વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પડકારને પત્ર

પડકારને પત્ર

નૂતન અડીખમ
'હૃદયકુંજ'  જીવનપથ
સહિષ્ણુતા પાર્ક
નૂતનનગર,
પિન નં.: 143143
જિ.: ધૈર્યપુર
તા.:10/03/2021

પ્રતિ,
પડકાર ઠોકરરાય પથ્થરિયા,
પ્રહારપુર,  ધોલવાડ.
મારા આત્મીય અંશ પડકાર,

L❤ve you a lot! ???? તું તો મારો જન્મજન્માંતરનો સાથી છે, ખરું ને? મને અઢળક પ્રેમ કરે છે એ હું જાણું છું. પણ... એક વાત પૂછું, પ્રિય મિત્ર? નથી પૂછવું જવા દે. કેટલાય વખતથી આ વાત મનમાં ઘૂમરાયા કરે છે પણ મને ખબર છે કે તારો જવાબ શું હશે. વાંચતાં વાંચતાં આમ લુચ્ચું હસતો નહીં. હું તારા દરેક પ્રતિભાવથી વાકેફ છું.

હા, મને યાદ છે. છેક મારાં જન્મથી જ તું મારી સાથે છે. જ્યારે હું પહેલી વાર શાળાએ ગઈ. બ્લેકબૉર્ડ પરનું લખાણ હું વાંચી શકતી નહોતી. મને ખબર નહોતી કે એ મારી આંખની તકલીફ હતી. ઘરે કોને કહું? માને માથે ઢગલો જવાબદારી હતી. વળી, અઢી/ત્રણ વર્ષની ઉંમરથી જ બાપુજી(પપ્પા) સાથે બેસીને અખબારના અક્ષરો વાંચતા શીખી ગઈ હતી એટલે શાળાએ ગયાં પહેલાં જ અક્ષરજ્ઞાન હતું. શિક્ષિકાબહેન બોલે તે ધ્યાનથી સાંભળતી અને બધાં વર્ગની બહાર જતાં રહે પછી બ્લેકબૉર્ડ પાસે જઈને ફટાફટ લખી લેતી. ત્યારે મને શું ખબર કે હું તને ઝીલી રહી છું? નાની ઢીંગલી હતી ને! તોય મને બધું જ યાદ છે. ત્યારે હું તને ઓળખતી નહોતી એટલું જ.

પાંચમા ધોરણમાં શાળા બદલાઈ ગઈ. મોટી શાળામાં હવે તાસ પ્રમાણે ભણવાનું અને નોટબુકમાં લખવાનું ચાલુ થયું હતું. હવે? દસ વર્ષની વયે મેં એનો પણ ઉપાય જાતે જ શોધી લીધો. બરાબર બ્લેકબૉર્ડની સામેની જ પહેલી બેંચ પર બેસવા માટે ઘરેથી વહેલી નીકળીને નિશાળે પહોંચી જતી. તો પણ તું લુચ્ચો, કોઈ વખત મને મોડું કરાવી દેતો. હસ નહીં, એ ટાઈમે હું કેટલી મૂંઝાઈ જતી એની તને શું ખબર? આજે મને એ બધું જ યાદ આવે છે. કોઈ હોશિયાર છોકરીની બાજુમાં બેસીને એની નોટમાં જોઈને લખવું પડતું અને એ પણ મારા ઉપર દાદાગીરી કરતી કે મને એક પેન્સિલ આપ તો જ લખવા દઉં. પેલાં કૈલાસ ટીચર મારી નબળી આંખની કેવી મજાક ઉડાવતાં હતાં! હું ચૂપચાપ રડી લેતી હતી.

પડકાર! તારો આટલો બધો પ્રેમ હોવાથી હું હમેશાં પ્રથમ નંબરે જ પાસ થતી. નવમા ધોરણમાં આવી ત્યાં સુધીમાં તો હું દરેક શિક્ષકની લાડકી થઈ ગયેલી (એક સિવાય.) મારાં વર્ગશિક્ષકે મારી આંખની તકલીફની વાત આચાર્યાશ્રીને કરી અને મારાં બાપુજીને શાળામાં બોલાવ્યા અને ઠપકો આપીને આંખના ડૉક્ટરને બતાવવા કહ્યું. બાપુજીએ કહેલું કે અમારી નીલાને કોઈ તકલીફ નથી. એ તો આખો દિવસ પુસ્તક વાંચતી હોય છે.એકબેઠકે આખી નવલકથા પૂરી કરી દે છે. આચાર્યાશ્રી વધુ વિફર્યા, " છોકરી પુસ્તક  કેટલી નજીક રાખીને વાંચે છે એ કદી જોયું?" એક ધારદાર સવાલ ને પરિણામે તારી વધુ એક ભેટ! આંખો પર -14 અને -17 નંબરનાં બિલોરી કાચના જાડા ચશ્મા અને એના કારણે મારી થતી ઠેકડી તો તું હરખભેર જોતો હતો! મેં મારું સમગ્ર ચિત્ત અભ્યાસમાં પરોવીને H.Sc. માં સેન્ટર ફર્સ્ટ આવીને તને પરાસ્ત કરવાની કામિયાબ કોશિશ કરી.

ઉફ્ફ! પહેલાં તો બાપુજીએ મને કૉલેજમાં જવાની મંજૂરી જ ન આપી. ખૂબ વિનંતી બાદ એક વર્ષની મંજૂરી મળી. કોલેજનો પ્રથમ દિવસ. અહીં તો છોકરાઓ પણ હતા અને એ જ થયું જે છોકરાઓ કરે! ભદ્દી મજાક.  મેં કોન્ટેક્ટ લેન્સ કરાવી લીધાં.
હવે મારું સૌંદર્ય નિખરી ઉઠ્યું. પણ...
દોસ્ત! તારું ટાર્ગેટ તો બાપુ સદાય મારાથી ઊંચું જ હોય! B.A.નો અભ્યાસ તો બાપુજીને સમજાવીને પૂર્ણ કરી લીધો પણ B.ed. ન થયું!. કારસ્તાન તારી આંખ સામે આવવા જ જોઈએ.

લગ્નની વાત ચાલુ થઈ તો દરેક જગ્યાએ આંખનો પ્રોબ્લેમ નડતો. અરે! પેલો છોકરો યાદ છે તને? જેની એક દુકાન પર તો ઑલરેડી શટર પડેલું જ હતું. એકાક્ષી હોવા છતાં મને આંખના ડૉક્ટર પાસે ચેક અપ માટે લઈ જવાની વાત કરેલી? મેં પણ ઘરમાં કહી દીધેલું કે હું એના ડૉક્ટર પાસે આંખ તો ચેક કરાવી જ આવીશ પણ પછી એ હા પાડશે ને તોય મારી 'ના' જ હશે. તું તો ત્યારે સડક જ થઈ ગયેલો! બચ્ચું! ત્યારે હું મક્કમ હતી અને આજેય છું અને સાચું કહું તો હવે મને તારી સોબતની આદત પડી ગઈ હતી.

આખરે પરણી તો ગઈ! પણ પડકાર! તારો પ્રેમ તો ભરપૂર હોં! અગ્નિની સાક્ષીએ મારી સાથે સાત ફેરા ફરી જ લીધા! પહેલી જ સુવાવડ વખતે બિલકુલ એકલી! ન કોઈ સ્ત્રી સાસરામાં ન કોઈ કરનારું પિયરમાં. છઠ્ઠીના દિવસે જ મારી મા પડી ગઈ અને બોલ ફાટી ગયો. એ દિવસો યાદ આવતાં તો હજુ આજેય મારી આંખો વરસી પડે છે. બીજી દીકરી વખતે તો મૃત્યુ બે વખત પાસે આવીને ગયું. બાકી હોય તેમ તુષારનો એક્સિડન્ટ થયો અને ધંધો બંધ. બંને નાની દીકરીઓને ઘરમાં એકલી મૂકીને ઘરને તાળું મારીને કામ અર્થે બહાર જવાનું. ઓહ! તેં મને ખરેખર તારા આત્માથી ચાહી છે અને હું પણ તને વધાવી લેવા તૈયાર જ હોઉં છું.

શાળામાં નોકરી કરવા ગઈ તો તું મારો અંગરક્ષક જેવો ત્યાં પહેલેથી જ હાજર હતો! તે ડગલે ને પગલે સાથ નિભાવતો રહ્યો! કામ હું કરું ને નામ બીજા કમાય! 'અંધેર નગરી ને ગંડુ રાજા'ની જેમ કે 'વનેચંદ'ની જેમ ભૂલ કોઈની પણ હોય, "નૂતનબહેનને જ શૂળીએ ચડાવો."

એય! તેં મારી પાસે ખૂબ દોડધામ કરાવી છે હોં!
સવારે વહેલાં ઉઠીને રસોઈ કરીને નોકરીએ જવાનું, ત્યાંથી સીધું બી.એડ. કૉલેજ ભણવા જવાનું. સાંજે ઘરે આવીને ફરીથી રસોડું સંભાળવાનું. પથારીવશ માની દેખભાળ ઉપરાંત, બી.એડ.નું અધધધ હૉમવર્ક! પડકાર, મને તુષાર અને બંને દીકરીઓનો સાથ મળ્યો અને તું હારી ગયો. હા, પણ એક વાતે તું જીતી ગયો, મારી દીકરીના અભ્યાસનું એક વર્ષ બગડી ગયું. મારે એને ડ્રૉપ લેવડાવવો પડ્યો પણ તારી એ ખુશી મેં લાંબી ટકવા ન દીધી.

પાગલ દોસ્ત! હદ તો તેં ત્યારે કરી કે વારંવાર તુષાર પર વાર કરતો ગયો. એક્સિડન્ટ પછી મણકા ખસવા - આ બેમાંથી માંડ ઉગારી લાવી તો સીવીઅર બ્રેઈન સ્ટ્રોક! કેમ કાયર! મારી સામે ન ટકી શક્યો તો તુષારને ઝપટમાં લીધો? પણ બુદ્ધુ! તું એ ન ભૂલ કે હું એક દિવાલ બનીને તારી સામે ઊભી રહી જઈશ. આજે પણ મારી આંખો વધુ ને વધુ નબળી થતી જાય છે છતાંય હું એ જ  એક જ અને એ પણ અડધી જ આંખ પાસે કામ લઈને આખરી પળ સુધી તને હંફાવતી રહીશ.

તને એક વાત પૂછું? તને સતત મારી સાથે ને સાથે રહેવાથી કંટાળો નથી આવતો? યાર! ક્યારેક તો ક્યાંક આંટો મારવા જા. થોડો દૂર જશે તો તને મારી કદર થશે. તું પણ શું યાદ કરશે કે ના, નૂતન એટલે નૂતન! તું ગમે તેટલી ઠોકર ખવડાવે, મારા જીવનપથમાં ગમે તેટલા પથરા નાંખે, હું સહિષ્ણુતા અને ધૈર્ય નહીં છોડું. આજે દિલ ખોલીને બધી જ લાગણી વહાવી દીધી છે. મારો તને પડકાર છે કે સહેજ પણ વિચલિત થયા વિના આ પત્ર વાંચી બતાવજે! ઝીલીશ ને?

લિ.
તારી સદાની સખી,
નૂતન  અડીખમ
તા. ૧૦/૦૩/૨૦૨૧
બુધવાર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ