વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિહિકાનું અંતરિક્ષયાન

નિહિકા બહુ ખુશ છે. તેને એક એવા યાનની જાણકારી મળી છે જે તેને અંતરિક્ષમાં લઈ જઈ શકે છે. તે ખાસ બાળકો માટે બનાવવામાં આવેલું છે. તે એક દિવસનો પ્રવાસ કરાવે છે. તે પણ એકદમ મફતમાં, નિહિકાને કોઈ પાસે પૈસા માંગવા નહીં પડે. બસ, પોતાનો વારો આવે તે રોજ દિલથી રાહ જોવી પડશે.

              છેવટે ઈન્તેજારીનો અંત આવ્યો. તેની સામે એક યાન હતું. તેના પર અંતરિક્ષયાન લખેલ હતું. બાળકોને ગમી જાય તેવા રંગ બેરંગી રંગોથી રંગવામાં આવેલું હતું. અને બાળકોને ગમે તેવી બીજી ઘણી ચીજો પણ તેમાં હતી.

            નિહિકાએ આમ તેમ જોયું. જયાંથી અંદરની તરફ જોઈ શકાતું હતું ત્યાંથી જોવાની કોશીશ કરી. પણ અંદર કોઈ દેખાયું નહીં. યાનનું મશીન ચાલુ હતું. નિહિકા ગડમથલમાં હતી. તેવામાં તેના કાને એક ઘોઘરો ભારે અવાજ સંભળાયો. ‘આવ બેસ... આવી જા.’ નિહિકાને કંઈ સમજ પડતી નહતી. પણ એ બહાદૂર હતી. તેથી તે ડરે એમ તો હતી જ નહીં. ફરીથી અવાજ આવ્યો. ‘અંતરિક્ષમાં જવું છે ને....તો ચાલ.’ નિહિકાએ હવે જોરથી પુછ્યું ‘તમે કોણ છો ? દેખાતા કેમ નથી.’

               ‘કેવો સવાલ કરે છે ?’ ફરી ભારે અવાજ આવ્યો.

        ‘તમારો અવાજ આવે છે પણ તમે દેખાતા કેમ નથી.’ નિહિકાએ ચીંતા ભર્યા સ્વરે કહયું.

        ‘ઓહ! હું તારી સામે તો છું. અંતરિક્ષયાન’ ફરી ભારે અવાજ આવ્યો.

        ‘એય યાન ?’ નિહિકાના મોંમાંથી અવાજ નીકળ્યો.

        ‘યાને, હંસીને કહયું હાં, હું સ્વયંસંચાલિત અંતરિક્ષયાન છું. સ્વનિર્ભર પણ.. હું ગમે ત્યાં જઈ શકું છું.’ અને માણસોની કોઈપણ ભાષામાં વાત કરી શકું છું.

       ‘અચ્છા’ નિહિકા બોલી.

       ‘હું તો બસ બે ભાષા જાણું છું. મારી માતૃભાષા અને અંગ્રેજી પણ હાં મને મારી માતૃભાષા પર ખુબ ગર્વ છે. તમારી માતૃભાષા કઈ છે?’ નિહિકાએ વાત પુરી કરી.

       ‘હું યાન છું મારો જન્મદાતા મનુષ્ય છે. જેથી દરેક મનુષ્યની ભાષા મારી માતૃભાષા છે. હું સૌનો છું. અને સૌ મારાં છે. મારે કોઈ પ્રત્યે કંઈ ભેદભાવ નથી. જે રીતે પૃથ્વી સૌની છે. તેમ અંતરિક્ષ પણ સૌનું છે. અને હાં મોટેરાં ઓ પણ બાળક હોય ત્યારે સૌના હોય છે. હવે તો હું પશુ-પક્ષીઓ, જીવજંતુઓની ભાષા પણ શીખી રહયો છું.’ યાને ખુશ થતાં કહયું.

        નિહિકાને યાન અને તેની વાતો બહુ મજેદાર લાગી. તેણે વિચાર્યું કેવો સરસ વિચાર છે હું સૌનો છું ને સૌ મારાં છે. નિહિકાએ હવે રાજી થઈ ઠેંકડો મારતાં યાનને પુછ્યું ‘તો હવે જઈશું ?’

       ‘હાં, પણ જરા ઠહેર, તારે મારી એક વાત માનવી પડશે.’ યાનના ભારે અવાજમાં થોડી ઉદાસીનતા હતી. ‘શું?’ નિહિકાએ જરા ગંભીર થઈને પુછ્યું.

             ‘વાત એમ છે કે તું તારી સાથે કોઈ સમાચાર પત્ર એટલે કે છાપું લેતી નહીં.’ યાને પોતાની મુંઝવણ સાથે કહયું. નિહિકા ફરી ચોંકી અને પુછ્યું ‘યાન ભાઈ એવું કેમ ?’ યાને કહયું એ માટે કે અંતરિક્ષમાં ધરતીના માણસોની ભેદભાવવાળી વાતોની કોઈને શંકા જવી જોઈએ નહીં. સારી વાતોની જગ્યાએ ખોટી વાતોને લોકો તરત જ અપનાવી લેતા હોય છે. સમજીને, ખાસ બાળકો માટેના યાન એ માટે જ બન્યાં છે કે સૌ સાથે પ્રેમ અને ભાઈચારાનો સંદેશ અંતરિક્ષમાં બાળકો જ સારી રીતે ફેલાવી શકે. અને હાં સાથે જો લેવાં હોય તો તું બાળ સાહિત્યનાં સારાં પુસ્તકો જરૂરથી લઈ લેજે. ત્યાંના લોકોને પણ ખબર પડે કે બાળ સાહિત્યમાં સમજદારીની અને કેવી સારી સારી વાતો આવે છે. યાનની વાતો સાંભળવી નિહિકાને બહુ ગમતી હતી. તે પોતે બાળકી હોવાનો તેને ગર્વ થઈ રહયો હતો. તેને એ બધાં મોટેરાંઓ પણ યાદ આવતાં હતાં જે તેની સાથે બાળક બની મોજ મજા કરતાં હતાં. જયારથી ભણવાનું શરૂ કર્યું છે ત્યારથી તેને પણ બાળ સાહિત્ય ખુબ ગમવા લાગ્યું છે. તેણે કહયું ‘સારું યાન ભાઈ તમે કહો છો તે મને મંજૂર છે.’

          યાનને હવે નિરાંત થઈ તેણે રાજી થતાં કહયું તો નિહિકા હવે હું તૈયાર છું. બસ થોડી વાતો હજુ તારે સમજવી પડશે. જરા અંદર આવી જા. નિહિકા અંદર ગઈ. યાને વાત આગળ વધારી. ‘તારી તબિયત તો એકદમ બરાબર છે. અને તું ગભરાય એવી પણ છોકરી નથી એવું મને લાગે છે. તું તારો નિર્ણય પણ ઝડપથી લઈ શકે તેવો તારો સ્વભાવ મને લાગ્યો છે. પરંતુ અંતરિક્ષમાં પૃથ્વી જેવું વાતાવરણ નથી. એક તો ત્યાં તારે ઝુલતા રહેવું પડશે. પગનું કંઈ કામ નહીં પડે. ઉડતી રહીશ. તરતી હોય એમ, શરૂ શરૂમાં ઉબકા પણ આવે અને શરીર ભાર વગરનું લાગે. આ જો તારે સુવા માટે ખાસ પ્રકારની પથારી છે. ગમે ત્યાં સુઈ નહીં શકાય સમજી.’

           ‘હાં સમજી ગઈ.’ નિહિકાએ યાનની વાત સમજતાં કહયું અને પુછ્યું પણ ખરું ‘અને આ શું?’ નિહિકાએ એક વિશિષ્ટ પોષાક બતાવ્યો.

         ‘આ ને ? અરે હાં, આ ખુબ જ જરૂર ચીજ છે. તેને અંતરિક્ષ સૂટ કહેવામાં આવે છે. તે ઓકસીજન યુક્ત છે. તેને પહેરી લે. અંતરિક્ષમાં એ તને સલામત રાખશે. તેને ખોલીશ તો શરીર ફાટી શકે છે. તેથી ખુબ સાવધ રહેજે. બીજી એક વાત ?

           તે વળી શું ?’ નિહિકાએ ઉત્સુકતાથી પુછ્યું. યાને હસીને તેની સાથે મજાક મસ્તીમાં કહયું ત્યાં તને ભાવતું હોય એવું ખાવાનું નહીં મળે ? તેમાં પણ કોળીયો ભરી શકાય એવો ખોરાક તો બીલકુલ નહીં મળે.

          ‘એવું કેમ ?’ નિહિકાએ પુછ્યું.

           ‘અરે, બચ્યુ એ કંઈ તમારી ધરતી નથી. જે દરેક ચીજને ઉછાળો ને પોતાની તરફ ખેંચી લે. ત્યાં તો તારાં આંસુડાં પણ નીચે નહીં પડે. ખાવાની ચીજના ટૂકડા હોય તો તે તરવા લાગે. જે તારી આંખોમાં પણ પડી શકે. તેથી ત્યાં તારા માટે ખાસ પ્રકારનું જમવાનું હશે.’ યાને કહયું.

          ‘યાનભાઈ, હવે બસ કરો, કેટલું બોલ બોલ કરો છો. કેટલી વાતો સમજાવશો. ચાલો હવો મને અંતરિક્ષમાં લઈ જાવ. મને બધું જ મંજૂર છે.’ નિહિકાએ જરા ઉતાવળા થતાં કહયું છતાં યાને ધીરજપૂર્વક જવાબ આપ્યો. ‘જો, નિહું, દરેક નવું કંઈ કરતાં પહેલાં પુરી તૈયારી પણ કરવી જોઈએ. અને સાવચેતી પણ રાખવી જોઈએ. ત્યાં આકાશ વાદળી નહીં કાળું દેખાશે. અને હાં એક વાત બીજી પણ જાણી લે. અંતરિક્ષમાં હવા હોતી નથી. ત્યાં બુમો પાડો તો પણ સંભળાય નહીં.’

         ‘એવું ?’ નિહિકાને આશ્વર્ય થયું. તે બોલી એવું હોય તો કેવું સારું કે સારી વાત સાંભળીએ અને ગંદી અને કોઈ ધમકાવે તો સાંભળીએ જ નહીં.

          યાન હંસી પડ્યું. અને બોલ્યું ‘બની શકે કે આગળ જતાં એવું બને પણ અત્યારે ચાલો.’

           ચાલો, પણ હજું એકાદ મજા આવી વાત કરી દો. ‘નિહિકાએ ખુશ થઈ કહયું. યાન બોલ્યું.’ તો સાંભળ, અંતરિક્ષમાં પણ એક જાદુ હોય છે. જો કોઈ ધાતુની બે ચીજોને અડકાવો તો ચોંટી જાય છે. હંમેશા માટે જોડાઈ જાય છે. નિહિકા ચોંકી ગઈ. અંતરિક્ષયાન તેને લઈને નીકળી પડ્યું.    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ