વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પ્રેમપત્ર મારી માતૃભાષા ને નામ

                                            એય…હું…તને…

                                     એક ખુલ્લો પ્રેમપત્ર..

  પ્રિય. માતૃભાષા                     

                       

                        ૨૧મી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ . માતૃભાષા તારો દિવસ...…માતૃભાષા...મારી માતાની ભાષા , માતા જેવી ભાષા, માતા દ્વારા શીખવેલી ભાષા. આજે તારા જ એક સેવક  શ્રી અરવિંદ બારોટની એક પોસ્ટ પર એમણે લખ્યું હતું કે 'મારી ત્રીજી માતા એટલે માતૃભાષા પ્રથમ જનની, બીજી ધરા અને ત્રીજી માતૃભાષા' પણ મારા મતે આ ધરા પ્રત્યે લાગણીનાં સેતુથી બાંધનાર પણ તું જ છે ને માતૃભાષા.  જેને મારી જીહ્વા પર 'માં' શબ્દનો આવિર્ભાવ કરાવ્યો એવી મારી માતૃભાષા મારે તને કંઈ કહેવું છે.

                            વિશ્વના ૧૯૦ દેશો પૈકી લગભગ ૧૨૯ દેશોમાં એક કરોડ ગુજરાતી વસે છે. અમારા માટે ગર્વ લેવાની વાત છે કે અમેરિકા જેવા મહાસત્તા ધરાવતા દેશમાં સૌથી વધુ બોલાતી ભાષામાં મારી માતૃભાષા તું બીજા ક્રમે આવે છે . શ્રી અરદેશર ખબરદાર નાં શબ્દોમાં

“ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

      ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી

      ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત”

                           ગુજરાતી તું મારી માતૃભાષા છે એ મને ગર્વ છે ફક્ત મને જ શું કામ પ્રત્યેક ગુજરાતી માટે એ ગર્વનો વિષય છે. અરે, તારી  મીઠાશ , તારો લહેકો તારો રૂઆબ તો જો કે ખારો સ્વાદ આપતાં ને પણ  મીઠું કહીએ છીએ . મારી માતૃભાષા તારૂં માન તો જો જ્યાં અંગ્રેજીમાં નાના મોટા કોઈને પણ ‘YOU’ કહેવાય ત્યાં મારી માતૃભાષામાં વડિલોને  ‘તમે’ થી સંબોધતાં શીખવે છે .જ્યાં બાળક પોતાની માતાને ભલે ‘તું’ કહે પણ તેમાં માતા અને સંતાન વચ્ચે અતૂટ પ્રેમ પ્રગટ થાય છે. આમ તો એક લાગતી  તું (ગુજરાતી) પણ ગુજરાતનાં દરેક પ્રાંતે બદલી જાય છે જેમકે કાઠીયાવાડી , સુરતી , કચ્છી , અમદાવાદી , વિગેરે તેમજ અંતરિયાળ વિસ્તારોમાં તારો લહેકો પણ બદલી જાય છે.

                           તારા સોરઠી સૂફીસંતો એમ કહે કે, “આ  મારી ગુજરાતી તો એટલી મીઠી અને પચવામાં સહેલી કે એય ને માવડિયું છોકરાઓને બટકે બટકે ખવડાવતાં કે ડગલે ને પગલે ચાલતાં શીખવી દે ..ને બચરવાળ કોળિયે કોળિયે આ માતૃભાષા શીખી પણ જાય ને પચાવી પણ જાય. અમારા ગુજરાતી બાળકોને ગુજરાતી શીખવવા કોઈ ટ્યુશનની જરૂર ન પડે એય ને એની માવડિયું જ એની શિક્ષક બનીને ગળથૂંથીમાં ભાષાનાં સંસ્કારો રોપી દે”.

                           જે વિદ્યાર્થી તને  યોગ્ય રીતે ન શીખી શકે એને દુનિયાની અન્ય ભાષા કે જ્ઞાન કઈ રીતે શીખી શકાય ? આ વાત આજની મમ્મીઓ જેને ‘મોમ’સાંભળતા હર્ષની લાગણી ઉભરાય છે એ મોમ એ સમજવી જ રહી . જે સરળ એવી તને ન શીખી શકે એ શું અન્ય જ્ઞાન સરળ રીતે મેળવી શકશે ? કેમકે માતૃભાષા એ ત્વચા છે જ્યારે અન્ય ભાષા વસ્ત્ર  તો શું ત્વચા વિના વસ્ત્ર પહેરવા શક્ય છે ?

                            અહીં હું અંગ્રેજીનો વિરોધ બિલકુલ નથી કરતી ,બાળકની ઈચ્છા તેમજ તેના ભવિષ્ય માટે જો જરૂરી હોય તો અંગ્રેજી માધ્યમ ખોટું નથી પણ પોતાની માતૃભાષાનું યોગ્ય શિક્ષણ પણ એટલું જ જરૂરી છે.અત્યારના શિક્ષણની પણ એ કરૂણતા છે કે તને જ ગૌણ વિષય તરીકે ઉલ્લેખ કરે છે તો પછી ભવિષ્યની પેઢી શું તારૂં મહત્વ સ્વીકારશે ? જો કે મારી વહાલી માતૃભાષા સાંભળ મારે તને કંઈ કહેવું છે .. તારૂં પ્રભુત્વ વધારવા તારી જાહોજલાલી વધારવા તારી ભવિષ્યની પેઢી તારૂં નામ અને જ્ઞાન લે એ હેતુથી જ સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં ૧ થી ૫ સુધી નું પાયાનું શિક્ષણ ફરજીયાત માતૃભાષામાં જ લેવાશે તેમ જાહેર કર્યું છે .જે પેઢીનો પાયો /મૂળ તારી સાથે જોડાય જાય તે પેઢીની ઈમારત તો મજબૂત જ બનશે ને. 

                           જ્યારે આ વિષય પર એક ચિંતન શરૂ કર્યુ જ છે તો  આજના તારા યુવાવર્ગને ફાધર વાલેસનાં શબ્દો મનમાં ગાંઠ વાળીને રાખવા જોઈએ , ગુજરાતી જેવી પોતીકી અને સરળ ભાષા જો બીજી કોઈ મળે તો સમજ જો કે આજે તમે નવી શોધ કરી છે.  મારી માતૃભાષા, મારી 'માં' જો ફાધર વાલેસ જે વિદેશથી આવ્યા જેમણે તારી ખૂબ સાહિત્યિક સેવા કરી  'સવાયા ગુજરાતી' બન્યા એમનું આ માનવું હોય તો પછી એક ગુજરાતી તરીકે અમે કઈ રીતે તારૂં પ્રભુત્વ ઓછું આંકીએ.

                             મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી છેલ્લી બે પેઢીઓથી જ સમાજની  અંગ્રેજી તરફ દોટ વધી છે બાકી કંઈ કેટલાય ઉચ્ચ કક્ષાના વિદ્વાનો તે જ આપ્યા હતા. મારી પ્રિય ગુજરાતી તારી સેવા કાજે કેટકેટલા સાહિત્યકારો આ ભોમકા પર જનમ્યા અને તારી સેવા કરતાં અમર પણ થઈ ગયા .ભક્ત શિરોમણી નરસૈયા જેને તારી સેવા કરતાં તો પ્રભુની ભક્તિ અને પ્રાપ્તી પણ કરી લીધી . એ સિવાય અખા ભગત, નર્મદ, પ્રેમાનંદ, ન્હાનાલાલ, જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી,  કલાપી, મરીઝ,  પન્નાલાલ પટેલ, ધૂમકેતુ અહાહા કેટ કેટલા સેવકોએ તારી ભાષાભક્તિ , સાહિત્યભક્તિ કરી અમને તારા સાક્ષાત શાબ્દીક દર્શન કરાવ્યા હતા.ધન્ય છે તું અને ધન્ય છે આ ધરા .

                            તારી સેવા કરનારા સાહિત્યકારો આજે પણ એટલા જ છે બલ્કી તેનાથી પણ વધારે આજે સાહિત્યકારો અને સાહિત્ય રસિકો જોવા મળે છે. ભલે એક તરફ અંગ્રેજી તરફ દોટ મૂકનારો વર્ગ વધતો તો તેની સામે તારો એક પ્રકારે સુવર્ણકાળ કહી શકાય એ દ્રશ્યમાન થાય છે. આજના આધુનિક યુગમાં સોશ્યલ મીડિયા એચલું પ્રબળ બન્યું છે કે ઘણા સાહિત્ય રસિકોને તેમની વાંચવાની તલપ કંઈક લખવાની તલપ પૂરી કરવાનો મોકો મળે છે .જે વાંચક બની તારી સાહિત્યસેવા કરવા ઈચ્છે છે પરંતુ તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે વાંચન માટે પુસ્તકો ન વસાવી શકે એમ હોય તેમને આજનું મીડિયા ઉપયોગી થાય છે. એક પણ પૈસાનાં રોકાણ વિના તે કોઈપણ સાહિત્યને લગતી એપ દ્વારા પોતાની સાહિત્યતૃષ્ણા સંતોષી શકે છે. તો બીજી બાજુ જેને કંઈક લખવાની ચાહત કે આવડત છે તે પોતાની પસંદનું સાહિત્ય સર્જન કરી લોકો સુધી પહોંચાડી શકે છે.

                અંતે શ્રી રઈશ મણિયારનાં શબ્દોમાં કહું તો

   મેં તારા નામનો ટહુકો

        અહીં છાતીમાં રાખ્યો છે ,

    ભૂંસાવા ક્યાં દીધો કક્કો,

          હજી પાટીમાં રાખ્યો છે.

     મલક કંઈ કેટલાય ખૂંદયા,

           બધાની ધૂળ ચોંટી પણ,

     હજુયે મારો ધબકારો મેં,

             ગુજરાતીમાં રાખ્યો છે.

                          જેમ માતાથી નારાજ બાળક અંતે માતાની જ સોડમાં આવી બેસે એમ હે! મારી વહાલી  અમે પણ તારાથી વધારે દૂર ન રહી  શકીએ.અંતે તો તારા જ શરણમાં અમને શાંતિ મળે. તો તારા આશિર્વાદ અમ પર સદાકાળ રહે અે જ પ્રાર્થના સહ.

લી.

શીતલ રૂપારેલીયા🙏

                        

                          

                           

                           

               

                         



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ