વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રૂપજીવિની માતા

     દર વર્ષે તમારી મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે તમે આ રેડલાઈટ એરિયામાં આવો છો,નેહા. છેલ્લા દસ વર્ષથી તમારો  અહીં આવવાનો સીલસીલો યથાવત્ છે.
                 બીઝી લાઈફમાં સમય કાઢવો મુશ્કેલ હોય છે.છતાં પણ તમે અહીં દર વર્ષે  અચુક આવો છો. વર્તમાનની ભાગંમભાગ અને ભવિષ્યની દોટમાં અટવાયેલો માણસ કયારેક અતીતની અટારીએ જઈ ચડે છે તેમ તમે જ્યારે અહીં આવો છો ત્યારે તમારો ભૂતકાળ સજીવન થઈ જાય છે.
હા, નેહા ત્યારે  તમે  છઠ્ઠા ધોરણમાં ભણતા હતાં. તમારા દારૂડિયા પિતાનું  તે વખતે અવસાન થયેલું. તમારા કુટુંબની જવાબદારી  તમારી મમ્મીના  શિરે આવી પડેલી. તમે, તમારા ભાઈ  અને દાદા-દાદીને પાળવા પોષવાની જવાબદારી.તમને ભણાવવાની,તમને સારી જિંદગી આપવાની. તમારી મમ્મીએ નાનું-મોટું  કામ મેળવવા  ખૂબ પ્રયત્ન કરેલ,પણ કંઈ મેળ ન પડ્યો.એક તો સાત ચૉપડી ભણેલી અને ખાસ કંઈ હુન્નરની જાણકારી પણ નહી. દિવસે-દિવસે પરિવારની આર્થિક સ્થિતિ કથળતી ચાલી. તમારી મમ્મીએ કામ  મેળવવાનાં પ્રયત્નો પણ ચાલુ રાખ્યાં. આખરે એક દિવસ એ પેંડાનું બોક્સ લઈને આવી અને તેણે તમને કહ્યું કે આજે મને મોટા શહેરમાં નોકરી મળી ગઈ. મારે ત્યાં રહેવું પડશે. પણ આપણે સુખી થઈ જઈશું.હું તમને સારી રીતે ભણાવી શકીશ. દસ -પંદર દિવસે તમને મળવા આવતી રહીશ.
            પહેલી વખત એ શહેર ગયેલી ત્યારે  તમને બધાને છોડતી વખતે બહુ રડેલી. પછી તો તે આવતી ત્યારે તમારી તમામ જરૂરિયાતો પૂરી કરતી. તમને બંને ભાઈ-બહેનને ભણવામાં પણ તેને કોઈ કસર રાખી ન હતી. દાદા- દાદીને પણ કોઈ બાબતે ઓછું આવવા ન દેતી. તમે  ગરીબ પરિવારમાંથી  મધ્યમવર્ગીય પરિવારનો દરજ્જો મેળવી લીધેલો.દાદા તો એને દીકરો જ કહેતાં. સમયને કોણ રોકી શકે છે ?સમય  સરતો ચાલ્યો.સારાં-નરસાં પ્રસંગો આવીને ચાલ્યાં ગયાં. દાદા- દાદીનું અવસાન, તમારું સી.એ.થવું, તમારા ભાઈનો અભ્યાસ પૂર્ણ થવો વગેરે વગેરે. જ્યારે તમારા ભાઈએ વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તમારી મમ્મીએ નોકરી છોડી દીધેલી. પછી તે શહેરમાં જ તમારા ભાઈ સાથે રહેતી. અવારનવાર પ્રસંગોપાત ગામડે આવતી-જતી. તમને બંને ભાઈ-બહેન ભણાવી-ગણાવી સુખી જીંદગી આપવા બદલ તે સંતોષ અનુભવતી. આજે તમે જે કંઈ પણ છો તે તમારી મમ્મીને આભારી છે,નેહા. તમે શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીના સી.એ.છો. તમારો નાનો ભાઈ આ શહેરમાં પ્રખ્યાત વકીલ છે.
બરાબર આજના દિવસે જ  દસ વર્ષ પહેલાં  તેણે  એનાં નશ્વર દેહનો ત્યાગ કરેલો. એના કારજ માટે તમે ગામડે રહેલાં ત્યારે  ઘરના  એક   માળિયામાંથી તમને જર્જરિત  લોખંડની પેટી મળેલી.એ પેટીને ફંફોસતા તમારા હાથમાં  એક ડાયરી આવેલી. તમારા આશ્ચર્ય વચ્ચે  તેમાં તમારી મમ્મીના અક્ષરો હતાં.તમે વાંચવાનું ચાલું કર્યું.  તેના એક પાના પર  એક નોંધ નીચે પ્રમાણે હતી.

' નેહાના પપ્પાને  મૃત્યુ પામ્યાનાં  બે વર્ષ થયાં.કોઈનો કંઈ સહકાર નથી.નાની -મોટી  નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો,  તેમાં પણ  સફળતા મળતી નથી. ઓછું ભણેલી  અને ખાસ  હુન્નર  ના હોવાથી   કોણ કામ આપે?કોઈના કચરા-પોતા કરું  તો માંડ-માંડ   ખાધા ખોરાકીના પૈસા મળે.  મારે તો મારા  દીકરા-દીકરીને  ઉજવળ ભવિષ્ય આપવું છે.એ માટે  મેં એક નિર્ણય કરી લીધો છે. એ નિર્ણય સાચો છે કે ખોટો છે, એની મને ખબર નથી.કદાચ આ નિર્ણય વિશે મારા બાળકો જાણશે તો મારા  વિશે શું વિચારશે એ પ્રશ્ન છે.જે થવું હોય તે થાય.ઈશ્વર મને માફ કરે.મેં મોટા શહેરમાં જઈ રેડલાઈટ એરિયામાં રૂપજીવિની તરીકે વ્યવસાય કરવાનો નિર્ણય કર્યો છે.'
તમે આ વાંચીને ભારે આઘાત અનુભવ્યો. તમે જ્યારે તમારી મમ્મીને એની નોકરી વિશે પૂછતાં ત્યારે તે યેનકેન  પ્રકારે તેનો જવાબ કેમ  ટાળી દેતી એ વાતની તમને હવે ખબર પડી.એની નોકરીનું કટુ  સત્ય એ તમારા બધાથી છૂપાવવા માંગતી હતી.ક્ષણવાર માટે તમને  તમારી સંઘર્ષમય સફળ   જિંદગી  કલંકિત લાગવા માંડેલી નેહા.તમારી મમ્મી પ્રત્યે નફરતનું એક વાવાઝોડું તમારા  દિલો-દિમાગ પર છવાઈ ગયેલું નેહા.ધડી વાર તો તમારી વિચારશક્તિ શૂન્ય  થઈ ગયેલી.તમે તરત જ એ ડાયરી સળગાવી,આ રહસ્યને કાયમ માટે  દફાનવી દીધેલું.આ સત્યને તમારા સિવાય  બીજું કોઈ જાણતું નથી નેહા.
એ પછી તમે શહેરમાં આવી તમારી વ્યસ્ત લાઈફમાં ગોઠવાઈ ગયાં.સમય વિતતો ચાલ્યો.પેલી ડાયરીની નોંધ પર  તમે એક બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે વિચાર કર્યો.એ પરિસ્થિતિમાં તમારી મમ્મીના નિર્ણયને તમે મૂલવી જોયો.એક સ્ત્રીના કુંટુંબ પ્રત્યેના  બલિદાન અને સમર્પણને તમે એક સ્ત્રી તરીકે તપાસી જોયું.તમારા મનમાં  એના પ્રત્યે આવેલું નફરતનું વાવાઝોડું સમી ગયું ને એની મહાનતા આગળ તમે નતમસ્તક  થઈ ગયાં. એના પ્રત્યેનો આદર અહોભાવમાં પલટાઈ ગયો.
બસ ત્યારથી તમે તમારી મમ્મીની પુણ્યતિથિ પર અહીં આવો છો અને રૂપજીવિનીઓની સાડી ભેટ આપો છો. આવતાં વર્ષે તમે એક ટ્રસ્ટ શરૂ કરવા માંગો છો જે આ રૂપજીવિનીઓના પરિવારના કલ્યાણ અર્થે કાર્ય કરશે. હા,નેહા તમને સફળ જિંદગીની ભેટ આપવા માટે  આ રેડલાઈટ એરિયામાં  તમારી મમ્મી  રૂપજીવિનીની  જિંદગી જીવી છે. તમને અહીંની દરેક રૂપજિવનીમાં તમારી મમ્મીના દર્શન થાય છે ખરુને?
                                                   શરદ ત્રિવેદી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ