વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વૈદની યુક્તિ


એક નગર નામે વૈદનગર, કારણ ત્યાંના વૈદો ખૂબ હોશિયાર. તે નગરના રાજાનું નામ રાઠોડસિંહ અને રાણીનું નામ પ્રકૃતિરાણી.  પ્રકૃતિરાણીને રાત્રે ઊંઘ ન આવવાની બિમારી, પણ થોડા મહિનાઓમાં બિમારી વૈદની દવાથી દૂર થઇ ગઇ, પણ આ જ બિમારી રાજાને લાગી ગઇ. પ્રકૃતિરાણીનો ઇલાજ કરનાર વૈદની દવા કરાવી, પણ કોઇ જ ફરક ના પડ્યો. રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પિટાવ્યો, “દેશ-પરદેશના જે પણ વૈદ રાજાને ઠીક કરશે, તેને મનગમતું ઇનામ મળશે.”

રાજ્યના તથા બહારના ઘણા વૈદો આવ્યા અને રાજાની દવા કરી, પણ બધાને નિષ્ફળતા મળી, રાજાની બિમારી ઠીક ના થઇ. તપાસ કરતાં ખબર પડી કે, રાજ્યમાં એક ગરીબ વૈદ છે, જેણે રાજાને ઠીક કરવાનો પ્રયાસ નહતો કર્યો. રાજાએ તેને મહેલમાં બોલાવ્યો અને દવા કરવા માટે કહ્યું. તેણે દવા આપતાં પહેલાં રાજા પાસે એક શરત મૂકી કે, તેની પાસે એક જાદુઈ ગેડીદડો છે, એનાથી રમવું પડશે. રાજાએ ભૂકી ફાકી અને પછી તે બન્ને તે જાદુઇ ગેડીદડાથી રમ્યાં, દોડોદોડ કરીને રાજા થાકીને લોટપોટ થઇ ગયો અને રાત પડતાં ઘસઘસાટ ઊંઘી ગયો.

બીજા દિવસે સવારે, રાજાએ તે વૈદને બોલાવી, ઇનામ માંગવા કહ્યું. વૈદ વિચારવા લાગ્યો કે, હું હંમેશા એકજ પ્રકારની ભૂકી અને જાદુઇ ગેડીદડાથી લોકોને સાજા કરું છું. હું રાજાની પાસે વૈદવિદ્યાના પુસ્તકો માંગું, જેથી હું આ વિદ્યા વિશે વધુ જાણકારી મેળવી શકું. આ સાંભળી રાજા ખૂબ ખુશ થયો કે તેણે ગરીબ હોવા છતાં પૈસા કરતાં વિદ્યાને વધુ મહત્વ આપ્યું. રાજાએ તેને રાજવૈદનો સહાયક બનાવ્યો અને ગરીબાઇ દૂર કરવા માટે ધન આપ્યું. રાજવૈદનો સહાયક બન્યા પછી પણ તે કોઇ જાતના અભિમાન વગર જરૂરિયાતવાળા લોકોને મદદ કરતો રહ્યો. થોડા વર્ષો પછી તે રાજવૈદ બન્યો, પણ તેના જાદુઈ ગેડીદડાને કદી ના ભૂલ્યો.

પ્રિયાંશી શાહ “પાખી”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ