને કહેતા હતા.!

ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવા છતા અત્યારે એ ત્રીજા વર્ષે વીશ હજારની સેલેરીએ પહોંચ્યો હતો પણ જોબ જોઇન્ટ કરી ત્યારે તો દસ હજારથી જ સેલેરી સ્ટાર્ટ થઇ હતી. તેને પોતાને પણ ત્રણ ચાર મહિના પછી થયેલું કે આ સેલેરી ઘણી ઓછી કહેવાય. તેણે બીજી જોબ માટે ટ્રાય કરતા રહેવું જોઇએ ને વળી અટકી ગયેલો. કારણમાં તો....  

તે એક્ટિવા લઇને જોબ પર આવતો હતો તો રસ્તામાં તેણે નેનસી અને મુન્નાને ઊભેલા જોયેલા. તે નજીક ગયો તો નેનસીનું મોપેડ બગડ્યું હતુ. નેનસી મુન્નાને કહેતી હતી, ‘ચાલ! આપણે મોપેડ કોઇ ઓટોગેરેજમાં રિપેરિંગ માટે મૂકી આવીએ ને પછી ઇન્ડસ્ટ્રી પર જઇએ.’

મુન્નો કહેતો હતો, ‘ નો નેનસી! બિલકુલ ટાઇમ થઇ ગયો છે. તું અહી કોઇ શોપ પાસે મોપેડ મૂકી દે ને મારા બાઇક પાછળ બેસી જા. પછી વળતા રિપેર કરવી લે જે!’

નેનસી કહેતી હતી, ‘એમાં થોડી વારમાં શુ લેઇટ થઇ જવાનું હતું?’

મુન્નો કહેતો હતો, ‘ના, હો... એક મિનિટ પણ બગાડવી પોસાય તેમ નથી! જલ્દી કર’

નેન્સી કહેતી હતી, ‘આવું શું કરે છે બકા...?’

અને તે બોલેલો, ‘ લો મેડમ! તમે મારું સ્કૂટર લઇને પહોંચી જાઓ. મને મોપેડ આપો. હું રિપેર કરાવીને આવું છું. તમે બોસને ‘ મારે જરા લેટ થશે તેમ કહી દેજો!’

નેનસીએ તેને મોપેડ આપેલું. તેને સ્મિત આપતી , ‘થેક્યું સો મચ!’ કહેતી નેનસી  તેનું સ્કૂટર લઇને ઊપડેલી.

નેનસી! બોબ્ડકટ વાળ, અણીદાર આયબ્રો વાળી ચમકતી આંખો, મધુર સ્માઇલથી મનને હરી લેતો સોહામણો ચહેરો, એક હાથ પર શોભતી લકી અને જિન્સ પર મુલાયમ ફેશનેબલ ટોપ પહેરેલી આધુનિક યુવતી! પોતે નોબેલ ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે દાખલ થયો ત્યારે સૌથી પહેલા એને નેનસી જ મળી હતી. હસી હસીને મુક્ત મને વાતો કરતી પોતાને કંપની વિષે માહિતી આપતી હતી. બહુ ગમતું હતુ તેની સાથે ડિસકસ કરવું! કામ પર ચડ્યા પછી પણ એક બે વાર તેને કશુંક પૂછવાને બહાને તેની પાસે જઇ આવેલો. એ જ હસીને ઉત્તર! તેને થયું કે આની કંપની મળી જાય તો શ્વાસો ખીલી જાય! પણ રિસેસ પડેલી  ને નેનસી પાસે એક યુવક આવેલો.  નેનસી તેની સાથે ઉમળકાથી વાતો કરતી ટિફિન શેર કરવા ચાલી ગયેલી.  એ યુવક એટલે પેલો  મુન્નો ઉર્ફે મોહિત સચદેવ.

એ એક્ટિવા હાંકે છે.  તેને બાઇકનો શોખ ખરો પણ પપ્પાની ગેરહાજરી એટલે એવી બધી સુવિધાનો આગ્રહ તો ક્યાંથી રખાય?  આમ પણ ધારો કે એની પાસે બાઇક હોત તો? તો પણ મુન્નાની સાઇડ કાપવી મુશ્કેલ હતી. એ ફટાફટ ટ્રાફિક વચ્ચે ગાડી ચલાવતો જેમ નેનસી સાથે ફટાફટ વાતો કરતો ને મશ્કરી મશ્કરીમાં તેને ટપલી મારી લેતો તેમ!

      તેણે મોડા પડવા બાબતે બોસને ઇન્ડસ્ટ્રીના મહિલા કર્મચારી સાથે માનવતા પૂર્ણ વ્યવહારનું કારણ દર્શાવેલું.  એ કારણ કંઇક ઠીક લગતા બોસે, ‘વેલ, ફ્રોમ નાવ ઓન, ડુ નોટ બી લેઇટ!’ એમ  ટકોર કરી વાત પૂરી કરેલી. આ બધું નેનસીએ  સાંભળેલું. જો કે એણે તો સહજ ભાવે નેનસીનું કામ કરેલું પણ  રિસેસ પડતા બનેલી ઘટનાથી તેનો ઇન્ડસ્ટ્રી છોડવાનો વિચાર મોળો પડી ગયેલો. રિસેસમાં નેનસી મોહિતને બદલે લંચમાં તેને સાથે લઇ ગયેલી એ પણ સામેના રેસ્ટોરાંમાં! તેણે કહેલું , ‘થેંક્યું, નેનસી મેડમ!’

તે બોલેલી, ‘ નો ‘મેડમ!’; ઓનલી નેનસી!’

તેની ભીતરનો છોડવો ફૂલ આપતો થઇ ગયેલો.  તે બોલેલો, ‘વેલક્મ નેનસી!’ પણ કોણ જાણે કેમ ભીતર ઉઠતા શબ્દો મુન્નાની જેમ ફટ દઇને એના હોઠોપર નહોતા આવી શક્તા. રખેને  નેનસીને કશુંક અજુગતું લાગે તો?  

નેનસીએ વેઈટરને  વધારાનો ઓર્ડર આપતા કહેલું,  ‘બે અમેરિકન નટ્સ આઇસ્ક્રિમ લાવતો!’

વેઇટરે કહેલું, ‘મેડમ! આજે અમેરિકન નટ્સ આઇસ્ક્રિમ ખલાસ છે.’

તે નિર્દોષ હાસ્ય વેરતા બોલેલી, ‘તો બાજુમાંથી મંગાવી આપ ને! આવું શું કરે છે બકા...?’

બસ, આમ બોલતાની સાથે જ વેઇટરે એ આઇસ્ક્રિમ લેવા એક માણસને  મોકલી દીધેલો. ઇન્ડસ્ટ્રીમાં કોઇને કોઇ સાથે કામ લેતી વેળા તે સ્નેહથી તકિયા-કલામ જેવું આ વાક્ય તો બોલતી જ ‘આવું શું કરે છે બકા...?’ ને લગભગ તેનું કામ ફટ દઇને થઇ જતું.  પોતાને એની આ અદા એટલી બધી તો ગમતી કે તે રાહ જોતો કે નેનસી ક્યારે કોઇને કહે, ‘આવું શું કરે છે બકા...?’ વસંત પૂર બહારમાં તો નહોતી ખીલી પણ દિવસો બહુ મજાના હતા.

મા વારેવારે કહેતી, ‘આટલા પગારમાં ક્યાં સુધી નોકરી કરવાની?  તારી સાથે મીના કમાય છે એટલે ઘર બરાબર ચાલે છે. પણ એ તો કાલ સાસરે જતી રહેવાની. વિભા હજુ ભણે છે અને તારા પણ મેરેજ થશે. બાળકો થશે. તારે એકલાએ ઘર ચલાવવું પડશે. એટલે જો કંપની આનાથી પગાર વધારવા માગતી જ ન હોય તો પછી કંપની બદલી નાખ!’

તે એક જ વાત કરતો, ‘મને  નોબેલ ઇન્ડસ્ટ્રીમાં ફાવી ગયું છે.’

એને રોજ નેનસી સાથે કેટલી વાતો કરવાનું મન થતું પણ કોણ જાણે કેમ એ બોલી જ નહોતો શક્તો. કમ્પૂટરપર વ્યસ્ત યુવક નેનસીને કાગળ ટાઇપ કરી દેવાની ના કહેતો  ને એ વારે વારે એને કહેતી, ‘આવું શું કરે છે, બકા...?’ આવું એકાદવાર એણે પોતાનેય કહ્યું હોત  તો? એનું આભ ક્ષિતિજની જેમ પોતના પર ઢળી ગયું તો? પણ ઢળવાનું તો બાજુએ રહ્યુ. કોઇને કોઇ વાદળું સબંધના સૂરજ આડે આવી જ જતું હતું!

વચ્ચે તો નેનસીની સગાઇ તેની જ કાસ્ટના કોઇ છોકરા સાથે થવાની વાતો ચાલતી હતી. જો કે નેનસીને પણ ભાઇ જોબ પર ચડે ત્યાં સુધી ઘરની જવાદારીઓ તો હતી જ. પણ સ્વાભાવિક છે કે કોઇ પણ મા પોતાની દીકરીને સારું ઠકાણું મળતું હોય તો થોડું વેઠી પણ લે!  તેના મનમાં જાગેલા શરણાઇના સૂર શમી જવાની તૈયારીમા હતા ને એકાઉટન્ટ અનુરાધામેડમ  વાતમાંથી વાત નીકળતા બોલેલા,  ‘આમ તો નક્કી જેવું જ હતું પણ  શી ખબર? નેનસી ના ગમ્યું કે પછી એ લોકોએ ના પાડી. એ વાત અટકી ગઇ!’ પોતે ભલે ફ્રેન્ડશીપની વાત કરતો હોય પણ એના મનના શમિયાણામાં આગ લાગતા અટકી ગયેલી એ વાત તો ચોક્કસ.

પેલા વાદળાઓ તો ચોમાસામાં ચડી આવતા પણ આ નેનસીગત વાદળાઓ તો ગમે ત્યારે ચડી આવતા!  એમાંય છેલ્લે કેટલાંક સમયથી તો સાવ અંધારું થઇ જતું હતું. આ ઓચિતાનું ચડી આવેલું વાદળું હતુ પોતાનો બોસ! એ પોતાને અને નેનસીને ઇન્ડસ્ટ્રીના વેઈટિંગ રૂમમાં ફુરસદના સમયમાં ખીલખીલાટ હસતા જોઇ ગયેલો ને કોણ જાણે કેમ? તે દિવસથી એ કાળું વાદળું થઇ ગયેલો.

પોતાનો બોસ નેનસીને વારે વારે પોતાની ઓફિસમાં બોલાવતો.  ક્યાય સુધી વાતો કરતો. તક મળે તો નેનસીની હાજરીમાં પોતાને આ તે સંભળાવી લેવાનું ચૂક્તો નહોતો. વચ્ચે તો એવું બનેલું કે પોતે બહારગામ ગયેલો ને સીધો રસ્તામાં આવતી ઇન્ડસ્ટ્રી પાસે ઊતરી ગયેલો ને કોઇ કારણસર નેનસી પણ મોપેડ લાવી  નહોતી. ઇન્ડસ્ટ્રીથી છૂટ્યા પછી બન્ને પીકઅપ સ્ટેન્ડ પાસે સિટીબસની રાહ જોતા ઊભા હતા. એવામાં બોસની કાર આવીને બરાબર નેનસીની પાસે ઊભી રહેલી અને તેણે નેનસીને કહેલું, ‘એમ કર નેનસી! તું એક કારમાં આવી જા. મારે તારા ઘર બાજુએ જ જવું છે. હું તને છોડી દઇશ’ અને નેનસી બેસી ગયેલી! એ તો ઠીક છે પણ બીજે દિવસે સાથે લંચ લેતા નેનસીએ પૂછેલું પણ નહીં કે ‘પછી તને ક્યારે વાહન મળેલું?’ બે અઢી વરસ થઇ ગયા, બસ આવા જ કારણો સબંધમાં પાછું અંતર પાડી દેતા હતા!  એક વાર પોતાને ભથ્થાઓ વગેરે મળીને રૂપિયા પાંચેક હજારનો વધારો આવેલો ને એ સમયે નેનસીને કંઇક તાત્કાલિક એટલી રકમની જરૂર હતી તે પોતે એને મદદ કરી શકેલો પણ ધારો કે  એથી વધુ રકમની જરૂર પડી હોય તો બોસ આપી શકે, પોતે થોડો આપી શકવાનો હતો?

અનુમામા પાંચ-છ મહિને એકાદ વાર મા પાસે પરિવારના ખબર અંતર પૂછવા આવે.  હમણા  અનુમામા ઘેર આવ્યા ત્યારે માએ ફરિયાદ કરેલી કે, ‘નોબેલ  કંપનીમાં ત્રણ વરસથી જાય છે. કંપની પગારમાં વીશ હજાર રૂપિયા આપે છે. બીજી કંપનીઓ વધુ પગારમાં બોલાવે છે પણ આ છોકરો નોબેલ ઇન્ડસ્ટ્રી છોડતો  જ નથી.’

મામાએ રસ્તો કાઢતા પોતાને કહેલું, ‘કાલે હું તારી સાથે ઇન્ડસ્ટ્રીપર આવું છું અને તારા બોસ સાથે પગાર વધારાની વાત કરી જોઉં છું. વધારી આપે તો વેલ એન્ડ ગુડ પણ ન માને તો બેટર છે કે તારે કંપની છોડી દેવી જ જોઇએ.’

અને મામા બીજે દિવસે પોતાની સાથે  બોસ પાસે આવેલા અને તેમણે બોસને ‘ આ અમારો ભાણે જ આપને ત્યાં ત્રણ વર્ષ જેટલા સમયથી કામ કરે છે. તેનો પગાર વધારી આપો તો જ એને પોસાય. અન્યથા એને અન્ય વિકલ્પ વિચારવો રહ્યો.’ એમ સ્પષ્ટ કહેલું. બોસ તો તેના માર્ગમાંથી પોતાને ખસેડવા જ માગતો હતો. તેણે રોકડું પરખાવેલું, ‘કંપની બદલવી  હોય તો એ બદલી શકે છે પણ પગાર વધારી શય તેમ નથી!’ અને મામા પોતાને એ જ પળે સાથે લઇને ચાલતા થયેલા. ત્યારે પોતે હવે ફરી મળાશે કે કેમ એવી આશંકાથી  નેનસી સાથે જે ઉર્મિસભર વાત કરતો હતો તેના પર બીજા કર્મચારીઓ જોડે વાત કરતા મામાનું આડકતરું ધ્યાન હતું.

નોબેલ ઇન્ડ્રસ્ટ્રી છોડી દીધી પણ નેનસીના સ્મરણો  ઓછા છૂટવાના હતા! નોબેલ ઇન્ડ્રસ્ટ્રી પર નેનસીને મળવા જવું કે કેમ? અને જવું તો શું વાતો કરવી? એની વિમાસણ થતી હતી. જોબ પર જતા રસ્તામાં  જે વળાંકે નેનસી પોતાની સાથે થતી, એ વળાંકે જઇને એ કોઇ ને કોઇ બહાને ઊભો રહેતો. એમ પણ નેનસીને મળી લેવાય તો!  નેનસી તો ન મળેલી પણ ત્રણ-ચાર દિવસ પછી મુન્નો મળેલો.  તેને પોતે બમણા પગારથી એક્યુરેટ કંપનીમાં ગોઠવાઇ ગયો હોવાનું જણાવેલું અને ઇન્ડ્રસ્ટ્રીમા નેનસી અને બધાને યાદી પાઠવેલી.

આવતી કાલે  એને એક્યુરેટ કંપનીમાં હાજર થવાનું હતું. નેનસી સાથે આમ તો એવો કોઇ  નાતો ન હતો પણ કોણ જાણે કેમ રાત્રે મોડે સુધી એને નેનસીના વિચારો આવ્યા કરેલા. એમાંય નેનસીને પોતાના હોદ્દાથી વશ કરી તેની સાથે કુચેષ્ઠાઓ કરતો બોસ તેની આંખ સામે આવી જતા તે વિહવળ થઇ ગયેલો.

એ એક્યુરેટ કંપનીમાં હાજર થયો. અનુભવી હતો એટલે  કામપર ગોઠવાઇ જતા તેને વાર ન લાગી પણ નેનસીના વિચારો એના મનમાંથી ખસતા નહોતા!. ‘આવું શુ કરે છે બકા....?.  એમ નિર્દોષ હાસ્ય વેરતા બોલતી નેનસી તેની નજર સામે આવતી રહી! 

રિસેસ પડી. એ પોતાનું ટિફિન લઇને  બહાર નીકળ્યો ને તેની આંખો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ. સામેની લોબીમાંથી પોતાની સામે હાથ હલાવતી ને એ જ સ્માઇલ વેરતી નેનસી આવતી હતી. નેનસી મળી અને અગાઉ પહેલીવાર લઇ ગઇ હતી એમ જ તે આજે  પોતાને નજીકના રેસ્ટોરાંમાં લંચ માટે લઇ ગઇ. તેણે લંચ લેતા નેનસીને ‘સોરી’ બોલતા કહ્યું, ‘ મારી કૌટુંબિક પરિસ્થિતિ એવી હતી કે વધુ સેલેરી માટે મારે આ નવી જોબ સ્વીકારવી પડી પણ બાય ગોડ! નેનસી! હું તારા માટે થઇને નોબેલ ઇન્ડસ્ટ્રી છોડતો  નહોતો!’

ને નેનસીએ જે જવાબ આપ્યો એ સાંભળીને એ દંગ રહી ગયો. નેનસી બોલી, ‘તારે તો તારી બહેન મીનાનો સપોર્ટ છે પણ મારે તો એકલીને કુટુંબની જવાબદારી ઉપાડવાની છે.  એટલે મારે તો તારા કરતા પણ જોબ બદલવાની વધારે જરૂર હતી પણ હું પણ તારે કારણે જોબ બદલતી નહોતી. તું તો જાણે છે બોસની કનડગત! એવા સ્થળે એક દિવસ પણ ન રહું પણ એ બધું હું તારે માટે થઇને સહન કરતી હતી.’

વાદળો અદૃશ્ય થઇ ગયા હતા અને જેની પોતે રાહ જોતો હતો એ વસંત  હવે પૂરબહારમાં  ખીલી હતી. બન્ને રેસ્ટોરાની બહાર નીકળ્યા. એના આશ્ચર્ય વચ્ચે નગરનો વિસ્તાર હોવા છતા રસ્તા પરના કોઇ વૃક્ષ પર કોયલ બોલતી હતી. નેનસીએ એ વિસ્તારમાં કંપનીથી ઓપોઝીટ બાજુએ આવેલી બિલકુલ સામે દેખાતી મેરેજ રજીસ્ટ્રારની ઓફિસ બતાવી કહ્યું, ચાલ! આપણે મેરેજ રજીસ્ટારની ઓફિસમાંથી મેરેજ રજીસ્ટ્રેશનનું ફોર્મ લેતા જઇએ,’

ડાળો આટલા બધા ફૂલોથી છલકાઇ જશે એવી પોતાને તો કલ્પના પણ નહોતી! એકાએક શું નિર્ણય લેવો તે ન સૂઝતા તે રસ્તો કાઢતા બોલ્યો, ‘રિસેસ હમણા પૂરી થઇ જશે ને ફોર્મ લેવા જતા કદાચ લેઈટ થવાય. આમ જોબની શરૂઆતમાં જ લેટ પડીએ એ સારું નહી. પછી વાત.’

નેનસી ગરમાળા જેવું વરસતા એ જ નિર્દોષ હાસ્ય વેરતા બોલી, ‘હજુ તો રિસેસ પૂરી થવાને વીશ મિનિટની વાર છે. નહીં  વાર લાગે. ચાલને, આવું શું કરે છે બકા....?!’  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ