વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એય,જીગરી.....

પ્રિય....,

શું કહીને બોલાવું તને?

ક્યા નામથી સ્મરું હું તને?

અમુક સંબંધો પોતાનું અનામ્ય વર્તુળ રચી જતાં હોય છે. આજે વિચારું છું કે તને પણ એક ખાસ નામ આપી જ દઉં. જે રીતે મારા મનપસંદ દોસ્તોનું નામકરણ હું કરું છું એવી જ રીતે તનેય એક હુલામણું પરંતુ આપણાં બે સિવાય કોઈ ન જાણી શકે એવું, મતલબ કે નામ બધા જાણે પણ અર્થ આપણે બે જ જાણીએ એટલું ખાસ નામ આપી દઉં. તું પણ મારા ગમતીલાઓને એમના હુલામણાં નામથી જ તો ઓળખે છે.

બધાનો વહાલો તું, પણ સૌથી અદકેરો વહાલો મને. કારણ ન પૂછીશ. એક હોય તો કહું ને! હું કહેતાં થાકું નહીં પણ તું સાંભળીને કંટાળી જઈશ એની મને ખાત્રી છે. છતાંય આજે મન બનાવ્યું છે તો કહી જ દઉં. ભલે પછી તને કંટાળાજનક લાગે. જ્યારે તું મારા આ પ્રેમભર્યા પત્રને વાંચીશ તો બની શકે તને પણ મારા પર અદકેરું વહાલ ઉભરાઈ આવે. એક વાત કહું? ચહેરા પર એક શરમાળ સ્મિત તો આ કલ્પના માત્રથી જ આવી ગયું. મને ખબર છે તને ગમશે જ, ભલા વખાણ કોને ન ગમે!

મારાં એકાંતનો સાથી, હૂંફ આપતો ખભો છે તું. મારા ખારાં આંસુને તારા ખોળામાં સમાવતો, મારા સ્મિતને તીરછી નજરોથી માણતો, મારા મુક શબ્દોનો શ્રોતા છે તું.
દિલોદિમાગના સંઘર્ષ થકી સજા પામતાં મારા પગલાંને પંપાળતો તું. તારી મુલાકાતની ભીની સુવાસથી મહેંકી ઉઠતા મારા તનબદનમાં નવી આશા અને સ્ફૂર્તિ ભરતો તું..... , રગરગમાં પ્રાણવાયુ બની મારા તનમનને યૌવન બક્ષતો તું. કેટલો ખાસ છે એની મને પણ ક્યાં જાણ હતી! કહે છે ને કે વિયોગ વગર પ્રેમનો અહેસાસ પૂર્ણતાને નથી પામતો એવું જ કંઈક મારી સાથે થયું.

તને યાદ હશે 23 માર્ચ 2020નો એ સામાન્ય કહેવાતો આપણી મુલાકાત વિનાનો રવિવાર. પ્રશાસન દ્વારા જાહેર થયેેલું એક દિવસીય એ લૉકડાઉન. મનને મનાવ્યું હતું કે એક દિવસમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે કાલે મળી લઈશું પણ ના, એ મારી ભૂલ હતી. એકએક કરીને એ સમય પાંચ મહિના સુધી લંબાતો ગયો.
પાંચ મહિનાનો એ વિયોગ કેટલો અસહ્ય હતો એ તારાથી વધુ કોણ સમજી શકે. જેના સેંકડો ચાહકો હોય અને એ અચાનક એનાથી દૂર થઈ જાય તો કેવું દર્દ મહેસૂસ થાય? એવું જ દર્દ તેેંં પણ અનુભવ્યું હશે. તને ચાહનારો વર્ગ વિશાળ છે. તારા માટે હું એ ટોળાંમાંની તુચ્છ ચાહક હોઈ શકું પણ તું મારા માટે વિશેષ છે એ જતાવવા જ આજે હું પત્ર દ્વારા મારી તારા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી રહી છું.

ઋતુચક્રના મારથી ક્યાંક બરછટ અને એના જ વસંતથી ખીલીને સુંવાળા બનેલા તારા દેહને સજીવ રાખતાં એ ચાહકો જ તો છે. એમને જોઈને ખીલી ઉઠતો તું અને એ ખિલખિલાટમાં નીખરી ઉઠતી હું. એ વિયોગ મારા નિખારને શુષ્કતાની સાથે તારું મારા જીવનમાં મહત્ત્વ સમજાવી ગયો.

લૉકડાઉનમાં એક દિવસ છૂટના થોડાં કલાકો દરમિયાન દૂરથી તને જોયો. મોટી સાંકળોમાં જકડાયેલો અને મોટા તાળાથી બંધાયેલો કેદી જેવો લાગી રહ્યો હતો તું ભયંકર! તારો આવાસ સૂકાં પાંદડાઓથી ઘેરાયેલા ખંડેર જેવો લાગી રહ્યો હતો. માળીકાકા પણ ન દેખાયા. એમની ઓરડી પર તાળું હતું. કદાચ તેઓ પણ લૉકડાઉન દરમિયાન પોતાના વતન જતાં રહ્યા હતા. મને મારી રાતરાણીની ચિંતા થઈ આવી, એ પણ મુરઝાઈ ગઈ હશે! માળીકાકા વગર એને કોણ સિંચતું હશે? તને મળીને ઘરે જતી વખતે માળીકાકાને દૂરથી બૂમ પાડીને કહેતી કે મારી રાતરાણીને ખાસ સાચવજો અને એ પણ હસતાં હસતાં જવાબ આપતા કે બેટા જરાય ચિંતા ના કર, એને હું જીવની જેમ સાચવીશ. એમનાં શબ્દો સ્મરણપટ પર ક્ષણિક છવાઈ રહ્યા. આશા રાખું છું કે માળીકાકા એમના વતન હેમખેમ હશે.

તારા મિલાપ વિનાના એ દિવસો યાદ આવે છે ત્યારે આજે પણ હું નિરાશ થઈ જાઉં છું. ખેર લૉકડાઉનનો અંત તો આવ્યો પણ સાથે સાથે થોડાં અજાણ્યાં સંબંધો પણ છૂટી ગયા. હા, અજાણ્યાં પરંતુ સ્મિતની આપ-લેથી બંધાયેલા એ સંબંધો ખાસ હતા.

તને યાદ છે પેલું સિનિયર સિટીઝનનું ગૃપ? સોમવારથી શનિવાર સુધી સખત ડાયેટ અને વૉક ફોલો કરનારા તેઓ રવિવારે પરિવારની જાણ બહાર કેવી મસ્ત મજાની જંકફૂડ પાર્ટી કરે. બધી જ બીમારીઓ તેમજ ઉંમરનો લિહાજ છોડી બેફિકર થઈ જાણે કે જીવનને છેલ્લે સુધી માણી લેવા ન માંગતા હોય! પેલું સ્વીટ અને પ્યારું કપલ પણ તેં જોયું જ હશે. એકદમ અપ ટુ ડેટ ડિટ્ટો રાજકુમાર અને મધુબાલા. ઉંમરના આખરી પડાવ પર હોવા છતાં એમની ડ્રેસિંગ સેન્સ કમાલ હતી. એનું રહસ્ય ત્યારે સમજાયું, જ્યારે એક દિવસ એમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે આન્ટી ઈમેજ કન્સલ્ટન્ટ છે. પેલાં બે મૂકબધિર દોસ્તની ઇશારામાં થતી રહસ્યમય વાતો નિહાળવી પણ મને એટલી જ વહાલી લાગે. કયારેક એમની વાતોમાં શામિલ થવાની અદમ્ય ઇચ્છાને હું રોકી રાખતી, કારણ હું ક્યાં દિવ્યાંગ છું! હું તો એક સામાન્ય વ્યકિત છું. મારા શબ્દોને સાંભળવાની કાબેલિયત એમનામાં છે, પણ એમને સમજવાની આવડત મારામાં ક્યાં છે? તને સજીવન રાખતાં તારા સેંકડો ચાહકોમાંથી તેઓ મારા ખાસ દોસ્ત છે. ક્યાંક મસ્તી કરતા ટીનએજર્સ તો કયારેક નાનાં ભૂલકાંઓની રમતમાં બાળપણને માણતા દાદાદાદી. કોઈક ખૂણામાં બેઠેલાં લવબર્ડ તો ક્યાંક આખા દિવસનાં કામથી થાકીને આરામ કરતાં શ્રમજીવીઓ, જે તારી શોભામાં અભિવૃધ્ધિ કરતાં હતાં. આજે એમાંનું કોઈ નજરમાં ન આવ્યું.

લૉકડાઉન પછીની આપણી મુલાકાત યાદ જ હશે. કેવો સૂનકાર હતો આપણી વચ્ચે. બંને મૌનરૂપી વેદનાથી પીડાતા આપણી આસપાસ નવા ચહેરાઓને વિસ્મયપૂર્વક જોઈ રહ્યા હતા. અરે... પેલો હેન્ડસમ, ઓલમોસ્ટ ગ્રે હેરમાં વધુ સોહામણો લાગતો ફીટ એન્ડ સ્ટ્રોંગ, 45ની આસપાસની ઉંમરનો પરંતુ ભાગ્યે જ 30નો લાગતો પુરુષ જે સૌથી વધુ પંકચ્યુલ હતો એ પણ ન દેખાયો! એક મિનિટ, તું કોઈ ગેરસમજ ના કરતો. સુંદરતા માણવી એ ફક્ત પુરુષોનો ઈજારો નથી. ભલે પછી બેગપાઇપર વાળા 'મેન વીલ બી મેન' બૂમો પાડીને કહ્યાં કરે.

એક ખાનગી વાત કહું..... એના આકર્ષક દેખાવે નહીં પણ એનામાં રહેલાં એક સારા પિતાના ગુણે મને આકર્ષિત કરી હતી. તને તો ખ્યાલ હશે જ કે એ સાયકલિંગ કરીને આવતો અને તારી ઓથે સાયકલ મૂકીને બ્રિસ્ક વૉક કરતો. થોડીવારમાં એની ટીનએજ દીકરી પણ ટ્યૂશન બેગ સાથે એની સાથે જોડાતી. મોબાઇલ વગર બંને બ્રિસ્ક વૉક સાથે અલકમલકની વાતો કરતાં. છે ને અલગ! તેં કયારેય એમની ઉંમરની વ્યક્તિઓને મોબાઇલ વગર વૉક કરતાં જોયા છે?

એક દિવસ બંને રાબેતા મુજબ ઝડપી ચાલે ચાલી રહ્યા હતા. દીકરીનાં ત્રણ ક્લાસમેટ ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. એમણે એમની મિત્રને વૉક કરતાં જોઈ દૂરથી જ બૂમ પાડી. દીકરીએ પિતા પાસે એમની સાથે જવાની આંખોથી મંજૂરી માંગી અને પિતાએ હા કહેવા સાથે પોતાની દીકરીને જે શબ્દો કહ્યાં એ દિલને સ્પર્શી જવા સાથે એ હેન્ડસમનું સન્માન વધારતા ગયા. એ જાદુઈ શબ્દો હતા, "હેય ડાર્લિંગ..... ડોન્ટ ફોરગેટ, આઈ એમ યોર ફર્સ્ટ લવ" પિતાને પ્રત્યુત્તર આપતા દીકરી પણ જયારે આઈ લવ યુ ડેડ કહે ત્યારે એ દૃશ્ય કેવું સોહામણું લાગે.

આવા તો કેટલાય ખાસ માણસોને ભેટમાં આપ્યા છે તેં. એમની ગેરહાજરીથી ચિંતા થઈ કે કયાંક એ અંજાન દોસ્તોને કોરોના ભરખી તો નહીં ગયો હોયને? અફસોસ થયો મારા શરમાળ અને અંતર્મુખી સ્વભાવ પર. કાશ એમની સાથે વાતો કરી કૉન્ટેક્ટ નંબર લઈ લીધો હોત તો એમના ખબરઅંતર પૂછી શકી હોત. હવે પશ્ચાતાપનો કોઈ મતલબ નથી પણ બીજી વખત આવી ભૂલ નહીં કરું.

લોકો માટે તું શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટેનો એક નિર્જીવ પથ છે. હા, તું ઓળખાય તો છે જોગર્સ પાર્કના નામથી પણ મારા માટે તું તારા આલીશાન આવાસમાં તારા દ્વારા ભેટમાં મળેલો મારી આઝાદીનો ખૂણો છે. તારા સુંદર આવાસમાં રાતરાણીનાં છોડ વચ્ચે મહેકતો એ આઝાદીનો ખૂણો દિવસભર અવ્યક્ત રહેલી મને વ્યક્ત થવાની મોકળાશ આપે છે. લેખન માટેના વિચારો તારા સાંનિધ્યમાં જ સ્ફુરે છે. આ પત્ર પણ આઝાદીનાં ખૂણામાં બેસીને જ લખી રહી છું.

અરે, તને પેલાં મહાન વ્યક્તિની વાત કરવાનું તો ભૂલી જ ગઈ. તારી આસપાસ એમ તો નારિયળપાણી, ફળોનાં રસ, સોડા અને આઈસક્રીમનાં ઠેલાં લોકોની ક્ષુધા તૃપ્ત કરવા માટે હોય છે પરંતુ તારી અસલી રોનક તો તારા પ્રવેશદ્વાર પાસે આવેલું નાનું સરખું ફરતું પુસ્તકાલય છે.

એક પસ્તીવાળા કાકા રોજ સવારે એમનું ફરતું પુસ્તકાલય લઈને આવે, ત્યાં મૂકીને જતાં રહે અને સાંજે તેઓ ઘરે પરત ફરતી વખતે સાથે લઈ જાય. એ એમનો રોજનો ક્રમ. એમને પસ્તીમાં મળેલા ચોપડાઓમાંથી સારા સારા લેખકોના અવનવા વિષયો આધારિત પુસ્તકોને અલગથી તારવીને એમની હાથલારીમાં વ્યવસ્થિત ગોઠવીને તારી પાસે મૂકી જાય. સાથે મોટાં અક્ષરોમાં લખેલું પોસ્ટર હોય...'સોમવારે પુસ્તક લઈ જવું અને રવિવારે વાંચીને પાછું પરત કરી જવું,
આપનું નામ અને મોબાઇલ નંબરની નોંધણી બાજુમાં મૂકેલા રજીસ્ટરમાં અચૂક કરવી.' લોકોનો વાંચનરસ જાળવવા નિઃસ્વાર્થભાવે કેવું મજાનું સત્કાર્ય કરે છે એ કાકા..! વાંચ્યા બાદ લોકો દ્વારા તરછોડાયેલા પુસ્તકોનો આનાથી સારો ઉપયોગ શું હોઈ શકે! એમને કયારેય મળી નથી પણ એમને મળવાની તીવ્ર ઇચ્છા છે. તું એમની સાથે મારી મુલાકાત કરાવીશને?

હવે તો આપણી મુલાકાત પહેલાંની જેમ બેરોકટોક થઈ રહી છે. તું પણ પહેલાં જેવો ચાહકોની ભીડથી ઘેરાયેલો વસંતની જેમ ખીલી ઊઠ્યો છે. થોડાં જાણીતાં ચહેરાઓ જોવા મળે છે. પેલા હેન્ડસમ પિતા સિવાય મને ગમતાં મિત્રો હજુ પણ ગાયબ છે. કદાચ તેઓએ તારી મુલાકાતનો સમય બદલ્યો હોય તો તું મારો સંદેશો એમને પહોંચાડજે કે હું એમને ખૂબ મિસ કરી રહી છું.

એક તરફ તું અને તને અડીને આવેલા કૃષિ વિદ્યાલયની ફળદ્રુપ જમીનમાં સંશોધન માટે ઉછરેલાં લહેરાતાં છોડ વચ્ચેથી આથમતો સૂરજ અને ઘર ભેગાં થતાં પક્ષીઓનાં ઝૂંડનાં આહ્લાદક દૃશ્યને માણતા માણતા ગાના એપ પર માધુરી અડવાણીની ટપરી ટેલ્સ સાંભળવાનો જે જલસો પડે એની તો વાત જ જવા દે. "ચલો સુનાઉ એક કહાની.... એક થા રાજા, એક થી રાની, ધત્ત.... યે કહાની હુઈ પુરાની.... મેં સુનાઉ કુછ ખાસ, ટપરીવાલી ચાઈ જેસી કહાની."
આહા હા હા......શું એનો મીઠો અવાજ. હું માણી રહી છું તારી સોબતમાં મારી સાંજને મારા આઝાદીનાં ખૂણાને.

અમૃતા પ્રીતમના શબ્દોમાં કહું તો,

"જહાં ભી આઝાદ રુહ કી ઝલક પડે,
સમજના વહ મેરા ઘર હે..."

"જિસકે ભી પાસ આઝાદી કા કોના હે,
વહ મેરા ઘર હે..."

એય, જીગરી.... હું તારા પ્રેમનાં કેફમાં એવી કેદ છું કે કદાચ કયારેક તારાથી દૂર થવું પડશે તો મારામાં કંઈક મુરઝાઈ જશે! આશા રાખું છું તારો સાથ કયારેય ન છૂટે.



લિ.
તારી અદકેરી ચાહક
છાયા CDD

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ