વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેલન્ટાઈન ડે

હેલો ફ્રેન્ડસ્!
કેમ છો?
હું છું તમારો દોસ્ત આર.જે. વિવેક અગ્નિહોત્રી, 90.4 એફ.એમ.રેડિયો પાલનપુરની 'સુપર ડુપર વાર્તા' કાર્યક્રમમાં આપનું પ્રેમભીનું સ્વાગત છે.
અરે હા આજે વેલન્ટાઈન ડે છે ખરુને? હેપ્પી વેલન્ટાઈન ડે!
આ વેલન્ટાઈન ડે એટલે પ્રેમ કરવાનો દિવસ ખરું ને?

તો આજના આ  વેલેન્ટાઈન ડે એ નોખી જ  વાત કરવી છે.વેલન્ટાઈન ડેની ખાસમખાસ સ્ટોરી!એવી સ્ટોરી કે તમે કયારેય સાંભળી નહી હોય.માત્ર તમને  જ કહેવાની છે,તો છો ને તૈયાર મિત્રો?

રમેશ  હા,રમેશ નંદલાલ એ કંઈ જેવી તેવી હસ્તી ન હતો.એ હતો શહેરનો એક સફળ બિઝનેસ મેન.એક ધનાઢ્ય માણસ.શૂન્યમાંથી સર્જન કર્યું હતું એણે.સાવ ગરીબ પરિવારનો રમેશ આજે શહેરનો સૌથી શ્રીમંત માણસ હતો.રમેશ યુવાન હતો અને કૉલેજ કરતો હતો ત્યારે લક્ષ્મી નામની સુંદર છોકરી એને ગમી ગયેલી.લક્ષ્મી પણ રમેશની હોંશિયારીને દિલ દઈ બેઠેલી.બંને એ વેલેન્ટાઈન ડે ના દિવસે જ પ્રેમનો એકરાર કરેલો.થોડા દિવસના અફેર પછી લક્ષ્મીએ એક દિવસ રમેશને કહેલું કે 'રમેશ હું તને હવે નહી મળી શકું.મારા પપ્પા મારા લગ્ન કરવા માંગે છે એમણે અબજોપતિનો એક છોકરો મારા માટે શોધી રાખ્યો છે.આવતા મહિને હું એની સાથે લગ્ન કરી લઈશ.તું મને ભૂલી જજે.તારી સાથે લગ્ન કરવામાં મને વાંધો નથી પણ ...તારી ગરીબી મને નડે છે.ચલ આવજે.'
ને રમેશનું હ્દય પળભર માટે ધબકારો ચૂકી ગયેલું પણ સ્વસ્થ થતાં જ એણે શહેરના સૌથી શ્રીમંત આદમી બનવાનું નકકી કરી નાંખેલું,અને આજે એ સપનું નથી હકીકત છે.રમેશ નંદલાલ આજે અબજોપતિ છે.જે રોડપતિ હતો ત્યારે  લક્ષ્મીએ એને પ્રેમ કર્યો હતો પણ રમેશ પાસે લક્ષ્મી ન હોવાથી લક્ષ્મીએ રમેશની અર્ધાંગની બનવાનો ઈન્કાર કરેલો.આજે એની પાસે લક્ષ્મી છે પણ વેલેન્ટાઈન ડે એ પ્રેમનો એકરાર કરનાર લક્ષ્મી નથી.
સાંભળજો,એ વેલન્ટાઈન  ડે ના બરાબર પચીસ વર્ષ પછી ફરી વેલન્ટાઈન ડે ના દિવસે ફરી આવી જ ઘટના રમેશના જીવનમાં બને છે,અલબત્ત જૂદી રીતે.
રમેશની દીકરી નિયતિ સમય નામના એક ગરીબ છોકરાને દિલ દઈ બેસે છે અને નિયતિ પણ વેલેન્ટાઈન ડે ના દિવસે જ એના પ્રેમનો એકરાર કરી સમયની પ્રેમિકા બને છે.સ્ટોરી આટલેથી ખતમ નથી થતી હવે જ શરુ થાય છે.
નિયતિ પોતાના પ્રેમની વાત પોતાના પિતા રમેશને  કરે છે.સમય ગરીબ છે એ પણ જણાવે છે.પચીસ વર્ષ પહેલાનું  સમયચક્ર ફરી એ જ સ્થાને આવીને ઊભું રહે છે.હા, હાલ લક્ષ્મીની જગ્યાએ નિયતિ છે ને રમેશની જગ્યાએ સમય!
હવે નિર્ણય રમેશને લેવાનો છે.રમેશ શો નિર્ણય લેશે?તમે અનુમાન લગાવો
ઓકે!તમારે અનુમાન નથી લગાવવું તો કંઈ નહી હું જ કહી દઉં તમને!
રમેશ ફલેશબેકમાં ગયો.એણે હાલ સમયની જગ્યાએ પોતાની જાતને બરાબર પચીસ વર્ષપહેલાં ઊભેલી જોઈ અને રમેશે નિર્ણય લીધો.
'નિયતિ બેટા,વાંધો નહીં,ગરીબને પણ હ્દય હોય છે,એને પણ પ્રેમ કરવાનો અધિકાર છે.મને એનેઓ જમાઈ બનાવવામાં વાંધો નથી. એના મમ્મી પપ્પા શું કરે છે?'
નિયતિએ કહ્યું'એના પપ્પા નથી,મમ્મી  ટયુશન  કરે છે અને એના પર ઘર ચાલે છે.એની મમ્મીનું નામ છે લક્ષ્મી'
'ઓહ!ઓકે'રમેશ એટલો જ જવાબ આપે છે.
પચીસ વરસ પહેલાનો ઈતિહાસ રીપીટ થાય છે.અલબત્ત બંનેના પરિણામ જૂદાં છે.
તો આ હતી આજની વેલન્ટાઈન ડે સ્પેશ્યલ સ્ટોરી!
દોસ્તો!કેવી લાગી તમને  આ સ્ટોરી જરુરથી જણાવશો.
સુપર ડુપર સ્ટોરીનો આજનો સમય પુરો થાય છે.મને  એટલે કે આપના પ્યારા આર.જે. વિવેક અગ્નિહોત્રીને રજા આપશો.ફરી મળીશું,આવતીકાલે.એન્જોય વેલેન્ટાઈન ડે.
સાંભળતા રહો 90.4 એફ.એમ.રેડિયો પાલનપુર


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ