વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમપત્ર પ્રભુને

પ્રિયતમ-પ્રભુ

           નતમસ્તક વંદન.

       

     સંબોધન વાંચીને હસુ આવ્યું ને?સાચું કહું મને પણ લખતાં આવ્યું. પહેલાં તો હું મૂંઝાઈ કે સંબોધન લખું તો લખું શું?અરે!આ મારો પહેલો પ્રેમ પત્ર છે.તે પણ તેને જે મારા જીવનનું સર્વસ્વ છે. જુઓને પહેલાં થયું પરમાત્મા છો તો પરમ પૂજય લખું,માતા-પિતા છો,મોટા છો તો મુરબ્બી લખું અથવા આદરણીય? ભાઈ છો તો વ્હાલા લખું કે પછી સાચા સખા છો,મિત્ર છો તો પ્રિય લખું?અંતમાં એ નિર્ણય પર આવી કે ચાલો આ પત્ર પ્રિયતમ સંબંધે લખું તેથી   "પ્રિયતમ" લખ્યું અને પ્રેમી છો એટલે તુંકારામાં વાત પણ કરી શકું અને સરળતાથી કહેવાશે બધુય.


    આમ તો તું મજામાં હશે પણ મારે પૂછવું જ રહયું. કારણ દુનિયા આખી...એમાં હું પણ આવી જાઉં જયારે કોઈ પણ જરૂરિયાત હોય કે મુશ્કેલી આવી પડે તો તારી પાસે આવી જઈએ.ત્યારે મારો આ પ્રભુ પ્રિયતમ બધાને યાદ આવે. બાકીના સમયમાં સ્વાર્થ સાધવામાં જ રચ્યા-પચ્યા રહીએ.સાદી ભાષામાં કહું તો સૌ પોતાના રોદણાં રડવા લાગે પણ તું કદી થાકતો નથી.કેવો ગજબ છે તું!


    આમ પણ ઘરના બધા કામ સમેટાય,બધું પતી જાય પછી જ તું યાદ આવે.સવારમાં દાદી તારી સામે દીવો પ્રગટાવી દે એટલે જાણે પૂરું.કોક દી હાથ જોડાય નહિંતર રહીએ જાય.હા!કયારેય કોઈ જન્મજંયતિ કે પાટોત્સવ વગર તારા મંદિરે આવવાનું થાય છે પણ એકદમ સાચું કહું તે પણ મહાપ્રસાદ લેવા જ અને બધાંની સામે ખરાબ ન લાગે એટલે તને પ્રણામ કરી લઈએ અને લોકેલાજે દાનપેટીમાં કંઈ સરકાવી પણ દઈએ. આ સિવાય તો કોઈ દુઃખ હોય,આફત આવે કે પરીક્ષાનો સમય ત્યારે અચૂક તું યાદ આવે ને એકવાર નહીં પણ ઘરમાંથી નીકળતાં નીકળતાં દસવાર હાથ જોડી લેતાં હોઈએ.


    તને કહું જયારે જયારે હું તને પેલી ફેકટરીમાં જોઉં ને...અરે!માફી માફી પણ શું કરું નીકળી આવ્યો શબ્દ.તારા મંદિરોને કારખાનાં જ તો બનાવી દીધા છે.કમાણીના કારખાનાં. લોકોની શ્રદ્ધા અને ભાવનાઓ સાથે રમીને આ ઠગ માણસ તારા નામે વેપાર કરી રહયો છે.સાચું કહેજે તને ગુસ્સો નથી આવતો?કોઈ વાર વિચારું છું તું તો સર્વ શકિતમાન છે તો કેમ આવું ચલવી લે છે.શું તું બધું સરખું ન કરી શકે.લો,હું પણ તારા પર ચડી બેઠી એ ભૂલીને કોઈ તેં બનાવેલા ધારાધોરણ અને નકકી ચોકઠાંને તો તું પણ બદલી ન શકે.તને ખૂબ દુઃખ થતું હશે ને?અમે બધાં તો એકબીજા સામે બોલી,લડી કે રડીને બધો ટોપલો ખાલવી દઈએ પણ તું કયાં કોઈ દુઃખ કહે છે બસ હસતો રહે છે.તારું આ મોહક સ્મિત જ મનમોહી લે છે.


    જયારે જયારે હું આ તારી બનાવેલી સુંદર સૃષ્ટિને જોઉં છું ને મને થાય છે આહાહા….આ વૃક્ષો, ફૂલો,પશુ, પંખી, પર્વત, નદી,આકાશ ,ધરતી,હવા,પાણી વળી,આ સૂર્ય, ચંદ્ર અને તારા આ બધું જ કેટલું અદભૂત છે.શું શાનદાર બનાવટ છે તારી.તને કેટલી બધી વાર લાગી હશે આ બધું ઘડતા.આટલી રમણીયતા નિર્માણ કરતાં?હે ..ને?


    તને કહું સૌથી મોટી કમાલ તો તેં આ માણસ બનાવીને કરી છે. કેવા અનોખા કદ,આકાર,રંગ-રૂપ આપ્યા.હદયમાં અનેકો સંવેદનો રેડીયા.વળી,મન અને બુધ્ધિ સાથે તેં આ માણસ બનાવ્યો.સાચું કહેજે અફસોસ થાય છે આ માણસને બનાવીને?મને એ નથી ખબર પડતી આટલી સુંદર સૃષ્ટિ બનાવી તે પૂરતું નહોતું કરે તેં આ માણસ નામનું પ્રાણી બનાવ્યું!!જોયું ને એને બનાવ્યો ને તું શાંતિથી બેસી શકયો નથી.વળી,એને મન બુદ્ધિ આપી તો એ હવે તારા અસ્તિત્વ પર જ સવાલ કરે છે!કેટલાંક તો એટલી હદે કે તું છે એના પર જ એમને શંકા છે.


     મોટેરાં કહેતાં હતા કે ભગવાને આખી સૃષ્ટિ બનાવી પછી વિચાર કર્યો આ સુંદર સૃષ્ટિને જાણનાર ,માણનાર કોઈ મારો સંગાથી તો જોઈએ ને.એટલે માણસ બનાવ્યો.વળી એને શકિત આપી કે સૃષ્ટિના તત્વોના ગુણો એ પોતાનામાં સંક્રાત કરી શકે પણ આ માણસે તો તને જ વાંધા પાડયા.તે બનાવ્યો અને તું જ એને સંભાળી રહયો છતાં બેફામ થઈ એ સૃષ્ટિમાં ફરી રહયો છે,બગાડ કરી રહયો છે,તને નકારી રહયો છે અને તને પડકાર ફેંકી રહયો છે.આ બધુંથી તને મજા આવે છે?


     અરે રે! હું પણ આ બધી વાતો લઈને  બેઠી તેમાં આપણા પ્રેમાલાપની વાતો રહી જશે.મારે તને દિલથી કહેવું છે કે હું તને પ્રેમ કરું છું અને એક વાત કહું જોને તું પણ મને કેટલો પ્રેમ કરે છે!હું કરું છું એના હજાર ઘણો વધારે.તું કેટલી બધી કાળજી કરે છે મારી.ડગલે ને પગલે મને સાચવે છે.


    મારા માટે રોજ સૂરજ ઉગાડી પ્રકાશ અને ઉષ્મા આપે.મારા માટે ચંદ્ર પર શીતળતા પથરાવે. ખળખળ વહેતી સરિતા અને ઉભરાતો સાગરના જળબુંદો મારા માટે અને આ પ્રાણવાયુ એ તો તારો અદમ્ય પ્રેમનો અનુભવ કરાવે.મને અને મને જ સાચવવા તેં મને કેટલાંય સંબંધોની સરવાણી આપી છે.દરેક વ્યક્તિ ઈચ્છતી હોય કે કોઈ એના હદયને જાણે,બોલ્યા વગર એના મનને વાંચે અને જો તું તો મારા હદયમાં જ રહીને મને સાંભળી રહયો છે.મારી ખુશી ,મારી વેદના ,મારી તમામ વાતોનો તું સાક્ષી છે.તું ખરેખર શ્રેષ્ઠ સાથી છે.જેટલા પણ સંબંધો છે મારા બધાના પ્રેમમાં ભરતી ઓટ આવે છે અને ખોટ પણ આવે છે પણ તારો પ્રેમ એકસરખો અને એકધારો છે મારા પર.મારી ભૂલોને તું માફ કરે છે.તારો આ દિલથી કરેલો મારો સ્વીકાર મને કયારેક મનોમંથનમાં નાખી દે છે.જો તું આટલો પ્રેમ કરે છે પણ તને કોઈ જ અપેક્ષા નથી,જબરદસ્ત છે તું. 


    મારી પોતાની શું બીજાને પણ કેવો સાચવે છે તું.હદયમાં અનંત ભાવોને રેડીને એક લાગણીભર્યો સમાજ નિર્માણ કર્યો.પરસ્પર સ્નેહ-ભાવ જળવાય રહે તે માટે તું પ્રેમનું ઝરણું લઈ હદયમાં જ વસી ગયો અને મૌન પ્રેમી બનીને સતત મને જોતો રહયો છે.મારી જેમ ઘણાં ગાંડા લોકો તને પ્રેમ કરે છે.તું દરેકને સરખો અને સાચો પ્રેમ કરે છે અને આ તું જ કરી શકે.


    અંતમાં એટલું જ લખીશ આવો જ પ્રેમ અવિરત કરજે. તારા બધાં આત્મીયોને મારી મીઠી યાદ.


                                                 તારી અને માત્ર તારી

                                                         માનવી.



પટેલ પદ્માક્ષી (પ્રાંજલ)

વલસાડ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ