વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારું કોણ?

કોરોના ના કહેર ને કારણે મુકાયેલા  લોકડાઉન બાદ માંડ અનલૉક  થયેલું જનજીવન ધીમે-ધીમે થાળે પાડી રહ્યું હતું,  કોરોના નો ભય હજી એમ જ અકબંધ હતો પણ કામ કરવું પણ એટલું જ જરૂરી હતું  એટલે પોતાની રીતે જ સાવચેતી રાખીને બધા પોતપોતાના કામધંધે વળગવા મજબુર બન્યા હતા. 

                શ્રીકાંત પણ અઢી /ત્રણ મહિનાના લાંબા ફરજીયાત વેકેશન બાદ પોતાના કામે ઘરની બહાર નીકળ્યો હતો,  અનલોક નો આજે  બીજો દિવસ છે,  શ્રીલેખા (શ્રીકાંત ની પત્ની ) આજે કાંઈક સરખી નવરી થઈ... 

                શ્રીકાંત હવે એની દુકાને જવા લાગ્યો હતો અને પુત્ર આજે એના મિત્ર ને મળવા ગયો હતો,  ઘરમાં શ્રીલેખા એકલી પડી હતી,  છેલ્લા 3 મહિનાથી પતિ અને પુત્ર ઘરે જ હતા,  અને શ્રીલેખા નું કામ વધતું ગયું,  એક પછી એક ફરમાઈશ  શરુ જ રહેતી, પોતાના માટે તો જાણે સમય ફાળવી જ નોહતી શકતી,  શ્રીકાંત નો સ્વભાવ આમ તો પહેલેથી  જ ગુસ્સા વાળો એમાંય આ લોકડાઉન... શ્રીકાંત બહુ  ચીડિયો થઈ ગયો હતો,  નાની નાની વાતમાં ઝગડા કરતો થઈ ગયો... અને પુત્ર પણ એના પપ્પા ની વાતમાં જ ટાપસી  પૂરાવતો હતો અને બંને ના રોષ નો એકમાત્ર ભોગ બનતી શ્રીલેખા. 

               આજે એકલી  પડતા જ શ્રીલેખા ના મન માં વિચારોનું ઘોડાપૂર  ઉમટી રહ્યું હતું, ભગવાને મને કેમ બનાવી?  મારું સર્જન શું કામ કર્યું?  ભગવાન સાવ કારણ વગર તો કોઈ સર્જન કરે જ નહિ, જો મને બનાવી તો મારાં માટે કેમ કોઈ નહિ?  

                શ્રીકાંત ભલે એનો પતિ હતો પણ એની નજરમાં શ્રીલેખા ની કોઈ કિંમત જ ન હતી,  એને તો પડોશની બીજી બધી સ્ત્રી ઓ અને એક પોતાની ભાભી જ સારી  લાગતી,  કાયમ એ બીજાના જ વખાણ કરતો અને  હંમેશા  શ્રીલેખા ને ઉતારી  પાડતો ,  શ્રીલેખા અવનવી વાનગીઓ બનાવતી,  એની રસોઈ પણ ખુબ સ્વાદિષ્ટ બનતી પણ ક્યારેય પોતાના પતિ ના મોઢેથી વખાણ ના બે શબ્દ નોહતી સાંભળી શકી અને પુત્ર પણ એના પપ્પા ના પગલે ચાલનારો હતો,  એણે  ક્યારેય પોતાની મમ્મીનો પક્ષ લીધો જ નોહ્તો... 

                ક્યારેક ક્યારેક શ્રીલેખા બહુ હતાશ થઈ  જતી હતી,  પિયર વાટ તો ક્યારની બંધ થઈ ગઈ હતી કારણ માતા- પિતાના અવસાન બાદ કોઈ બીજું હતું જ નહીં, અને અહીં પતિ અને  પુત્ર પણ એના ન હતા,  !!!!

                કેવી અકલ્પનિય સ્થિતિ હતી શ્રીલેખાની....  એ બધાની હતી બધાનું ધ્યાન રાખતી,  ગમા /અણગમા,  પસંદ/ નાપસંદ, સાર -સંભાળ,  બધી જવાબદારી બખૂબી નિભાવી રહી હતી,  પણ એની સંભાળ રાખનાર  કોઈ નોહ્તું,  એની પસંદ /નાપસંદ વિશે કોઈને કાંઈ જ  પરવા ન હતી. 

                શ્રીલેખા જેવી અનેક સ્ત્રીઓ ની દશા આવી જ છે,  પુત્રી તરીકે હોય તો ય સતત એને "પારકી થાપણ" ગણીને જ રાખવામાં આવે છે,  એનો ઉછેર  પણ એ જ રીતે કરવામાં આવે છે,  "દીકરીની જાત છે  આમ ન બેસાય, આમ ન કરાય,  આમ કરતા શીખો,  કાલ સવારે પારકા ઘરે જવાનુ છે,  જાજુ ભણીને શુ કામ છે? " વગેરે વગેરે જેવી વાતોથી  સતત એ એહસાસ કરાવાય છે કે તું પારકી છે,  કાયમ અહીં નથી રહેવાની, 

                શ્રીલેખા ને પણ આમ જ તો રાખી હતી એના મમ્મી પપ્પા એ......    ત્યારે શ્રીલેખાને એમ હતું કે તેના પતિનું ઘર તો એનું જ ઘર ગણાશે ને???   પણ એની આ આશા સાવ ઠગારી નીકળી,  સાસુ સસરા ઘરના નાના મોટા નિર્ણયોમાં  હંમેશા એને  દૂર જ રાખતા,  એકવાર તો એણે  પોતે કાનોકાન સાંભળ્યું...  એના સાસુ શ્રીકાંત ને કહી રહ્યા હતા  કે વહુ દેખતા ઘરની બધી વાતો જાહેરમાં ન કરવી,  ગમે એમ તોય એ પારકી જણી છે... !!! 

                "પારકી જણી "   ખુબ ખુચ્યો આ શબ્દ શ્રીલેખાને,  અહીં પણ હું પારકી?????  હું તો બધાને મારાં પોતાના ગણું છું પણ મને કેમ કોઈ પોતાનું નથી સમજતું???  મારું કોણ??? 

                શ્રીલેખા જેવી અનેક સ્ત્રીઓ આપણા સમાજમાં હજી પણ છે અને એ દરેકના મનમાં એક જ સવાલ ઘૂમરાય છે...           

"મારું કોણ???? "

                

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ