વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ શું કરે છે બકા.

આવું શું કરે છે બકા.

-------------------------.


  સતીશને નવાઈ લાગી કે,ઘનશ્યામ આવતીકાલે અહીં વડોદરામાં અને મારે ઘેર નહીં ?.ત્યાં ફરી તેનો અવાજ સંભળાયો. 


  "હલ્લો સતીયા, સાંભળશ કે,"


  "સાંભળું છું સાંભળું છું બોલ ઘનિયા,"

અને બને મિત્રો સામસામે હસી પડ્યા.


  "ઘનશ્યામ, આ ઘનિયા 'ને સતીયા શબ્દો ઘણા વર્ષે સાંભળ્યા નહીં ! આવ આવ,ખૂબ મજા પડશે.ભાભીને મારી યાદી આપજે."


  "ઓકે સતીશ,આવતીકાલે સવારે અગિયાર વાગે વડોદરામાં હોટેલ શિરોમણીમાં ચોકસ હો"


  "હા હા,એતો ચોકસ ,અમે બને આવીશું પણ,મારે ઘેર આવો ત્યાંથી તું કહીશ તે હોટેલમાં લઈ જઈશ."


  "ઓહો તને કેટલીવાર સમજાવું, હોટેલથી આપણે તારે ઘેર જ જઈશું અને ખૂબ એન્જોય કરીશું.હું જામનગર બકુલીયાને ઘેર ગયેલો ત્યારે આમજ કર્યું હતું.બહાર હોટેલમાં મળ્યા અને બાદમાં ત્યાંથી તેને ઘેર.સાલ્લાએ ત્રણ દી રોક્યા."


  "તો તું મને પણ પ્રોમિસ આપ કે,મારે ઘેર પણ તમો બને ચાર દી રોકાશો.હું કાલથી જ મારી રજા મંજૂર કરાવી લઉં છું.ઓકે ?"


"એતો જેવી તારી મહેમાનગીરી."


"એલા...એ...તું મહેમાન નથી,આવવું હોય તો બેધડક આવજે પણ માનપાન બિલકુલ નહીં મળે."અને ફરી આ વાતથી બને મિત્રો કોલમાં ખડખડાટ હસી પડ્યા.


"ઓકે ઓકે,"કહી સતીશે કોલ કટ કર્યો.


  "કેમ આવતીકાલથી રજાનો રિપોર્ટ મુકવો છે ! કોઈ આવવાનું છે ?"મોહિની ચાના કપ સાથે ડ્રોઈંગરૂમમાં આવી.સતીશ તેને જોઈ રહ્યો.મોહિનીએ ચા ટીપોઈપર રાખી ત્યાં સતીશે તેને ખેંચીને બાજુમાં બેસાડી અને કહ્યું,"હા ડાર્લિંગ,આવતીકાલે મારો મિત્ર અને તેની પત્ની અહીં આવવાના છે."


  "વાહ તો તો મોજ પડી જશે તમને" મોહિનીએ હસીને કહ્યું.


  "અને તને પણ મોજ પડશે.એની પત્ની પણ તારાજેવી જ મળતાવળી અને મસ્તીખોર છે."


"એ લોકો અત્યારસુધી કેમ આપણે ઘેર નથી આવ્યા !"


  "અરે એ ઘનશ્યામ ! એની શું વાત કરું !"અને ચાનો કપ હોઠે લગાડી તેને કોલેજના દિવસો યાદ આવ્યા. ઘનશ્યામ તો હાઇસ્કુલ થી લઈને કોમર્સ ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધી સાથે ભણેલો.


  મારી જેમ તે પણ મિડલકલાસ ફેમિલીવાળો હતો.એવા જ બીજા મિત્રો,બકુલ,તરૂણ,રમેશ વિગેરે સાથે ઘર જેવા સંબંધો થઈ ગયેલા.પણ આ ઘનશ્યામ ! ! એ હમેશ મજાકમાં કહેતો.કોલેજ લાઈફમાં મજાક મશ્કરી સ્વભાવિક સમજો પણ,જ્યારે કોલેજ પુરી થયે સંસારમાં પગ મુકીશું ત્યારે ગંભીર થવું જ પડશે.


  અને હકીકતમાં એ ગંભીર થયેલો.મેં બેંકની નોકરી સ્વીકારેલી.એમ અન્ય મિત્રોએ પણ નોકરી અથવા બાપીકા ધંધામાં ઝંપલાવેલું.અમદાવાદથી મારે વડોદરામાં શિફ્ટ થવું પડ્યું.ધીમે ધીમે સૌનો સાથ છૂટતો ગયો.નવા નવા સંબંધો ઉમેરાતા ગયા.લાઈફ એક રૂટિન બની ગઈ.પરંતુ કોલેજના એ મિત્રો સાથે અવારનવાર મળવાનું થતું ત્યારે જાણે બાળપણ યાદ આવી જતું અને ધમાલ મસ્તી કરતા છુટા પડતા.પણ એમા ઘનશ્યામ બાકાત રહેતો.ક્યારેક ટેલિફોનિક વાત થતી.એ પણ છેલ્લા સાત આઠ વર્ષથી શક્ય નહોતું બન્યું.


  એણે આગાઉ ઘણીવાર મને અને મિત્રોને કહેલું કે,આપણને પંદરેક વર્ષમાં એવું આયોજન કરી કમાઈ લેવું અને ત્યારબાદ એન્જોય કરવા નીકળી પડવું.આખી જિંદગી ઢસરડા ન કરવા.કોઈ કોઈવાર પહેલા હું કોલ કરતો ત્યારે તેણે કહેલું કે,તેણે પપ્પાની અનાજ કરિયાણાની દુકાન સંભાળી લીધી છે.ત્યારે મને મનમાં થોડું દુઃખ થયેલું. મેં કહેલું મારા જેવું કોઈ કામ હોય તો બે ધડક કહેજે.પણ એ પછી કોઈ કોન્ટેકટ ન થયેલો.અને આજ આટલા વર્ષે એજ હાસ્ય અને મસ્તીખોર અવાજે મને ખુબ આનંદ આપ્યો હતો.હા એટલી ખબર હતી કે,તેણે કોલેજમાં ભણતી માલતી સાથે લગ્ન કરેલા.


  અમો ત્રણ ચાર મિત્રો લગ્નમાં પણ ગયેલા.સાદાઈથી લગ્ન થયેલા.ત્યારબાદ મળવાનું બંધ જ થઈ ગયેલું.મને યાદ છે માલતી પણ જાણે ઘનશ્યામ માટે જ સર્જાઈ હોય તેમ બને ખૂબ મસ્તીખોર. એ બંનેનો પ્રેમ પણ કોલેજમાં ખૂબ ચર્ચામાં રહેતો.એ બને દિવસ દરમ્યાન કોઈની મશ્કરી ન કરે તો જ નવાઈ.મીઠી મશ્કરીથી કોઈને માઠું પણ ન લાગતું.


  "આવું શું કરે છે બકા ?" એ શબ્દ માલતીનો જાણે તકિયાકલામ બની ગયેલો.અરે અમારો કોઈ મિત્ર કેન્ટીનમાં ન આવ્યો હોય ત્યારે ઘનશ્યામ એ કામ માલતીને સોંપતો કે,પકડી લાવ એ સાલ્લાને કે,માલતી તરત બહાર ભાગી એ મિત્રનો હાથ પકડી લાવતી અને "આવું શું કરે છે બકા ?" એમ લ્હેકાથી કહેતી ત્યારે સૌ મિત્રો ખડખડાટ હસી પડતા.પાછા બને સૌને મદદ કરવા તત્પર રહેતા.ભણવામાં પણ બને હોંશિયાર પણ અમો ચારેક મિત્રો જે એકદમ નજીક આવી ગયેલા એ કોઈ ઘરની  આર્થિક પરિસ્થિતીને લીધે આગળ નહોતા ભણી શક્યા. કિસમતે મને બેંકની નોકરી મળી ગયેલી.બકુલે જામનગરમાં નાના પાયે બ્રાસપાર્ટનો બિઝનેસ શરૂ કરેલો. મિત્રોમાં હું વેલસેટેડ ગણાતો.અમો ચારેય મિત્રો જિંદગીને સમજી શક્યા હતા અને અમારા પગ હમેશ ધરતીને અડીને રહેતા.


  મોહિનીએ પોતાની ચા પુરી કરી સતીશ સામે જોઈ તેની આંખો સામે ચપટી વગાડી કહ્યું,"એ...ય.ક્યાં ખોવાઈ ગયા ?"


  જાણે તંદ્રામાંથી જાગ્યો હોય તેમ સતીશે મોહિની સામે જોયું.અને નજીક ખેંચી ચુંબન ભરી કહ્યું,"એ મિત્રની વાત જ એવી છે કે.."અને સતીશે માલતી અને ઘનશ્યામની વાતો વિસ્તારથી કહી.ત્યારે માલતીને પણ આશ્ચર્ય થયું અને કહ્યું "તો તો તેઓને મળવાની ખૂબ મજા આવશે."પણ મોહિનીને ખ્યાલ નહોતો કે,ત્યાં મળતી વખતે કેવી બબાલ થવાની છે.


  રાત્રે ફરી સતીશે ઘનશ્યામને કોલ જોડ્યો.બને મિત્રોએ ખૂબ વાતો કરી.સતીશે જ્યારે એના જીવનની તરકી કેમ થઈ એ વાત જાણી તેને તેના પ્રત્યે માન ઉપજ્યું.ઘનશ્યામના કહેવા પ્રમાણે તેને કચવાતે મને કરિયાણાની દુકાન સંભાળેલી. આવી જિંદગીથી થોડો અવઢવમાં હતો.ત્યાં માલતીનો સાથ મળ્યો અને અમો બંનેએ એ રીત અપનાવી.મારા પપ્પા દુકાને બેસતા ત્યારે નફો પંદરહજારનો થતો.મેં અને માલતીએ મળીને ચાલીસહજાર સુધી નફો રડ્યો.માલતીનો મને ખુબ સાથ મળ્યો.તે ઘેર સૌને આનંદમાં રાખતી.કરકસર કરતી અને સૌ તરફથી ખૂબ પ્રેમ મેળવ્યો.થાક્યાભાંગ્યા અમો રાત્રે એકાંતમાં જ્યારે મળતા ત્યારે પ્રેમની સાથે હવે આગળ શું કરવું એવી ચર્ચાઓ કરતા.અને એમાંથી જ રસ્તો નીકળ્યો કે,આપણે દુકાનને ખૂબ આગળ વધારી હવે આનાથી આગળ વધે તો પણ પચાસહજાર જેટલી આવક થાય.અમે કંઈક નવું વિચાર્યું.


  એ દુકાન મેં એક મિત્રને સોંપી એ શરતે કે,તું દુકાન સંભાળ અને મને મહિને વિસહજાર આપી દેવાના. જેણે ઘરના સંજોગોને લીધે નવમા પછી ભણવાનું મૂકી કોઈ કરિયાણાની દુકાને નોકરી ચાલુ કરેલી એ તો રાજી થઈ ગયો.ત્રણ મહિના હું પણ તેની સાથે જ ત્યાં બેસતો.ત્યારબાદ મેં બીજા એરિયામાં દુકાન ખરીદી ત્યાં ચાલુ કર્યું.ત્યાં પણ બેએક વર્ષમાં જમાવ્યું અને નફો પચાસહજારે પહોંચાડી બીજાને પણ એવી રીતે દુકાન સોંપી દીધી.એવી રીતે મેં મારા નબળા મિત્રો કે, જેઓ અલગ અલગ જગ્યાએ કામ કરતા તેઓને પગભર કર્યા.


  એવીરીતે મેં અત્યાર સુધીમાં દસ દુકાનો ચાલુ કરી.અને એ દુકાનોમાં હું દરેક વસ્તુઓ હોલસેલ ભાવથી પણ થોડી ઓછી કિંમતે આપું છું.મેં એક ગોડાઉન ખરીદ્યું અને તેમાં માણસો રોકી અલગ અલગ શહેરોમાંથી હોલસેલમાં માલ મગાવું છું.મારી દુકાનોમાં અને બીજાઓને પણ માલ સપ્લાય કરું છું.અને હું પાછો નવરો 'ને નવરો.હા ,દરેક દુકાને એકાદો ચકર મારુ ખરો.થોડું ગાઇડન્સ આપું.ગોડાઉને થોડીવાર બેસું.જ્યાંથી પણ લોનો લીધેલી એ પણ નિયમિત હપ્તાઓ ભરી પુરી કરી દીધી.અત્યારે મારી માસિક આવક પાંચ છ લાખે પહોંચી ગઈ છે.અને હજુ આગળ હું અને માલતી વિચારીએ છીએ કે,હવે શું કરીએ ?.


  એની વાત સાંભળી હું પણ નવાઈ પામ્યો.પણ મનમાં ખાતરી હતી કે,એ સફળ થયો એનું કારણ એનો મોજીલો સ્વભાવ અને  રિસ્ક લેવાની હિંમત.સાથે માલતીનો સંગાથ.આવતીકાલે મળે ત્યારે એ પણ મજાકમાં પૂછીશ કે,માલતીએ કેવીરીતે સાથ આપ્યો.હું પણ મજાક કરીશ.શું મજાક મશ્કરી કરવી એ એ લોકોનો જ અધિકાર અને મોનોપોલી છે ? હું મનમાં આવા તરંગો ઉછાડતો હતો ત્યાં મોહિની નવરી થઈ બેડરૂમમાં આવી.


  "આપણે બને બહાર જઈ  નાસ્તા અને કંઈક ખરીદી આવીએ.એ લોકો બને અહીં રોકાશે તો."


  "એની તું ચિંતા ન કર મોહી...એ બને ફક્ત વાતોના વડા કરશે.ઔપચારિકતા તેઓને પસંદ નહીં આવે એવા છે.ઘણા વર્ષે એ ઘનિયો મળવા આવે છે."


  "પણ તમે એને ઘનીઓ ઘનીઓ ન કહેતા.હવે નાના થોડા છો.ખરાબ ન લાગે ?"


"અરે,એને કંઈ ખરાબ લાગે એવો નથી.મને તો તારી ચિંતા થાય છે કે,એ લોકો મશ્કરી કે,મજાક કરે તો તને માઠું ન લાગે."


  "મને કોઈ વાતે માઠું નહીં લાગે,એ તો ઠીક ,પણ..."


  "ઠીક છે ચાલ જઈ આવીએ શું શું લાવવું છે એનું લિસ્ટ લખ."


  "લખવાની કોઈ જરૂર નથી.મોઢે બધું યાદ છે.અને બીજું તો ત્યાં જે નવું નજરે પડે તે."


  ત્યાં સતીશના મોબાઇલની રિંગ વાગી,જોયું તો અખિલેશ.તેણે મોહિની સામે જોઈ કહ્યું,


  "તારા ભાઈનો કોલ છે કહી સતીશે કોલ ઓન કરી મોહિનીને આપ્યો.મોહિનીએ ધીમેથી કહ્યું,"તમે વાત તો કરો."કહી તેણે ભાઈને કહ્યું,


"જયશ્રી કૃષ્ણ,ભાઈ.ત્યાં બને હેરાન તો નથી કરતા 'ને ?"


"અરે ,મામાને હેરાન નહીં કરે તો કોને કરશે "


  સતીશ તેને વાતો કરતા જોઈ રહ્યો.મનમાં વિચાર્યું,હવે પંદરવીસ મિનિટ સાચી બને ભાઈબહેન વચ્ચે.બને બાળકો મામાને ઘેર ગયા છે.તેમના વગર સાલ્લુ ઘર સુનું સુનું લાગે છે.હજુ થોડીવાર પહેલા જ બને બાળકો સાથે વાતો કરી હતી.હવે તેઓ જમી પરવારી નવરા થઈ બંનેને મોહિની સાથે વાતો કરાવશે.હું ત્યાં સુધી તૈયાર થઈ જઉં તેમ વિચારી સતીશ ઉભો થવા જાય ત્યાં મોહિનીએ તેનો હાથ પકડ્યો અને ફોનમાં કહ્યું,"હા,લે તારા પપ્પા સાથે વાત કર."કહી તેણે સતીશને મોબાઈલ આપ્યો.સતીશે બને સાથે વાતો કરી અને તાકીદ કરી કે,મામા મામીને બહુ હેરાન ન કરતા કહી કોલ કટ કર્યો.


  બાજુમાં બેઠેલી મોહિનીને પાસે લઈ બાથમાં લઈ તેના હોઠ ચૂમી કહ્યું,"ક્યાંય નથી જવું.આજ ફરી સુહાગરાત મનાવીએ."

----------------------------


  શિરોમણી હોટેલ બહાર રાઈટ અગિયાર વાગે સતીશે પોતાની વેગનાર કાર પાર્ક કરી.એને એમ કે,ઘનશ્યામ ત્યાં રાહ જોતો બહાર ઉભો હશે.કોઈ દેખાયું નહીં.ત્યાંજ બાજુમાંથી એક સ્ત્રી આવી પહોંચી.સરસ સુંદર શરીર.આછા મરૂનકલરની ભરત ભરેલી સાડી.સહેજ માથે ઓઢેલું.કોઈ ખાનદાન ઘરની હોય તેવી દેખાતી તે સ્ત્રીએ સાડીનો છેડો માથાપર વધારે ખેંચી મોહિની તરફ તિરસ્કારની દૃષ્ટિએ જોઈ સતીશને કહ્યું,


  "મને મૂકીને હવે તું આ બીજીને લઈને  ફેરવસ ?.પણ મને એકવાર મળી જજે.રોજ મળતા હતા ત્યાં."..કહી તે ઝડપભેર ડાબીબાજુ વળી ચાલી ગઈ.સતીશને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ.તે ફક્ત ઝડપભેર જતી તે સ્ત્રીને જોઈ રહ્યો.તે દેખાતી બંધ થઈ કે,મોહિનીએ ક્રોધમાં કહ્યું,


  "પ્લીઝ સતીશ હવે આગળ તું કંઈ સફાઈ પેશ ન કરતો." કહી તે ગાડીનો દરવાજો ખોલી અંદર મોઢું ફેરવી બેસી ગઈ.સતીશે કારનો દરવાજો ખોલી કહ્યું,


"મોહિની....આ . .શું !મ.. મને ખરેખર ખબર નથી કે,એ ક. કોણ હતી."તેનો અવાજ થોથવાયો.તે પણ અંદર આવી બેઠો કે,મોહિનીએ રડતી આંખે કહ્યું,"મારે કંઈ નથી સાંભળવું.પ્લીઝ ઘેર ચાલો,અથવા હું રિક્ષાથી જાઉં છું.તમે એની પાસે જઈ આવો.હજુ બહુ દૂર નહીં ગઈ હોય."કહી મોહિની કારનો દરવાજો ખોલવા ગઈ કે,સતીશે તેનો હાથ પકડી ગુસ્સાથી કહ્યું,


  "આ શું તમાશો માંડ્યો છે ? તને મારીપર વિશ્વાસ નથી.કોઈ આમ કહી જાય 'ને તું માની લે ?."જવાબમાં મોહિની દુપટામાં મો છુપાવી રડી પડી.સતીશે તેના હાથપર હાથ રાખી પ્રેમથી કહ્યું,"હું તારા,આપણા બાળકોના સોગંદ ખાઈને કહું છું કે,એને હું ઓળખતો પણ નથી."


  "તમે નથી ઓળખતા તો એ તો તમને ઓળખે છે.તમારું નામ પણ લીધું અને તમે"....સતીશે કહ્યું,"મોહી...તને કેમ સમજાવું ? તું તું અહીં આપણે ઘનશ્યામને મળવા આવ્યા છીએ.તેઓને આપણે ઘેર લઈ જવાના છે અને તું ?"


  એ કંઈ આગળ કહેવા જાય ત્યાં દૂરથી જોયું તો ઘનશ્યામ આવતો દેખાયો.સાત આઠ વર્ષબાદ પણ તે એવોજ દેખાતો હતો.એ જોઈ સતીશે મોહિનીને કહ્યું,"આ આવે એ ઘનશ્યામ જ છે.પ્લીઝ હું તને હાથ જોડું છું.આંખો લૂછી નાખ અને અહીં કોઈ બખેડો નથી કરવો સમજી ?"કહી તે બહાર નીકળ્યો.


  મોહિની મનમાં સમસમી ગઈ.અનાયાસે તેનાથી પોતાના આંસુ લૂછાઈ ગયા.તેણે જોયું તો બને મિત્રો ભેટી પડ્યા હતા.સતીશે કારનો દરવાજો ખોલ્યો કે,ઘનશ્યામે નજીક આવી કહ્યું,"જયશ્રીકૃષ્ણ ભાભી,આવો આવો અંદર ચાલો."


  "જયશ્રીકૃષ્ણ"કહી મોહિનીએ સતીશ સામે જોઈ કારની બહાર નીકળી.ઘનશ્યામે સતીશના ખભાપર હાથ રાખી કહ્યું,ચાલ યાર."


"માલતીભાભી અંદર છે ?".


"હા,સતીયા,તને મોડું થયું કે,હું બહાર જોવા આવ્યો.તને ન જોત તો તરત કોલ કરતો."


  "એ..ય....ઘનિયા"કહી સતીશે તેને ધબો માર્યો.


  બંનેની વાતો સાંભળતી મોહિની કંઈક વ્યર્ગ દેખાતી ચાલતી હતી.તેણે ફરી પોતાના આંસુ લૂછયા અને મોઢું હસતું રાખવા પ્રયત્ન કર્યો.સૌ અંદર આવી પોતાની ટેબલો તરફ આવ્યા કે,માલતીએ ઉભા થઇ બંનેને આવકાર આપતા કહ્યું,


  "આવો આવો,સતીશભાઈ, આવો ભાભી આવો.જયશ્રીકૃષ્ણ." મોહિનીએ જોયું તો જીન્સ અને ટીશર્ટ પહેરેલી તે ઘણી સુંદર દેખાઈ. તેણે પણ પરાણે હસીને સામે જયશ્રીકૃષ્ણ કહ્યું.સૌ બેઠા કે,માલતીએ ઘનશ્યામ સામે જોયું.ઘનશ્યામે અંગૂઠો ઉંચો કરી થમ્સઅપની નિશાની કરી કે,માલતીએ બાજુમાં નીચે પડેલી બાસ્કેટમાંથી ઓઢણી કાઢી માથે ઓઢી કહ્યું,


  "મને મૂકીને તું આ બીજીને લઈને ફેરવસ, પણ મને એકવાર મળી જજે.રોજ મળતા હતા ત્યાં."


  બને ધબ થઈ ગયા.ઘનશ્યામ ખડખડાટ હસતો દેખાયો.મોહિનીએ આશ્ચર્યથી સતીશ સામે જોયું.સતીશ મનમાં બધું સમજી ગયો.તરત ઉભો થઈ માલતીનો ચોટલો પકડી કહ્યું,"તું હજુ એવી જ છો ! મેં તને ત્યાં ઓળખી જ નહીં."ત્યાં ઘનશ્યામે હસતા હસતા કહ્યું,


  "એ...ય...સતીયા ,આ કોલેજ નથી મુક મારી વાઇફને"


  સતીશે મોહિની સામે જોઇને કહ્યું,"હવે મારે કોઈ સફાઈ આપવાની જરૂર ખરી ?"


  માલતીએ પોતાનો ચોટલો છોડાવવા સતીશને કહ્યું,"છોડ 'ને,આવું શું કરે છે બકા."

--------------------------------------------------

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ