વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર.. મારા ભૂતકાળના વર્તમાનને

*એક પત્ર મારા ભૂતકાળના વર્તમાનને*


હેલ્લો..


             કેમ છે? અરે..! આટલી આશ્ચર્યચકિત કેમ થઈ ગઈ? તને  સંબોધન ક્યું કરું એ ખબર પડી નહીં એટલે માત્ર હેલ્લો કહ્યું. આપણા બંનેના પ્રેમની વાત દર્શાવતો પ્રેમપત્ર મોકલી રહી છું.


આજે,

મારા ભૂતકાળની વાત લખું છું,

તારા વર્તમાનની વાત લખું છું,

જે હતું મારું છે હવે એ તારું,

સહિયારી બધી વાત લખું છું.


     હમ્મ, તો વિચારોનું યુદ્ધ શરૂ થઈ ગયું એમ ને? તારા ચહેરા પરના ભાવને હું અહીંથી જ કળી શકું છું. મારો આ પત્ર તને વિચારતી કરી જ દે, એ સ્વાભાવિક છે. તું મારા ભૂતકાળનો વર્તમાન અને ભવિષ્ય છે. એટલે જ હું તો તને હકીકતથી અવગત કરવા લખી રહી છું. તો સાંભળ.. મેં આખરી સ્પર્શ આપી એને મુક્ત કરી દીધો છે, એની રુહને સ્પર્શી અમારા સંબંધને ક્લોઝર આપી દીધું છે. હવે એ માત્ર તારો જ રહેશે.


  ડિયર તારા પ્રત્યે જરાય અણગમો નથી. તારા માટે પણ લાગણી જ છે. મારા પ્રેમને તારી સાથે ખુશ જોવાની લાલસા છે. મારી લાગણીઓનું જીવન કદાચ ક્ષણિક હતું. સમય, સંજોગ અને સંબંધોની ત્રિપદી આપણા ત્રણ વચ્ચે રચાઈ ગઈ. ક્યાં, કેમ, કેવી રીતે થયું એ હું ને તું જ જાણીએ છીએ.


    તને સાચું કહું તો એ મારા માટે સર્વસ્વ હતો. માત્ર અને માત્ર લાગણીઓથી એણે મને જીતી હતી. સ્નેહથી સંબંધ ભીંજવ્યો હતો. એકબીજાનાં વહાલમાં ઓળઘોળ થયાં હતાં. એક ખભો અને એક ખોળો એકબીજાની હૂંફ બનતાં. મુશ્કેલ સમયે પણ હાથ પકડી પિછાણી લેતા. અરે, હું ક્યાં અમારી વાત લઈને બેસી ગઈ. હવે તો વાત તમારી છે.જે મારું હતું એ બધું હવે તારું જ છે, અને એ ડગતું લાગે છે એટલે જ તને કહેવા મજબૂર થઈ છું.


     પૂછ એકવાર તારી જાતને કે તે એની સાથે જે છળ કર્યું, એ સ્વાભાવિક હતું? એક સંબંધને પામવા તે કેટલાં સંબંધોનું બલિદાન લીધું? કેમ.. માથું ઝૂકી ગયું ને? જે ભૂલ થઈ એ હવે નહીં સુધરે પણ આવનાર સમય તો શ્રેષ્ઠ બની શકે ને? એ માત્ર અને માત્ર વહાલનો તરસ્યો છે, એ લાગણીઓ માટે રઝળે છે. કોઈ ભૌતિક સુખસમૃદ્ધિ એને સુખી કરી શકતી નથી. કોઈ સફળતા એને અંદર સુધી સુખી નથી કરી શકતી. જેણે તને નવું નામ, નવી જિંદગી આપી એના પ્રત્યે તારી પણ અમુક ફરજો છે. ડિયર, કોઈનું સિંદૂર અને મંગળસૂત્ર ઝૂંટવી લગ્નનો જશ્ન માનવવો સરળ છે પણ સાત ભવના આ સગપણને વિશ્વાસને તાંતણે જોડવો કઠિન છે. લગ્નમાં જવતલની સાથે ઈગો અને અહમ પણ હોમવો પડે છે. છેડાછેડી બે હૈયા વચ્ચે પણ બાંધવી પડે છે.  મારાથી આ બધું સુખ તે અળગું કર્યું એનો અફસોસ નથી પણ એ પછીના સુખમાં તું નિમિત્ત નથી બની શકતી એનું દુઃખ છે.


      આપણી ત્રણ વચ્ચે જે પણ થયું એ પછી એણે મને કહેલું કે આ બધું સહન કરવાનો ડોળ શા માટે કરે છે? ઉત્તરમાં મેં હસી કાઢેલું અને એ હાસ્યથી એ તૂટી પડ્યો હતો. મારી પાસે ત્યારે કશું બચ્યું પણ નહોતું. નિયતિએ જ મને નોંધારી કરીને મારી મજાક ઉડાવી રહી હતી, છતાં સતત જિંદગીમાં મેં બધે સ્વીકાર કર્યો છે.  તમારી સગાઈ વખતે તને આપેલી ગિફ્ટ, એની કંકોત્રી, લગ્નની શેરવાની, તારા ઘરેણાંની ડિઝાઈન, અરે પ્રથમ રાત્રિએ તને આપેલી એ ગિફ્ટ પણ મેં જ પસંદ કરેલી. જો કે સારું જ થયું બાકી એણે ચોઇસ કરી હોત તો.... હેહેહેહે..


         શું થયું? ફરી અચંબિત થઈ ગઈ? પાગલ મારા માટે એની ખુશી અગત્યની હતી. તું આવીને બધું ઠીક કરી દઈશ એવો વિશ્વાસ હતો. પ્રેમથી તું એને સાચવી  લઈશ એ આશા હતી. મારી જિંદગીને વેરાન કરી પ્રેમનું અમૂલ્ય પાનું પણ મેં તને નવા રંગો ભરવા આપી દીધું છે. એના હૈયામાં વિસ્તારવા તને મુક્તતા મળી છે. એ હૈયાના પૂર્ણરીતે પામી લે. ક્ષણભરનો વિલંબ કર્યા વિના તારામાં એને સમાવી લે.એના રૂપે તને જિંદગીનું શ્રેષ્ઠ સુખ મળ્યું છે એને માણી લે. કોઈને પણ નસીબ ઉપર પોરસાવું ગમે એટલી હદે તું નસીબદાર છે.


        મારી સહનશક્તિની પરીક્ષા તે પણ ખૂબ હોશથી કરી છે નહીં? આપણી દોસ્તી અને ઓળખાણ તો જૂની હતી, એટલે જ તો તે મને આમંત્રણ આપેલું. તારી મહેંદીમાં હોંશે હોંશે એનું નામ નિહાળી છેક વિદાય સુધી તારી સાથે રહી હતી, ત્યારે પણ મારી ફરજો મેં નિભાવી છે. પણ શું ત્યારે એકેયવાર તે મારી આંખોમાં જોયું હતું? સારું થયું ન જોયું, બાકી વેદીની ફરતે ફેરા ફરતી તે ખુદને જ અટકાવી દીધી હોત.


     આજે હું તારી પાસે બસ એની ખુશી માંગુ છું. થોડા સવાલ કરું છું. ઉત્તર મનમાં જ વિચારી લેજે. જો તું આમાં સફળ થઈશ તો મને ખરેખર ખુશી મળશે. મારા નામે જે પ્રેમનો ઉત્સવ આઠેય પ્રહર ઉજવતો એ જ ઉમળકો તારા પ્રેમમાં દર્શાવે છે? રોજ મારા કપાળે સેંથી પૂરી ચુંબન કરવાની એની મધુરી અને અધૂરી ઇચ્છા તારામાં એ પૂર્ણ કરે છે? મૅરેજ લાઇફને લઈને એનું ધૂની પાગલપન હજુય અકબંધ છે? જમવામાં જેમ મારા પર ગુસ્સે થતો એમ ગુસ્સે થઈ તને એના હાથે જમાડે છે?ખિલખિલાટ હસાવીને  બાલિશ હરકતો હજુય કરે છે? આંખમાં કણું પડયાને બહાને કરતો એવો રોમાન્સ તારી સાથે કરે છે? બેલ્ટ પહેરીને સૂઈ જવાની, રૂમાલ ભૂલી જવાની, જમતા જમતા ફોન જોવાની, શરદીમાં પણ ઠંડુ પાણી પીવાની, કપડાંઓ વેરવિખેર રાખવાની ટેવ હજુ એવી જ હશે ને? પણ હવે તું આવી ગઈ છે બધું જ વ્યવસ્થિત કરવા માટે. તું વિખરાયેલું બધું સરખું કરી દઈશ એવો વિશ્વાસ છે.


        તને ખબર છે? એ પણ મારી જેમ સૂર્યાસ્તનો દિવાનો છે. તળાવની પાળે અને ટેકરીઓની મધ્યે અમે ઢળતો સૂરજ સાથે નિરખ્યો છે. ધરાથી દૂર થઈ હળવે હળવે ઓઝલ થતો વ્યોમ વાસ્તવમાં તો અમારી જિંદગીની સચ્ચાઈ બતાવતો હતો. એ પણ સંધ્યામાં સમાઈ ચાંદનીનો ચાંદ બની જવાનો હતો, છતાં બેફિકર અમે દિલ ખોલીને જીવી રહ્યાં હતાં. મારા ખોળમાં એ જાત ઓગળી દેતો અને મુસીબતમાં હુંફાળું આલિંગન થઈ મને એનામાં સમાવી લેતો. મારો ચહેરો જોઈ આંખ ખોલવાની ને મારામાં જ ઢળી જવાની એની ઇચ્છાઓ તો એ સાંજની જેમ જ ઓઝલ થઈ ગઈ. એની પીઢ પર મારા ટેરવાઓએ અનેક કવિતાઓ લખી છે. એની ધડકન સાંભળી શબ્દો વહાવ્યાં છે. એના થકી જ શબ્દો સાથે મારી સોબત થઈ છે. એ સાવ નાદાન છે. સાથે જ મૅચ્યૉરિટીની મિશાલ છે.


મારા શબ્દોનો એ પ્રાસ હતો,

મારી નિરાશામાં આશ હતો,

કશું નહોતું મારી પાસે ત્યારે,

એના પ્રેમમાં વિશ્વાસ હતો.


        તારા દાંમ્પત્યજીવનને સુખી કરવું હોય તો તું આગળ વધ. શા માટે એ તારી સાથે હોવા છતાં પણ એકલો અને અધૂરો છે? યાર પ્રેમ, લાગણી અને વહાલથી એને તરબોળ કરને. સાંજે એના આવતા જ ફરિયાદોને બદલે ખોળામાં એનું માથું લઈ હળવું ચુંબન આપી જો. એ ખોટું ખોટું હસે ત્યારે આલિંગનમાં લઈ જો. જે પણ હોય ખુલ્લાં હૃદયે વ્યક્ત કરી જો. મોંઘી ગિફ્ટને બદલે એનો સમય માંગી જો. ઍનિવર્સરી અને બર્થડે માત્ર ગિફ્ટ આપી રાત્રે બેડમાં એક થઈને બંધાતાં સબંધ વચ્ચે જ નથી ઉજવાતા. શારીરિક રીતે એક થનારો એ તારી સામે મનને ઉઘાડું નથી મૂકી શકતો એ તે મહેસૂસ કર્યું? એની ગૂંગળામણ સમજવાનો પ્રયત્ન કર્યો? એના મૌનમાં સમાયેલા યુદ્ધને તું કળી શકી છે?મારા જેવી જ એની ટેવ છે, દર્દ અને ડૂમો હાવી થઈ જાય ત્યારે રાતભર ઓશીકું ભીંજવતા રહેવાની. પડખું ફરી સૂઈ રહેલા પતિની ભીની આંખો તે જોઈ છે?


અડધી રાત્રે અચાનક એ રડતો હશે,

ઓચિંતો ક્યારેક ફફડી ઉઠતો હશે,

મૌન અને ડૂમાની વચ્ચે અટવાઈને,

ભીતરના ઘોંઘાટથી એ ડરતો હશે.


      હા, ઘણી વાર એ તારામાં મને જોઈ બેસતો હશે. બાંહોમાં તને ભરી સ્પર્શ મારો ઝંખતો હશે. શારીરિક રીતે તારી પાસે હોઈ મનથી મારી પાસે હોતો હશે. સાથે જોયેલા સ્વપ્નોમાં એ મને શોધતો હશે. કોઈ યુગલમાં અમારી જૂની યાદો ખંખોળતો હશે. કોઈ સંવાદમાં અચાનક એ મારામય બની જતો હશે. આ બધા માટે માફ કરી દેજે વ્હાલી એને. બસ, ખૂબ જલ્દી એને પૂર્ણરૂપે તારો બનાવી લેજે. 


તારા વ્હાલ, પ્રેમ, લાગણી, હુંફમાં સમાવી લેજે એને...

આવે જો ભૂલથી મારી તરફ, પાછો વાળી લેજે એને...


       બેશક હવે એનું વર્તન તારી પ્રત્યે બદલ્યું હશે, સુધર્યું હશે. હું મુક્ત થઈ શકી કે નહીં મને ખબર નથી પણ મેં તો એને મારાથી મુક્ત કર્યો છે. છતાં એ હજુય મારામાં શા માટે ખોવયેેલો રહે છે ખબર છે? કારણ કે મારી એકલતાની કરચ એને ખૂંચે છે. એકલતાનો એને પહેલેથી જ ખૂબ ડર લાગે છે. મારી પીડામાં એને ડૂમો બાઝે છે. મને અટકેલી જોઈ એ આક્રંદ કરે છે. ભીની આંખે રાતભર હું જાગતી હોઈશ એ ખ્યાલ એને તડપાવે છે. જ્યાં સુધી હું એકલી છું ત્યાં સુધી ઇચ્છવા છતાં એ સંપૂર્ણ મુક્ત નહીં થઈ શકે. પણ વિશ્વાસ રાખજે હું એકલી રડી લઈશ, લડી લઈશ થાકીશ ત્યારે જિંદગીથી હાર સ્વીકારી સદાયને માટે શાંત થઈ જઈશ પણ કદી તમને ખલેલ નહીં પહોંચાડું.


   હવે એ તારી જવાબદારી છે છતાં મારા હૈયાની અકબંધ અનામત છે. એ પૂર્ણ પાગલ છે, પાગલ થઈ એની સાથે પળેપળ જીવી લેજે. તારા પ્રેમમાં એને ઓળઘોળ રાખજે. પ્લીઝ યાર એને સાચવી લેજે. એની જિંદગીને પ્રેમમય બનાવી દેજે. વિશ્વાસ રાખજે તું આપીશ એનાથી બમણું એ તને પાછું આપશે. છતાં જો ક્યાંય અટકી પડે એને સમજવામાં તો બેફિકર થઈ મને વળતો પત્ર લખી દેજે. હું મદદ કરીશ તને એને સમજવામાં.


           મારા વહાલાં...બેઉ સદાય ખુશ રહો, દાંમ્પત્યજીવનના સર્વે સુખ સજોડે પ્રાપ્ત કરો, એવી અંતરથી પ્રેમભરી શુભેચ્છાઓ.



લિ.

............

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ