વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વોટ્સઅપ સ્ટેટસ

અલવીદા 2020 

2020(વિષ-વિષ) સંસ્મરણ અને મીઠો અનુભવ

2020નું કોરોના વર્ષ કસોટી કરતું ગયું અને અણધારી પરિસ્થિતિઓ સામે કેવી રીતે ટકી રહેવું એ શીખવાડી ગયું. અસફળતા અને તકલીફોના પરિક્ષાત્મક કાળનો આ જ ફાયદો હોય છે કે મુશ્કેલી ભર્યા દિવસો પણ અનુભવો તો મીઠાં જ આપી જાય. સફળતાની સરખામણીએ નિષ્ફળતા વધુ શીખવી જાય. પરંતુ ઘણી વખત એવું પણ બને કે ઘણા લોકો એકધારી નિષ્ફળતાથી હતાશ થઈ જીવન ટૂંકાવવાનો રસ્તો અપનાવી લે છે. મારી દ્રષ્ટિએ આત્મહત્યા કરવાં જેટલું અઘરું કામ કોઈ નથી. જીવન જીવવાની હિંમત ન કરનાર વ્યકિત મરવાની હિંમત ક્યાંથી મેળવી લે છે એ સવાલ મને હંમેશા મૂંઝવે છે. કોરોના સામે દરેક પ્રકારની લડત આપતા આપતા અસંખ્ય લોકો હોમાઈ ગયા એનાથી ઊલટું કેટલાકે હતાશ થઈ આપઘાતનો આશરો લીધો. ઘણી નામી અને અનામી વ્યકિતઓએ આત્મહત્યા જેવું સ્વાર્થી પગલું ભરી સ્વજનો, દોસ્તોને આઘાત આપ્યાં. એવીજ એક દુઃખદ ઘટના અટકાવવાનું સદ્દકાર્ય મીઠો અનુભવ આપતું ગયું,જેને હું આપ સહુ સમક્ષ રજૂ કરી રહી છું.

******************************************

રાતનું જમવાનું પતાવીને હું મોબાઈલ હાથમાં લઈ સોફા પર બેઠી અને અનાયાસે જ આંગળીનાં ટેરવાં ગાના મ્યુઝિકલ એપ પર ટચ કરે એ પહેલાં જ સ્ક્રીન પર તરવરી રહેલાં વોટ્સએપ મેસેજ પર નજર પડી. અચાનક ખ્યાલ આવ્યો કે કામની વ્યસ્તતામાં સવારથી વોટ્સએપ ખોલ્યું જ નથી. મેસેજનો ખડકલો જોઈ કંટાળો આવ્યો પણ થયું મહત્વના મેસેજ જોઈ લઉં પછી મનગમતું સંગીત સાંભળું. મહત્વનાં મેસેજનાં જવાબ આપી અમુક વોટ્સએપ સ્ટેટસ જોવા લાગી. હું બધાં તો નહિ પણ અમુક સ્ટેટસ કુતૂહલ વશ જોઈ લઉં. ઘણી વખત એવું બનતું હોય કે તમે એક સ્ટેટસ જોતાં હો અને તેનાં પછીનું સ્ટેટસ ન ઈચ્છવા છતાં જોવાઈ જાય અને કંઈક એવી જ રીતે મારી નજરો એ સ્ટેટસ જોઈ રહી.

બે માસૂમ અને ભોળી પરંતુ થાકેલી આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં જાણે હોડ કરી રહ્યાં હોય કે કોણ પહેલું ગાલ પર પ્રસરે. ભાગ્યેજ કોઈ સ્ત્રી હશે કે જે પુરુષના આંસુથી વિચલિત ન થાય. ભલે પછી એ પુરુષ પિતા, ભાઈ, પતિ, પુત્ર, દોસ્ત કે પ્રેમી સિવાયનો અજાણ્યો વ્યકિત કેમ ન હોય! પુરુષના આંસુ સ્ત્રીનાં હૃદયને ભીંજવીને જ રહે (સ્વાનુભવ). મારું મન પણ થોડું વિચલીત થયું કે આવું સ્ટેટસ કોનું છે જે દુનિયાને પોતાનાં આંસુ બતાવી હમદર્દીની ચાહ રાખે છે!

ઉત્સુકતાવશ ચેક કર્યુ તો મોબાઈલ નંબર એ.એમ.સી. એન્જિનિયરના નામથી સેવ  કર્યો હતો. ડિસ્પ્લે પિક્ચર બ્લેન્ક હતું. કોણ હોઈ શકે? મન વિચારે ચડ્યું.

હું એક ટેક્ષટાઇલ ઇન્ક મેનુફેક્ચરિંગ કંપનીમાં લેબ ઈનચાર્જ તરીકે ફરજ બજાવું છું. લેબનાં મશીન મેન્ટનન્સ માટે વાર્ષિક કરાર મુજબ એ.એમ.સી માટે ઘણાં એન્જિનિયર આવે છે. દરેક મશીન માટે અલગ એન્જિનિયર આવે અને દરેક વખતે અલગ વ્યક્તિ હોય,આ કોણ હોઈ શકે? વધુ વિચાર્યા વગર મેં એમનાં સ્ટેટસ પર રીએક્ટ કર્યું અને એક મેસેજ કર્યો,

"આંસુ?"

"હા", સામેથી જવાબ આવ્યો.

"કેમ?"

"મને લાગે છે કે હું સારો માણસ નથી."

"એવું લાગવાનું કોઈ કારણ?"

"કારણકે હું બધાં નિયમોનું ચુસ્તપણે પાલન કરું છું, બધાંને ખુશ રાખવાની કોશિશ કરું છું."

"તો પછી તમે ખરાબ માણસ હોઈ જ ન શકો."

"પણ હું ખરાબ છું. માફ કરશો, હું તકલીફનું ચોક્કસ કારણ તમને નહિ જણાવી શકું."

"મારે જાણવું પણ નથી, પરંતુ એક સવાલ જરૂર પૂછીશ. તમને ખુદને એવું લાગે છે કે કોઈ તમને એવું મહેસૂસ કરાવે છે?"

"ના, મને એવું લાગતું નથી પરંતુ આસપાસની દરેક વ્યક્તિ મને એવું સ્વીકારવા મજબૂર કરી રહી છે. આજે થાકી હારીને આખરે મેં એ વાત સ્વીકારી લીધી, અને તમે જે ન હો એ તમને સ્વીકારવું પડે ત્યારે મજબૂત હૃદય પણ રડી ઉઠે."

"બીજાં તમારાં વિશે શું વિચારે છે એનાથી તમને કોઈ ફરક ન પડવો જોઈએ."

"હા, જાણું છું. પારકાનું તો સમજી શકાય, અવગણી પણ શકાય પરંતુ મારાં પોતાનાં મારાં વિશે શું વિચારે છે એનાથી મને નિસ્બત છે અને એમની અવગણના અસહ્ય દર્દ આપે છે જ્યારે તેઓ પારકાનું માની મને જજ કરે છે."

"ખોટું વિચારી રહ્યાં છો અને ચિંતા પણ અયોગ્ય છે. સમય સમયનું કામ કરે જ છે. દરેકને સમય આવ્યે સત્યનો અહેસાસ થાય છે એમને પણ થશે. ધીરજ રાખો અને બસ સચ્ચાઈના રસ્તે આગળ વધતાં રહો."

"કહેવું આસાન છે અનુસરવું અઘરું. પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા થાકી ગયો છું. ઉપરથી કોરોનાની મહામારીએ મારું જીવન ધ્વસ્ત કરી નાંખ્યું. હવે જીવવાની કોઈ ઈચ્છા જ નથી. જેમને પોતાનાં સમજ્યાં હતાં એમને મારાં આંસુઓથી કોઈ ફરક નથી પડ્યો તો કોના માટે જીવું? મન તો થાય છે કે આ લોકલ ટ્રેનના ટ્રેક પર આવતી ટ્રેન સામે ઝંપલાવી દઉં..."

"નહિ..... પ્લીઝ ડોન્ટ. એક કામ કરો તમારી ગમતી વ્યક્તિને યાદ કરો અને વિચારો કે શું તમારી ગેરહાજરીથી એને ફર્ક પડશે કે નહિ?"

શરીરમાં કંપારી પ્રસરી ગઈ.મારી સમક્ષ એક અંજાન વ્યક્તિ મરવાની વાત કરી રહ્યો છે.પોતાની તકલીફ પણ નથી જણાવતો, બસ હતાશામાં ગરકાવ થઈ પરિવારનો વિચાર કર્યા વગર સ્વાર્થભર્યું પગલું ભરી રહ્યો છે અને મારે એને એ કરતાં અટકાવવાનું છે. શું કરું શું ન કરુંની ગડમથલમાં પરેશાન હું આમતેમ આંટા મારવા લાગી. એક અણધારી અસહ્ય ક્ષણ મનુષ્યને જીવનથી હરાવી આપઘાત માટે મજબુર કરતી હોય છે. બસ એ ક્ષણ સચવાઈ જાય તો ઘાત ટાળી શકાય. 2020 ઘણાની જિંદગીમાં ઝંઝાવાત ભર્યું રહ્યુ હોવાથી મને અજાણ્યાં વ્યક્તિની પણ ચિંતા થઈ રહી હતી. મેં એમને વાતોમાં ઉલઝાવી થોડી પ્રેમાળ વાતો કરી ગુમરાહ કરવાની કોશિશ કરી.

"અચ્છા... દોસ્ત (પોતાપણું ફીલ કરાવડાવે એવો જાદુઈ શબ્દ) એક વાત જણાવશો? તમારાં પરિવારમાં કોણ કોણ છે?"

"માતાપિતા, પત્ની અને મારી વ્હાલી ઢીંગલી."

"અને એક ગર્લફ્રેન્ડ રાઈટ....."(થોડાં નોટી ઈમોજી મોકલ્યાં)

"શું તમે પણ.....! અહિયાં મુસીબતો પીછો નથી છોડતી ત્યાં ક્યાં સામેથી વધુ ઊભી કરવી." (જવાબ સાથે એંગ્રી ઈમોજી)

"મને એમકે તમારાં જેવા હેન્ડસમ અને ગુડ લુકિંગ મેનની ગર્લફ્રેન્ડ ના હોય એવું બનેજ નહિ! અને તમે પહેલાં પુરુષ હશો જેને ગર્લફ્રેન્ડ મુસીબત લાગે છે બાકી મને જાણ છે ત્યાં સુઘી પુરુષોને તો પત્ની જ મુસીબત લાગે."

"પ્લીઝ... સ્ટોપ ઇટ (એન્ગ્રી ઈમોજી), આઈ લવ માય વાઇફ."

"ઓકે ઓકે.... આઈ એમ જસ્ટ જોકીંગ, સોરી.( હું મુળ વાત પર આવી) તો પછી ઇડિયટ જેવા વિચારો કેમ કરો છો? અને ઉપરથી તમે તો નસીબદાર પણ છો, દીકરીનાં પિતા! એ તમારી રાહ જોઈ રહી હશે અને થોડું વિચારો તો... કે એ તમારી કેટલી આતુરતાપૂર્વક રાહ જોતી હશે! તમારા ઈંતજારમાં એ માસુમ આંખો થાકીને પોઢી જવાની તૈયારીમાં હશે. એક માને ઊંઘ નથી આવતી જ્યાં સુઘી દીકરો હેમખેમ ઘરે ન પહોંચે. સવારે જ્યારે તમારાં મૃત્યુનાં સમાચાર મળશે ત્યારે તમારાં પત્ની અને માતાપિતાની શું હાલત થશે? કેટલીય જિંદગીઓ તમારાં પ્રેમ અને કવચ હેઠળ સુરક્ષિત જીવન જીવી રહી છે, એમનું શું થશે? સ્વાર્થી ન બનો, ઘરે જાઓ. કાલનો સૂરજ નવી આશાઓ સાથે જગાડશે.જીવન જીવવામાં જે ખુમારી છે  એ આપધાત કરવામાં નથી."

"યેસ, આઈ અગ્રી બટ...."

"હવે કિંતુ પરંતુ છોડો અને જલ્દી ઘરે પહોંચો નહિ તો હવે હું ગુસ્સે થઈશ. ઘરે પહોંચીને તરત તમારી ક્યૂટ ડૉલ અને સુંદર વાઇફ સાથે એક મસ્ત સેલ્ફી પાડીને મને મોકલો જેથી હું પણ શાંતિથી ઊંઘી શકું."

"એક સવાલ પૂછું?"

"હા પૂછો?"

"એક અજનબી માટે આટલી ચિંતા!"

"માનવતા કહી શકો, કદાચ થોડાં કલાકોની આપણી ઓફિસિયલ મુલાકાત તમારી આ નાસમજ ભરી ક્ષણને સાચવવા માટે જ ભગવાને સર્જી હશે એટલે હું કહીશ કે આપણે અજનબી નથી.બી પોઝીટીવ એન્ડ બી હેપ્પી. ગોડ બ્લેસ યુ."

"થેંક યુ મેમ ફોર યોર કન્સર્ન."

"ઇટ્સ ઓકે, ટેક કેર, ઍન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સેન્ડ મી યોર સેલ્ફી."

"યા, સ્યોર મેમ."

******************************************

હાશ..... છોકરો આખરે માની ગયો. એકાદ કલાક બાદ સેલ્ફી પણ મળી ગઈ અને હું શાંતિથી સુઈ શકી. સેલ્ફી જોયા બાદ હું એને ઓળખી શકી. એક મહારાષ્ટ્રીયન યુવક, જે Brookfield કંપનીમાં મેન્ટનેન્સ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.એક પ્રામાણિક અને મહેનતુ એમ્પ્લોઇ.એને ઓળખ્યાં પછી  વિચાર આવ્યો કે પ્રામાણિકતાને સાબિત કરવામાં એ હારી ગયો હશે અને હતાશામાં આવું પગલું ભરવા વિવશ થયો હશે.

હકીકત જે પણ હોય આપઘાતના સમાચાર મને એક અસહ્ય આઘાત આપે છે ભલે પછી એ વ્યકિત જાણીતી હોય કે અજાણી, રાતોની ઊંઘ વેરાન કરી જાય છે. કેટલાંય દિવસો બેચેનીમાં પસાર થાય છે. જલ્દી એમાંથી બહાર નથી નીકળી શકાતું.

કોરોના કાળના આ વર્ષમાં મેં મારાં જ એપાર્ટમેન્ટમાં બે વ્યકિતના આપધાત જોયાં છે એક 35 વર્ષના યુવાને પંખે લટકીને રાત્રે 12 વાગ્યે આત્મહત્યા કરી હતી અને બીજાં એક 80 વર્ષનાં માજીએ સવારે 9 વાગ્યે અગાશી પરથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. બંને કેસમાં કારણ હજી પણ જાણી નથી શકાયું.બંને ઘટનાઓની યાદ આજે પણ ધ્રુજાવી જાય છે. નથી સમજાતું કે આટલાં સશક્ત માનવીને એક ક્ષણ કેમ પામર કરી જાય છે?

પણ આજે મને પરમ શાંતિનો અનુભવ થાય છે કે એ દીવસે હું એક યુવાનને આપઘાત કરતાં રોકી શકી.અને આપ સૌ મિત્રો સાથે શૅર કર્યા બાદ વધુ હળવાશ તેમજ એક સત્કર્મ કર્યાની ખુશી અનુભવી રહી છું.


છાયા ચૌહાણ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ