વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુલી નંબર વન - વિચારો અને એક ખુલ્લો પત્ર

પ્રિય ડેવિડ ધવનજી,

“સાઠે બુધ્ધિ નાઠી” એવી કહેવત તમે સાંભળી હોય કદાચ. અમે ગુજરાતીઓ સાંભળતા, સ્વીકારતા હોઈએ છીયે એ કહેવત. તમારે કોઈ ગુજરાતીને મળીને આ કહેવત પર ચર્ચા વિચારણા કરવાનો સમય પાકી ગયો હોય, એવું તમારી નવી ફિલ્મ – કુલી નંબર વન જોઈને લાગ્યું. આમ તો 2005થી જ જ્યારથી શાદી નંબર વન ફિલ્મ તમે બનાવી ત્યારથી લઈને આજ સુધી ખાસ ઢંગધડા વાળી ફિલ્મ આપે બનાવી નથી. પણ શું કરી શકાય? અમારી ગોલ્ડન એજમાં તમે અમને માણવા માટે ઢગલાબંધ ફિલ્મો આપી છે. એ ફિલ્મોના ડાયલોગ્સ, વાનલાઇનર્સ અમે હજુ સુધી મિત્રો સાથે ગપગોળા કરવા માટે વાપરીએ છીયે. એના પંચીસ હજુ અમે કોઈ સરસ મજાની સિચુએશનમાં અજમાવીને સામે વાળાને ઇમ્પ્રેસ કરીયે છીયે. એ ફિલ્મો હજુ અમારા બાળકો જોઈને પણ મિનિટે મિનિટે હાસ્યની છોળોમાં રમે છે. એટલે તમારા માટેનો પ્રેમ હજુ ઓછો નથી થયો.

હા, અમુક વાતો જીવનના ગૂઢ રહસ્યો અને ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મો જેટલી સમજવી જટિલ છે. જેમ કે અમુક દિર્ગદર્શકો કે જે અમુક તમુક સમયે સમયથી પણ આગળનું કન્ટેન્ટ આપતા હતા, એ સમય જતાં સમયથી પાછળ કેમ રહી ગયા, જેમ કે તમે, રામ ગોપાલ વર્મા કે એવા બીજા ય કે જે અત્યારે યાદ નહીં આવતા હોય.

 

આમ તો તમે જ્યારે ફૂલ ફોર્મમાં હતા ત્યારે પણ વચ્ચે વચ્ચે એકાદ બે અતિ નબળી ફિલ્મો પધરાવી જ દેતાં, જેમ કે સ્વર્ગ, શોલા ઓર શબનમ, બોલ રાધા બોલ, આંખે, રાજા બાબુ જેવી ફન-ટાસ્ટિક ફિલ્મોની વચ્ચે અંદાઝ કે પછી ઈના, મીના, ડિકા આવી ગયું હોય, કે પછી કુલી નંબર વન, સાજન ચાલે સસુરાલ, લોફર, જુડવા, હીરો નંબર વનની સાથે સાથે યારાના કે પછી બનારસી બાબુ. પણ એ તો પેલી ગપ્પીદાસ રમતા હોઈએ ત્યારે ‘આ લ્યો – આ ફેંક્યા પાંચ એકકા... અને એમાંથી ચાર એકકા સાચા હોય અને વચ્ચે એકાદું ચોકકું કે પંજું ભેરવી દીધું હોય એમ ચાલ્યા કરતું. અને જ્યારે એક સાથે પાંચ છ ફિલ્મો એક સાથે ચાલુ હોય ત્યારે થોડી થોડી ભૂલો આવી થાય પણ ખરી, એ સ્વાભાવિક છે.  પણ, દિવાના મસ્તાના, હસીના માન જાયેગી, બડે મિયાં છોટે મિયાં કે મી.એન્ડ મિસીસ ખિલાડી જેવી ઓલ ટાઈમ ફેવરિટ મુવીઝ આપના તરફથી મળી હોય ત્યારે બાકી બધું ચલાવી શકાય. ખાસ તો આ બધી ફિલ્મની રિપીટ વેલ્યૂ ગજબની છે.

પણ, છેલ્લે મુજસે શાદી કરોગી પછી એક પણ ફિલ્મ આપની એવી નથી આવી કે જેને વારંવાર તો શું, બીજી વાર પણ જોવી ગમે. એક ઉમર પછી એ વિચારોની ફ્રેશનેસ જતી રહેતી હશે? કે એ ટીમ જતી રહી? લેખકો, કલાકારો, ડાયલોગ રાઇટર વગેરે. ખેર, વરુણની કુલી નંબર વનમાં તો મને નથી લાગતું કે આપને કોઈ લેખકની જરૂર પડી હોય. ગોવિંદા વાળી કુલી નંબર વનના બેઠા ડાયલોગ્સ, એ જ બધી સિચુએશન્સ, અને બેઠા એ ના એ જ એક્સ્પ્રેસન્સની નબળી નકલ. બાપ રે..! આમ તો જ્યારથી આ ફિલ્મનો પ્રોમો જોયેલો એ જ દિવસથી જેણે જેણે પણ પ્રોમો જોયો હશે એને ખ્યાલ આવી ગઈ હશે કે આ બંડલ માલ છે. અને ફિલ્મ પૂરેપુરી અપેક્ષા પર ખરી ઉતરી છે. બસ, જૂની ફિલ્મને ગ્લોસી બનાવવા સિવાય કઈ જ કર્યું નથી. ઊલટું પરેશ રાવલ કદરખાન કરતાં ઉણો ઉતરે છે, સારામાં કરિશ્માનું ભોળપણ મિસિંગ છે, રાજપાલ યાદવ ભલે મૈં માધુરી દિક્ષિત બનના ચાહતી હૂઁ જેવી ફિલ્મથી પોતાના અભિનયનો પરચો આપી ચૂક્યો હોય, પણ આ ફિલ્મમાં તો શક્તિ કપૂરના ગાંડપણથી ઘણો પાછળ છે. વરુણ સારો અભિનેતા છે જ, પણ ગોવિંદા જેવુ ટાઈમિંગ અને કોમેડીમાં પણ એના જેવો ઠેહરાવ ક્યાંથી કાઢે?

આમ તો આ ફિલ્મ જોવી એટલે સમય બગાડવો. એના પર કૈંક લખવું એટલે મેં મારો સમય બગાડયો, અને આ વાંચવા વાડાનો ય શો વાંક? એમનો ય સમય બગડયો. હા, કદાચ જો ફિલ્મ ન જોઈ હોય, અને આ વાંચીને એમ થાય કે નથી જોવી, તો કદાચ સમય બચી જાય. પણ મોટા ભાગના લોકોએ એવું પહેલાથી નક્કી કરી જ રાખ્યું હશે. અને મોટા ભાગના લોકો આ લેખ પણ નહીં જ વાંચતાં હોય, એટલે ઠીક છે. એક રીતે જોવા જાઈએ તો આપ સાહેબે પોતાનું અને પોતાના દીકરાનું તો ઠીક, વાસુ ભગનાનીનું ય ઠીક, સમગ્ર ભરતવર્ષના એ ફિલ્મ રસિકો કે જેમણે કમને પણ આ ફિલ્મ જોઈ હશે એમનો સમય બગાડયો છે. એમાં સાથે સાથે આ લખવાના મારા ય બે ત્રણ કલાક અને આ વાચકોના પણ બધું મળીને અમુક કલાકો એમાં ઉમેરી લેજો. કેટલા મેન અવર્સનો બગાડ.

આ પહેલા પણ તમારી ફિલ્મો જૂની ફિલ્મોમાંથી ઇન્સપાયર થયેલી રહેતી. બાવરચીનું હીરો નંબર વન હોય કે ગોલમાલનું કુલી નંબર વન. બેડ બોયઝ અને અંગૂરનું બડે મિયાં છોટે મિયાં હોય કે હીચનું પાર્ટનર. પણ છેલ્લે છેલ્લે તો જુડવા, ચશ્મે બદદુર અને હવે કુલી નંબર વન. બસ, હવે ખમૈયા કરો સાહેબ.

કોઈ નાની ફિલ્મ, સંવેદનશીલ કે ઓટીટીને લાયક કૈંક બનાવો ને ભાઈસાહેબ. કોઈ ફ્રેશ સબજેક્ટ પર બનાવો. અમારે એ ડેવિડ ધવન પાછો જોઇયે જે ક્યારેક હતો.

-         એક  ફેન

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ