વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હે લેખક..

તું રોજ શબ્દોની એક સફર લખે છે..પણ કોઈ તારા મનની સફર જાણે છે..શું?


રોજ રોજ ખબર નહીં તારી કેટલીય સંવેદનાઓ અંદરને અંદર મરતી હશે.. વિખરતી હશે. તૂટતી અને પડતી હશે. તારી લાગણીઓ રોજ રોજ સંબંધોમાં ખબર નહીં કેટલીય વાર દઝાતી હશે. આ ઈંટ પથ્થરોની ઇમારતો વચ્ચે,આ તકલાદી જગિક આવાસો વચ્ચે ખબર નહિ કેટલીયવાર તારી આત્મા રઝડતી હશે.ખૂબ અઘરું છે હે લેખક, તારા શબ્દોથી હ્રદયને જાણવું કે પીછાણવું.!


એય લેખક.. જો તને ઓળખવો હોયને તો તારા શબ્દોની ઊંડાઈ, પહોળાઈ અને ગહેરાઈ, લાગણીઓથી, હૂંફથી અને પ્રેમથી માપવી, જાણવી અને અનુભવવી રહી.


તારા દરેક દર્દની કહાની ક્યાંકને ક્યાંક તારી રચનાઓમાં છલકાતી જ હશે. કોઈ વાંચીને  તારા સુધી ક્યારેય પહોંચી શક્યું છે શું? કોણ તને ઓળખી શક્યું છે? તારા હ્રદયના ઊંડાણમાં પડેલાં તારા જિંદગીના અનુભવો પરથી અને તેના પર લખાયેલી રચનાઓ પરથી શું કોઈ ક્યારેય તારી વેદનાઓનો તાગ મેળવી શક્યું છે શું? તારી અંદર વસતી એક બીજી દુનિયાને શું કોઈ ક્યારેય પિછાણી શક્યું છે ખરું?


ક્યારેક તું બધું જ સાફ સાફ લખી દેય છે અને ક્યારેક તું એવું પ્રગાઢ લખી દેય છે કે તને સમજવું ખરેખર મુશ્કેલ છે.. હે..લેખક..!


તારી કૃતિઓ દ્વારા તું રોજ વાચકને એક નવી જ દુનિયાની ઓળખ કરાવે છે. તારી કલ્પના થકી તું એક નવા જ વિશ્વમાં વાચકને ખેંચી જાય છે. તું હ્રદયમાં નવા ઉન્માદ જગાવે છે, ઘણીવાર તારી વાતો મનમાં નવી આશ અને ઉત્સાહ જન્માવે છે અને ઘણીવાર તારા શબ્દો હ્રદયને વીંધી પણ નાંખે છે. તારી કલમમાં એ તાકાત છે લેખક કે તું વાંચનારને ખુશી પણ આપી શકે છે અને બીજી જ ક્ષણે દુઃખ પણ! તારા પાત્રોમાં ક્યારેક વાસ્તવિક જિંદગી ધબકે છે તો ક્યારેક કાલ્પનિક અને ક્યારેક તારા લખેલાં પાત્રોમાં વાંચનાર ખુદને જ જુએ છે. એજ તો તારી કલમની તાકાત છે કે તું શબ્દોથી જીવંત કરે છે અને મારે પણ છે. તું ક્યારેક ઉદાસ ગમગીન ચહેરા પર હાસ્ય લઈ આવે છે, ક્યારેક તારી ખરી પડેલી લાગણીઓ કોઈ બંજર જમીન પર આશા ભરી કુંપણ પણ ઉગાવે છે અને ક્યારેક તું તારા ભીતરની પીડાઓથી બીજાની આંખોમાં આંસુ પણ લઈ આવે છે.


હે લેખક,

જો તું ઈચ્છેને તો કંઈ કેટલીય જિંદગી તારા શબ્દોથી તું બચાવી શકે છે. જો તું ઈચ્છે તો ઘણાંને તું નવી જિંદગી આપી શકે છે. જો તું ઈચ્છે તો સમાજને એક નવી દિશા આપી શકે છે. જો તું ઈચ્છે તો સમાજને તું જડમૂળથી બદલી પણ શકે છે. તારા હ્રદય પર ઇશ્વરનો હાથ છે અને માટે જ લેખન તે બીજાનું જીવન બદલી શકે, તેવી ઈશ્વર તરફથી મળેલી તને જન્મજાત ભેટ છે. તું જન્મે છે, તને બનાવી શકાય નહિ લેખક! તને મળેલ એ ભેટને તું શણગારી,તેને શબ્દોથી મઠારી બીજાને ભેટ આપી શકે છે. એક મહામૂલી..અમૂલ્ય ભેટ જે વાંચનારનું જીવન બદલી શકે છે.


તું દરેક વસ્તુ દરેક વ્યક્તિને બીજા સામાન્ય લોકો કરતાં ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી જોઈ શકે છે. ખાલી ભીંતો અને ખંડેરને પણ તું શબ્દોથી જીવંત કરી શકે છે. તું અફાટ સૂકા રણને પણ બાગ કરી શકે છે અને કડકડતી ઠંડીમાં પણ તું વાંચનારને પસીને રેબઝેબ કરી શકે છે. તું તારા શબ્દો થકી,તારા વર્ણન થકી કંઈ પણ રચી કે ઉઝાડી શકે છે. માટે જ તો તારું નામ લેખક છે. તું વસ્તુઓમાં પણ આકાર જુએ છે અને વ્યક્તિના દરેક બદલતાં હાવભાવ જોઈ તું શબ્દોથી જીવંત પાત્રો રચી, સફેદ કાગળો પર સપ્તરંગી પ્રાણ પૂરી શકે છે.


હે લેખક, તારું મૌન પણ ક્યાં મૌન હોય છે! તારા મૌનમાં પણ શબ્દોનું ચણતર હોય છે. તારા મૌનમાં પણ કંઇક જન્મી કંઇક ઘટી રહ્યું હોય છે. તારું મૌન જ્યારે શબ્દોનું વિશ્વ બની જાય છે ને ત્યારે અગણિત લોકોની લાગણીઓને વાચા મળી જાય છે.


તું કેટલાંય મૌનનો અવાજ છે..અને તું જ કેટલાંય અવાજોને મૌન કરી જાય છે..!


પણ હે લેખક,

જ્યારે તારું હૈયું વલોવાય છે અને જ્યારે તારી પીડાઓ ઉભરાય છે ત્યારે તારા શબ્દો માત્ર શબ્દો નહીં આગ બની જાય છે.જ્યારે તારું દરદ છલકાય છે ત્યારે વાચકોની આંખોમાં અનરાધાર વરસાદ થાય છે..!તારી લાગણીઓ જ્યારે બાંધ તોડે છે ત્યારે ભલભલાના હૈયા નિચોવાય છે અને જ્યારે તું રડે છે અને તારા શબ્દો રેલાય છે  ત્યારે વાંચનારની હ્રદય ભૂમિ પર સમુંદર આમતેમ અફળાય છે.


તારા શબ્દો પરથી તારા અંતરમનની કિંમત કોઈ ક્યારેય જાણી શક્યું છે શું..? તારી કિંમત અંકાય એમ નથી. કેમકે તું લેખક છે...,

તું વેચાતો નથી રોજ રોજ વંચાય છે તું..!


તારા સંવાદોની સીમા ક્ષિતિજને પેલે પાર સુધી છે. તારા મર્યા બાદ પણ તારા શબ્દો અને સંવાદો થકી બીજાના હ્રદયમાં જીવાય છે તું.


હે લેખક,

તું કેટલાયને પ્રીતના પ્યાલાથી સીંચી તૃપ્ત કરી દેય છે. તારી લખેલી પ્રેમ ગાથાઓ થકી કેટલાંય હૈયાઓમાં પ્રેમના માળા ગુંથાય છે. પણ હેય લેખક...ક્યારેય શું તારા મનનું એકલું પક્ષી પ્રેમમાં પરિતૃપ્ત થાય છે ખરું? કોઈ ક્યારેય તારા મનને વાંચીને સ્પર્શી જાય છે શું?


કોણ જાણે તારી પીડા? કોણ જાણે તારી એકલતા? કોણ જાણે તારી મનોદશા..,જ્યાં એક સાંધો ત્યાં હજારો ઉમ્મીદો રોજ તૂટી જાય છે તો શું..!શબ્દોની ગડીઓ પર ગડીઓ વાળી.. સંવાદો પાત્રો..કથાના સ્તર બાંધી...ખુદને જ તું અંદરને અંદર વધુ દબાવતો જાય છે. રોજ રોજ સોયની તીક્ષ્ણ ધારે ઉકેલાય છે તું..અને સવારથી સાંજ સુધી જિંદગીની ભાગદોડમાં ઉપરથી નીચે સુધી વલોવાય છે તું.


સુની મનની પગદંડીઓ છે અને અંતરમનમાં જાણે ડામરના ગરમ સુના સુના રસ્તા...મંઝિલ સુધી પહોંચવા ખબર નહિ રોજ રોજ કેટલાં રણ તરી જાય છે તું. જિંદગીની અવનવી થપાટો અને ઘટનાઓના કાટમાળ નીચે તારા અસ્તિત્વના સંઘર્ષમાં જરાક થોડી દિલની રાહત માટે રોજ રોજ ખબર નહીં કેટલાય વન ખેડી જાય છે તું. જરાક બુંદ સ્નેહની પામવા ખબર નહિ રોજ રોજ  કેટલાંય કડવા ઘૂંટ પી જાય છે તું.


હેય લેખક...

કેટલાં ભાર હ્રદય પર તારા..પણ તું પણ કલાકાર છે ખરો..! કોઈકને કોઈક રીતે રૂપકો કે આવરણો થકી ક્યાંકને ક્યાંક શબ્દ બની વ્યકત થઈ જ જાય છે તું.


તું વ્યક્ત છે અને અવ્યક્ત પણ. તું સ્પષ્ટ છે અને અસ્પષ્ટ પણ. તું કેદ છતાં મુક્ત છે, તૃપ્ત છતાં અતૃપ્ત છે. તારી વેદના અને સંવેદનાઓના નામ ઘણાં છતાં દરેક પાત્રોમાં અકબંધ છે તું.


કવિતાઓ,ગઝલો, વાર્તાઓ, નવલકથા કે હોય લાગણી ભર્યા તારા ભીના ભીના પત્રો..શબ્દે શબ્દ  હોય છે તેમાં છૂપાયેલા તારા અસ્તિત્વના અંશો. લોકો વાંચે છે તેને, માણે છે તેને, મનોમન વિચારે છે તેને અને વાહ વાહ કરી વખાણે પણ છે ઘણાં. ક્યારેક વાંચનારના હ્રદયમાં ઘર કરી જાય છે તું અને ક્યારેક ન ભૂલાય તેવી અમીટ યાદ બની જાય છે તું અને ક્યારેક બસ એક પન્નું પલટતાં જ પસ્તી પણ બની જાય છે તું.


હે લેખક...,

તને નડતા નથી કોઈ નિયમો ના નડે છે તને કોઈ બંધનો.નથી નડતો કોઈ ધર્મ તને નથી કોઈ ધર્મ તારો!જાતપાતથી તું પર છે નથી કોઈ રિવાજ તારો.તું મુક્ત ગગનમાં વિહરનારો, નથી કોઈ મઝહબ તારો. તારા હ્રદયમાં ઈશ્વરનો નિવાસ છે અને તારી મુહોબ્બત પાક છે. તારા શબ્દો જ તારું ઈમાન છે અને ઈનામ પણ.  નથી જનમ્યો તને કોઈ કેદ કરનારો..તારા શબ્દોને બાંધનારો. ઉડ..હજુ ઊંચે ઉડ ગગનમાં. બન બેખૌફ બન અને બદલ દુનિયાનો સિતારો. તારા શબ્દોમાં એ તાકાત બાંધ અને બદલ આ જમાનો સારો.


હે લેખક,

મંઝિલ આસન નથી. અડચણોના પહાડ છે.

જિંદગીની લાલ જાજમ પર સંબંધોના ઉતાર ચઢાવ છે. માનસિક તાણ અને શારીરિક થાક પણ છે. તડકા છાયાંની રમતો અને હારજીતના અહીં સવાલ પણ છે. હૈયું કસાય છે અને લાગણીઓ ખેંચાય છે. પણ હે લેખક, બસ ત્યાંથી જ તો, તેમાંથી જ તો સ્ફુરે છે અવનવાં અનુભવો અને શબ્દોની અનકહી સફર...! બસ લખ્યાં કર તું અને કાગળો પર રેલાઈ જા તું.

કોઈ જાણે કે ના જાણે કોઈ ભલે ના તને પિછાણે...તુજને ક્યારેય કંઈ ફરક પડી જાય છે શું...!



લિખિતંગ

એક લેખક.









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ