વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ ત્રણ પરીઓ

ચારે તરફ છવાયેલી ફૂલોની મહેક અને ખળખળ વહેતા અમૃતના ઝરણાં વચ્ચે છબછબિયાં કરી રહેલી અલૌકિક દિવ્યતા વાતાવરણને એક અદભૂત ભવ્યતા પ્રદાન કરી રહી હતી. ત્યાં ઉગેલા ફૂલોની સુકોમળ પંખુડી કરતા પણ નાજુક એવી ત્રણ નાનકડી પરીઓ પોતાના મધુર અવાજે કલરવ કરી પોતાની દુગ્ધ સમાન શ્વેત પાંખો ફફડાવી રહી હતી.

એકાએક એમને એક અવાજ સંભળાયો, "મારી દીકરીઓ, હવે તમારે મારા જ એક અણમોલ સર્જન એવા પૃથ્વીના ગોળા પર અવતરવાનો સમય થઈ ગયો છે. સદા સુખી રહો મારી લાડકીઓ."

અને ત્રણે પરીઓ પૃથ્વી પર અલગ સમયે અલગ જગ્યાએ આવી. એકાએક જ એક પરીને લાગ્યું, કોઈએ એને ઊંચકી અને એક મોટા વાસણમાં મૂકી અને આખું વાસણ દુધથી ભરાઈ ગયું. એ નાજુક પરીની ચીસો ગળામાં જ રૂંધાઈ ગઈ.

બીજી પરી પૃથ્વી પર અવતરે એ પહેલાં જ એના અંગો કાપી એના ભૃણને મેડિકલ વેસ્ટમાં ફેંકી દેવામાં આવ્યા.

ત્રીજી પરી જન્મી અને એના પરિવારની લાડકી બનીને ઉછરવા લાગી. દિવસ અને રાત જોયા વિના એ પરી પોતાના સપનાઓ પુરા કરવા લાગી. એક દિવસ પોતાનું ઘર છોડી, પરાયા ઘરને પોતાનું બનાવવા નીકળી પડી. અને એક દિવસ અચાનક પોતાના સ્વપ્નોની રાખ સમેટી એક નદીના પુલ પર ચઢીને પોતાની જિંદગીનો અંત આણી દીધો.

થોડા સમય પછી ફરી એ જ સ્વર્ગમાં ત્રણે પરીઓ મળી. એકબીજા સાથે મૂક સંવાદ સાધી રહેલી ત્રણેની નજરો એ સવાલનો જવાબ મેળવવા મથી રહી કે કોનું મૃત્યુ ઓછું કષ્ટદાયક રહ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ