વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમજદાર મિત્ર

વાર્તા- સમજદાર મિત્ર

લેખન- રિદ્ધિ પટેલ ©


ઉનાળાની સાંજનો સમય હતો. બપોરના અસહ્ય ઉકળાટ બાદ ઠંડો પવન શરૂ થયો. પ્રિયાંશી ઘરના કામ પતાવીને ફ્રી થઈ. થાકેલી પ્રિયાંશીને એક કપ ચા પીવાની ઈચ્છા થઈ. ચા માટે તેણે પાણી ગેસ પર મુક્યું અને તે બેડરૂમમાં ગઈ. બેડરૂમમાં તેનો એક વર્ષનો પુત્ર દેવ ઘસઘસાટ ઉંઘમાં હતો. પ્રિયાંશીએ તેના બાળકના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને હળવેકથી તેને ચુમી લીધું. બાળકને નિરાંતે ઉંઘતું જોઈને તે રસોડામાં પાછી ફરી. પોતાના માટે ચા તૈયાર કરી. ચાનો કપ હાથમાં લઈને તે અગાસીના હિંચકે બેઠી. ઠંડા પવનના સ્પર્શથી તેને તાજગીનો અનુભવ થયો. ચાની ચુસ્કીઓ લેતાં તે વિચારોમાં ખોવાઈ. એ જ સમયે તેના મોબાઈલમાં એક મેસેજ આવ્યો. મોબાઈલની સ્ક્રીન પર મોહિતનું નામ જોઈને પ્રિયાંશીના ચહેરા પર આનંદ છવાયો."કેમ છે પ્રિયા?"

"હું મજામાં છું... તું કેમ છે?" પ્રિયાંશીએ તરત જ જવાબ આપ્યો.

"ત્રણ દિવસ પહેલાં જ મુંબઈ શીફ્ટ થયો. અત્યારે દરિયા કિનારે બેઠો છું. તારી યાદ આવી એટલે તને મેસેજ કર્યો."

"ઓહ, તને મારી યાદ આવી! (આશ્ચર્ય વાળું સ્માઈલી)" પ્રિયાંશીએ કટાક્ષ કર્યો

"(ખડખડાટ હસતા સ્માઈલી) તને ઘણાં સમયથી ફોન નથી કર્યો. એ વાતથી તું નારાજ લાગે છે!"

"તને મારી નારાજગીથી શું ફેર પડે? (નારાજગી વાળા સ્માઈલી)"

"મને કેટલો ફેર પડે છે તે તું નથી જાણતી?"

"તું બોલે નહીં તો મને કેવી રીતે સમજાય?"

"કેટલીક વાતો તો વર્તનથી સમજી લેવાય....તું હજું શીખી નહીં?(માથે હાથ હોય તેવું નિરાશા વાળું સ્માઈલી)"  મોહિતના મેસેજ થી પ્રિયાંશી વિચારમાં પડી. તે મોહિતની વાતનો મર્મ સમજી. મોહિત સાથેની તેની જૂની યાદો તાજી થઈ. તેના ચહેરા પર હાસ્ય રેલાયું.

"જ્યાં સુધી સ્પષ્ટ શબ્દોમાં ન કહો ત્યાં સુધી એ ધારણાંઓ જ બની રહે... અને તને તો ખબર છે કે, હું ધારણાંઓ રાખતી નથી. મને સ્પષ્ટ રહેવું ગમે છે." પ્રિયાંશીના જવાબથી મોહિતના મનમાં તોફાન ઉઠ્યું. વર્ષોથી તેના મનમાં એક વાત ધરબાયેલી હતી. એ વાત કહેવા માટે તેને ક્યારેય શબ્દો મળ્યા નહોતા. પ્રિયાંશીએ અત્યારે એ જ વાત તરફ ઈશારો કર્યો હોય તેમ મોહિતને લાગ્યું. થોડી અસમંજસ પછી મોહિતે આજે એ વાત કહી દેવાનું નક્કી કર્યું.

"તારી વાત તો સાચી છે પ્રિયા. કદાચ હું સ્પષ્ટ રહ્યો નહીં એટલે જ તું મારા જીવનમાં નથી. મનમાં હોય તે સ્પષ્ટ ન કહો તો શું ગુમાવવું પડે તે મને સમજાઈ ગયું છે." મોહિતના જવાબથી પ્રિયાંશીનું હૃદય એક ધબકાર ચુકી ગયું. તે અવઢવમાં મુકાઈ. મોહિત તેને પસંદ કરે છે તે વાતથી પ્રિયાંશી અજાણ નહોતી, પણ આજે મોહિતે તેના પ્રેમનો એકરાર કર્યો હતો. લગ્ન પહેલા પ્રિયાંશીને મોહિત પસંદ હતો, પણ મોહિતે ક્યારેય સ્પષ્ટતા કરી નહીં એટલે બંને માત્ર સારા મિત્રો બનીને જ રહી ગયા. પ્રિયાંશી તેના લગ્નજીવનથી અત્યંત ખુશ હતી. પરંતુ તે મોહિતને દુ:ખી કરવા માગતી નહોતી અને એટલે જ શું જવાબ આપવો તેના વિચારોમાં ખોવાઈ. ઘણા સમય સુધી પ્રિયાંશીનો રિપ્લાય ન આવ્યો એટલે  મોહિત પ્રિયાંશીની મુશ્કેલી સમજી ગયો. તેણે તરત જ પ્રિયાંશીને ફોન લગાવ્યો. પ્રિયાંશીએ ખચકાટ સાથે ફોન ઉપાડ્યો

"હાય મોહિત, હું ..."

"એક મિનિટ પ્રિયા, તું કંઈ બોલે એ પહેલાં મારે કંઈક કહેવું છે.... હું પહેલી મુલાકાતમાં જ તારા પ્રેમમાં પડી ગયો હતો.... પણ તને કહી શક્યો નહોતો. તને ગુમાવી બેસવાનો ડર હતો, આજે સમજાય છે કે, મારા એ ડરને કારણે જ હું તને ગુમાવી બેઠો. મને ખબર છે કે, તું તારા સંસારમાં સુખી છે. અને એટલે જ મને તારી પાસેથી કોઈ જવાબની અપેક્ષા નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, આજે તને આ વાત કહીને હું એકદમ હળવો થઈ ગયો છું. કદાચ લાગણીઓને મનમાં જ રાખવાથી હું જીવનમાં આગળ વધી શક્યો નહોતો. મેં અત્યારે તને જે કંઈ કહ્યું એનાથી મારી તરફથી કંઈ બદલાશે નહીં. હું તારો મિત્ર છું અને કાયમ રહીશ. બસ મારે એટલું જ જાણવું છે કે, તું મારી મિત્ર રહીશને? ક્યાંક મારા મનની વાત કરીને મેં મારી સારી મિત્ર તો નથી ગુમાવી દીધી ને? " પ્રિયાંશીને મોહિતની સમજદારી પર માન થયું. તે ખુશ હતી કે, તેની પાસે મોહિત જેવો મિત્ર હતો. તેણે રાહ જોયા વિના તરત જ જવાબ આપ્યો.

"હું પણ તારી મિત્ર છું અને રહીશ...તારી જેમ ચુપ રહીને હું તારા જેવો મિત્ર ખોવાની નથી...."


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ