વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી લાગણીઓનો પત્ર

પ્રસ્તાવના


" જો તમે વિચારો છો કે તમે મને જાણો છો,

તો તમે ભૂલ કરો છો.


જો તમે વિચારો છો કે તમે મારા મનના ઊંડાણ સુધી પહોંચ્યા છો,

તો તમે ભૂલ કરો છો.


કેટલાય તોફાનો સમાવી બેઠો છું અંતરમાં,

એક નાની સરખી ઝલક જોઈ જો તમે એમ વિચારો છો કે મને જાણો છો,

તો સાચે જ, તમે ભૂલ કરો છો. "


આ પંક્તિઓ મેં આ ' પત્રમ ' શરૂ થયું એની પહેલા લખી છે. આ પંક્તિઓ વ્યક્તિગત રીતે મને બહુ ગમી. આનો મતલબ એમ નથી કે દરેક વાત મારી જિંદગી સાથે જોડાયેલી છે કે પછી મારી વાત છે. પણ એનો અર્થ એમ છે કે દરેક વ્યક્તિ એની અંદર કંઇક ને કંઇક છુપાવીને બેઠો છે. એવી વાત અને એવી લાગણીઓ જે એણે આજ સુધી કોઈને કહી નથી. કદાચ એ ખુદને પણ કહેતા ડરતો હોય.


બસ એવી જ કોઈ વાત કે લાગણીને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીશ જે કદાચ ક્યાંક તમારા હૃદયની વાત પણ હોઈ શકે.


તો આવો શરૂ કરીએ ' પત્રમ'.


*******


ડિયર પત્રમ,


હા,‌ આ પત્ર હું ' પત્રમ 'ને જ લખીશ. કેમ કે જેના વિશે લખવાનો છું એ હવે આ પત્રને લાયક નથી. નાગા ફોટા અને લાગણીઓને દિલમાં વધારે સમય રાખવી ઠીક નથી. એટલે કોઈને તો કહેવું જ પડે. એટલે આ પત્ર બસ તને જ.


એવા તો કેટલાય વર્ષો વીતી ગયા જ્યારે આ ઋતુ આવતા મને એની યાદ આવી હોય. ના ના, એવું લગીરે સમજીશ નહિ કે એ બહુ સારી હતી અને એના જેવી બીજી કોઈ મળી ન શકે.


અરે એ તો સાલ્લી..... ધોકેબાજ હતી. દગાખોર હતી. મને બાજુમાં રાખીને એ ટૂંકા સમયમાં કેટકેટલાંય બીજા છોકરાઓ જોડે એ ફરી હતી અને ખબર નહિ બીજું શું શું કર્યું હતું?.... હટ્ટ... છી..... આટલી હરામી  છોકરી જોડે મેં પ્રેમ કેવી રીતે કર્યો હતો?


અને...અને... હું કેટલો ભોળો કે નાદાન કે પછી મૂર્ખ કે આમાંથી કશું જ ન સમજી શક્યો. કેમ મને મારા મિત્રો સમજાવતા તો પણ ખબર નહોતી પડતી? કેમ એમની વાતો પર વિશ્વાસ નહોતો બેસતો? કેમ એમ જ લાગતું કે એ આવું ન જ કરી શકે? ત્યાં સુધી મેં ન માન્યું જ્યાં સુધી મેં મારી સગી આંખે એ બધું ન જોઈ લીધું......


શું વીત્યું હશે ત્યારે મારા પર? તને ખબર પણ છે? કેવી રીતે રાતો કાઢી, તને ખબર પણ છે? આખી રાતના ઉજાગરા છતાં ઊંઘ નહોતી આવતી, તને ખબર પણ છે? ના, એ કોઈને નથી ખબર. એ કોઈને જ નથી ખબર. બસ બધા મારી હાલત જોઈ શકતા હતા. પણ અંદર શું છે એ કોઈને નહોતી ખબર.....



પણ સાચે જ..... મેં એને બહુ પ્રેમ કર્યો હતો. અતિશય.... આજે પણ એ યાદો અને એ અહેસાસ જીવે છે મારી અંદર. આ ઋતુ ગઈને હમણાં. હા, આ જ. નવરાત્રીની આસપાસ. ત્યારે જ એ મને મળી હતી. ખાસ એનામાં કંઈ નહોતું. ખાસ હતો મારો એ અહેસાસ અને ખાસ હતી મારી પવિત્ર લાગણીઓ. કેટલો પ્રેમ કરતો એને.... આહા.... બહુ જ. આજે પણ અનુભવી શકું છું.


મને ખબર છે કે એ મારી જિંદગીમાં રહી હોત તો હું ક્યારેય સુખી ન થયો હોત. એ હકીકત હું જાણું છું. અને એ ગઈ એનો હવે મને અફસોસ પણ નથી જ.


પણ, આજે પણ દસ - દસ વર્ષો પછી પણ જ્યારે એ નવરાત્રીની ઋતુ આવે છે ને ત્યારે...અને જ્યારે એ ગીત વાગે છે ને ત્યારે ત્યારે મને એક પલકારામાં એ યાદ આવી જાય છે. શું સમય હતો એ? મારી કારકિર્દી માટે ખૂબ ખરાબ, પણ મારી લાગણીઓ માટે ખૂબ સારો.


એ અહેસાસ, એ ઋતુ અને એ ગીતને કદાચ હું ક્યારેય ભૂલી નહિ શકું.


અને આજે ફરી એ યાદ આવી જ્યારે એ ગીત વાગ્યું:


" બાહો મેં ડાલી બાહે બાહે, બાહો કા જેસે હાર હુઆ.....

તો ફિર ના ક્યું મેં કહે દુ.. કહે દુ.... હા મુઝે ભી પ્યાર હુઆ..

તેરા.. હોને લગા હુ....ખોને લગા હું...... "


બસ આટલું જ કહેવું હતું. આશા છે તું મને સમજીશ અને ' જજમેંટલ '  નહિ થાય.


તારો પ્રિય,

ઋત્વિક




© Rutvik Kuhad ' RK'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ