વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર મારી બીમારીઓને નામ..

‘મારા શરીરની કાયમી મહેમાન'


એક પત્ર મારી બિમારીઓને નામ...




       એય..! તને વહાલી કહીશ તો લોકો મને પાગલ જ કહેશે. હા હવે, હોઉં ભલે પણ તારા સિવાય કોઈ ઓળખવું ન જોઈએ ને...હેહેહે...


       આદત નથી ને તને અપેક્ષાઓની? નહીં મોકલ્યો હોય ને, તને કદી કોઈએ પત્ર કે ઈ પત્ર? હા, ઈ પત્ર કારણ કે તારું તો કોઈ સ્થિર સરનામું જ નહીં ને...!

માથાના વાળથી લઈ પગની પાની સુધીમાં તારા કેટકેટલાં આવાસો છે. શ્રદ્ધારૂપી કોઈ ટપાલી બિચારો તને ક્યાં ક્યાં શોધે? ક્યાં પત્ર મોકલું એ જ ન સમજાય એટલે જ આ ખુલ્લો પત્ર લખું છું... માનવું પડે બાકી તારું! તું ગમે ત્યાં, તમે તે સ્થાને, ગમે તે સમયે ફીટ બેસી જાય.

‘આપવું તો સૌને આપવું નહીંતર કોઈને નહીં...' એવું કહી અન્યાય ન કરનારી તું અમુકવાર જબરી વાઇરલ પણ થઈ જાય છે, નહીં? આ ઇન્ટરનેટના ફાસ્ટ જમાનાનું તું પણ અપગ્રેડ વર્ઝન છે એવું જ વિચાર્યું ને! તારા તો કંઈ જબરા ઠાઠમાઠ છે ને!


       અરે, ઓ નાદાન.. પોતાના પર જ પોરસાવાનું માંડી વાળજે.

‘ન જાન ન પહેચાન ફિર ભી મેં તેરા મહેમાન’ જેવી તારી આદત છે. કોઈએ તને હૈયાના ઉમળકાથી સ્નેહ ભીનાં ઓવારણાં લઈ વધાવી હોય એવું યાદ છે ખરું? નહીં જ હોય, કારણ કે વહાલી...તને મારા સિવાય કોઈ સ્વીકારતું જ નથી, કોઈ આવકારતું નથી.  છતાં તું લુચ્ચી બિલ્લીની જેમ મોકો મળતા જ લાળ ટપકવતી બધે ઘૂસી જાય છે.


     અરે...પણ...પગલી દુઃખી ન થા. સાવ આવતી નહીં એવું નથી કહ્યું. હા મને ખબર છે કે તું મને સૌથી વધુ ચાહે છે. તું તો મારો આધાર છે.

એય, હું વિચારું છું કે તારી જેમ કોઈ મને અપેક્ષા વિનાનો પ્રેમ કરશે? તારી જેમ બીજું કોઈ સતત મારામાં રહેશે?


તારા ગયા બાદ,

દિલના દર્દને સ્પર્શે અને ડાઘ પણ ન લાગે,


શું આમ કોઈ અંતરના ઘાવને લૂછી જશે!


હા, કદાચ હું તારી અપેક્ષાઓ જેટલો પ્રેમ ન આપી શકી પરંતુ તને ધિક્કારી તો નથી જ. મારી સાથે સૌથી ઉત્તમ સખ્યભાવ તે નિભાવ્યો છે. આજસુધીની જિંદગીની તું સાક્ષી રહી છે.

‘જનમ જનમ કા સાથ હૈ તુમ્હારા હમારા’ ગણગણતી તું જ્યારે મારી ભીતર પ્રવેશે ત્યારે હું તારામાં ખોવાઈ જાઉં છું. તારા આગમનથી કંઈક અલગ અનુભૂતિ થાય છે. તેં મને સૌથી વધુ ઓળખી છે. જયારે ડૂમો બાઝે, તકલીફોથી ઘેરાઈ જાઉં ત્યારે તું મને તારામાં સમાવી લે છે. તારામાં ઓળઘોળ થઈ હું પલક ઝપકાવતી તને સમજવાનો મિથ્યા પ્રયાસ કરતી રહું છું. તું જે દર્દ આપે એ માનસિક દર્દ કરતાં તો હળવું જ લાગે છે. તારા આવવાથી મને ઊંઘની ગોળી મળે એ પછી આવતી ઊંઘ શ્રેષ્ઠ આરામદાયક હોય છે. તારું કોઈ સ્વરૂપ નથી પણ સ્વરૂપ વિના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે.


     હા, સ્વીકારું છું કે તારા આવવાથી હું મજબૂત બનું છું. તું મને વિખેરતી જાય છે, હું ખુદને ફરી હિંમતભેર જોડતી જાઉં છું, તું મને મક્કમ રાખે છે.

અંગત વાત કહું? એકલતાથી ડરતા માણસ પાસે જે પણ હોય એ એને ધીરેધીરે ગમવા લાગે. તું પણ મને એટલે જ કદાચ ગમે છે. તારા આગોશમાં પારકા અને પોતીકાનો ભેદ સમજાય છે. એ સમયે હું કોઈની લાગણી પામું છું તો કોઈની છીછરી લાગણી માપું છું. હાથ છોડી જનારા અને હૈયે ચાંપી લેનારા પરખાય છે. મારી જિંદગીની વાસ્તવિકતાનું દર્પણ તું ધરી જાય છે.


એય, તે મને પ્રથમ વાર એકરાર કરેલો...

એ યાદ છે? 

બાળપણમાં તું જીભમાં પ્રવેશી અને મારી મધુર વાણીને હણી ગઈ. અદેખાઈ અને ઈર્ષા તો કાળા માથાના માનવીએ ગજવે પૂરી રાખી છે; તો મારી વહાલી તારામાં એ ગુણ ક્યાંથી આવ્યો કે તોતળીનું ઉપનામ અપાવી તું હસતું ખેલતું મારું બાળપણ છીનવી ગઈ!

વળી ડોક્ટરોના ડરથી તારો સામાન ત્યાંથી ઉઠાવીને તું કિડની પર સ્થાયી થઈ ગઈ. તારા લીધે કિડની ફૂલી અને પ્રોટીન લીકેજ થતું રહ્યું.

આખિર મેંને તુમ્હારા ક્યાં બીગાડા થા? મને પ્રેમ કરનારી પાગલ તું મને જ દર્દ આપવા લાગી? પજવવા લાગી? સતાવવા લાગી?

આ ત્રેવીસ વર્ષમાં તું દિવસે ન વધે એટલી રાત્રે વધતી ગઈ. વાઇરલ, માઇગ્રેન, લો બીપી, કિડની સ્ટોન (અલી, પથ્થરદીલ તો માણસ હોય, તારો પ્રેમ પણ?), કીટોન/એસીટોન (જિંદગીમાં દઝાડનારા શું ઓછા છે તે તું પેટમાંય ઍસિડ પ્રગટ કરે છે?), અલ્સર (યાદ છે, મારા જેવી ફૂડી છોકરીને તારા લીધે લાંબા સમય સુધી મગનું પાણી અને પીસાયેલી રોટલી મળેલી.)


અને હા, બોલ તો?... મેં તને ક્યારે કહેલું કે આઈ લાઈક એક્સપરિમેન્ટ્સ, તું મને પ્રયોગો માટે હૉસ્પિટલની મુલાકાત કરાવે છે! એ પણ તગડી રકમ ચૂકવીને. સિટીસ્કેન, એન્ડોસ્કોપી, એક્સ-રે, ડીઝીટલ સોનોગ્રાફી, સ્ટોન સર્જરી, ફેક્ચર્સ સર્જરી(એક કરતાં વધુ વાર એટલે બહુવચન) બધાથી તે પરિચિત કરાવી. વિશાળ ઑપરેશન થિયેટરોમાં ભયભીત કરનારા શૂન્યાવકાશમાં હું એમ જ ખોવાઈ જતી. જેવી હું આંખ ખોલું ત્યારે તને લઈ જનારા સફેદ પરિધાનમાં સજ્જ દૂતો અને દેવીઓ સામે દેખાતાં. ડિસ્ચાર્જડ શબ્દનું સ્મરણ કર્ણપટલ પર થાય ને વિચારું, ‘ઓહઃ, થોડા સમયમાં તું મારાથી દૂર થઈ જશે!’ એમાંય જતાં જતાં ખાલી હાથે જવા ન દેવાયની સંસ્કૃતિને વરેલા એ ડોકટર્સ દવાઓનું ખાખી ગિફ્ટ હેમ્પર અચૂક આપે.


      બકા સાંભળ, આજના આ પત્ર લખવા પાછળની હકીકતનો ફોડ પાડું. ખબર છે તને...?

'કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ..' એવું કહેવાય છે. તો વહાલી, મારી આવનારી જિંદગીના નવા માર્ગે નવા સાહસ ખેડવા, નવી શરૂઆત કરવા મારે તારાથી દૂર થવું પડશે. તને વેદના થશે મારા વિરહની...એ વિચાર માત્રથી હું કંપી ઊઠું છું. તારી પરિસ્થિતિ સમજુ છું છતાં ખુશી સાથે દર્દ પણ આંખોથી છલકે છે. ખુશ એટલે કે હું તને આ એકતરફી પ્રેમમાંથી મુક્તિ અપાવીશ. દર્દ એટલે કે મને સ્ટ્રોંગ બનાવનારી તું મારી સાથે નહીં હોય. અટકેલી આ જિંદગી છેલ્લીવાર એલર્ટની ઘંટડી વગાડે એ પહેલાં મારે આગળ વધવું જ પડશે. માફ કરજે હું થોડી સ્વાર્થી થઈ રહી છું પણ સજોડે શરૂ થયેલી આ સફરના રસ્તા અલગ કરવા જ પડશે.

   

  અલ્લડ લાગી ને હું? તું વિચારતી હોઈશ કે પહેલા આશ્રય આપ્યો ને હવે જાકારો આપે છે! હા, કબૂલ કરું છું કે હું તને આવતી અટકાવી ન શકી. તું સતત મારામાં રહી અને હું જાકારો આપી ન શકી. મારા વર્તન, વિચાર, વ્યવહારનું તું મધ્યબિંદુ રહી. છતાં નિયતિમાં જુદા પડવાનું છે. અરે પગલી, પ્રેમમાં તો માત્ર મુક્તિ હોય, બંધન નહીં. અત્યારે તું મારા પ્રેમમાં ડૂબેલી છે, પણ એ પ્રેમ ખાબોચિયા જેવો...તને ખૂંપેલી રાખશે, ખીલેલી નહીં. પ્લીઝ તો તું બહાર નીકળી જા.

મને ભૂલી ન શકે તો ભૂલવાની પ્રબળ કોશિશ કરજે; પણ મારાથી અળગી થઈ બીજું સરનામું ન શોધી લેતી!


     પ્લીઝ તું કોઈની ન થતી. આ સૃષ્ટિની સમગ્ર માનવજાતને તારાથી મુક્ત રાખજે. તારા રૌદ્ર રૂપથી કોઈને પરેશાન ન કરતી. હર્યોભર્યો પરિવાર વેરવિખેર કરવામાં નિમિત્ત ન બનતી. જો ભૂલથી જાય તો, ખોરડું ને ખિસ્સા ખાલી થાય અને ભૂખ્યાં બાળકનું હૃદયદ્રાવક આક્રંદ શરૂ થાય એ પહેલાં તું પાછી વળી જ્જે. કોઈ લાચારની પરીક્ષા કર્યા વિના અસ્ત થઈ જ્જે.


     મારા અંતિમ સમયે જો જીવ અટક્યો તો તને સાદ પાડીશ; ત્યારે હું તને મારી પાસે આવતાં રોકીશ નહીં. તું આવીને મને તારામાં સમાવી લઈશ એ સુખદ ક્ષણની હું રાહ જોઈશ. બસ, ત્યારે તું મને લઈ જ્જે. એકએક અંગ પર તે જે અસહ્ય ઉજરડાઓ પાડ્યાં છે, તું એમાં ઉમેરો ન કરતી. કોઈને ખબર પણ ન પડે એ રીતે આવીને મારી સાથે અનંતની અનુભૂતિ માણી લેજે. આહ..! કેવી અદ્ભુત અને આહ્લાદક એ ક્ષણ હશે! જિંદગીની સફર ગમે તેવી રહી હોય પણ તું મારા મૃત્યુનો મલાજો જળવાય એ રીતે હળવેકથી આવજે.

ચાલ, મળીશું જિંદગીના ઢળતાં સૂર્યાસ્તે.


    

લિ.

એકતરફી પ્રેમથી તને મુક્ત કરી તારું સદાયનું સરનામું ઓઝલ કરતી માત્ર ને માત્ર તારી જ

હું......

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ