વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બોલોને ડેડ !

ડિયર મોમ-ડેડ,


મારે તમને કશુંક કહેવું છે. તમે કહેશો કે, તો સીધું કહી શકાય, પત્રની શી જરૂર? તમે કહ્યું હતું ને કે તને કોઈ સવાલો હોય તો તું પૂછી શકે છે. આજે તો મને ઘણાં બધાં સવાલો છે, તો તમે વિચારીને જવાબ આપી શકો અને મારાં જેવા બીજા કોઈનેય આ સવાલો થાય તો એ પણ પોતાના મોમ ડેડને આ પત્ર વંચાવી શકે એટલે લખીને પૂછું છું.


મોમ-ડેડ, કાલે મને એક સપનું આવ્યું હતું. એક ખૂબ સુંદર જગ્યા પર આપણે હતાં. જ્યાં ચારે બાજુ લીલુંછમ ઘાસ, સુંદર છોડ અને એની પર ઉગેલા લાલ, પીળા, વાયોલેટ, પિન્ક જેવા કેટલાંય રંગના ફૂલો હતાં. એકદમ આસમાની ચોખ્ખું આકાશ, શીતળ સુગંધી પવન, અને ખળખળ વહેતી નદી પણ હતી. એના પાણીનો અવાજ કહું કેવો હતો? જાણે મારાં સંગીતના વર્ગમાં વાગતું કોઈ સંગીત..! નદીમાં આમથી તેમ તરતી રંગબેરંગી માછલીઓ પણ હતી. બહુ બધાં મોટા ઝાડ હતાં અને ઝાડની ડાળીએ ઝૂલતા હસતાં, કિલકારી કરતા મારાં જેટલાં કેટલાંય બાળકો પણ ત્યાં હતાં. હું પણ ત્યાં ખૂબ રમ્યો અને ઝાડ પાસે ગયો તો એણે મને કેટલાય મીઠાં ફળો ખાવા આપ્યા. વાઉ.. શું ટેસ્ટ હતો!


કેટલાંય પક્ષીઓ ઝાડની ડાળીઓ પર બેસીને ગીતો ગાતા હતાં. ચકલી, પોપટ, કોયલ, મેના બધાં જ; પછી હું પક્ષીઓ સાથે ગેમ પણ રમ્યો. કેવી ખબર છે? કોયલે કુહૂ કુહૂ કર્યું, તો મેઁ પણ સામે કુહૂ કર્યું. તો વળી એણે પણ કર્યું! હા હા હા.. આવી મજા તો મને કોઈ વિડીયો ગેમમાં નથી આવી. અને હા, ઝરમર ઝરમર વરસાદમાં હું નદીના પાણીમાં છબછબિયાં કરતો હતો તો નદીએ પોતાનું પાણી પીવા આપ્યું. ઓહ ! મોમ પાણીનો એવો મીઠો ટેસ્ટ તો આજ સુધી મેઁ ચાખ્યો જ નથી. હા, નદીની પેલે પાર  એક સુંદર જંગલ હતું, ત્યાં બધાં પશુઓ હળીમળીને રહેતાં હતાં.


મોમ-ડેડ યાદ છે?... આપણે જયારે મ્યુઝિયમ જોવા ગયા હતાં, ત્યારે ત્યાં રાખેલા ચિત્રોમાં કુદરતી દ્રશ્યના ચિત્રો કેવા રંગીન અન સુંદર હતા! ડેડ કહેતા'તા કે આમાં દુનિયામાં જેટલાં રંગો હોય એ બધાં જ વપરાયા છે. બિલકુલ એવી જ રંગબેરંગી જગ્યા હતી એ.


પછી હું દોડી દોડીને પેલા રંગીન પતંગિયાને અડવા જતો'તો; જે ફૂલો પર બેસતું હતું, પણ ત્યાં ખબર નહીં અચાનક શું થયું! તમે બંને ત્યાંથી ગાયબ થઈ ગયાં. અને...અને ખબર છે, બીજું શું થયું? બધાં જ રંગો પણ ગાયબ થઈ ગયાં. બધું જ બ્લેક એન્ડ વ્હાઈટ!! દાદા કહેતા હતા એવું, જે એમના જમાનામાં ટીવીમાં આવતું, એવું થઈ ગયું. હું ખૂબ ડરી ગયો. નદીનું પાણી એકદમ કાળું થઈ ગયું હતું! આકાશમાં ક્યાંક કાળા કાળા ધુમાડા જેવું હતું. સૂરજદાદા મારાં પર જાણે ખૂબ ગુસ્સે થયા હોય એમ આગ વરસાવીને લીલું ઘાસ અને ઘણું બધું બાળી રહ્યાં હતાં. વર્ષારાણીએ પણ રિસાઈને વરસવાનું બંધ કરી દીધું. દરિયાદાદાએ મને ખૂબ ઠપકો આપ્યો. તમે તો કહેતા'તા ને...કોઈ તને લડશે તો અમે બચાવીશું પણ મેઁ તમને કેટલીય બૂમો પાડી, તમે તો ત્યાં નહોતા!


છેવટે ડરતા ડરતા હું પેલી નદી પાસે ગયો, તો એનું પાણી એકદમ કાળું ને ગંદુ! મેઁ પૂછ્યું, આવું કેમ? તો નદી રડી પડી. એણે રડતાં રડતાં મને કહ્યું, "આ જો, આ કેટલી ગંદકી અને કચરો નાખે છે બધા મારાં પાણીમાં! હા, ડેડ મેઁ જોયું તો એ કચરો કયાંથી આવતો હતો, ખબર છે? તમે પેલી જે ફૅક્ટરી નાખી છે ને ત્યાંથી. નદીમાં રહેતી બધી માછલીઓ મરી ગઈ હતી. પાણીના બધાં કમળ સુકાઈ ગયા હતાં. હવે કમળો ક્યાં ઉગશે? નદી ખૂબ રડે છે. એ કહે છે કે હું હવે વહેવાનું જ બંધ કરીશ. કેમ ડેડ? તમે કેમ એવું કર્યું?


અને મેઁ જોયું તો જ્યાં જંગલ હતું, ત્યાં એકદમ મોટી મોટી બિલ્ડિંગ્સ હતી. એ બિલ્ડિંગ્સ નીચે દબાઈને ધરતીમાતા પણ રડતાં હતાં. આવી બિલ્ડિંગ્સ કોણે બનાવી હશે? ધરતીમાને કેટલું દર્દ થતું હશે !


પછી હું દરિયાદાદા પાસે ગયો, તો એ તો મારી સામે જોતા પણ નહોતા, તોયે હું દાદા કહેતો એમને બાથ ભરવા દોડ્યો તો એમનું હૃદય પીગળી ગયું. એમણે મને એવું કહ્યું કે, તમે બધાં મારાં પર કવિતા, શૌર્ય કથાઓ લખો છો, મારાં કિનારે આવીને, સાથે બેસી સૂર્યાસ્ત જુઓ છો, મારાં ઉછળતા મોજામાં ન્હાઓ છો અને પછી જતાં જતાં મારી આજુબાજુમાં પ્લાસ્ટિકની બૉટલ્સ, ગ્લાસ, થર્મોકોલની ડીશો, જે કંઈ એઠું જુઠ્ઠુ ખાવાનું બચ્યું હોય એ બધું ફેંકતા જાઓ છો. આપણે લાસ્ટ સન્ડે બીચ પર ગયા ત્યારે આપણે પણ આવું જ કર્યું હતું ને, મોમ?


અને પેલી ઠંડી સુગંધવાળી હવા ક્યાં ગઈ? એવું હજી તો વિચારું ત્યાં એકદમ ગરમ પવન મારાં ચહેરાને દઝાડતો ગયો. હું ચીસ પાડી ઉઠ્યો પણ ના તો મોમ કે ના તો ડેડ તમારામાંથી કોઈએ કંઈ સાંભળ્યું નહીં. અને હા,પેલા રંગબેરંગી ફૂલો ! જ્યાં હું પતંગિયાને અડવા જતો હતો એ, એતો હતાં જ નહીં ત્યાં. બધાં વૃક્ષોના પાંદડા ખરી પડ્યા હતાં. વૃક્ષોની ડાળીઓ ચીમળાઈ ગઈ હતી. ક્યાંક તો વૃક્ષો કપાઈને જમીન પર પડ્યા હતાં. એ કોણે કાપ્યા હશે?


મેઁ તો વર્ષારાણીને રીઝવવા ગીત પણ ગાયું, પણ એ તો હવે આવવા તૈયાર જ નથી. એ કહે છે મારાં સંગાથી વૃક્ષોને, નદીને, તળાવને તમે તકલીફ આપો છો, મારું પાણી પણ ખાબોચિયામાં ભરાઈને પડ્યું રહે છે, અથવા નકામું વહી જાય છે. ક્યાંય સ્ટોર નથી કરતા, એ જોઈને મારે હવે આવવું જ નથી.


અને પછી શું થયું ખબર છે? અચાનક પછી પેલા કાળો  કાળો ધુમાડો વધવા લાગ્યો, મારો શ્વાસ એકદમ રૂંધાવા માંડ્યો અને હું જાગી ગયો.


મને બહુ જ ડર લાગે છે. શું આવું સાચે થશે? મને તમે કહો કે, પેલું પતંગિયું ફૂલો વગર ક્યાં બેસશે? એનું ઘર ક્યાં? ક્લાસમાં ટીચર કહેતા હોય છે કે જંગલ પશુ પક્ષીઓનું ઘર છે, તો હવે તેઓ બધાં ક્યાં રહેશે? બધાં પક્ષીઓ ક્યાં બેસીને ગીતો ગાશે? ડેડ કોઈ આપણું ઘર લઈ લે તો! અને હા, મારાં સાયન્સ ટીચર કહેતા હતાં કે, વૃક્ષો ઑક્સિજન આપે અને જે હવા આપણે શ્વાસ દ્વારા અંદર લઈએ એને શુદ્ધ કરે. તો હવે વૃક્ષો નહીં હોય તો શું આપણે અશુદ્ધ હવા શ્વાસમાં લઈશું? વર્ષારાણી નહીં આવે તો હું વરસાદના પાણીમાં છબછબિયાં કેમ કરીશ? ઘાસ જ નહીં હોય તો ગાય ભેંસ ખાશે શું અને દૂધ કેવી રીતે આપશે? તો હું શું પાઉડરનું દૂધ પીશ?


દાદી પેલું હાલરડું ગાતાં હતાંને... આંબા-ડાળે ઝુલાવું તને....આમલી પીપળી રમાડું તને.. તો મારે ઝુલવું છે એ ઝાડની ડાળીએ, મારે એક ડાળથી બીજી ડાળે કૂદવું છે. બોલોને ડેડ હવે આ મને ક્યાં મળશે? અને પેલા ફળો?! તમે જ તો કાલે માર્કેટમાંથી લાવ્યા ત્યારે કહેતા હતા ને કે કેમિકલથી ફળો પકાવ્યા છે. ત્યારે મને નહોતું સમજાયું કે, એમ પકાવવું એટલે શું...પણ હવે સમજાય છે. તો અમારે ભાગે હવે પેલા મીઠાં, કુદરતી રીતે પાકેલા ફળોને બદલે કેમિકલ્સ!!?? આ નદી, તળાવ, પતંગિયા વિશે તમે અમને ખાલી ડ્રોઈંગના ક્લાસીસમાં જ શીખવશો? સાચુકલા કદી નહીં? આ મીઠું પાણી જે પૈસા આપશે એને જ બૉટલમાં મળશે?


મારે નદીને, દરિયાદાદાને, વૃક્ષોને, વર્ષાને કહેવું હતું કે સાંભળો, તમે નારાઝ ન થાઓ તમે બધાં મને ખૂબ વહાલા છો. મને જ નહીં મારાં મોમ-ડેડને પણ, અરે! તમે તો બધાને ખૂબ વહાલા છો. તમારા વગર તો અમે પણ જીવી ન શકીએ. પણ કદાચ મોમ ડેડ અને બધાં બહુ બિઝી હોય છે ને, એટલે તમારા પર ધ્યાન આપતાં ભૂલી ગયા હશે. હું એમને યાદ અપાવીશ.


મોમ ડેડ, તમે તો પેલા ચિત્રમાં હતાં એવી રંગોવાળી સુંદર જિંદગી જીવ્યાં, પણ શું હવે મારે અને મારાં જેટલાં મારાં બધાં મિત્રોએ એવી જિંદગીના માત્ર ચિત્રો જ દોરવાના?! જિંદગીમાં અમને એવા રંગો સાચે કદી નહીં મળે? તમે જ તો શીખવ્યું છે ને, કે જે તકલીફમાં હોય એની મદદ કરવી. આ નદી, તળાવ, દરિયો, ધરતી, વૃક્ષો, પક્ષીઓ, પશુઓ, વર્ષા, પવન બધાં ખૂબ તકલીફમાં છે. એ આપણા માટે કેટલું કરે છે ! તો શું આપણે એમની મદદ નહીં કરીએ? ડેડ,  આ બધી ફરિયાદ નથી પણ હું આ બધાં ને ખૂબ પ્રેમ કરું છું. એમની તકલીફ મારાથી જોવાતી નથી. શું તમે એમને પ્રેમ નથી કરતાં?

બોલોને ! બોલોને ડેડ !

                                                          લિ.      

                                           આપનો વહાલો દીકરો




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ