વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના કાળમાં મારા અનુભવો

:- કોરોના કાળમાં મારા અનુભવો -: 

 

નમસ્કાર મિત્રો,

"કોરોના", " કોવિડ-૧૯" શબ્દ સાંભળતા જ આપણી નજર સમક્ષ વીતેલા ભયાનક વર્ષ ૨૦૨૦ના કારમાં દ્રશયો તરવરવા લાગે ! વષૅ પુરું થયું છતાં તેને યાદ કરતાં એવું લાગે જાણે આપણી પીઠ પાછળ બેઠેલો કોઈ ખૂંખાર દૈત્ય હજુયે અટ્ટહાસ્ય કરતો હોય ! એવી ડરાવની તસવીરો સર્જી ગયો હતો ને ! જેના થડકારા હજુ સુધી શમ્યા નહોતાં. લોકડાઉન,હોમકોરોન્ટાઈન,રેડ ઝોન, રેડ એલર્ટ, ઓનલાઇન પરમિટ, માસ્ક,સેનેટાઈઝર, બે ગજ દૂરી, વગેરે એવા એવા શબ્દો સાંભળવા મળ્યા જે ભાગ્યે જ કોઈએ પહેલાં સાંભળ્યા હશે ! સ્કૂલ, કોલેજ,રોડ,રસ્તાઓ, બજારો, કંપનીઓ બધું જ સૂમસામ ! જાણે કોઈ ગંભીર બનાવ નો શોક હોય ! બધું એવું ભેંકાર ભાસતું હતું કે એ યાદ કરતાં પણ રૂંવાડા ખડા થઈ જાય. ઘરે ટીવી માં નજર નાંખતા જ એવી હેડલાઇન્સ આવતી ને કે એ સાંભળતા જ રીતસર નો ધ્રાસ્કો પડે ! વતૅમાન સ્થિતિ ને જોઈ ગામમાં અને ફળીયામાં ઘરડા વડીલો છપ્પનીયા કાળના કારમાં દ્રશ્યો વાગોળતા અને કેટલીક વાર તો એ વખતના કપરાં અનુભવો રજૂ કરતાં નેં કે એકવાર તો એ લોખંડી માનવીઓને સલામ કરવાનું મન થઈ જાય ! 

 

     હું મારી વાત કરૂં તો ખરેખર ! એ દિવસો યાદ કરૂં છું ને તો એકપળ તો હ્રદય ધબકારો ચૂકી જાય ! આમ તો મારૂં વતન બનાસકાંઠા જિલ્લો પણ પ્રાથમિક શિક્ષક તરીકે વડોદરા જિલ્લામાં નોકરી કરતો હોવાથી છેલ્લા આઠ નવ વષૅથી અહીં કુટુંબ સાથે રહું છું. અમને અહીં શિક્ષક કવાટસૅ મળેલ છે. અહીં મારા જોડે બીજા બાર શિક્ષકો પણ કુટુંબ સાથે રહે છે, પણ એ બધા આજુબાજુના નજીક ના જિલ્લા ના હોવાથી એક બે જાહેર રજા હોય તો પણ એ બધા પોતાના વતનમાં આંટો મારી આવતાં. એક હું એકલો જ એવો હતો જે સ્થાનિક ની જેમ રહેતો હતો જેના બે કારણ હતા, એકતો મારું વતન ૩૦૦ કીમી દૂર હતું અને એમાંય હું ફેમિલી સાથે રહેતો હતો અને ઓછામાં પૂરું મારી એક બેબી છે જેને બસ બીલકુલ માફક ના આવે ! બસમાં જવાનું છે એમ સાંભળતાં પહેલાં જ ઉલ્ટીઓ કરવા લાગે !

 

               અમારી બાજુમાં રહેતા બીજા બધા શિક્ષકો તો લોકડાઉન જાહેર થતાં જ રાતોરાત પોતપોતાના વાહનો લઇ વતનમાં પહોંચી ગયા એટલામાં હું એકલો જ રહી ગયો. એવામાં અમારાં તાલુકાના મામલતદાર સાહેબ શ્રી દ્વારા કેટલાક પ્રાથમિક શિક્ષકો ને વિવિધ કામગીરી માટેના હુકમ કર્યા. જેવા કે પરપ્રાંતીયો ને મુકવા જવા, એમના માટે પરમિટ કઢાવવા, પ્રાથમિક શાળા ના બાળકો માટે આવતા મધ્યાહન ભોજન ના અનાજનું વિતરણ, જે તે ગામમાં સસ્તા અનાજની દુકાન પર વ્યવસ્થાપક તરીકે ની કામગીરી વગેરે...

 

         હવે, જેને હુકમ કર્યો હતો એ શિક્ષક તો હાજર નહોતા અને આવવાનું કહે તો લોકડાઉન નડતું હતું એટલે એ બધા મારા પર ફોન કરી અને એમની કામગીરી બજાવવા નું કહે. હવે શરમના માયૉ મારાથી એ બધાને ના કહેવાતું નહોતું એટલે એમની કામગીરી મારે બજાવવાની આવી. એવામાં મારે પણ કામગીરી નો હુકમ થયો. અમારી તાલુકા કચેરી ને પણ ખબર પડી કે હું અહીંયા જ છું બસ પછી તો મારા નામનો જ હુકમ કઢવા માંડ્યા. એવા એવા તો ૬-૭ હુકમ બજાવ્યા. વતન માં બા- બાપુજી ને ખબર પડતાં બિચારા બહું જ ચિંતા કરતા હતા પણ શું થાય ? વખત જ એવો હતોને કે કોઈથી ના કશું ના થઈ શકે ! 

 

           હું કામગીરી માટે ઘરથી બહાર નીકળતો ત્યારે મારી પત્ની, બે બાળકો પણ મારા ઉપર ખુબ જીવ બાળતા હતા. કેટલી બધી કાળજી રાખવી એ મને ઘરથી બહાર નીકળતાં વારે વારે યાદ કરાવ્યા કરતા હતા. હું પણ મનમાં તો ઘણોય ચિંતિત હતો પણ બહાર દેખાવા નહોતો દેતો. મનોમન વિચારતો હતો કે મારો તો વાંધો નથી પણ મારા બાળકો કે પત્ની ને જો ચેપ લાગ્યો તો હું અહીં એકલો શું કરીશ ? પણ ભગવાન નો પાડ કે એવું કશું થયું નહીં. બીજા મિત્રો અને સંબંધીઓ કે જેઓ પોત પોતાના ઠેકાણે પડી ગયા હતા એ બધા તો ફોન કરી કરી મને જાત જાતની સલાહો અને કટાક્ષ કરતા હતા, " એવી તો કેવી નોકરી છે તે નવરો જ નથી પડતો ?, અરે બધા આવે જ છે ને ભાઈ ! પણ જેને આવવું હોય એને ને ?, આને ડોઢડાહયો થવા નો શોખ છે." વગેરે વગેરે.. પણ એ બધા ને કેમ કરી સમજાવું કે અહીંયા હું કેવી પરિસ્થિતિમાં સપડાયેલો હતો.

  

        એમ કરતાં કરતાં પહેલું લોકડાઉન તો પુરું થયું. હવે આશા હતી કે આ વખતે તો વાહનો ચાલુ થાય એટલે ભાગી જ જાઉં પણ એ આશા પણ ઠગારી નીવડી ! પહેલું લોકડાઉન હજુ તો પુરું થાય એનાં પહેલાં જ વળી, બીજું લોકડાઉન જાહેર થઇ ગયું. હવે તો મારા બાળકો, પત્ની પણ કંટાળ્યા હતા. સાચું કહું તો હું પણ હવે તો નાસીપાસ થવા લાગ્યો હતો.

 " આ વખતે મામલતદાર કચેરીએ જવાનું થાય તો લાગ જોઈ મામલતદાર સાહેબ ને સાચે સાચું કહી ઘરે જવાનું પરમીટ મેળવવા નું જણાવી જ દઉં." એમ વિચારી હું મને ફાળવેલ કામગીરી બજાવવા લાગ્યો. સવારે ૮ થી ૨ વાગ્યા સુધી ફરજ બજાવી ઘરે આવતો. બપોર પછી મારા બાળકો જોડે મારા ઘરના ચોગાનમાં જ એમની સાથે થોડાગણી રમતો રમી લેતો જેથી એમને એકલું ના લાગે અને ઘરે જવાનું યાદ ના કરે. 

 

                  આમને આમ દિવસો વીતવા લાગ્યા. આખરે લોકડાઉન પુરૂં થયું અને અમારૂ કાયદેસર નું વેકેશન પણ જાહેર થયું. જાણે ભગવાને અમારી અરજ સાંભળી ! મેં આ તકનો લાભ લઈ એક દિવસ મામલતદાર સાહેબ ને આખરે વાત કરી જ દીધી. એમને પરમીટ તો ના આપ્યો પણ અમને કામગીરી માટે જે પાસ આપ્યો હતો એના આધારે ઘરે જવાની પરવાનગી આપી. મનમાં ચિંતા, શંકા અને ખચકાટ સાથે આખરે મેં ઘરે જવાનું નક્કી કર્યું. સાહેબ મંજૂરી આપી છે એ જાણી મારા બાળકો અને પત્ની તો ખુશી થી ઝૂમી ઉઠ્યા. એમને ક્યાં ખબર હતી કે મારી ખરી કસોટી તો હવે થવાની હતી.

 

       હું ઘરે આવી વતનમાં જવા માટે વાહનની શોધખોળ આદરી. આટલાં દિવસ ઘરે જવું હતું ત્યારે મંજૂરી નહોતી અને હવે મંજૂરી મળી તો કોઈ વાહન લઇ મુકી આવવા તૈયાર નહોતું. વળી પાછી નિરાશા !!! જેને પણ વાત કરતો તો એ બધા એમ જ કહેતા, " મુકવા તો આવીએ પણ પોલીસ પકડે તો...? ડંડા પડે એનું શું ? " અરે ઘરે જવા હું એટલો આતુર થયો હતો ને કે એમને મોં માગ્યું ભાડું આપવા તૈયાર થઈ હતો પણ કોઈ ના માન્યું. છેવટે અમારા બાજુમાં રહેતા એક બેનના કોઈ સંબંધી ભાઈ અમને ઘરે મૂકી આવવા તૈયાર થયો. એ ભાઈ ને મેં ગાડી ના તમામ કાગળો તૈયાર છે કે કેમ તેની ખાતરી કરી અને એ રાત્રે જ નીકળવાનો નિણૅય કર્યો. છેવટે મનોમન ભગવાન ને ખૂબ ખૂબ કરગરી, યાદ કરી રાત્રે નવ વાગ્યે ઘરે જવા નીકળ્યા. ૩૦૦ કીમી અંતર કાપવાનું હતું એટલે સ્વાભાવિક પાંચ થી છ કલાક સમય લાગે એમ હતું. રસ્તે નીકળ્યા તો ઠેર ઠેર પોલીસ ચોકીઓ નાખેલી હતી. માંડ પાંચેક કીમી ચાલીએ તો તરત બીજી ચોંકી આવી જ જાય ! જેટલીવાર અમારી નજરે પોલીસ ચોકી પડે કે તરત અમારા બધાનો જીવ પડીકે બંધાઇ જતો. ચોકી નજીક પહોંચતા જ પોલીસ કર્મીઓ એવી રીતે અમારી ગાડી ઘેરી વળતા ને જાણે કોઈ મોટો આતંકવાદી ઝડપાયો હોય ! આટલાં બધો‌ પોલીસ સ્ટાફ જોઈ અમે બધાં ખૂબ જ ડરી જતા કારણ કે એ વખતે સોશ્યલ મીડિયા પર એવા એવા વીડિયો ફરતા થયા હતા જેમાં પોલીસ બહાર રખડતા લોકો ને બેફામ લાઠીચાર્જ કરતાં હતાં. એ બધાને જોઇ મને મનમાં થતું કે," ભલે ગાડી રોકે પણ ચોખવટ કરવાનો‌ એકાદ મોકો આપે તો પણ બસ ! બસ ડંડાવાળી ના કરે !! આટલાં ડર વચ્ચે પણ હું ઈશ્વર... ઈશ્વર...કરતો મન મજબૂત કરી જ્યાં રોકે ત્યાં વિનંતી કરી વિનમ્રતાથી મારી ઓળખ આપી પેલો પાસ બતાવી ઘરે જવા દેવાની અરજ કરતો હતો. કેટલાક એ પાસ ને નકામો અને ગેરકાનૂની ગણાવતા હતા ત્યાં હું સાવ અજાણ્યો અને ગરીબડો બની કાકલૂદી કરતો હતો. મને આજદિન સુધી કોઈ પોલીસ કર્મીનો કોઈ અનુભવ નહોતો છતાં પણ એ બધાને સમજાવવામાં અને મારી વાત એમના ગળે ઉતારવામાં હું સફળ રહ્યો.

 

           છેવટે મજધારે ઝંઝાવાત માં અટવાયેલા વહાણ ની જેમ અમારી ગાડી હાલકડોલક થતી થતી જાણે કિનારે પહોંચી ! હું મારા જિલ્લામાં દાખલ થયો ત્યારે એવું લાગ્યું જાણે સીમા પર મોટી જંગ લડી સહીસલામત જીતી પાછો આવ્યો હોય ! જે અંતર પાંચ છ કલાક માં કપાઈ જવાનું હતું એ અંતર કાપતાં અમને નવ કલાક લાગ્યા. રાત્રે નવ વાગ્યે નીકળેલા અમે બીજા દિવસે સવારે છ વાગ્યે પહોંચ્યા. ઘરે જતા બા-બાપુજી અમને ચૂપચાપ ઘરમાં લઈ જવા લાગ્યા પણ મેં આગાઉથી બા ને ફોન કરી નાહવા માટે ગરમ તૈયાર જ રખાવ્યું હતું મેં બધાને સમજાવી ફટાફટ નાહી નાંખવા જણાવ્યું. થોડીવાર માં બધા નાહી પછી જ ઘરમાં ગયા. અમને ઘરે આવ્યે કલાક થવા આવ્યો છતાં પણ ઘરમાં કોઈ શોર બકોર નહોંતો થતો. મારા બા-બાપુજી દર વખતે અમને આવેલા જોઈ હરખથી ઝૂમી ઉઠતા, સામે મારા બાળકો અને અમે બધાં પણ શોર બકોર, કિલકારીઓ કરી મુકતાં એ બધાં આજે સૂનમૂન હતાં.

 

                 આખી રાત મુસાફરી થી થાકી લોથ પોથ થયેલા હોવાથી અમે બધા ખાટલામાં આડા પડતાં જ ઘસઘસાટ ઊંઘી ગયા બપોરે જમવાનો વખત થતાં બા એ બધાને જગાડ્યા. અમે ચારેય જણ જમવા બેઠા હતા એ જ વખતે ફળીયાના બે ચાર માણસો આવી કહેવા લાગ્યા, " ભાઈ ! હમણાં બે ચાર દિવસ ગામમાં ના જતો અને કોઈ ને કહેતો નહી કે અમે વડોદરાથી આવ્યા છીએ. કોઈ પુછે તો કહેવાનું અમે તો ક્યારનાય અહીં જ છીએ."

મેં તરત જ મનાઈ ફરમાવી દીધી. કહ્યું કે, " આમાં છૂપાવવા જેવું શું છે ? એક સમજદાર નાગરિક તરીકે આપણે સરપંચ શ્રી ને જાણ કરવી જ જોઈએ. ઉલટાનું જાણ કરવાથી આરોગ્ય કર્મી દ્વારા આપણી તપાસ થશે અને ખબર પડશે કે આપણને ચેપ લાગ્યો છે કે કેમ !" જો કે એ બધાને તો આ વાત ગમી નહોતી પણ મેં જમી લીધા પછી તરત જ અમારા ગામના સરપંચ શ્રી ને જાણ કરી. એમને થોડી જ વારમાં તલાટી કમ મંત્રી પાસે ફોન દ્વારા અમારી માહિતી નોંધાવી અને કલાકમાં તો ગામમાં જ આવેલી સરકારી સીવીલ હોસ્પિટલમાંથી બે કર્મચારી આવી અમારી તપાસ કરી, જરૂરી સુચનાઓ આપી ચૌદ દિવસ હોકોરોન્ટાઈન નું બોર્ડ લટકાવી ગયા.

 

            દર બીજા ત્રીજા દિવસે આરોગ્ય કર્મીઓ સતત અમારા ખબર લેવા આવતા, રૂબરૂ શક્ય નાં હોય એ દિવસે ફોન કરી ને પણ માહિતી લેતાં. આમ કરતા કરતા છેવટે એ દિવસ આવી જ ગયો જેની અમને બધાને તાલાવેલી હતી. ચૌદ દિવસ પૂર્ણ થતાં જ હું બધાને લઈ સીવીલ માં હાજર થઈ ગયો. ત્યાં ના ડૉક્ટરે બધી તપાસ કરી અમને પ્રમાણપત્ર આપ્યું એટલે એવું લાગ્યું જાણે મને મારી આઝાદી મળી રહી હતી...બસ...બસ... ભગવાન આવા દિવસો કોઈને પણ ના બતાવે....જો કે મને તો વાચવા લખવાનો શોખ હોવાથી હોમકોરોન્ટાઈન નો સમય મને તો વધું કપરો ના લાગ્યો...એ નવરાશ ના સમયમાં પણ ઘણુ વાંચન લેખન કરી દીધું હતું...એમાંની એક રચના અહીં મુકું છું આશા છે આપ સૌ ને જરૂર ગમશે..✍️✍️

 

***** નહોતી ખબર *****

 

આવો પણ આવશે સમય નહોતી ખબર !

માણસને માણસનો લાગશે ડર નહોતી ખબર !

 

ઘર ચલાવનારને ઘરે બેસવુ પડશે નહોતી ખબર !

ફરતો ફાની* ઉંબરે કેદ શાણો હશે નહોતી ખબર !

 

જરાક અડકતાં થાશે બધું ધૂળ નહોતી ખબર !

ભેટતા પરસ્પર ભોકાશે મોટી શૂળ નહોતી ખબર !

 

અંબર આંબતા માનવીને ખરવું પડશે નહોતી ખબર !

વિજ્ઞાનની દુનિયામાં શ્રધ્ધાએ બેસવું પડશે નહોતી ખબર !

 

ધવલ ચીરમા મા'દેવ કળાશે નહોતી ખબર !

દવાખાના મંદિર સરીખા લેખાસે નહોતી ખબર !

 

દિનરાત ગતિમાન ભુવન ઠપ્પ થશે નહોતી ખબર !

દાડીના પેટનો ખાડો ખાલી રહી જશે નહોતી ખબર !

 

ભલે કર્યું દીનાનાથ ! પરિવારનો સહવાસ મળ્યો

એક જ પળમાં ભાન કરાવશો નહોતી ખબર !

 

( ફાની - નકામો )

 

                  - વિજય વડનાથાણી...✍️✍️✍️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ