વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાવધાન

સાવધાન.

-------------


  દિવાળીનું પર્વ એટલે આનંદ ઉલ્લાસનું પર્વ.નાના બાળકોથી વડીલો આ પર્વ દરમિયાન કોઈ નવી ચેતના અનુભવતા હોય છે.તેમાંય બાળકો તો રોશનીના ઝગમગાટ અને ફટાકડાની આતશબાજી થકી ખૂબ મસ્ત બની કિલકીલાટ કરતા હોય છે.પણ જ્યારે જ્યારે આ પર્વ આવે છે ત્યારે મને મનમાં સતત ઉચાટ રહે છે.એનું કારણ છે એ દિવાળીના દિવસોનું દુઃખદ સંભારણું.


  આ વાત છે આજથી પંચાવન વર્ષ પહેલાની.ત્યારે મારી ઉંમર દસ બાર વર્ષની હશે.દિવાળીના પંદરેક દિવસ પહેલાથી જ અમો અમારી શેરીના ટાબરીયા ગેંગ ફટાકડા ફોડતા.ના ના,અમારા વડીલો ફટાકડા તો દિવાળીના બે ત્રણ દિવસ પહેલાજ લાવી આપતા.એ ફટાકડા વડીલો સાથે મળીને ફોડવાની તો ખૂબ મજા આવતી.પણ અમો તો ચાકી સળીયા વાળી ગોળીઓ ફોડતા.


  તે ટાઈમમાં દરેક છોકરાઓને વડીલો ચાર પાંચ રૂપિયાનો સલ્ફરિક પાવડર લાવી આપતા.જે વોરા બજારમાં વોરા લોકો વહેંચતા.જેને અમો બાળકો અમારી ભાષામાં ગનધ્રોફ કહેતા.એ પીળા કલરનો હોય.અમો બાળકો પાનની દુકાનેથી સિગારેટસના ખાલી ખોખા મફતમાં લાવતા અને એમાંથી નીકળતો ચાંદી જેવો કાગળનું રેપર ઉખાડી નાના નાના ટુકડા કરી તેમાં થોડો અડધી ચમચી કે,તેથી ઓછો ગનધ્રોફ ભરી દાળિયા કે,તેનાથી સહેજ મોટી ગોળીઓ બનાવતા.


  એ ગોળીઓ ખિસ્સામાં ભરી બહાર ઓટલે બેસી ફોડતા.જેનાથી ફોડતા તે મોટી સાણસી જેવું સાધન હોય જેને અમો ચાકી સળીયો કહેતા.એક છેડે લોખંડના પીસમાં સહેજ ખાડો હોય તેમાં ગોળી રાખી ઉપર આસ્તેથી તેમાં બંધબેસતો પીસ્ટન હોય તે ધીરેથી તેની ઉપર રાખતા. પીસ્ટન અને એ લોખંડની વાટકીને એક સળીયા વડે જોઈન્ટ કરેલો હોય.છેડેથી તેનો સળીયો પકડી ઓટલા ઉપર પછાડીએ એટલે ફૂટીને ફટાકડા જેવો અવાજ આવે.અને બાળકો આનંદની કીકીયારી પાડતા.


  મોટા દિવસોમાં સ્ત્રીઓ દેવમંદિરે જાય ત્યારે તેની સાથે બાળકો પણ ચાકી સળીયો સાથે લઈ જાય અને રસ્તામાં આવતા અલગ અલગ જગ્યાએ ઓટલા પર પછાડી અવાજ કરતા જાય.કોઈ કોઈ મારા જેવા તોફાની છોકરાઓ કોઈ બેઠું હોય તેની પાછળ જઈ પછાડે અને અવાજથી પેલો ગભરાઈ જાય. જોકે અમો કોઈ ઓળખીતાની પાછળ જ ફોડતા.પણ એ ગનધ્રોફ નામના પાવડરે કેવો ઉત્પાત મચાવ્યો કે,તે વખતના કલેકટરે એના પર પાબંદી લગાવી દીધી.


  હા હવે મૂળ વાતપર આવું છું.અમારી બાજુની શેરીમાં રહેતો જનાર્દન જેને અમો જનિયો કહેતા.એ પણ મને રાજીયો કહેતો.બાળકો તો એકબીજાને આવા નામથી બોલાવતા હોય.અને એ નામો સાંભળવાની તો મજા ઔર હતી જે અત્યારે માનથી બોલાવતા પણ નથી મળતી.અમારી શેરીના મારી ઉંમરના છોકરાઓએ જ્યારે એ ગોળીઓ ફોડવાની શરૂઆત કરી ત્યારે એ પણ ત્યાં આવતો.પણ થોડો ઉદાસ દેખાતો.જોકે અમને તો એ વાતની પાછળથી ખબર પડેલી.ત્યારે તો અમે રમવામાં અને એ ગોળીઓ ફોડવામાં મસ્ત રહેલા.અને એ જનાર્દને જે કર્યું એ કોઈપણ બાળક કરી શકે કારણકે,એના પરિણામની કોઈને ક્યાં ખબર હતી.


  જનાર્દન મારી સાથે મારી સ્કૂલમાં ભણતો.લગભગ પાંચમા ચોથા ધોરણમાં. અમો બધા બાળકો ગોળીઓ ફોડતા ત્યારે એ આવતો,જોઈને મજા લેતો.એના પપ્પાને તે રોજ પાવડર લાવવા કહેતો પણ એના પપ્પા કોઈ કામમાં બિઝી હશે એટલે કહેતા,બેટા આવતીકાલે ચોકસ લાવીશું.કમનસીબે એના પપ્પાને બીજે દિવસે પણ સમય ન મળ્યો.


  એના ઘરમાં દિવાળીનું સાફસફાઈનું કામ ચાલતું.જોકે એ વખતે સૌના ઘરમાં રંગ રોગાન કે,સફાઈનું કામ ચાલુ રહેતું. જનાર્દનની મોટીબહેન માળીયું સાફ કરવા ઉપર ચડી હશે અને ઉપરથી એક એક વસ્તુઓ નીચે તેની મમ્મીને આપતી હશે ત્યારે તેની નજરે એક પડીકું પડ્યું.અને તેણે મમ્મીને કહ્યું,"બા,આ જો,હું નહોતી કહેતી ? ગનધ્રોફ ક્યાંક પડ્યો 'તો.લે જનુને આપ".બિચારી એ બહેનડી ને ક્યાંથી ખબર હોય કે,,,


  એની બાએ બહાર રમતા જનાર્દનને "જ...નું..આ લે બેટા.... ગનધ્રોફ મળ્યો.સાંજે તારા પપ્પા બીજો પણ લાવશે."


  જનાર્દન તો ખુશ થતો બહાર ઓટલે આવ્યો.પડીકું ખોલી જોયું તો સલ્ફરિક પાવડરનો ગઠો જામી ગયેલો.આશરે લીંબુથી થોડોક મોટો હશે.તેણે ગોળીઓ ભરવા કાગળના ટુકડા કર્યા અને ખુશ થતા તૈયારી કરી.ગઠાને દબાવી ભૂકો કરવાની કોશિશ કરી.સફળ ન થયો.તેણે આજુબાજુ નજર કરી ત્યાં તેની નજર સફાઈ કરવા બહાર મુકેલ સામાનમાં ખાંડણી દસ્તાપર પડી.રાજી થતો તે ખાંડણી લઈ ઓટલાપર રાખી.અંદર ગનધ્રોફનો ગઠો રાખ્યો.ધીરે ધીરે દસ્તાથી એકબેવાર ઠપકારી જોયું.ત્યાં કંઇક મુકવા તેની બહેન બહાર આવી.


  વસ્તુ મૂકી વળતી વખતે કહ્યું,"જનું,હું હમણા પાછી આવીને તને ખાંડી દઉં છું ભઈલા."પણ જનીયાને ઉતાવળ હતી.તેણે જોરથી દસ્તો માર્યો કે,.........ઓહ.........ભયંકર ધડાકો.દસ્તો ક્યાંય ઉડીને પડ્યો.લોખંડની મજબૂત ખાંડણી ફાટી ગઈ.અને જનાર્દનની છાતીના લોચા બહાર નીકળી ગયા.આખી શેરીમાં ઘડાકો સંભળાયો.કોઈ મોટા વિસ્ફોટ જેવો અવાજ.અવાજ સાંભળી જનુની બા બહેન બહાર આવ્યા કે,દ્રશ્ય જોઈને જ બેભાન થઈ ગયા.


  બને શેરીના નાકાની વચ્ચે ટાઈપ રાઇટિંગ સ્કૂલ હતી.ત્યારે એસ.એસ.સી.માં એક વિષય ટાઇપનો રહેતો કે,રાખી શકાતો. મારો મોટોભાઈ એ ક્લાસમાં આગિયારથી બારના સમયે જતો.બાર વાગ્યા પછી આવનારો એ એ દિવસે સવા અગિયારે હાંફળો ફાફળો થઈ ઘેર આવ્યો.આવીને કહે,


  "બા,અવાજ સાંભળ્યો ? ઓલો..જનું." કહી તેણે મારી સામે જોયું.અને ઝડપથી મારી પાસે આવ્યો.મને કહે,"ગનધ્રોફની ગોળીઓ ક્યાં?."હું કંઈ સમજુ તે પહેલાં મારા ખિસ્સામાં હાથ નાખી બધી ગોળીઓ બહાર કાઢી ડેલી બહાર ઘા કરી,હું રડવા જેવો થઈ ગયો.ફરી તેણે મારી સામે ખૂનસથી જોયું અને પૂછ્યું."બીજો પાવડર ક્યાં રાખ્યો છે ?".હું કંઈ કહું ત્યાં મારી બાએ મોટાની આ હરકત જોઈ કહ્યું,"પણ થયું શું? કેમ નાનકાને હેરાન કરશ".


  તેણે બા સામે જોયું ફરી મારી સામે જોઈ કહ્યું," જા આંગણામાં રમ.જા જલ્દી,અને ડેલી બહાર ન નીકળતો સમજ્યો ?."


  હું ત્યારે તો તેના હાવભાવ જોઈ ડરી ગયો અને રોતલ મોં કરી બહાર નીકળ્યો.બા નો જોરથી અવાજ સંભળાયો."આ શું માંડ્યું છે ?".


   બસ,ત્યારબાદ બને કંઈક ધીમા અવાજે ગુસપુસ કરતા રહ્યા.સાંજ સુધી મને બહાર જવા ન દીધો.સાંજે જનુની સ્મશાનયાત્રામાં મારા બાપુ અને મારો ભાઈ ગયા પછી મારી બાએ મને નજીક બેસાડી પ્રેમથી બધું સમજાવ્યું.રાત્રે પણ મને વહેલો સુવડાવી દીધો.


  એ પીળા પાવડરને ખાંડવા જતા તો ધડાકો જ થાય.અત્યારે વિચારું છું કે,તે વખતે જનાર્દનના કુટુંબની કેવી હાલત થઈ હશે.અને તેને બીજે દિવસે કલેકટરે જાહેરનામું બહાર પાડી સલ્ફરિક પાવડરના વેચાણ કે,વપરાશપર પ્રતિબંધ લગાવ્યો.


  મિત્રો,કોઈના ઘેર ગયા વખતના ફટાકડા પડ્યા હોય તો પ્લીઝ ફેંકી દેજો.ક્યાંક કોઈ ફટાકડો આડો ફાટે કે,કોઈ જોખમ ઉભું કરે એ પહેલા ચકાસી યોગ્ય કરજો.સૌને આ દિવાળીપર્વના ખૂબ ખૂબ વધામણાં.ખુશ રહો,મોજેમોજ કરો પણ સાવધાન.

--------------------------------------------

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ