વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર, પત્રને...

દિનાંક- ૨૬.૦૨.૨૧

મારા વહાલા પત્ર,

 

અરે, આમતેમ શું જોવે છે? મેં તને જ સંબોધન કર્યું છે....હા જાણું છું, તને આવા સંબોધનની આદત નથી અને અપેક્ષા પણ નથી હોતી... હંમેશાં જાનુ, હબી, વાઇફ, દીકરી, દીકરો, મા, પિતાજી, વીરા, બેની, સખા, સખી, જાનેમન, અધિકારી, જનાબ.... આવા કેટલાયે સંબોધનોની તને આદત છે. ક્યારેય તે તારું નામ ત્યાં વાંચ્યું જ નથી ને!! તને ક્યારેય એવું મન નથી થતું કે કેટલાયે સંબંધોનું સિંચન કરનાર તને કોઈ પત્ર લખે? કોઈ તને પણ પ્રેમ કરે? કદાચ પ્રેમ તો બધા જ કરતા હશે પણ તને એવી ઇચ્છા નથી થતી કે કોઈ તારી સામે એ પ્રેમનો એકરાર કરે?

 

હું પણ કેવા ગાંડા જેવા સવાલો પૂછું છું!! બધાને થતું હોય એમ તને પણ થતું જ હશે ને! એટલે જ આજે મારે મારા કોઈ પ્રિય પાત્ર તરીકે તને પત્ર લખવો છે. હા, પત્રને પત્ર લખવો છે.

 

મોકલવો છે એક પત્ર, તારું સરનામું આપ,

આવતો હોય કોઈ ડાકિયો તો એનું નામ આપ.

 

 

નાનપણથી લઈને ઘડપણ સુધી તું હંમેશાં બધાના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે. સદીઓથી માનવજાત સાથે તું એક અભિન્ન અંગ તરીકે જોડાયેલો છે; પછી એ સતયુગ હોય કે કલિયુગ, કોઈ તારાથી દૂર રહેવાનું સામર્થ્ય ધરાવતું જ નથી. જો કોઈ એવું કહે કે મને ક્યારેય પત્ર માટે મનમાં લાગણી નથી જન્મી તો હું એને તદ્દન બાલિશ અને દંભી કહીશ.

 

તારા પણ કેટકેટલાં રૂપ બદલાયાં, નહીં? તારા પૂર્વજો તો સાવ સાદા સરળ ઝાડના પર્ણ સમાન હતા. પથ્થર સ્વરૂપથી લઈને આજના તારાં આધુનિક સ્વરૂપે અમારી માનવજાતને હંમેશાં પ્રેમ અને હૂંફ આપી છે. સુવર્ણકાળથી લઈને અત્યારના ઈ-કાળ સુધી તે હંમેશાં જ દરેકના જીવનમાં એક વિશિષ્ઠ જગ્યા પ્રાપ્ત કરી છે.

 

મનમાં જન્મેલી બધી લાગણીઓ સમાવી લેતા એક લાંબાલચક લખાણથી શરૂ કરીને આજે વોટ્સએપના ટૂંકા જવાબોમાં કટકા થઈ જવા સુધીની તારી સફર પણ ખરેખર દિલચસ્પ રહી છે! પંખીઓ દ્વારા તું આવે કે પછી વોટ્સએપ, ઇમેઇલના નોટિફિકેશનથી.... શબ્દોથી અલંકારિત હોય કે પછી ચિત્રોથી.... સુગંધિત હોય કે પછી ગુસ્સાથી ડૂચો કરીને કચરાપેટીમાં ફેંક્યા પછી ફરી ઉઠાવી લીધેલો બદબૂદાર......તારી વાટ હંમેશાં જ જોવાઈ છે.

 

ઘણી વખત તો મને તારી ઈર્ષા થાય છે. જેટલી અધીરાઈથી તારી રાહ જોવાય છે, એટલી જ અધીરાઈથી શું મારી પણ રાહ જોવાતી હશે! કદાચ, તને મારા ઉપર હસવું આવતું હશે! તને આશ્ચર્ય થતું હશે કે એક જીવતીજાગતી સજીવ, લાગણીઓથી ભરપૂર હૈયું લઈને જીવતી હું તારા જેવા નિર્જીવ પત્રથી ઈર્ષા કરું છું!

 

હા, મને તારી ઈર્ષા આવે છે, કારણ કે જ્યાં હું નથી પહોંચી શકતી ત્યાં તારું વર્ચસ્વ છે. હું વાચા હોવા છતાં જે નથી કહી શકતી તે તું હરહંમેશ સમજાવી જાય છે. હા, મને તારી લાગણીસભર હયાતીની, તારામાં છુપાયેલા તરંગોની, તારામાં રગદોળાયેલા વિચારોની અને સૌથી વધારે તારી સામે થતા નગ્ન ખુલાસાઓની ઈર્ષા છે.

 

લાગણીઓથી તરબતર તારા દેહને કેટલાંયે ચુંબનો મળ્યાં હશે!

સાથે સાથે ઘણીવાર આંસુથી તારા કપડાં પણ પલળ્યા હશે!

કોઈ ગાળ સાંભળીને તને ગુસ્સો જો આવ્યો હશે એ દિલબર,

તો કોઈવાર તારાં આંગણે વાત્સલ્યના શબ્દો પણ રમ્યા હશે!

 

એ વહાલા પત્ર, મને તારા દરેક રૂપનો મોહ છે. તારા મુલાયમ શરીરને સ્પર્શવાનું જેટલું ગમે છે એટલી જ ઉષ્મા જયારે તું મારા મોબાઇલમાંથી તારો દીદાર કરાવે છે ત્યારે થાય છે. ટપાલીના એ કર્કશ અવાજ 'ટપાલ છે...'થી લઈને નોટિફિકેશનના એ સંગીતમય સૂરની હું હંમેશાં રાહ જોતી હોઉં છું. હે વહાલા, શું તને પણ હું એટલી જ ગમતી હોઈશ?! શું તું પણ મારા ટેબલ પર પડ્યો પડ્યો મારી રાહ જોતો હશે! તું શબ્દોથી ભરેલો હોય કે તને મળીને આવ્યા પછી રહેલા મારા કોરા મન જેવો હોય... મને તારાથી, તારા અસ્તિત્વથી, તારા અંગેઅંગથી પ્રેમ છે.

 

જ્યારે જ્યારે તને મારા હાથમાં મસળીને હું રડી હોઉં ત્યારે... કે પછી ખુશીમાં તને પકડીને નાચી હોઉં ત્યારે.... કોઈ બીજી વ્યક્તિના આગમનથી તને એકદમ છુપાવી દીધો હોય ત્યારે... કે પછી તારી હાજરી વર્તાતી હોવા છતાં તને નજરઅંદાજ કરું ત્યારે...તારી સાથે રાતભર વાતો કરીને સવારને જગાડી હોય ત્યારે... કે પછી આખો દિવસ વાટમાં વિતાવ્યાં પછી તારા આગમનને વધાવ્યું હોય ત્યારે....દરેક ક્ષણે, દરેક શ્વાસે...એ મારા પ્રિયે મેં તને પ્રેમ જ કર્યો છે, ભરપૂર પ્રેમ...

 

જ્યારે જ્યારે મેં.......

 

દિનાંક- ૨૮.૦૨.૨૧

 

 

ઓ મારા વહાલા તને આટલી બધી રાહ જોવડાવવા બદલ ખૂબ દિલગીર છું. આવી જ દિલગીર હું કેટલી બધી વખત થાઉં છું, હે ને! કેટલીયે વખત પ્રેમાલાપ કરતા અચાનક તને એકલો મૂકીને હું જતી રહું છું. તો પણ, તે કોઈ દિવસ ફરિયાદ નથી કરી! તે કલાકો, દિવસો અને ક્યારેક તો મહિનાઓ સુધી મારી રાહ જોઈ છે. કેટલીયે વખત માત્ર સમય આગળ વધે છે પણ તું ત્યાંનો ત્યાં જ રહી જાય છે.... અપૂર્ણ...અલિપ્ત અને અતૃપ્ત.

 

તને ખબર છે તારાં અલગ અલગ રૂપમાંથી મારું સૌથી પસંદિત રૂપ ક્યું છે?

 

તારું આ જ અધૂરું રૂપ...

 

હા, એ જ અધૂરા પત્રો જે મેં શરૂ કર્યા પણ ક્યારેય પૂર્ણ જ ના કરી શકી. એ કેમ મને એટલા વહાલા છે?!! આ સવાલ ઘણીવાર હું મારી જાતને પૂછું છું. તારા એ રૂપને મારા હાથમાં લઉં છું અને તને આંસુથી ભીંજવું છું. તો પણ તું મારાથી અળગો નથી થતો....તું ક્યારેય મને છોડીને બીજા કોઈ સરનામે નથી જતો... એટલે જ કદાચ કાયમ માત્ર મારો બનીને રહેનાર એ અધૂરા ‘તું’ ને હું ખૂબ ચાહું છું.

 

વહાલા....તને મળવાની અધીરાઈ, તને મળ્યા પછીનો ઉન્માદ, તારી સાથેની એ અનમોલ ક્ષણો, તારા અને મારા વચ્ચેનો પ્રણય. તારી આગળ નહીં વધવાની જીદ અને મારી તને દૂર મોકલવાની કોશિશ...બધું તારા હોવાનો અહેસાસ કરાવે છે.

 

ઓ મારા વહાલા, તને કોઈ વખત અભિમાન નથી થઈ આવતું ને!!

મારી લાગણીઓ જાણવાનું, મારા ખરાબ સમયે સાથ આપવાનું અને મારી ખુશીની પળોને ઉત્સવની જેમ ઉજવવાનું..

 

હંમેશાં હું વિચારું છું કે તું કોઈના હાથમાં જ્યારે જતો હોઈશ ત્યારે મારી વાચા બનીને કેટલું બોલતો હોઈશ! તો શું જ્યારે હું સદાને માટે ચૂપ થઈ જઈશ, ત્યારે પણ તું મારી વાચા બનીને મારી લાગણી બધા સુધી પહોંચાડીશ ને!!!

 

વજન લાગણીઓનું નહીં શબ્દોનું થઈ જશે,

મારા જ મૃત્યુને જ્યારે તું વર્ણવી જશે!!

 

 લિ.

તારી ‘હું’

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ