વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાર મુવીઝના રિવ્યુઝ - દર્શકોને ખુલ્લો પત્ર

એક સાથે ચાર ફિલ્મોના રિવ્યુઝ: ફિલ્મ ફેન્સને ખુલ્લો પત્ર

પ્રિય ફિલ્મ ફેન્સ,

આમ તો હું સમાન્યતઃ ફિલ્મ જોયા પછી દિર્ગદર્શક અથવા અભિનેતાને પત્ર લખતો હોઉં છું, પણ ઘણી ફિલ્મો યા તો એટલી ઠીકઠાક લાગતી હોય છે મને કે જેના માટે આખે આખો પત્ર વેડફવો યોગ્ય નથી લાગતું, જ્યારે અમુક ફિલ્મો એવી પણ હોય છે કે જે ફિલ્મ ખુબજ ગમી હોય છે પણ એના વિષે વધારે લખવા કરતાં આપ દર્શકોને એ ફિલ્મ જોવાનો ખાસ આગ્રહ કરવો વધારે ગમતો હોય છે. એવી ફિલ્મ માટે પણ જો આખો પત્ર લખવા બેસું તો કદાચ કાઇંક રિવિલ કરી નાખવાનો ભય રહે. આ વખતે એવું થયું કે આ ચાર ફિલ્મોમાંથી બે ફિલ્મો પ્રથમ કેટેગરીની તો બીજી બે ફિલ્મો બીજી કેટેગરીની અનુભવાઈ મને. એટલે ચારેયનો રિવ્યુ એક સાથે લખું છું. હવે ચાર ફિલ્મોનો રિવ્યુ એક સાથે લખવા બેસું અને જો ચારેય એક જ પ્લેટફોર્મ પર આવી હોય તો અલગ વાત છે, પણ ચારેય અલગ અલગ પ્લેટફોર્મ પર આવી હોય તો પત્ર કોના નામે લખવો? એ મૂંઝવણનો અંત એટલે ચારેય ફિલ્મો માટે કોમન એવા ફિલ્મના દર્શકોના નામે આ પત્ર.

સૌ પ્રથમ વાત કરીયે ફિલ્મ ‘ભોંસલે’ની.

દેવાશિષ મખીજા દ્વારા દિર્ગદર્શિત આ ફિલ્મમાં મનોજ બાજપાઈનો અભિનય કમાલ છે. પ્રમાણમાં નવા અભિનેતા સંતોષ જુવેકરનો અભિનય પણ ખૂબ સુંદર છે. એકદમ નેચરલ લાગતાં સંતોષ જુવેકરને વધુ ફિલ્મોમાં જોવો ગમશે. પણ આ ફિલ્મમાં અભિનય સિવાય મને બાકી બધું જ ખૂંચ્યું. આર્ટ ફિલ્મના નામે પરાણે કરાતો સમયનો વેડફાટ, આડા અવડા બોરિંગ કેમેરા એંગલ્સ, અતિ ધીમી પેસ, શોર્ટફિલ્મમાં પૂરી કરી શકાય એટલી વાર્તા (અથવા તો તમારે જો ફૂલ ફિલ્મ જ બનાવવી હોય તો આવી ચાર અલગ અલગ સ્ટોરીને સમાંતરે ચલાવો ને ભાઈ..!), કશું પણ સમજાવવું તો નથી જ, પ્રેક્ષકો ભલે ને ચાલુ ગાડીએ જ ચડે એવી પરાણે કરાતી હાથ. જો કે આ પણ એક મેકિંગ સ્ટાઈલ છે અને એમાં કશું ખોટું નથી, તમે જ્યારે ફિલ્મમાં દર્શકોને સમજાવવાની કોશિશ કરો છો કે શું ચાલી રહ્યું છે, ત્યારે તમે એ કોશિશ કરો છો કે દર્શક કોઈ પર્ટિક્યુલર સીનમાં એન્ટર થાય ત્યારે એના માટે આ દુનિયા નવી છે, એના માટે આ પ્રસંગ નવો છે એટલે આપ એને કોઈ પાત્રના મોઢે કે પછી ડાયરેક્ટ્લી નેરેટરના મોઢે પરિસ્થિતીનો ખ્યાલ આપો છો. જેમકે મહત્વના પાત્રોની એન્ટ્રી વખતે પહેલેથી તોળાતું સસ્પેન્સ અને પછી કરાતી એ પાત્રની દમદાર એન્ટ્રી પ્રેક્ષકોને એ સમજાવવા માગે છે કે આ ફિલ્મનું મહત્વનું પાત્ર છે. કશુંક ચાલી રહ્યું હોય મહત્વનું ત્યારે આડોશી, પાડોશી કે કોઈ વ્યક્તિ એની પૂર્વભૂમિકા બાંધે છે જેથી પ્રેક્ષકોને સમજાય કે શું ચાલી રહ્યું છે. પણ રિયલ લાઈફમાં તો એવું નથી હોતું ને? માણસોની 70 વર્ષની જિંદગીમાંથી આપ કોઈ રેંડમ ઇમ્પોર્ટેંટ 5-5 મિનિટના પંદર વીસ ટુકડા જુઓ તો તમને કેવું દેખાય? એ તો એની ઝડપે એનું કામ કરતો હોય ને? તમે કોઈ પણ પૂર્વભૂમિકા વગર જ એની સાથે ચાલતી ગાડીએ ચડો ને? એટલે ફિલ્મને વધુ વાસ્તવિક બનાવવા માટે ફિલ્મમેકિંગની આ પણ એક સ્ટાઈલ છે. પણ ભાઈ, અમુક ખૂબ જ સરસ મજાની ફિલ્મોને બાદ કરતાં મને વ્યક્તિગત રીતે એ સ્ટાઈલ નથી ગમતી. હોલીવુડમાં પણ આ ટાઈપનું ફિલ્મમેકિંગ બને જ છે, પણ એ રીતથી ફિલ્મ બનાવતા ફિલ્મ બોરિંગ ન બને એની ધ્યાન રાખવી ખૂબ અગત્યની છે. આપણે ત્યાં એ રીતે બનાવેલી અલીગઢ ફિલ્મ મારા મતે સરસ ફિલ્મ મેકિંગનું સુંદર ઉદાહરણ છે. જો કે આ ફિલ્મને પણ ખૂબ બધા એવોર્ડ્સ મળી ચૂક્યા છે અને અમુક દર્શકોને આ ફિલ્મ પસંદ પણ ખૂબ આવી છે, પણ મને અંગત રીતે આ ફિલ્મમાં સારા અભિનય સિવાય કશું ખાસ ગમ્યું નહીં.

ફિલ્મની વાર્તા પોલીસ ડિપાર્ટમેંટમાંથી રિટાયર થઈ ચૂકેલા અને એકંદરે કંટાળાજનક જીવન જીવતા, ભોંસલે (મનોજ બજપાઈ)ની છે કે જે પોતાને ફરી નોકરી મળે એ માટે પ્રયાસો કરે છે, તે દરમ્યાન એને કોઈ ગંભીર બીમારી ડિટેક્ટ થાય છે અને પોતાની ચાલમાં યુ.પી., બિહાર વગેરેથી આવીને વસેલા પાડોશીઓ તરફ રાજકીય નફરત ફેલાવતા વિલાસ (સંતોષ જુવેકર) પ્રત્યેના એના વલણ વિષે છે. આ ફિલ્મને મારા તરફથી 6 સ્ટાર્સ. 

 

બીજી એક આ જ પ્રકારની ફિલ્મ એટલે પ્રતિક વત્સ દ્વારા દિર્ગદર્શિત ફિલ્મ – “ઈબ અલ્લે ઊ..”

અંજની પ્રસાદ (upausedમાં રફીક બનેલો સુંદર અભિનેતા શાર્દૂલ ભારદ્વાજ) ગામડામાંથી દિલ્હીમાં આવીને વસેલો અને નોકરીએ લાગેલો યુવાન છે કે જેને નવી મળેલી નોકરી છે દિલ્હીના અમુક રાજકીય વિસ્તારોમાંથી વાંદરા ભગાડવાની. માફક ન આવતી આ નોકરી એ છોડી પણ નથી શકતો અને નિભાવી પણ નથી શકતો. વાંદરાઓના રાજમાં માણસોનું રહેવું, જીવવું મુશ્કેલ છે- એ દર્શાવવા માગતા અને એટલે જ દિલ્હીનું બેકડ્રોપ પસંદ કરતાં વાર્તાકાર અને દિર્ગદર્શકની કલ્પના તો સરસ મજાની છે પણ એક્ષિક્યૂસન એટલું જ ત્રાસદાયક. આ ફિલ્મ પણ ‘ભોંસલે’ની જેમ એ જ ફોર્મેટમાં ફિલ્માવવામાં આવી છે, અને ‘ભોંસલે’ની જેમ આ ફિલ્મને પણ ઢગલાબંધ ફિલ્મફેસ્ટિવલ્સમાં ખૂબ પસંદ કરવામાં આવી છે. દેશ અને વિદેશમાં પણ. પણ મારા જેવા સામાન્ય દર્શકોને પસંદ આવી શકે એવું આ ફિલ્મમાં કશું શોધ્યે જડતું નથી. 1.25ની ઝડપે જોવામાં પણ ધીરજની કસોટી કરી લે એવી આ ફિલ્મમાં પણ અભિનય એકંદરે સારો છે. આ ફિલ્મને પણ મારા 6 સ્ટાર્સ. 

ત્રીજી ફિલ્મ હવે થોડી મનોરંજક લઈએ -  આશિષ શુક્લની ‘બહોત હુઆ સમ્માન’

નઠારા કોલેજ મિત્રો બોની(રાઘવ જુયલ) અને ફંડુ (અભિષેક ચૌહાણ)ને એંજીન્યરિંગ કેમ્પસમાં ક્યાંય પ્લેસમેંટ મળે તેમ નથી, એમની કોલેજના જ સુપર સિનિયર – બક્ચો# બાબા (અદ્ભુત - સંજય મિશ્રા)ના જ્ઞાનથી પ્રભાવિત થઈને કોલેજની જ એક બેન્ક લૂટવાનો એ ત્રણેય સાથે મળીને પ્લાન બનાવે છે. જેનો ખાસ ટાર્ગેટ છે એમના જ પ્રોફેસરનો એક ખાસ લૉકર કે જેમાં બક્ચો# બાબાના કહેવા મુજબ કોહિનૂર છે. આ લૂટમાં તેઓ મસલ પાવર તરીકે મદદ માગે છે કોલેજમાં ગુંડાગીરી કરતાં આર્ટ્સના સિનિયર ચંદુભૈયા (રોહિત ચૌધરી – ધ ફર્ગોટ્ટન આર્મીનો અર્શદ યાદ છે?)ની, જે એમને મેળવી આપે છે પ્રોફેશનલ ગુંડાઓ – રાજૂ (ભૂપેશ સિંઘ) અને ભોલા (શરત સોનુ)થી. આ બંને બોની અને ફંડુને ડબલક્રોસ કરી એમના બેન્ક લૂટવાથી થોડી જ મિનિટ પહેલા જ પોતે બેન્ક લૂંટી લે છે, અને એન્ટ્રી થાય છે ઈન્સ્પેકટર બોબી તિવારી (નિધિ સિંઘ) અને રજત તિવારી (નમિત દાસ)ની, લવલી સિંઘ (રામ કપૂર), બૈરાગી આનંદ મહારાજ (દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય), સપના રાની(ફ્લોરા સૈની), પાબ્લો યાદવ (દુર્ગેશ કુમાર) વગેરે પાત્રોની અને એક અલગ જ પ્રકારની વેર્ડ ધમાચકડી શરૂ થાય છે.

ફિલ્મમાં હાસ્ય ઉપજાવતી ક્ષણોની ભરમાર છે, કટાક્ષ પણ ખૂબ ધારદાર છે, અભિનય પણ સારા છે. ફિલ્મ ચોક્કસથી એક લેફટિસ્ટ ઝુકાવ ધરાવતી ફિલ્મ છે, રાઇટ વિંગ પર અતિશયોક્તિ ભર્યા પ્રહાર પણ છે, પરંતુ ખૂબ લાઇટલી કહેવાયા છે. ડાબેરી વિચારધારા ધરાવતા અને હિંસાથી પણ ન કતરાતા બક્ચો# બાબાને એક્શન હીરો તરીકે પ્રોજેકટ પણ કરવામાં આવ્યા છે, અને બૈરાગી આનંદ મહારાજ(કદાચિત ટાર્ગેટ – રામદેવબાબા)ને જમણેરી વિચારધારાથી અભિભૂત અને આયુર્વેદના વેપાર માટે નશાનો સહારો લેનાર વીલેન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. પણ જો પોતપોતાના પોલિટિકલ ઇંક્લીનેશનને સાઈડ પર મૂકીએ તો એકંદરે એન્જોય કરવા જેવી ફિલ્મ બની છે.

આ ફિલ્મને મારા 7 સ્ટાર્સ. 

ચોથી ફિલ્મ એક ખૂબ જ સરસ મજાની અને ચોક્કસથી માણવા લાયક ફિલ્મ – ત્રિભંગ

આ એવી ફિલ્મ કે જે વિષે લખવા જઇયે, અને એ જોયા પછી આવેલા વિચારો વિષે લખવા જઇયે તો કદાચ એક સરસ મજાનો લઘુગ્રંથ બની શકે, પણ આ ફિલ્મ વિષે વાંચવા કરતાં આ ફિલ્મ જોવાની મજા આપ દર્શકો માણો એટલે નિઃશબ્દ રહેવાનું જ નક્કી કર્યું છે. હા, એક બે વાક્યમાં થોડું કહું કે જેથી આપને આ ફિલ્મ જોવાનું મન થાય, તો આ ફિલ્મના દિર્ગદર્શિકા છે – રેણુકા સહાણે. મજબૂત અભિનેત્રીઓ કાજોલ, તન્વી આઝમી અને મિથિલા પારકર આપટે પરિવારની ત્રણ પેઢીની શશક્ત મહિલાઓની ભૂમિકામાં છે. એક જ ફિલ્મમાં આ ત્રણેયની યાત્રા ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે. બે પેઢીના ઉછેર અને એના કારણે ઘડાતું વ્યક્તિત્વ ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. કુણાલ રોય કપૂરને વધુ ફિલ્મોમાં જોવો ગમે એમ છે. માનવ ગોહિલને કદાચ વધુ યુટિલાઈઝ કરી શકાયો હોત. ઘણા સમય પછી કંવલજીત સિંઘ જોવા મળ્યો. વૈભવ તત્વવાદીની આવતી કાળ કદાચ ઊજળી છે એવું લાગે છે. રેણુકા સહાણેની આવનારી ફિલ્મોની રાહ જોવી રહી.

આ ફિલ્મને મારા તરફથી 8 સ્ટાર્સ.

-         એક ફિલ્મ ફેન

હાર્દિક રાયચંદા    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ