વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એય જીંદગી, હું તને...

એય જીંદગી, હું તને પ્રેમ કરું છું...

એક ખુલ્લો પ્રેમપત્ર, જીંદગીને...

હાય જીંદગી, કેમ છે તું ? મજામાં ? હું પણ મજામાં જ છું, હોઉં જ ને, નામમાં જ ઉમંગ છે ને !

હા, હું તને પ્રેમ કરું છું. તું મને મળી, કે કદાચ હું તને મળ્યો, જે હોય તે પણ મારી અત્યાર સુધીની યાત્રામાં તે મને સાથ આપ્યો, પળેપળ નવી ઉત્તેજના આપી, સુખ આપ્યા, દુ:ખ આપ્યા, સક્ષમ થઈને, ઉભા થઈને ફરીથી દોડવાનો મોકો આપ્યો, એ બદલ એ જીંદગી, હું તને પ્રેમ કરું છું.

યાદ આવે છે ઝાંખું ઝાંખું, શૈશવના એ સોનેરી દિવસો. મને હીંચકામાં ઝુલાવતા ઝુલાવતા અને ગીતો ગાતા મારા માતા અને પિતાજી. હું હસી પડતો. એ લોકોને લાગતું કે હું એમના ગીતો સાંભળીને હસું છું પણ એમને શું ખબર કે તું મારી સામે સ્મિત કરતી ઉભી રહે અને હું ના હસું ? તું મને ગલગલીયા કરે, મને રમાડે, મારા શૈશવને તું પણ માણે અને હું આ બધું જોઈને મરક મરક ના થાઉં ? જીંદગી હું તને પ્રેમ કરું છું.

યુવા અવસ્થા આવી, કૈંક કૈંક સ્પંદનો જગાડી ગઈ, અવનવા સ્વપ્નો બતાવી ગઈ, લોહીમાં જોશ ભરી ગઈ. નવા મિત્રો મળ્યા, સાથીદારો મળ્યા, નવું નવું શીખવા મળ્યું, વ્યવહારિક દુનિયા કેવી હોય એનો પણ પ્રથમ અહેસાસ થયો, તે કરાવ્યો, એ જીંદગી, હું તને પ્રેમ કરું છું.

“એના પગલા પડ્યા” જીવનમાં ‘તૃપ્તિ’ મળી, સુખનો સાગર છલકાવ્યો, કૈક અજીબ મીઠું મીઠું પ્રવાહી લોહીમાં ભળી ગયું. સમાજમાં જીવવા માટે કામ કરવું જરૂરી છે, અર્થોત્પાજન કરવું જરૂરી છે, “સેટલ” થવું જરૂરી છે એ સમજાયું. ત્યારબાદ એક સુંદર મોતીબિંદ અમારા ખોળામાં તે ટપકાવી દીધું ! ગજબની ‘ઊર્જા’ વ્યાપી ગઈ, એ જીંદગી હું તને પ્રેમ કરું છું.

ઘણી નિષ્ફળતાઓ મળી પણ સિદ્ધાંતો જોડે ક્યારેય બાંધછોડ ના કરી, ક્યાંથી કરું ? આવડતું જ ના હોય તો ? તે શીખવાડ્યું જ ના હોય તો ! એ જીંદગી હું તને પ્રેમ કરું છું. મને ગર્વ છે આજે હું જે પણ છું તે અને આજે હું જે પણ કરી રહ્યો છું એ બદલ.

ઘણા આ સફરમાં સાથ છોડીને કાયમ માટે જતા રહ્યા - પણ હું અડગ રહ્યો, કેમ કે મને ખબર છે કે તું મારી સાથે છે એ જીંદગી. જે જતા રહ્યા એમને તો હું જોઈ લઈશ પાછળથી – ક્યાં જશે ? ઉપર તો મળશે ને ?  પણ અત્યારે જે છે એમને હું જોઈ જોઈ ને હરખાઉં છું. એક જ વાર જીવવું છે, તું મળી છે મને તો ભરપુર માણી લઉં ને ? કાલની કોને ખબર છે પણ જેટલું જાણવું છે એટલું જાણી લઉં ને ?

દુ:ખ વખતે પણ મેં તને યાદ કરી અને તું એ જ તારા ચિરપરિચિત સ્મિત સાથે મારી બાજુમાં આવીને બેઠી, એ કેમ ભૂલાય ? આત્મચિંતન કરવાની શક્તિ પણ તે જ આપી અને તમામ દુ:ખોમાં અડગ રહેવું અને સુખમાં પણ જમીન પર પગ રાખવા એ તે જ શીખવાડયું ને ! એટલે જ હું તને...

હજુ પણ આવો જ રહીશ, આમ જ રહીશ, બસ તું મારો હાથ પકડી રાખજે અને જયારે પણ મૃત્યુ આવે ત્યારે તારા એ મિત્ર ને મારો હાથ સોંપી દેજે, હું હસતે મુખે એનો હાથ પકડીને તને અલવિદા કહીશ. એ પણ ભલે આશ્ચર્યથી જોઈ રહે આપણી ભાઈબંધી ! એ જીંદગી, હા, હું તને...એય...સાંભળે છે...હું તને પ્રેમ કરું છું.

લોકો ભલે કહે કે “જીંદગીતો બેવફા હૈ, એક દિન ઠુકરાયેગી, મોત મહેબૂબા હૈ અપને સાથ લે કે જાયેગી....”

મારે મન તો તું જ સર્વસ્વ છે, તું જ પરમ આત્મા છે, તું જ નિરાકાર છે, સઘળું તુજ માં જ છે, હું તને કેમ બેવફા કહું ? તું તો મારી પાલક માતા/પિતા છે. તું છે તો હું છું. તારા થકી જ હું છું.

ચલ, સમોસા ખાવા...ભૂખ લાગી છે...પાછી કહીશ કે ઈમોશનલ અત્યાચાર ના કર...

તારો એક અંશ...

ઉમંગ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ