વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડર

 

              એલાર્મ બરાબર સમયસર વાગ્યું. આંખો ચોળતાં કિરણે ઘડીયાળ તરફ જોયું. એક વાગવા આવ્યો હતો. બાપુજીની બસ રાત્રે બે વાગ્યે ગામ નજીકના બાયપાસ રોડે આવવાની હતી. તેણે લાઈટની સ્વીચ પાડી. એલ.એઈ.ડી. લાઈટના પ્રકાશથી આખો ઓરડો ઝળઝળ થઈ રહયો. ગામની શેરીમાં કુતરાંઓના ભસવાના અને રડવાના અવાજો આવી રહયા હતા. કિરણ ડરપોક નહોતો. પરંતુ જરા અસહજ જરૂર થઈ રહયો હતો. તે ધીરે ધીરે આંગણામાં આવ્યો. ડોલમાંથી ખોબો ભરીને પાણી લઈ મોં પર છાંટ્યું. આંખો ખુલતાં ચંપલ શોધ્યાં. ટોર્ચ લીધી. સાયકલ કાઢી અને ઘેરથી નીકળ્યો. આજે કિરણને પોતાની બહાદૂરી સાબિત કરવાની હતી. આમ તો બાપુજીએ ખુદ તેને ના પાડી હતી કે રાતે બે વાગ્યે તેમને લેવા ન આવે. પરંતુ કિરણ જાણે કે નિશ્વય કરી બેઠો હતો. તે બતાવી દેવા માંગતો હતો કે તે મોટો અને સમજું થઈ ગયો છે.

              સાયકલના પેડલ મારતો કિરણ ડરી પણ રહયો હતો. કુતરાઓના ભસવાના અવાજો હવે નજીક આવી રહયા હતા. તેનાથી તેનો ભય વધી રહયો હતો. તેને એમ થયું કે તેણે નીકળતાં ખિસ્સામાં બે ચાર રોટલીઓ નાંખી લેવી જોઈતી હતી. જેનાથી કૂતરાઓને શાંત કરી શકાય. જેમ જેમ તે આગળ વધતો હતો તેમ ભય પણ આગળ વધતો હતો. પંચાયતે બીલ ન ભરવાને કારણે સ્ટ્રીટ લાઈટો બંધ હતી.

              ‘આ બાપુજી પણ શું... અરે તે દિવસની બસમાં પણ આવી શકતા હતા.’ તે ખુદ એકલો એકલો બોલી રહયો હતો. ના....ના.... ભલે રાતના બે વાગી જાય પણ સુવાનું તો પોતાના ઘેર જઈને જ. બાપુજીના નિયમ બાપુજી જાણે... બાપુજીએ તો મને ના પાડેલી કે ન આવતો. પણ એતો મારી જ ભૂલ કહેવાય કે મેં કહેલું કે હું તો આવવાનો જ. કેટલીવાર હું આવી મુર્ખતા કરી બેસું છું.’

              એક પળ તેને વિચાર્યું. પાડોશમાંથી તેજસ કે કૃણાલને ઉઠાડું. બીજી પળે વિચારીને તે અટકી ગયો કે કાલ ઉઠીને મિત્રો તેની મજાક ઉડાવશે. આમ પણ આ મિત્રોએ તેને આજ સાંજથી જ બિવડાવવાનું શરૂ કરી દીધું હતું. કોણ જાણે કેવી કેવી વાતો કરતા હતા. અડધી રાતે આત્માઓ ભટકે છે. પ્રેતના પગ ઉંધા હોય છે. પ્રેત આખી ડોક ફેરવી શકે છે. ભૂત માનવ રક્ત પીએ છે. ભૂતને માણસની ગંધ દૂરથી જ આવી જાય છે. તે માણસને આખોને આખો ગળી જાય છે. ભૂત ગમે તેની કાયામાં પ્રવેશી શકે છે... આવી તો કેટલીય વાતો કરી હતી. આવા મિત્રોથી ભગવાન બચાવે. પોતાના ડરતા મનને ખોટી સાંત્વના આપતો કિરણ આગળ વધતો હતો. મિત્રોની વાતો વારંવાર યાદ આવીને તેને ડરાવી રહી હતી. શું ખરેખર ભૂત-પ્રેત હોય છે? શું રાત્રે પ્રેતાત્માઓ ફરે છે. શું કૂતરાંઓને પ્રેત દેખાય છે? અને કોણ જાણે કેવા કેવા પ્રશ્નો તે ખૂદ પોતાની જાતને પુછવાની કોશીશ કરવા લાગ્યો. તે પોતાનું ધ્યાન આ બાબતોથી જેટલું હટાવવા માંગતો હતો ચંચળ મન ફરી તેના પર કેન્દ્રીત થતું હતું. કિશોરાવસ્થામાં તે સ્વાભાવિક ડરનો અનુભવ કરી રહયો છતાં તેના કોમળ મન પર ભય અને શંકાની હળવી ઝરમર વરસી રહી હતી. તેણે મનોમન પોતાને મજબુત કરવાની કોશીશ કરી. તેણે બાપુજીની વાત યાદ કરી કે ફક્ત ઈશ્વરથી ડરવું બીજા કોઈથી ડરવું નહીં.

              બાપુજી તો ગમે તે બોલ્યા કરે. માસ્તર છે ને ! કિરણ બબડ્યો. રાતના દોઢવાગ્યે એકલા હાઈવે રોડ સુધી જવું એ કંઈ ઓછી બહાદુરી કહેવાય. પોતાના ભાત ભાતના વિચારોની ગડમથલમાં ગુંચવાતો કિરણ સાયકલને જોરથી પેડલ મારી રહયો હતો.

             અચાનક કિરણને અંધારામાં ચમકતી બે આંખો દેખાઈ. તે એક કુતરું હતું. તેની આંખો ચમકતી હતી. તે જાણે કિરણની રાહ જોઈ રહયું હતું. કિરણને જોતાં જ તેણે ભસવાનું શરૂ કર્યું. તેના ભસવાનો અવાજ સાંભળી જાણે બીજાં કૂતરાં પણ ઉત્સાહમાં આવી ગયાં. બધાં ભસવા લાગ્યાં. તેને એમ લાગ્યું કે હમણાં કુતરાં ભેગાં મળી તેના પર હુમલો કરી દેશે. તેના પગ ઝડપથી ચાલવા લાગ્યા. ઉપર અર્ધો ચંદ્ર ચમકી રહયો હતો. ગામના ઘરોની આજુબાજુ ઉભેલ ઝાડી ઉંચી દિવાલ હોય અને અંધારી ખીણમાં જતી હોય અવું લાગતું હતું. કાંટાળી ઝાડીમાં શિયાળવાનો અવાજ તેને ડરાવી રહયો હતો. ઘરો-ઝુંપડીઓમાંથી નીકળતી નાળીના પાણીમાં ચંદ્રનું આછું અજવાળું વિચિત્ર આકૃતિઓ સર્જતું હતું. કિરણને લાગ્યું કે પ્રેતાત્માઓ જરૂરથી આ આકૃતિઓ જેવી જ હશે. તેનો ભય વધતો જતો હતો.

               અચાનક ચામાચીડીયું કિરણના કાન પાસેથી પાંખો ફફડાવતું ઉડ્યું. કિરણ હડબડી ગયો. સાયકલ આમતેમ ફંગોળાઈ અને કિરણ કોશીશ કરવા છતાં ગબડી પડ્યો. ટોર્ચ તેના હાથમાંથી છટકી એક પથરા સાથે અથડાઈ કિરણને એમ લાગ્યું કે જાણે સ્થિતિ હવે તેના હાથમાં રહી નથી. તે ધ્રુજવા લાગ્યો. ધ્રુજતા હાથે તેણે ટોર્ચ ચાલુ કરવાની કોશીશ કરી પણ ટોર્ચ પડવાને કારણે બગડી ગઈ હતી. હવે કિરણની આંખમાં આંસુ આવી ગયાં. તે દરમ્યાન હવાની એક ઝાપટ આવીને તે ધૂળ કિરણના ચહેરા પર નાંખી ગઈ. કિરણના આંખોમાં રેતીના કણ ઘુસી ગયા. કિરણ આંખો ચોળી રેતીના કણ કાઢવાની કોશીશ કરવા લાગ્યો.

               આંખો ચોળતાં સામે તેણે પીપળાનું મોટું ઝાડ જોયું. પવનના વેગથી પીપળાના પાન એકબીજાને ટકરાવાથી જાત જાતના ભયભીત કરનારા અવાજો પેદા થઈ રહયા હતા. તે અવાજો તેના ભયને મનોભૂમિના મૂળ સુધી પહોંચાડી રહયા હતા. તેની હિંમત ક્યારની તેને છોડીને રફફૂચક્કર થઈ ગઈ હતી. કિરણને એમ લાગ્યું કે હાઈવે-રોડ સુધી પહોંચતાં પહેલાં જ તે મરી જશે. તેને કોઈ ભૂત મારી નાંખશે અથવા કોઈ પ્રેત તેનું લોહી પીવા આવશે. કિરણે ચારેબાજુ જોયું હવામાં ઠંડક પ્રસરી રહી હતી. કિરણની ગભરામણ વધી રહી હતી. અડધા ચંદ્રની ચાંદનીમાં રાતે ગામની સુમસામ શેરીઓમાં પડેલી સાયકલની પાસે હિબકાં ભરતા બાર વરસના કિરણ માટે આનાથી ભયાનક બીજું શું હોય ? જીવ તાળવે ચોંટી ગયો. તે ટૂંટીયુંવાળી બેઠો ને માથાને બે ગોઠણ વચ્ચે છુપાવવાની કોશીશ કરવા લાગ્યો.

               અચાનક તેને અવાજ સંભળાયો. કિરણ....એ કિરણ.. કિરણે પાછળ ફરીને જોયું અને ખુશ થતાં બોલી પડ્યો. ‘અરે.... માં તું?’ કિરણ માં ને ચોંટી પડ્યો.

              હટ બિકણ, મને ખબર હતી કે તું ચૂપચાપ બાપુજીને લેવા જવાનો છે. તેથી હું પણ ચૂપચાપ તારી પાછળ ચાલી નીકળી. પણ કિરણ એટલું બધું બિવાય ખરું ? માં એ તેના વિખરાયેલા વાળમાં પોતાની આંગળીઓ ફેરવતાં પુછ્યું.

             હું અને બિકણ ? કિરણમાં જાણે કિંગ કોંગ જેવી તાકાત આવી ગઈ. તે બોલ્યો, ‘ માં હું નથી ડરતો કોઈથી નથી ડરતો, રાતના દોઢ વાગ્યે હાઈવે-રોડ પર બાપુજીને લેવા જઉં છું.’

            ‘એ તો વાત સાચી...... પણ જો તને બીક લાગતી ન હોય તો હું પાછી જતી રહું ? ’ માં ના પ્રશ્નથી કિરણ ખચકાયો રડવા જેવો થતાં બોલ્યો. ‘ના માં ...ના...’

            સારું ભલે નહીં જાઉં. પણ હવે આગળ ચાલ. માં એ કહયું અને બન્ને ચાલવા લાગ્યાં. પીપળના ઝાડની પાસેથી પસાર થતાં કિરણે કહયું ‘માં, આ પીપળાનું ઝાડ મને એવું લાગે છે કે તેની ડાળીઓ લંબાવી મને ખેંચીને મારી નાંખશે.’

                    ‘અરે ના ગાંડીયા... પીપળ તો પવિત્ર વૃક્ષ છે. બાપુજી એ તે દિવસે તને કહેલું કે પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. ખરું ને ? તેથી તો આપણે પીપળાને પુજીએ છીએ’ માં એ તેને યાદ અપાવ્યું.

                  ‘હાં.....હાં....’ કિરણને બાપુજીની વાત યાદ આવી ગઈ.

           કિરણ બેટા, તને યાદ છે તું દશ વર્ષનો થયો ત્યારે તારું મુન્ડન કરાવેલું. તે વખતે તારા વાળ કેટલા મોટા થઈ ગયેલા. બિલકુલ છોકરીઓ જેવાં કહેતાં માં ખડખડાટ હંસી પડી.

           ‘યાદ છે. માં, અને મને એ પણ યાદ છે કે બહુ બધું તેલ નાંખી લાલ રંગની રીબનથી મને તું ચોટલી બાંધી આપતી, મારા બધા મિત્રો મને છોકરી કહીને ચીડાવતા.’ કહેતાં બન્ને હસવા લાગ્યા.

          વાતો કરતાં કરતાં ખબર જ ન પડી કે કાચો રસ્તો ક્યાં પસાર થઈ ગયો અને હાઈવે-રોડ દેખાવા લાગ્યો. ચાલતાં ચાલતાં માં બોલી ‘કિરણ જો સામે રોડ દેખાયો. બસ આવી રહી છે. જલ્દી કર નહીંતર બાપુજીને તારી રાહ જોવી પડશે.’

         કિરણ.... હા..હાં કહેતો સાયકલ પર બેઠો અને જોર જોરથી પેડલ મારવા લાગ્યો. થોડી જ વારમાં તે બસની નજીક પહોંચી ગયો.

         બાપુજી ઉતર્યા. કિરણની સાયકલની કેરીયર પર પોતાની બેગ મુકી બોલ્યા. ‘શાબાશ. કિરણ, છેવટે તે સાબિત કરી દીધું કે તું બહાદૂર બાળક છે. શું તને બીક ન લાગી ?’

         ‘ના, બાપુજી, તમે જ કહો છો ને કે ફક્ત ઈશ્વરથી ડરવું. બીજી દુનિયામાં કોઈ એવી ચીજ નથી જેનાથી ડરવું પડે.’ કિરણે શેખી મારી.

         ‘પણ બેટા, મેં બીજી પણ તને એક વાત કહેલી કે ખોટું ન બોલવું.’ બાપુજીએ તેને પાંસળીમાં ગલગલીયાં કરતાં કહયું.

        કિરણ સમજી ગયો કે બાપુજીને ખબર પડી ગઈ છે. તેણે કહયું બાપુજી, પહેલાંતો હું ડરી ગયેલો. પડી પણ ગયો હતો. રડવા લાગેલો. મને ભૂત-પ્રેતની બીક લાગેલી. પરંતુ પછી માં દોડતી દોડતી આવી. તેણે મને સંભાળી લીધો. પછી મારી બીક જતી રહી. અમે બન્ને સાથે આવ્યાં છીએ.

‘માં....’ બાપુજી વિસ્મયથી બોલ્યા.

         ‘હાં... બાપુજી, માં’ કિરણે ડોકું હલાવ્યું.

         ‘કિરણ બેટા. તું તારી બીકમાં ને બીકમાં એ વાત ભુલી ગયો કે તારી માં ને મરી ગયે બે વર્ષ થઈ ગયાં.’ બાપુજીએ જાણે કિરણને અતીતથી ઉઠાવી વર્તમાનમાં પટકી દીધો.

        કિરણે કાચા રસ્તે જોયું. દૂર સુધી કોઈ દેખાયું નહીં. ડરથી તેના કપાળે પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયાં.

 

            

            

           

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ