વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમુદ્રાન્તિકે: એક મનોમંથન

    ધ્રુવદાદાની રચનાઓની હું કાયમી પ્રશંસક રહી છું.  એમની વાર્તામાં ન તો કોઈ જાસૂસી ભરેલા રહસ્યો હોય છે કે,ન કોઈ કૌટુંબિક કલેશ કે, ન કોઈ એક વ્યક્તિની જીવ સટોસટની સંઘર્ષ ગાથા. છતાં પણ તેમને વાંચવા મન લલચાય. પ્રકૃતિના સૂક્ષ્મ રહસ્યોનો ભેદ છતો કરતી તેમની કથાનો પ્રવાહ એક વાર શરૂ થાય કે  અંત ક્યારે થયો એ તમને પણ ખબર ન પડે. અને થાય કે બસ આ પ્રવાહ અવિરત વહ્યા કરે ને એના પ્રવાહમાં તણાતા જ રહીએ. દરેક વાર્તામાં એક નાયક હોય અને એક નાયિકા હોય. પણ ધ્રુવદાદાના પુસ્તકો વાંચતા લાગે કે એમની વાર્તાના દરેક પુરુષ પાત્ર નાયક છે અને સ્ત્રીઓ નાયિકાઓ. દરેકનું આગવું લક્ષણ, આગવી પ્રતિભા. કોઇનું મૂલ્યાંકન તમે ઓછું ન આંકી શકો. આજે પણ એમની જ એક રચના સમુદ્રાંતિકે વિશે વાત કરવી છે. સમુદ્રાન્તિકે પણ એમની અન્ય રચનાની જેમ ભારોભાર પ્રકૃત્તિ પ્રેમથી ભરેલી, વિશાળ સમુદ્રકાંઠાના ઘરે બેઠાં જ દર્શન કરાવતી ઉત્કૃષ્ટ કૃતિ છે.

   

    સમુદ્રાન્તિકે એટલે મારા શબ્દોમાં કહું તો સમુદ્રમંથન જેમ મનનું મંથન, આપણા ચિતનું મંથન. જે આપણાં મનને વલોવીને સમગ્ર જીવજગત પ્રત્યે લાગણી અને પ્રેમરૂપી અમૃત પ્રદાન કરે છે. આ કૃતિને તેઓ કોઈ સાહિત્ય સ્વરૂપમાં સમાવતા નથી. આમાં તેમણે મોટાભાગના તેમના અનુભવો આલેખ્યા છે. ગુજરાતના સમુદ્રતટે પગપાળા કરેલો પ્રવાસ તેમની આ રચનાનો આધારસ્તંભ છે. વાંચવા બેસીએ તો માત્ર 150 પાનાંની આ લઘુનવલ છે. લગભગ 2.5/3 કલાક જેટલો સમય થાય. પણ એ બે-ત્રણ કલાકમાં એ તમને સમુદ્ર અને સમુદ્રતટનો એટલો સુંદર પ્રવાસ કરાવે કે જાણે તમે જ કોઈ બેટના નિવાસી હોય એવી લાગણી થઈ આવે. ભરતી સમયે તણાઈ આવતાં નાના મોટા જીવનો પરિચય કરાવે, અવધિમાં ઉઠતી દરેક લહેરનો પરીચય કરાવે. નુરભાઈ જેવાં સાચા પ્રકૃતિ પ્રેમીએ સમુદ્રકાંઠે વાવેલા કાંટાળા બાવળમાંય આહ્લાદક સૌંદર્ય બતાવે.  મોટા નિર્જીવ કાળા પથ્થરોમાં, નાના નાના જીવને શ્વશતા બતાવી એ પથ્થરોને પણ ધબકતા બતાવે. સમુદ્રમાં ઉઠતા તોફાન પણ બતાવે, અને એમાં ઉઠતી વિકરાળ લહેરો પણ બતાવે. ખારાપાટ વિસ્તારમાં ભરતી સમયે ખારા પાણી તળે ઢંકાઈ જતી અને ઓટ સમયે પાછી ખુલ્લી થઈ જતી , નાળિયેર જેવા મીઠા પાણીની વીરડીઓય બતાવે. જે ખરેખર કુદરતની કૃપા બતાવે છે. એક અફાટ, અમાપ ખારાશ ભરેલા દરિયાની વચ્ચે પણ એ આવી મીઠા જળની વીરડી બનાવી શકતો હોય તે આપણાં ખારાશ ભરેલા જીવનમાં ય જીવન ટકાવી રાખતી મીઠી વીરડીઓ આપવાનું ક્યાંથી ચૂકે! સમુદ્રકાંઠાંનો આટલો સૂક્ષ્મ પરિચય કદાચ તમે ફરવા જાઓ તો પણ ન કરી શકો.


વાર્તાની શરૂઆતમાં જ એક અજાણી સ્ત્રી નામ પૂછ્યા વગર જ પોતાને ઘેર જમાડે છે, અને એની બાળાને નાયક પૂછે છે "આ ડોલ લઉં?"

ત્યારે એ પણ એટલી જ સહજતાથી કહે છે,

"તે લૈ લે ને. આંય તને કોઈ ના નો પાડે."

ત્યારે લેખક એની અનુભૂતિમાં કહે છે કે એ તુંકારાથી ઘડીભર હું ઘોડિયાનું નાનું બાળક બની ગયો હોઉં અને એ બાળકી કોઈ જગદંબા હોય એવું લાગ્યું. જાણે કહેતી હોય આ જગત મારુ જ છે જે લેવું હોય તે લઈ લે. કોઈ ના પાડે. ત્યાં ખેતરના કૂવા કાંઠે શરૂ થતી વાર્તા સમુદ્ર તરફ દોરી જાય છે. તેના અન્ય પાત્રો એટલાં જ દિલચસ્પ છે. સબૂર, વાલબાઈ, સરવણ પગી, નુરમહમદ, કૃષ્ણા ટંડેલ અને તેની પત્નિ બેલી, હાદા ભટ્ટ, ઉમાગોરાણી, બંગાળી બાવો, અમાસની રાત્રે દરિયાનું સ્નાન ઈચ્છતી વૃદ્ધા, એકલિયા હનુમાનની જગ્યાએ રહેતી વિદેશી સાધ્વી, કબીરો (ઘોડો), દયારામ, શામજી મુખી અને કથાની નાયિકા અવલ.


આ રચના દરેક પ્રસંગ અને ઘટના એ ઘટનાઓ સંદર્ભે બોલાયેલા દરેક વાક્ય, અને વાક્યમાં લેખકનું મનોમંથન આપણી આરપાર ઊતરી જાતને ઢંઢોળી જ જાય..

બધા નહિ પણ અમુક પ્રસંગઅહીં  જરૂર ટાંકીશ.


વાર્તાના નાયકને પોતાની નોકરી અર્થે ખેરા, પટવા જેવાં વિસ્તારમાં આવવાનું થાય છે. એ વિસ્તાર જોતાં જ એને થઈ આવે છે કે આ ખારાપાટ, સૂકા મૌન ખડકો, અને સામે દેખાતા આ વિશાળ ખારા દરિયા વચ્ચે મારો સમય કેમ પસાર થશે.  આ સુવિધાવિહીન જગ્યા પર પોતે કેમ જીવશે. પણ ધીમે ધીમે બધાનો પરિચય થતાં એ સૂકા ખારાપાટ વિસ્તાર અને દરિયાકાંઠે વસતા એ માનવીઓ પ્રત્યે પણ એના મનમાં ભીનાશ તરવરી ઊઠે છે.


   અવલ વાર્તાની નાયિકા એકદમ ધીરગંભીર અને સમજુ સ્રી છે. પરિસ્થિતિ પ્રમાણે રહીએ સૌનો ખ્યાલ રાખતી નાયિકા ઉપરથી રુક્ષ દેખાય છે પણ અંદરથી કોમળ હ્રદય ધરાવતી સન્નારી છે. તેના માટે મારે જો કોઈ એક શબ્દ વાપરવો હોય તો હું "અન્નપુર્ણા" વાપરીશ. એ વાર્તા વાંચતાં સમજાય કે તે સાચે જ બધા માટે જરૂરિયાત સમયે અન્નપુર્ણાનું કાર્ય કરે છે. અનેક જગ્યાએ તે વાચકોનું મન હરી લેવામાં સફળ થાય છે. અડધી રાત્રે જયારે અમુક કિશોરો બાવળના લાકડા ચોરતા હોય ત્યારે નાયક ને જોઈ તે કિશોરો ભાગવા લાગે છે, ત્યારે અવલ તેમની ચોરીમાં સહાય કરે છે. એ શા માટે. એ માટે વાર્તા વાંચવી જરુરી છે. પણ એ કારણમાં પાપ પુણ્ય અને સાચા ખોટાની, ચોરી વગેરેની વ્યાખ્યાના નિયમો જડમૂળથી બદલાતા લાગે.

  


    સબૂરનું મેલુઘેલું પાત્ર પોતાનાં મરતાં બાપના એક વચન ખાતર વિશાળ ખડકાળ જમીનમાં પણ , આમ તો કહીશ ખડકોમાં જ ખેતી કરી બતાવે ત્યારે થઈ જાય કે વાહ.! આ ગાંડો ઘેલો માણસ આવુ ય વિચારી શકતો હશે.

   

    અમાસની રાતે મોટી ભરતી ચડે ત્યારે ગામમાંથી બધા લોકો સાથે એક અશકત, આંખે ઓછું ભળતી વૃદ્ધા પણ દરિયે સ્નાન કરવા આવે છે. જયારે તેનો દીકરો તેના માટે ડોલ ભરી લાવવાનું કહે છે, ત્યારે બહું સહજતાથી તે જવાબ આપે છે કે, "ડોલમાં દરિયો ન સમાય.અને ડોલમાં તો ક્યાં ઘરેય નહોતું નવાતું."  અને ભરતી ચડે ત્યારે તેના મોજાં સાથે હિલોળા લેતી તે વૃદ્ધા નાની બાળકી બની જાય છે. ત્યારે ખબર પડે કે તહેવારના બહાને એ તો એના દરિયાને, એના બાળપણને મળવા આવી હતી. પહેલી નજરે અંધશ્રદ્ધા લાગતી આ ઘટના તો તહેવાર પર માન ઉપજાવી દે છે.

    ખરેખર આ તહેવારો જ આપણી સ્મૃતિમાં સચવાય છે. એ માત્ર રિવાજો નહિ પણ મારા મતે જીવનને ધબકતું રાખવાની જીવન શૈલી છે. તેનાથી વિમુખ થયેલો માનવી મનોશાતા ગુમાવી બેસતો હોય તો નવાઈ નહિ.

    નૂરભાઈનો પક્ષી પ્રેમ જોઈ લેખક તેને પક્ષીવિદ સાથે સરખાવે છે, વળતી જ ક્ષણે વિચારે છે કે શું એ પક્ષીવિદોને પક્ષી પ્રત્યે આટલો પ્રેમ હશે! અને એ સાથે જ બાળપણમાં પોતે જોયેલા ગીધ પરનો પ્રયોગ આવે છે એના દ્વારા એ પક્ષી પર થતાં પ્રયોગો વિશે પણ ઉલ્લેખ કરવાનું ચૂક્યા નથી.

   બંગાળી બાવાનું પાત્ર તત્વમસિના ગંડુ ફકીર જેવું લાગે છે. પાગલ લાગતો, એકલો રહેતો, પ્રકૃત્તિ સાથે વાતો કરતો આ માણસ વાર્તામાં ડગલે ને પગલે મહત્વનો ભાગ ભજવે છે. સાવ શાંત દેખાતા સમુદ્રને જોઈને જયારે એ બધાને કહે છે "આ અનંતમહારાજ હમણાથી સરખી વાત નથી કરી રહયો. ઢોર ઢાંખર અને બાળકોનું ધ્યાન રાખજો." એ વખતે વાર્તાનો નાયક તેને પાગલ ગણી તેની સૂચનાને અવગણે છે. એટલુ જ નહિ એ કોઈ જ્યોતિષ છે કે ખગોળશાસ્ત્રી! એમ કહી તેના પર હસે પણ છે પરંતુ જયારે તેની વાત સાચી પડે છે, ત્યારે નાયકને અહેસાસ થાય છે કે એ તો પ્રકૃતિના કણ કણ સાથે સીધો જ વાર્તાલાપ કરી શકતો હતો.

   એ સીવાય શામજી મુખીનું થોડીવારનું પાત્ર પણ એટલું જ અસરકારક છે. ગામનો મુખી હોવા છતાં પેટના ખાડા માટે, મજૂરી કરી રોડ પડ્યા રહેતા આ માણસની સાહજિકતા પર વારી જવાય છે. આ વિશે લેખક કહે છે કે આટલી સરળ સ્વીકારવૃત્તિ ક્યાંથી આવે છે આ લોકોમાં..!! વળતી જ પળે અંદરથી જવાબ મળે છે પ્રકૃત્તિમાંથી. પ્રકૃત્તિ સાથે વસનારા આ જીવોમાં જ જેવા છે એવા જ રહેવાના ગુણ પ્રકૃત્તિ પાસેથી જ મળ્યા છે. સાથે જ  એ પણ દર્શાવે છે કે ખારાપાટ પર વસતા લોકોનું જીવન કેટલું દુષ્કર અને સંઘર્ષ ભર્યું છે. જીવનનિર્વાહ અર્થે તેમને પડતાં કષ્ટો પણ અનેક જગ્યાએ અનેક રીતે આલેખ્યા છે. ફરવા જઈએ ત્યારે સુંદર લાગતો દરિયાકિનારો વસવાટ માટે કેટલો અઘરો છે એ બતાવવાનું પણ તે ચૂક્યા નથી.

   ક્રિષ્ના ટંડેલ અને બેલીના પાત્ર દ્વારા ખારવાનું જીવન સરસ રિતે આલેખ્યું છે.  પોતાનાં જીવનાં ભોગે પણ બીજાનું રક્ષ્ણ કરવાની ખારવાની ઉદારતા, તેમનાં કામના દિવસોમાં તેમની પત્નિને સહેવો પડતો વિયોગ, અને પતિ ન આવે તો દરિયા પર રાહ જોતી,જન્મારો મંડાઈ રહેતી આંખોના ભાવોનું સુંદર નિરૂપણ કર્યુ છે.

   એ સિવાય હાદા ભટ્ટની કથા , વિદેશી સ્ત્રીની વાર્તા પણ એટલી જ રોચક છે. આ બંને તો માનવ સમજણની બહારના વિરલ પાત્રો છે.  દરેક પ્રસંગ અહીં આવરીશ તો વાચકનો રસ મરી જાય એવું બને.

   ગુગલ પર ધ્રુવદાદાનો ઇન્ટરવ્યૂ વાંચેલો. તેમણે કહેલું કે કોઈ વાચકે સમુદ્રાન્તિકે વાંચીને તેમને પ્રતિભાવ આપ્યો હતો કે,

   "સમુદ્રાન્તિકે વાંચ્યા પછી મને જીવવા માટે નવું બળ મળ્યું."

    બીજો એક પ્રસંગ તેમણે કહ્યો હતો કે,

    "2001ના કચ્છ ભૂકંપ સમયે રોયલ્ટીની બહુ મોટી રકમનો ચેક ઘરે આવી ગયો. મને થયું કે કંઈ ભૂલ થઈ લાગે છે. તપાસ કરી તો જાણવા મળ્યું કે કોઈ ભાઈએ સમુદ્રાન્તિકેની એકસામટી 7000 નકલ ભૂકંપ પીડિતોમાં વહેચી છે. જેથી લોકો એ બુક વાંચીને પોતાની જીવવાની હામ ટકાવી રાખે."

આનાથી વધું તો આ બૂક વિશે શું કહેવું!! બે ટંકનું ખાવાનું પણ પૂરું ન મળતું હોય અને પૂછવા પર મોજથી કહે કે, "હાકલા છે હાકલા"  એવા લોકોની આ કથા છે.જીવન અભાવોમાં પણ જીવી શકાય અને હાકલા પણ કરી શકાય. એ સમુદ્રાન્તિકે શીખવે છે અને એ બળ પ્રકૃતિ જ આપે છે.

    એનું એક ગીત હું ધોરણ 11માં હતી ત્યારથી સાંભળતી આવું છું, એના શબ્દો અતિપ્રિય છે. ત્યારે ખબર નહોતી આ ધૃવદાદા કોણ છે. છતાં એમની સાથે તો નાતો તો ત્યારથી જ બંધાઈ ગયો હતો નામથી તો થોડા વર્ષો પહેલાં પરિચિત થઈ. એ ગીત અનેક જ્ગ્યાએ સાંભળ્યું પણ એ મજા જ નથી આવતી જે અમારા સંગીત સર ગાતાં.

એ ગીત છે..

  "ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજને ઉપરથી કુદરતની રહેમ છે..."


    હજુ ઘણું છે લખવા માટે મારી પાસે, પણ અહીં જ પૂરું કરું છું. બસ એક જ વિનંતિ છે કે સમય મળ્યે જરૂર માણવી.

   

 

   







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ