વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રિય હદય

પ્રિય-હદય


      કેમ છે તું?મજામાં છે ને?કદાચ મજામાં જ હશે.જોને બધાને મળવાનો મોકો મળે છે,બધા કામો કરવાની ફુરસદ છે પણ તને નથી મળાતું, તારી સાથે નિરાંતે કયાં બેસાય છે?તારી ખબર તો પૂછાતી જ નથી.કાશ,એવી કોઈ મોકળાશ મળી જાય હદય કે હદયભરીને વાત કરી શકું!તારી સાથે કલાકો સુધી જો વાત થાય કેવી મજા પડી જાય ને તો તો!


      તું પણ ખૂબ મજાનું છે.બધું જ જોયા કરે છે,સમજયા કરે છે પણ તને કયારેય કોઈ ફરિયાદ નથી.જાણે સમજી જવાનું અને સહન કરવાનું એ જ તારું કામ હોય એવું છે તું.કેટલું ભોળપણ,કેટલીક ઉદારતા અને કેટલી બધી માનવતા ભરી છે તારામાં.તારા આ ગાઢ ઊંડાણમાં કયારેક સરી જવાનું મન થાય પણ આ જગની જંજાળોમાંથી નિકળું તો તને મળી શકું ને!બહુ મન થાય છે પણ..આ પણ પર અટકી જવાય.તું તો સમજી શકીશ.


      કેટલી શોધવા મથું છું એકલતાની પળોને કે બે ઘડી તારી વાતો સાંભળી શકું પણ કાન પર અથડાતાં આ વ્યવહારોના હજારો અવાજો તારી વાત તો સાંભળવા જ દેતા નથી અને ઘણી વાર એવું થાય છે ને તું કંઈ કહે તેના પર ધ્હેયાન આપું તો આ દિમાગ પોતાની બુધ્ધિ યુકત દલીલોથી મને ઘેરીને ઉભું રહી જાય છે અને એવા વાદ વિવાદ ઉભા કરે કે ન પૂછ વાત ને જો હું રહી તો આખર માણસ એના તાબે થઈ જાઉં છું.


      તારી અપેક્ષા ભરી કરેલી પહેલ મને હચમચાવી નાખે છે.વિચારું તારું માનું કે નહીં એમાં ને એમાં તું પાછળ રહી જાય છે અને હું કેટલાય ડગલાં આગળ ઘસડાઈ રહું છું. તું તો મને માફ પણ કરી દે છે પણ હું આ વિચારી પોતાને માફ નથી કરી શકતી.કોઈ સહદયી મળતા હરખપદુડું થાય તો કયાંક ઈર્ષાથી બળી બળી જાય.કયારેક વિશાળ બનીને કેટલુંય બધુ સમાવી લે તો કયારેક નકકર સ્વાર્થી વિચાર કરીને જીદે અડી જાય.વિવેકી મને ઘણાં વિચારો અવિવેકી બનાવે ને તું મને જોયાં કરે.તારા આ આંદોલનો જીવનને કેટલાય વળાંક આપી દે.


      જોને તું તો મારી ભીતર રહે છે છતાંય તારી સાથે બહુ જુજ મૂલાકાત થાય છે.આ સતત રેડાતા સંવેદનો દ્વારા તું વારંવાર ટહુકા કરે છે ને હું યંત્ર જીવનની માયામાંથી બહાર નથી આવી શકતી.તું જ તો મને ભાવભીની કરી આંખોમાં ભીનાશ ભરી દે છે અને તું જ તો આનંદની ચરમસીમા બનીને ગાલની કિનારીઓ સુધી વિસ્તરી જાય છે.

કરેલી ભૂલોનું તરત ભાન કરાવે છે.કેટલીય વાર માફી ના માંગી શકતા આ હોઠને તારો એ ખેદ કોરી ખાય છે.બધા મારી ખોટી વાહ વાહી કરી શકે પણ તું તો જે હોય તેનો,એકદમ સાચકલાનો અહેસાસ કરાવી જ દે છે.તારી આ ખીજાવાની પધ્ધત પણ મજાની છે.


        મારી આશાઓ,ઝંખનાઓ અને અભિલાષાઓનો એકમાત્ર સાક્ષી તો તું જ છે હદય.કઈ ક્ષણે હું કેવું અનુભવું એ ચિતાર તો તારી પાસે જ મળી શકે.કેટલીય ધરબાયેલી લાગણીઓને તે સાચવી રાખી છે.વળી,એવી કેટલીય વાતો છે જે તને અને મને જ ખબર છે.


      સાચું કહું તો મને તો તું જ ઓળખે છે.જીવન તો ચાલે છે પણ જીવંતતા તો તું જ આપે છે.હતાશાઓ અને નિરાશાઓના અગણિત પ્રસંગોને તારામાં સમેટી મેં તાળાં માર્યા છે તો ઘણીય હરખની ક્ષણોને પણ છુપાવી છે.ખરેખર તું આ સુરક્ષામંત્રીનું કામ તો એકદમ જોશભેર કરે છે હો!.દેશ દુનિયાની માહિતી છતી થાય,આ ભલભલા મોબાઈલ લેપટોપ હૅક થાય પણ તને કોઈ હૅક ન કરી શકે.તારા સંરક્ષણ હેઠળ રહેલી લાગણીઓ,વિચારો અને આ સ્પંદનો તું જ જાણી શકે.તારી ઈચ્છાથી જ એ વ્યક્ત થાય નહિંતર ભીતર જ ધરબાયેલા રહે.


       વળી,જીવનના આ સપ્તરંગી અનુભવો મને તું જ તો આપે છે.કોઈથી થતું મનદુઃખ કે કોઈકથી થતો અપાર હર્ષ,કયાંક

નાનકડી વાતોમાં લાગતું માઠું અને કયાંક નાનકડી પળમાં શોધાતી ખુશી આ તમામ તારા લીધે જતો ખબર પડે છે.તકલીફો, મનોમંથન,મૂંઝવણ,પરેશાની,ચિંતાઓમાં થતી અપાર વેદના કે આનંદ આપનાર,આહલાદ સીંચનાર પળોમાં થતો હર્ષ, આ સઘળુંય એક તારા થકી જ તો અનુભવાય છે.


         અને હા!સૃષ્ટિનું આ અદભૂત સૌંદર્ય,કણ કણમાં વિખરાયેલો પ્રેમ,સૃષ્ટિના અંગેઅંગમાં રહેલી અજાયબીઓ સર્જનહારની આ અપરંપાર લીલા માણી શકું છું તારા લીધે.કેટલુંય આશ્ચર્ય ભર્યું છે આ કુદરતમાં એના દ્વારે જયારે પણ જવાનો મોકો મળે ત્યારે કૂતૂહલથી અંજાતી આંખો તારી ટોચની અનુભૂતિ કરાવે છે. કંઈ કેટલાય ખૂણા છે તારી અંદર જયાં આ તમામ અનુભૂતિઓના ભંડાર ભરેલાં છે.નાનકડું છે પણ ગજબ સંગ્રહશકિત છે તારી.વળી,કયારેક મને વિચાર આવે છે આ તમામ સંવેદનોની કડી તું કેવી રીતે જોડી લે છે યાર!


       તારા વગરનો એકપણ વ્યક્તિ આ સૃષ્ટિમાં નથી છતાં કોઈ અઘટિત ધટના પર બોલાય કે આ વ્યક્તિ સાવ હદય વગરની છે.એને તો હદય જ નથી અને જયાં તારી ગેરહાજરી હોય ત્યાં કઠોરતા હોય એવું દુનિયા માને છે પણ તું તો હોય છે.કયાંક છુપાય છે તો કયાંક વ્યકત થાય છે.જીવનના બધા પ્રસંગોમાં તું જોઈએ જ .હદય વગરનું...તારા વગરનું કંઈ પણ કયારેય પણ સફળ થતું નથી અને જયાં હદય ના હોય તે અર્થવિહિન બની જાય છે,વ્યર્થ બની જાય છે ને?હા,એટલે ઓ હદય!હદય તો જોઈએ.કામમાં કે આરામમાં સંગે જોઈએ હદય..હદય..હદય..


        તને કોઈ વશમાં કરી શકે તો તે માત્ર પ્રેમ.તું એવું ભોળું કે કોઈએ અમસ્તો દેખાડલો પ્રેમ હોય તોય ત્યાં પાણી પાણી થઈ જાય.આ જ તારી મોટી કમજોરી.હદય તું માને કે ન માને પણ છે તો તું સંવેદન મૂર્ખ અરેરે!એટલે કે ઈમોશનલ ફૂલ એમ વ્હાલા.હશે જે હશે તે પણ તું છે તો હું છું ને તું છે તો જ આ સઘળા  માનવ અસ્તિત્વને મહત્વ છે.


          તું આમ સાથી બની ધબકતું રહેજે,સ્નેહ બની વરસતું રહેજે અને સદા પ્રેમ કરતું રહેજે.


                                          માત્ર તારી અને તારી જ


                                                   પ્રાંજલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ