વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાની અમથી વાત

અમદાવાદના અટીરામાં ગોળાકારે પથરાયેલા બે ચાર રસ્તા છે. તેમાં વચ્ચે ઢોળાવ છે. તેમાં આંખને ઠારે તેવી લોન છે અહીં મોર્નિંગ વોક માટે આસપાસની સોસાયટીમાંથી ઘણા લોકો વહેલી સવારે આવે છે. એનું ખુશનુમા વાતાવરણ બધાને આકર્ષે છે. મલય અને હેતા ઘણા સમયથી અનિયમિત રીતે નિયમિત અહીં ફરવા આવે છે. એ રસ્તાઓમાં ઘણા લોકો વાતોના તડાકા મારતા ફરતા હોય છે. હેતા અને મલય પણ મૂંગા મૂંગા તો ક્યારેક ઘરગથ્થું વાતોનાં તડતડિયાં ફોડતાં ફરતાં રહે છે. રસ્તાની પાસેની લોનમાં એક ફુવારો છે તેની ગોળ ફરતી પાળી પર તે બંને ઘણી વાર બેસીને વાતો કરે છે. ફુવારા પાસે આવતા મલયે જોગિંગ શરૂ કર્યું. હેતા પાછળ ચાલતી રહી ગઈ. તે જ ક્ષણે હેતાનો સેલફોન વાઈબ્રેટ થયો. કાન પાસે ફોન રાખી તે બોલી, ‘ હેલો…?’ ‘ગુડ મોર્નિંગ મમ્મા! હું અંકુર.’ ‘બોલ બેટા, આમ...’

‘મમ્મા, તું દાદી બનવાની… પપ્પા…’ ‘અને તું બાપ બનવાનો!’ બોલતાં હેતાથી જરા મોટેથી હસી પડાયું. પછી બોલી, ‘કોંગ્રેટ્સ! અમે અહીં મોર્નિંગ વોકમાં છીએ…’ ‘બસ મમ્મી, આટલું કહેવા જ… કદાચ તારી જરૂર પડે…’ અંકુર બોલતો રહ્યો અને હેતા તો ધૂનમાં બોલી, ‘પૂર્વના આકાશમાં મોહક રંગો પથરાયાં છે અને તું શુભ સમાચાર આપે છે, ખૂબ ગમ્યું બેટા ! રેશ્માની તબિયત તો...’ ‘મમ્મા, બધું બરાબર છે રેશ્મા સ્વસ્થ છે મજામાં છે.’ અંકુરે ઉત્સાહમાં બોલી નાખ્યું. ‘થેન્કયુ બેટા! ટેક કેર...’ અને હેતાએ ફોન કટ કર્યો. પેલા ફુવારાની પાળે બેઠી. ચિત્રપટ્ટીની જેમ તેની નજરમાં તસવીરો પસાર થઈ રહી. લગ્ન થયાં ત્યારથી જ તેઓ અહીં આવતાં રહ્યાં છે. અચાનક તેની સ્મૃતિ ઝંકારી ઊઠી. તે દિવસોની ઘણી ઘણી વાતો આ ફુવારાએ સંઘરી રાખી છે. ‘મલય, હમણાં બાળક નહીં, એવું પ્લાનિંગ કરી આપણે ભૂલ કરી હોય એમ નથી લાગતું?’ ‘હેતુ, તું આવા બધા વિચારો ના કર…’ ‘આ સાત-આઠ વરસ વીતી ગયાં. સારા દિવસો આવ્યા ત્યાં નસીબે દગો દીધો...’ બોલી હેતા ગંભીર બનેલી. ત્યારે મલયે કહેલું, ‘ હેતુ, મિસકૅરેજ થવું એય એ બાળકનું નસીબ ના કહેવાય?’આવું સાંભળી હેતા આગળ બોલી શકેલી નહીં. બાળક વિશે કંઈ કંઈ વિચારોનાં વમળમાં તે અટવાયેલી હતી. પ્રેગ્નન્સીમાં લેવાની કાળજી વિશે તેણે ઈન્ટરનેટ પરથી ઘણું જોયું- જાણ્યું હતું. મલય ઑફિસે જાય એટલે થોડો આરામ કરી, બસ! ઈન્ટરનેટ પર બાળકના ઉછેર વિશે વાંચે ને સમજે. અરે બાળકના રમૂજી કાર્ટૂન જોઈ મલકી રહે. ક્યારેક ટાબરિયાનાં પરાક્રમો ય જુએ ને મનોમન હરખાય પણ ખરી. પછી બબડે... ‘મારું બાળક ઘરમાં આવતાં ઘર ખીલી ઊઠશે. ખિલખિલાટ હસતું હશે ત્યારે એની સાથે એક તરફ હું અને બીજી બાજુ મલય એને ચુંબન કરતાં હોઈએ એવો ફોટો… વાહ મજા પડી જશે!’ મલયે જોગિંગનું લાંબુ રાઉન્ડ પૂરું કર્યું. હેતાની પાછળથી આવીને તેને ખભે ટપલી મારી.‘ઓહ... નો...’ બોલતાં હેતા વર્તમાનમાં આવી ગઈ. મલય પાસે બેઠો. હેતા મલકીને બોલી, ‘ સાંભળો, અમેરિકાથી અંકુરનો ફોન હમણાં જ આવેલો...ગુડ ન્યૂઝ છે.’ ‘અચ્છા! શું કહ્યું ? આપણને બોલાવે છે?’

‘ ના રે!’ હેતાના ચહેરા પર ચમક આવી. ભ્રમર ખેંચતા હસીને આગળ બોલી,’ તું દાદો બનવાનો છે!’ ‘એ તો ખરેખર ગુડ ન્યૂઝ કહેવાય.’ મોટેથી બોલી મલયે હેતાના માથે બચી ભરી. બોલ્યો, ‘આપણે બાળક માટે તરસ્યાં એવું એને ના થયું. નસીબની વાત! આપણને તો મોટી ઉંમરે અંકુર આવ્યો. ચાલો, જે થાય તે સારા માટે.’ હજી તો વાત આગળ વધે તે પહેલાં હેતા જેવી જ સોહામણી, સ્ફૂર્તિલી... મલકતી કોઈ સન્નારી તેમની સામે આવી ઊભી. હેતાને ધ્યાનથી જોતાં.થોડા છલકતા અવાજે બોલી, ‘મને લાગે છે કે તમે હેતા... હેતા... ખરીદિયાને? ખરું?’ ‘ઓહ! હું હેતા જ છું, હા ખરીદિયા... અને આ...’ હેતા મલયનો પરિચય આપે તે જ પેલી સ્ત્રી બોલી, ‘અને મિસ્ટર તમે મલય મહેતા ખરું?’ મલય તો આ બાઈની બોલવાની છટા અને તેની સાદગીમાં તેનું નિખરતું રૂપ જોઈ રહ્યો હતો. તે તરત જ બોલ્યો, ‘યસ... યસ! હું મલય પણ તમે...’આ ક્ષણો દરમિયાન તેના બોલવાની છટા અને હસવાના ટોન પરથી હેતાની સ્મૃતિ અચાનક ઝંકૃત થઈ. ‘અહોહો! આવેશમાં તે બોલી ઊઠી, ‘તો... તું જુલી..! જુલિયાના રાવ?! એમ આઈ રાઈટ?’ વળી, જુલિયાના ખડખડાટ હસી. એનું મોહક સ્મિત જોઇ મલય ઘવાયો. તેના મનમાં ભૂતકાળનો એક આછો ઘસરકો ઊઠ્યો! ‘ઓ માય ગોડ!’ જુલી ફડાક બોલી, ‘હેતા - મલય, તમે આટલાં વર્ષેય મને ઓળખી ગયાં! મને તો એમ કે મારી આ હેરસ્ટાઇલથી તમને કશો ખ્યાલ નહીં આવે, ઘણા છેતરાયા છે!’ હેતાના શરીરમાંથી વીજળીક ધ્રુજારી પસાર થઈ ગઈ. ફિક્કું હસતાં બોલી, ‘ હું ના છેતરાઉં. તમારી હસવાની સ્ટાઈલ પર તો….’

‘હું જાણું છું…’ બોલતાં જુલીએ હેતા- મલય તરફ નજર નાખી લીધી ને ખડખડાટ હસી. એનું આમ હસવું મલયના ચિત્તમાં ક્યાંક જડાઈને પડેલા એના હાસ્ય પર બંધ બેસી ગયું. પછી તો જુલીએ પોતાની કરમકુંડળી હેતા અને મલય આગળ ખોલી નાખી. પોતે કૉલેજમાં છ મહિના જેટલું ગાળીને બેંગ્લુરુ પહોંચી ગયેલી. ત્યાં ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે કોમ્પ્યુટરમાં કારકિર્દી બનાવવી એમ ધારેલું. સફળતા મળેલી પણ ખરી અને ત્યાં સહકાર્યકર સાથે સંબંધ થતાં... જિંદગી નવા રૂપે ખીલી રહી.પણ જુલીનો એ પ્રેમસંબંધ ઝાઝો ટક્યો નહીં. એ બધું છોડીને મુંબઈ મામાના ઘરે આવી ગયેલી. અહીં પ્રાઇવેટમા કામ કરતાં કરતાં વળી તેના જીવનમાં નવું પ્રભાત ઊગ્યું. પણ એય તકલાદી નીકળ્યું. એણે પરિસ્થિતિ સાથે સમાધાન ન થવા દીધું. હવે અમદાવાદ માતા-પિતા અને ભાઈ- ભાભી સાથે જિંદગી વીતી જશે... વગેરે પોતાની અંગત વાતો મોર્નિંગ વોકમાં હેતા મલય સાથે થતી રહી. હેતા અને મલય સાથે જુલી, કૉલેજ કાળમાં થોડોક સમય જ સાથે રહેલી. પણ એ સમયે મલયનું જુલી તરફનું ખેંચાણ રહેલું... એ વાત ક્દાચ હેતાના ખ્યાલમાં હતી. કેન્ટીનમાં જુલી-મલયની ઝરમર ચર્ચાયેલી સ્મૃતિ હેતાના ચિત્તમાં ઢબૂરાઈ પડેલી. ઝાપટાંની જેમ એને અંદર ને અંદર ભીંજવતી રહી. સવારે મોર્નિંગ વોકમાં ત્રણેય અવારનવાર સાથે થઈ જતાં. સમયાંતરે હેતાએ પણ જુલીને પોતાના જીવનની ઘણીખરી અંગત વાતો કરી દીધેલી. મોટી ઉંમરે અંકુર આવ્યો અને શી શી તકલીફ પડી હતી, એ જાળમાંથી નીકળતાં નીકળતાં વર્ષો વીતી ગયાં. આજે એ અંકુર પરણીને અમેરિકા સ્થિર થયો છે. તેની સહજ વાતો થઈ. આવું બધું શરૂશરૂમાં કહેવું, સાંભળવું હેતાને સારું લાગ્યું, પણ જુલીની મલયની કૉલેજ કાળની પેલી ઝીણી વાત તેના ચિત્તમાં કળીમાંથી ફૂલ થાય એમ થતી રહી! અટીરાની સવારમાં વાતોના તડાકામાં ત્રણેય મસ્ત હોય ત્યારે મલય જુલીની સાદગી જોઈ રહેતો. એના ખડખડાટ હાસ્ય પર એય હસી પડતો. આ જોઈ હેતા નોર્મલ રહેતી પણ તેનું ચિત્ત અંદરથી ચકડોળે ચડતું. ત્યાં વાતવાતમાં જુલીએ પૂછી નાખ્યું, ‘અંકુર કેટલા સમયથી અમેરિકા છે?’

‘જોને, એ લગ્ન પછી બીજા જ વર્ષે ત્યાં ગયેલો. એ વાતનેય આજે પાંચ-છ વર્ષ વીત્યાં. હમણાં થોડા દિવસ પહેલા જ અંકુરનો ફોન હતો. રેશમા મા બનવાની છે. આ સાંભળતા જુલી રખડતી લખોટી જેમ હસતાં બોલી, ‘એટલે તું દાદી બનશે’ અને મલયના ખભે ટપલી મારતાં કહ્યું, ‘મિસ્ટર, તમે દાદા!’ પછી હસતાં ઉમેર્યું, ‘ઓહ! હવે તમારે ત્યાં જવું પડશે રેશમાની ડિલિવરી પર.’ હેતા કશું વિચારતી મૂક રહી. મલય બોલ્યો, ‘ જવાનું જ હોયને. એ તો અંકુર વ્યવસ્થા કરશે.’ આ સાંભળી હેતાના ચહેરે ચમક આવી. જુલી બોલી, ‘ફરી આવો... ફરી આવો, પૌત્રને રમાડી આવો.’ ‘જોઈએ... અંકુર શો પ્લાન કરે છે તે.’ પછી રહીને ઉમેર્યું, ‘પરિસ્થિતિ પણ જોવી જોઇએને!’ ‘પરિસ્થિતિ ઘણું શીખવી જાય છે.’ જુલીએ હળવા સ્મિત સાથે કહ્યું. હેતા અને મલય ચૂપ રહ્યાં. અને બધાં છૂટા પડ્યાં. બીજો દિવસ વીત્યો. મલય સાંજે ઑફિસેથી ઘેર આવ્યો. ત્યારે ખૂબ ખુશમિજાજમાં હતો. હેતાને નવાઈ લાગી. પહેલાં તેને આવો ખુશખુશાલ જોયેલો નહીં. જેવો એણે ઘરમાં પગ મૂક્યો કે તરત હેતા બોલી, ‘અહો ! મલય શી વાત છે ? આજે કંઈ બહું...’ મલય મોટેથી બોલી પડ્યો, ‘ અરે જો તો હું શું લાવ્યો છું તે !’ બોલીને ખુરશીમાં બેઠો. ઑફિસ બેગ ખોલી. તેમાંથી મસ્ત ઝભલું કાઢ્યું. ‘આ શું?’ હેતા નવાઈથી જોઈ રહી. ‘જો બ્લ્યૂ રંગ અંકુરને પસંદ છે અને રેશમાને યલો...આ જોતાં જ મને આવનાર બાળક માટે લેવાનું મન થયું. લઈ લીધું !’ અતિ ઉત્સાહમાં મલય બોલી ગયો. હેતા મલયના ચહેરા પરની ખુશી જોઈ રહી. તેનેય આ ગમ્યું. બોલી, ‘ મલય, આપણે ત્યાં જઈએને ત્યારે... તું જ...’ મલય બોલ્યો, ‘હેતા, હું તો એ બંનેને બાથ ભરી ભેટીશ.’ આવી ખુશીમાં, આવા આનંદમાં તેમના દિવસો પસાર થતા હતા. ત્યાં એક સાંજે અંકુરનો ફોન આવ્યો. હેતા બાથરૂમમાં હતી.મલયે નામ જોઈ ઉપાડ્યો. બોલ્યો, ‘બોલ બેટા અંકુર, મજામાંને?’ ‘હા પપ્પા પણ મમ્મીને ફોન આપોને. ક્યાં છે એ?’ ‘બાથરૂમમાં છે પણ શી વાત છે. બધું બરાબર છે ને. ડરીશ નહીં. અમે આવીએ છીએ…’ ‘મમ્મીને વાર લાગશે? પછી કરું…’ ‘ના, ઊભો રહે... લે... આવી. ચાલુ રાખ. ‘મલય થોડો નર્વસ થઈ બોલ્યો. હેતાએ ફોન લીધો. ‘બોલ બેટા…’ ‘મમ્મા, અમને તો કંઈ સમજાતું નથી. તું આવી જા. રેશ્માને કંઈ ગોઠતું નથી. તે ફિકર- ચિંતા કરે છે. તું આવી જા મનેય કળ વળે. તું જ આવી જા, પપ્પા પાછળથી આવશે વાંધો નહીં.’ અંકુર સુન્ન થઈ ગયો. ‘બેટા અંકુર…’

‘પ્લીઝ મમ્મા, તારું બધું મેં અહીં ગોઠવી દીધું છે. તું પપ્પાનું બધું ઍડજસ્ટ રહીને આવી જા.’હેતા માત્ર સાંભળી રહી. ‘ઓકે’ એટલું જ બોલી. ફોન કટ કરી નાખ્યો. ‘શું થયું દીકરા અંકુરને, હેતા?’ મલયે ચિંતાતુર સ્વરે પૂછ્યું. હેતાએ મલયને હકીકત કહી સંભળાવી. હેતા મલય એકબીજાને તાકી રહ્યાં. હેતાને મલયની આંખોમાં જુલીનો હસતો ચહેરો દેખાયો. પણ મલયનો ચહેરોય ઊતરી ગયેલો, એય એણે નોંધ્યું. બીજા દિવસે સવારે મોર્નિંગ વોક માટે મલય તૈયાર થયો. હેતાનો મૂડ ન હતો. જાઉં કે રોકાઈ જાઉં એ દ્વિધા હતી. મલયે બૂટની દોરી બાંધતા કહ્યું, ‘ કેમ હેતા, તું નથી આવતી?’ હેતા શૂન્યમનસ્ક નજરે જોઈ રહી. બોલી, ‘ઈચ્છા નથી.’ મલય થોડી વાર બેસો રહ્યો.પછી ઊઠતા બોલ્યો, ‘ચાલ ત્યારે હું તો આંટો મારી આવું.’ અને એ અટીરા જવા નીકળ્યો. હેતાને જુલી યાદ આવી. થયું, મારે જવું જોઈતું હતું. પછી તેણે અંકુરને ફોન જોડ્યો. લાગ્યો. ‘અંકુર બેટા, તું ત્યાંથી વ્યવસ્થા કરી લેજેને. મારાથી નહીં નીકળાય. તારા પપ્પાની કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી.’ ‘પણ મમ્મી…’ ‘સોરી બેટા, યુ મૅનેજ યૉરસેલ્ફ... ઑકે.’ અને તેણે ફોન કટ કર્યો ને મોર્નિંગ વોકમાં નીકળી ગઈ.

Yofef mecwan

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ