વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેદનાનો રણકાર

(એકાંતને ઓવારે બેઠી જો હોઉં,

શૈશવ કીકીઓમાં ધીમું મલકે!)



"સૂતેલી રેખા ક્ષિતિજની, આળસ મરડી ઊભી થઈ,

અજવાળાની ઓઢી ચાદર, ફરી એક રાત પોઢી ગઈ!"


      ડાયરીમાં બે લાઇન ટાંકી એ દિવસની સવારને સાગરિકાએ પાનાં પર ઉતારી દીધી. વાંચવાની શોખીન સાગરિકા છેલ્લા અમુક વર્ષોથી કયારેક મનની ઊર્મિઓને કાગળ પર કંડારી દેતી. એ હજુ આગળ કંઈ લખે એ પહેલાં જ રેખા ઘરમાં પ્રવેશી. જૂનાં કામવાળા બહેનને કાયમી તેમના દેશ જવાનું થતાં દિવાળીની  સાફસફાઈ માટે આ રેખાને મોકલીને એ સાગરિકાના ઘરની સગવડ પણ કરતાં ગયાં હતાં. આજે ઘરમાં એનો પહેલો જ દિવસ હતો. સાગરિકા સાથે થોડીઘણી વાતચીત કરીને એણે ઝાપટઝૂપટ શરૂ કરી. પોતાની ચૅરમાં બેઠેલી સાગરિકાના હાથમાં તેની ડાયરી હતી, પણ હવે તેની નજર રેખા પર ફરવા લાગી. રેખા આવીને તરત જ ઘરની સાફસફાઈ કરવામાં એ રીતે લાગી ગઈ હતી, જાણે વર્ષોથી અહીં જ કામ કરતી હોય. એને જોઈને સહેજ પણ નહોતું લાગતું કે એના માટે આ ઘર નવું હશે.


     સાગરિકાને લાગ્યું કે હવે એને કોઈ ખાસ કામ સિવાય ચીંધવું નહીં પડે. તેમ વિચારીને વળી કંઈક લખવા માટે વિચારવા લાગી. ત્યાં તેના પગમાં ગલગલિયાં થયા. તેણે જોયું તો તેની પાળીતી કૂતરી ચાર્લી પોતાની જીભ વડે સાગરિકાને વહાલ કરી રહી હતી. સાગરિકાએ વહાલથી ઊંચકીને તેને ખોળામાં લઈ લીધી. ચાર્લીના શરીર પર પ્રેમથી તે હાથ ફેરવવા લાગી. માતાના ખોળામાં બાળક લપાય એમ જ ચાર્લી સાગરિકાના ખોળામાં લપાઈ ગઈ. સાગરિકાના એક હાથમાં ડાયરી હતી અને બીજા હાથે તે ચાર્લીના મુલાયમ રુવાદાર શરીરને પંપાળી રહી હતી.

     એ દરમિયાન જ રેખાની નજર માળિયા પર પડેલા એક નાનકડા બૉક્સ તરફ ગઈ. બધી વસ્તુ ચોખ્ખી હતી પણ ખૂણામાં પડેલું એ બૉક્સ એકલું જ થોડું ધૂળ ખાતું દેખાતું હતું, એટલે એને થોડું અજુગતું લાગ્યું. સાગરિકાને પૂછવાની ઇચ્છા થઈ, પણ એના મનમાં થયું કે આટલી વાત માટે શું પૂછે! કદાચ ખૂણામાં પડ્યું છે એટલે ભૂલમાં સાફ કરવાનું રહી ગયું હશે, લાવ આજે સાફ કરી દઉં. એમ વિચારી સ્ટૂલ પર ચડીને એણે બૉક્સ ઉતાર્યું. બૉક્સને એક હાથમાં પકડી બીજા હાથે સાફ કરવા લાગી, ત્યાં જ એ હાથમાંથી છટકી ગયું. એમાંથી એક જૂનો નાનકડો આલ્બમ અને કાપડની નાનકડી થેલી એક રણકાર સાથે ફંગોળાઈને નીચે પડ્યાં. એ રણકાર સાથે જ સાગરિકા થડકી ઊઠી, એ સાથે જ તેનું ધ્યાન એ તરફ ખેંચાયું. તેના હાથમાં રહેલી ડાયરી પણ હાથમાંથી પડી ગઈ.

      ઘડીભર એ દિગ્મૂઢ બની ગઈ હોય એમ થેલી સામે જોઈ જ રહી. સાગરિકાએ ચાર્લીને હળવેકથી નીચે મૂકી. ઊભી થઈને ફંગોળાઈને બહાર આવેલા એ આલ્બમ અને થેલી હાથમાં લીધાં.

      જૂનાં કામવાળા બહેન જ્યારે જયારે સાગરિકાને પૂછતા કે,

           "બહેન, આ બૉક્સમાં એવું તે શું છે કે તમે અડવાય દેતાં નથી. ક્યારેક તો ખોલવા દયો."

                ત્યારે ત્યારે સાગરિકા જવાબ આપતી કે,  "એમાં વીતી ગયેલી ક્ષણો છે. એવી ક્ષણો કે જેને ફેંકતા જીવ ચાલતો નથી અને ખોલું તો વેદના સિવાય કંઈ હાથ લાગતું નથી, એટલે ક્ષણોને સાચવીને અકબંધ મૂકી રાખી છે."

    આજે  રેખાએ એ વીતેલી ક્ષણો ખોલી સાગરિકાની વિસરાયેલી વેદના જગાડી દીધી. સાગરિકા થોડીવાર સુધી હાથમાં રહેલી ડાયરીને અને નીચે પડેલી થેલીને જોયાં કર્યું. પછી હળવેકથી થેલી ઉપાડી, એમાંથી આવતા ઘૂઘરાના રણકારથી ફરીથી એક ધ્રૂજારી શરીરમાંથી પસાર થઈ ગઈ. આલ્બમ પર પણ ધૂળ જામી ગઈ હતી. આલ્બમ ખોલવું કે ન ખોલવું સાગરિકા એ અવઢવમાં જ હતી. એના મનમાં થયું કે,

         "આ ધૂળ ખંખેરી નાખીશ તો આની સાથે ધૂંધળી થયેલી એ વીતેલી ક્ષણો પણ ફરી સ્પષ્ટ દેખાવા લાગશે." વળતી જ પળે વિચાર આવ્યો કે ,

        "અડધીપડધી ધૂળ તો ખંખેરાઈ જ ગઈ છે. થોડીક ફંગોળાયેલ આલ્બમ પરથી, થોડીક વર્તમાન તળે દબાયેલા ભૂતકાળના પડળ પરથી."

    તેણે રેખાને બાકીનું કામ આવતી કાલે કરવાનું કહી રવાના કરી. તે પણ થોડી મૂંઝાતી મૂંઝાતી નીકળી ગઈ. મનોમન પોતાના પર ચીડ પણ ચડી કે થોડું પૂછી લીધું હોત તો. પહેલા જ દિવસે છબરડો વાળ્યો. હવે નોકરીનું પણ જોખમ. એવા કેટલાય વિચારો સાથે તે નીકળી ગઈ.

    રેખાના ગયા પછી સાગરિકાએ આલ્બમ ખોલ્યું. પોતાની ફૂલથીએ કોમળ દીકરી મુગ્ધાનો ફોટો જોઈ આંખનાં ખૂણા પર ખારો ઝાકળ ઝળકવા લાગ્યો. ધીમે ધીમે એ ઝાકળ બિન્દુઓ ધીમી ધારે આંખમાંથી છલકી ગાલ પરથી સરકીને વહેવા લાગ્યા. એણે હળવેકથી એ કાપડની થેલી ખોલી, એમાંથી પગના ઘૂઘરા કાઢ્યા. કેટલી મીઠી યાદો હતી આ ઘૂઘરા સાથે, એની જ સાથે પાછી ઝેરથીયે વધુ કડવી યાદો પણ જોડાયેલી હતી. આને ફેંકી દઉં તો લાગે શરીરમાંથી કોઈએ હૃદય ખેંચી નાખ્યું, અને રાખું તો એનો એક એક રણકાર હૃદય સોંસરવો ઊતરીને જાણે અગણિત સોયની અણીઓ જેમ ખૂંચે છે.

  વર્ષો પછી એ આલ્બમ ખૂલ્યું. એમાં એની દીકરી મુગ્ધાના જન્મી ત્યારથી દરેક પ્રસંગે લીધેલા ફોટા હતાં. કપાસના ફૂલ જેવો રૂપાળો વાન અને એટલા જ મુલાયમ શરીરથી શોભતી એ નાનકડી પરી જ હતી. સાગરિકા એક પછી એક ફોટા જોવા લાગી. જેમ જેમ આલ્બમ ફરતું એમ મનના પડદા પર એક પછી એક પ્રસંગના દ્રશ્ય ભજવાતા ગયા. બર્થડે, હોળી, દિવાળી, ડાન્સ ક્લાસ, નાનાં-મોટાં દરેક પ્રસંગોની યાદગાર સફર હતી એમાં. છેલ્લા ફોટા પર એની નજર સ્થિર થઈ ગઈ. તરુણાવસ્થા અસ્ત પામીને યુવાવસ્થાના ઉદય સમો મુગ્ધાનો એ ફોટો કોઈને પણ મોહપાશમાં બાંધવા સક્ષમ હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યના પોશાકમાં સજ્જ મુગ્ધા કોઈ સ્વર્ગની અપ્સરા માફક બધાને મુગ્ધ કરી દે તેવી દેખાતી હતી. શાળાના વિદાય સમારંભમાં એ દિવસના નૃત્ય પછી બધાની આંખો ફાટી રહી ગઈ હતી. નાનપણથી જ શાસ્ત્રીય સંગીતની શોખીન મુગ્ધા તબલાના તાર પર થરકી રહી હતી. એની આંખો, હાથની મુદ્રાઓ અને શરીરનું એક એક અંગ લયબદ્ધ રીતે સંગીતની ભાષા બોલતું હતુ. તેના પગના ઘૂઘરા તબલાને પણ પાછા પાડીને હોલ ગૂંજવી રહ્યાં હતાં. હોઠો પર મોહક સ્મિત સજાવી તે પોતાની ધૂનમાં, તાલ પર અવિરત નાચી રહી હતી. એનાં નૃત્ય પર બધાની આંખો સ્થિર થઈ ગઈ હતી. નૃત્ય પૂરું થયું તો પણ ક્ષણ માટે બધા તાળીઓ પાડવાનું ભૂલી ગયાં. પછી તાળીઓનો વરસાદ થતાં તે કેટલી ખુશ થઈ હતી તે દીવસે. પણ ત્યારે ક્યાં ખબર હતી કે...

" સાગરિકા....." સાગરિકાના મનમાં આગળ કોઈ દ્રશ્ય ભજવાય એ પહેલાં જ તેના કાનમાં તેના પતિનો અવાજ પડઘાયો.

     તેમનાં અવાજ સાથે જ તેણે ફટાફટ આલ્બમ બંધ કર્યું. ઘૂઘરા ફટાફટ અંદર મૂકી બૉક્સ ઉપર મૂકવા લાગી. ત્યાં તેના પતિ અંદર આવી ગયા. તેણે જોયું કે ઘણા સમયથી માળિયાના ખૂણામાં પડેલી યાદો નીચે ઊતરી આવી હતી. નીચે પડેલી ખુલ્લી ડાયરીના પાનાની એ લાઇનો ઉભરીને આંખે વળગી. એ લાઇનો જે સાગરિકાએ મુગ્ધાના બાળપણના ફોટા જોયા પછી તેની યાદમાં લખી હતી.

    

     "એકાંતને ઓવારે બેઠી જો હોઉં,

          એનું શૈશવ કીકીઓમાં ધીમું મલકે!

               હાથમાં યાદો તણો તેનો કલરવ,

                    ને આંખોનું મૃગજળ ધીમું છલકે!"

                   

      સાગરિકા બંને હાથે બૉક્સ પકડીને તેને માળીયા પર પાછું મૂકવા ઉતાવળે ટેબલ પર ચડવા જતી હતી, ત્યાં સુધીરે હળવેકથી સાગરિકાના ખભા પર હાથ મૂક્યો.

       "લાવ હું મૂકી દઉં" સાગરિકાના હાથમાંથી તે બૉક્સ લેતાં લેતાં સુધીરે કહ્યું.

        "કેમ આજે આ આમ અચાનક-"

         એ આગળ કંઈ બોલે એ પહેલાં જ તેની વાત વચ્ચે કાપતાં જ સાગરિકાએ કહ્યું,

          "એ નવા કામવાળા બહેનથી સફાઈ કરતાં કરતાં પડી ગયું."

"હમમ..! એનાથી તો પડી ગયું પણ તું ક્યાં સુધી આ વેદનાના વેતાળને ગળે વીંટાળીને ફરીશ!?"


   જવાબમાં સાગરિકાના મૌન અને ખારા પાણીથી તગતગતી આંખો સિવાય તેને કશું મળ્યું નહીં. તેણે હળવેકથી સાગરિકાને પોતાની બાંહોમાં ભરી લીધી. એની આંખોની ભીનાશનો ભાર અને મૂંગા ડૂસકાં સુધીરની છાતીમાં સમાઈ ગયાં. તેને શાંત કરીને સુધીરે કહ્યું,

      "ચાલ હવે આપણે ચાર્લીને લઈ જવાની છે. આજે એનો અગિયારમો દિવસ છે. એના માલિક પાસેથી લીધી ત્યારે ખબર છે ને એણે શું કહ્યું હતું. 'જો આ વખતે ચૂકી ગયા તો બીજા છ મહિના રાહ જોવી પડશે.' ચાલ જલદી, ફ્રેશ થઈ જા." સુધીરના કહ્યા મુજબ સાગરિકા તૈયાર થઈ ગઈ.

     

    બંને તૈયાર થઈ શહેરથી દૂર એક બંગલામાં આવ્યાં. ત્યાં પહોંચીને બંગલાના માલિક સાથે થોડી વાતચીત કરી. થોડીવાર પછી એ માલિક તેના મેલ પોમેરેનિયન ડોગ (કૂતરાની એક પ્રજાતિ)ને બહાર લાવ્યાં. સુધીર અને સાગરિકા ચાર્લીને ત્યાં બ્રીડિંગ માટે લાવ્યાં હતાં. ચાર્લી પણ પોમેરેનિયન પ્રજાતિની હોવાથી ત્યાં બ્રીડિંગ શક્ય હતું. ઉપરાંત તેમની હેલ્થ સારી રહે એ માટે જરૂરી પણ હતું. 

   

    પેલા કૂતરાના માલિક ચાર્લી અને તેના કૂતરાને બહાર ગાર્ડનમાં લઈ ગયા. ત્યાં જઈ તેમણે પોતાના ડોગને છુટ્ટો કર્યો. એ સીધો જ લાળ ટપકાવતો પૂંછડી પટપટાવતો તરત જ ચાર્લી સામે ધસી આવ્યો. પોતાની ભાષામાં કેટલાય અવાજો કર્યા. કેટલીય ચેષ્ટાઓ દ્વારા ચાર્લીને પોતાની તરફ આકર્ષિત કરવા પ્રયત્નો કર્યા, પણ ચાર્લી ડરીને તેનાથી દૂર જ ભાગતી હતી. બ્રીડરને પણ લાલચ હતી કે જો આ વખતે કામ ન થયું તો હજુ બીજા છ મહિના રાહ જોવી પડશે અને સારી એવી ફી પણ જતી કરવી પડશે.

    કંઈક મનમાં વિચારીને દૂર દૂર ભાગતી ચાર્લીને તેણે પકડી. બળપૂર્વક દબાવી રાખી જેથી તે ભાગી શકે નહીં. પોતાના કૂતરાને ચાર્લીની નજીક બોલાવ્યો, પરંતુ એની એવી હરકતથી તો ઉલટાનું ચાર્લીએ રાડારાડ કરી મૂકી. તેના દર્દભર્યા ભસવાના અવાજો સાંભળી સાગરિકાથી રહેવાયું નહીં. તે દોડીને બગીચામાં આવી. તેનાથી ચાર્લીની હાલત જોવાઈ નહીં.

    ચાર્લીની ચીસોથી તેના મનના પડદા પર ફરી એ દૃશ્યો દેખાવા લાગ્યા. શાળાનાં છેલ્લા દિવસે ઘરે આવેલી પોતાની પીંખાયેલી પારેવડીની લોહીલુહાણ હાલત જોઈ ક્ષણવાર એ પોતે પણ આઘાતમાં સરી પડી હતી. માથે વીજળી પડ્યાં જેટલો આઘાત હતો એ. પોતાની દીકરીને અત્યારે પોતાની હૂંફની જરૂર છે એ ધ્યાનમાં આવતાં જ તેણે પોતાની જાતને સંભાળીને તરત જ મુગ્ધાને પણ સંભાળી. પોતાનાં પગનાં તૂટેલા ઘૂઘરા બતાવતાં બતાવતાં, ઘાથી સૂજી ગયેલા, અને લોહીથી તરડાયેલા હોઠોથી મુગ્ધા એટલું માંડ માંડ બોલી શકી કે,

        "મમ્મી, મારા પગના ઘૂઘરા અને હું, બંને ચીસો નાંખતા રહ્યાં પણ એ લોકોએ ન સાંભળ્યું. જો મારા આ વહાલા ઘુઘરા પણ તોડી નાખ્યાં." આટલું બોલી ત્યાં તો તેનું શરીર સાગરિકા પર ઢળી પડ્યું.

            આ સાંભળતા તો સાગરિકાની આંખો મુશળધાર વરસી પડી. મુગ્ધાને ભેટીને તે તેના પર વહાલ વરસાવતી રહી, તેના જખમોની ખરડાયેલા વાંસા પર હાથ ફેરવીને સાંત્વના આપતી રહી, પણ મુગ્ધા જડ જેમ તેના ખોળામાં પડી હતી. મુગ્ધા બેભાન થઈ ગઈ હતી. કેટલાય દિવસો સુધી તે હોસ્પિટલમાં દર્દથી કણસતી રહી. રૂમનો દરવાજો ખખડે તો પણ ફફડી ઉઠતી. દિવસે ને દિવસે એ ડર વધુ ઘેરો બન્યો. એની સાથેની ઘટના તેના મનમાં સતત ભમ્યા કરતી. અચાનક તે ચીસો પાડી ઉઠતી, રડવા લાગતી. આથી તેને સ્લીપિંગ પિલ્સ કે ઈન્જેકશન આપી શાંત કરવામાં આવતી, પરંતુ જેવી તે ભાનમાં આવતી ફરી જોરજોરથી વેદના ભરી ચીસો પાડી ઉઠતી.

           

            તેના મા-બાપ તેની હાલત જોઈ રોજ અંદર અંદર જ મરી રહ્યા હતાં. એક દિવસ સાગરિકાએ તેને પોતાનાં વ્હાલા ઘુઘરા બતાવ્યા. એમ વિચારી કદાચ એનો અવાજ સાંભળી તે કંઈક સારું અનુભવે. જેવો એ ઘુઘરાનો રણકાર એના કાનમાં પડઘાયો, એ ફરી ભાન ગુમાવી બેઠી. એના અવાજથી એટલી હદે ડરી ગઈ કે કાન બંધ કરી, રૂમમાં આમથી તેમ રડતી રડતી ચીસો પાડતી ભાગવા લાગી. એક સાથે ફરી કેટલાય તેના શરીર ચુંથી રહ્યાં હોય એવી તીવ્ર વેદનાથી તે ખળભળી ઊઠી. હવે તેનું મન યાતનાની એક હદ વટાવી ચૂક્યું હતું.  ભાગતા ભાગતા મુગ્ધાના માથા પર લોખંડના સ્ટેન્ડનો ઘેરો ઘા લાગ્યો. સાગરિકાએ દોડીને તેને સંભાળી,પણ તે બેભાન થઈ ગઈ હતી. સાગરિકાએ તેને થપથપાવીને ઉઠાડી, પણ આ શું..!! અનેકો દર્દથી પીડાતી એની પારેવડીના પ્રાણ હવે રહ્યાં નહોતાં. એક મા માટે આથી વસમી વેદના કઈ હોઈ શકે, કે પોતાનું વહાલસોયું સંતાન પોતાના જ ખોળામાં પ્રાણ ત્યાગે..! કાયમ માટે પોતાનો પાલવ છોડી દે..! તેના ગળામાંથી દીવાલો ધ્રુજાવી દેતો કરુણ સ્વર ફાટયો.. "મુગ્ધા..."

           

    એ દિવસથી આ ચાર્લી આવી ત્યાં સુધી સાગરિકા મૃત જેમ જ જીવતી. આંખોમાં બાઝેલા ખારા ઝાકળ તળે આજે એ તમામ દૃશ્યો તાજા થઈ ગયા. આજે ચાર્લીની ચીસોમાં પોતાની વહાલસોયી દીકરીની એ આકરી વેદનાનો રણકાર સંભળાયો. તે દોડીને ચાર્લી તરફ ગઈ. કંઈ જ વિચાર્યા વગર તેને તેડી લીધી. કોઈને કંઈ પણ કહ્યા વગર તે ચૂપચાપ ગેટ બહાર નીકળી ગાડીમાં બેસી ગઈ અને ભીની આંખો સાથે વ્હાલથી ચાર્લીને પંપાળવા લાગી.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ