વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સખી

ભરબપોરે સળગતા મનથી રીવા ગુસ્સામાં જ ઘરેથી નીકળી ગઈ કંઈક વિચારતી વિચારતી. 'મેં જેના પર આટલો વિશ્વાસ કર્યો એ જ મને દગો આપે એ કેમ બને?' આવા અસંખ્ય વિચારો સાથે એ ચાલ્યે જતી હતી અને ચાલતાં ચાલતાં પહોંચી તાપી નદીના ઓવરબ્રિજ પર. પગમાં ચપ્પલ નહીં, હાથમાં કોઈ પર્સ કે બેગ પણ નહીં. વિખરાયેલા વાળ, આંખે આંસુ અને અસ્તવ્યસ્ત કપડે એ એક જગ્યાએ ઊભી રહી.

    એ રસ્તે કોઈની અવરજવર નહીં. એણે વિચાર્યું કદાચ, આ પાણી મારી પીડા શાંત કરી શકશે ! અ....ને એવું વિચારતા એ રેલિંગને પકડી એના પર એક પગ ચડાવી બીજા પગને ઊપર ઉંચકતી હતી કે કોઇએ એને પગથી ખેંચી... જેવું રીવાનું ઘ્યાન પગ ખેંચનાર વ્યક્તિ પર ગયું એને ચીસ પાડીને કહ્યું, " મારે તારું મોં નથી જોવું, તું પણ જા અહીંથી અને મને પણ મરવા દે શાંતિથી ! મેં તારા બધા મેસેજ વાંચ્યા. તે મારી જગ્યા છીનવી કોઈના દિલમાંથી. હવે મારી પાસે આ એક જ રસ્તો બચ્યો છે. તું અહીંથી જા તને હાથ જોડું."

    હવે તો સામેવાળી વ્યક્તિને પણ બહુ ગુસ્સો આવ્યો. એણે જબરજસ્તીથી એને નીચે ઉતારી. આ દરમિયાન રીવાએ એ વ્યક્તિને લાતો અને મુક્કા મારી પોતાનો ગુસ્સો વ્યક્ત કરી દીધો હતો. હવે બેય વ્યક્તિ શાંત હતી. બેય વ્યક્તિ એ રેલિંગને ટેકે બેસી ગઈ અને રડતી જ રહી...અવિરત, એ રૂદન ચાલું જ હતું.

    હવે રીવાનો હાથ પકડી એ વ્યક્તિ બોલી, " પાગલ, તું જેની પાછળ પાગલ બની ફરતી હતી એ વ્યક્તિ મારા રૂપ પાછળ તને એક ઝાટકે છોડવા રાજી થઈ જાય એની સાથે તારે સંસાર સેવવો હતો એમ ને ? તારા બધાં સપના તે મને કહ્યાં છે. એ બેવફા માટે તું બધું છોડવા તૈયાર હતી અને એણે મને પામવા તને છોડવાની તૈયારી કરી લીધી. મારું તો આ નાટક હતું તને સાચા રસ્તે લાવવાનું. સપનાને પૂરા કરવા આવા કોઈ વ્યક્તિ પાછળ બધું લૂંટાવી ન દેવાય. બાકી તારી મરજી, મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું. મારે તને ખોટે રસ્તે જતાં અટકાવવી હતી. બસ ! મારું કામ અહીં પૂરૂં, હવે તું કહે એ જ સાચું !

   રીવાએ શું વિચાર્યું કે 'એણે એ વ્યક્તિનો હાથ પકડી એને ગળે મળી. એની હથેળીમાં માથું છુપાવી ખુબ રડી.પોતાની ભૂલનો પસ્તાવો પણ વ્યક્ત કર્યો .'

   બન્ને એ સામસામે માફી પણ માંગી. હવે એ પુલ પર અવરજવર ચાલુ થઈ. બધાએ જોયું કે બે વ્યક્તિઓ હસી મજાક કરતી ચાલી રહી હતી. એકમેકનો હાથ પકડીને....હા, એ બન્ને બાળપણથી અત્યાર સુધીની સખીઓ હતી. રિવા અને શિવા !!!

   દિલથી સમજે એ ક્યારેય ખોટું પગલું ન ભરવા દે. આવા મિત્રોની કદર કરજો જે પોતાના જીવને આપણા હિત માટે જોખમમાં મૂકતા ન અચકાય.


શિતલ માલાણી"સહજ"

૬/૧/૨૦૨૧

જામનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ