વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પળી ઘી..

આંખો હાથને પણ નાં ભાળી શકે એવી ઘનઘોર અંધારી રાતે આખું ગામ મીઠી નિંદરની ગોદમાં લપેટાઈ ગયેલું હતું , ગામની ચોકી કરતાં હોય એમ શેરીઓમાં આંટા મારતાં અને ભસતાં રહેતા કુતરાઓ પણ ક્યાંક ખુણામાં ટૂંટિયું વાળીને સુઈ ગયેલા પરંતુ એ બે આંખોની પાંપણોને જાણે એકબીજા સાથે વેર જાગ્યું હોય એમ ભેગી થતી જ નહોતી .એ ભોળિયા માણસનાં મગજમાં વિચારોનું ઘોડાપુર હિલોળા લઇ રહ્યું હતું અને એમાં તે આમથી તેમ ફંગોળાતો જતો હતો . વાત ક્યાં કાંઈ મોટી હતી ..!! પણ તો ય એ જ દ્રશ્ય એની આંખોમાં વારેવારે દેખાતું હતું .


સાંજે પોતે ભેસું માટેનું નિરણ લઈને આવ્યો ત્યારે મોટાભાઈની છોકરી રંજને કહેલું , " મોહનકાકા , બા તમને વાળું કરવા બોલાવતી તી .. "


" હાં ..અબઘડી આવું જ છું ..ભાભીમાને કહે થાળી પીરસે .." 


જૂનવાણી ઢબનાં એ બેઠા ઘાટના મકાનમાં એક નાનકડી પરસાળ વટાવતા જ રસોડું આવતું , મોહન હાથ મોં ધોઈને જમવા બેઠો , ભાભીમાંએ પિત્તળની પણ રાખથી ઘસીને સોના જેવી કરેલી ચમકતી થાળીમાં ચાંદા જેવડો રોટલો , રીંગણાનું શાક અને ચૂલાનાં કોલસામાં રાખેલી ઉની ફળફળતી ખીચડી પીરસી . મોહનને ખીચડીમાં ભારોભાર ઘી હોય એવી ખીચડી જ ગળે ઉતરતી તે જાણતાં ભાભીએ ઘીની પળી ભરીને ઘી રેડવાનું શરૂ કર્યું પણ અર્ધી પળી રેડીને એમનો હાથ પાછો ખેંચાઈ ગયો . નીચી નજરે બેઠેલાં મોહનને ભાભીમાની આ કંજુસાઈ ખટકી ગયી પરંતુ નાનપણથી વડીલોને માન આપતા એ ડાહ્યા છોકરાંએ એ વાત અને ખીચડીને પરાણે ગળા નીચે ઉતારી લીધી ત્યારે તો ..પરંતુ હવે આ મોડી રાત્રે હમણાંથી બનતું આવું અજુગતું બધું જ પેટમાં પીડા કરી રહ્યું હતું જાણે ..!! 


તેને યાદ આવ્યું કે બે દિવસ પહેલાં જ બાજરીનાં બાચકા ભરાતાં હતા ત્યારે પોતે પૂછેલું કે લાલજીકાકાને અને મંદિરના બાવાને બે બે ગુણી બાજરો આપી આવે ને તો મોટાભાઈએ મોઢું બગાડીને કહેલું કે '' મોહનાં ઓણ સાલ ક્યાં એવડી બાજરી ઉપજી છે કે એમ ધર્માદો કરી શકી ..હવે તો ઘરજોગી બાજરી રાખીને બાકી બધી જ વેંચવા જવા દેવી પડહે . " પછી મોહનનાં મોઢા પરનાં સવાલોનો ભાળીને એમણે ઉમેરેલું , " જો ભાઈ પેલા બાપુ જીવતા ત્યારે આટલી મોંઘવારી ય નોતી અને આપણે આટલાં વસ્તારી ય નહોતાં ને ..એટલે બાપુ એવા ધર્માદા કરતાં અને ગામ પટેલમાં નામ બોલાતું એમનું પણ ભઈલા હવે તો જો હાચવીએ નઇ તો આપણે ધર્માદો ખાવો પડે એવું થાહે ..શુ હમજ્યો ..?? " આટલાં વેણ કહીને મોટાંભૈ તો માથે ફાળિયું બાંધતા નીકળી ગયેલા પણ પિતાભક્ત મોહનની આંખોમાં લાલાશ છવાઈ ગયેલી .થોડાં સમયથી બનતાં રહેતા આ બધાં પ્રસંગો વાગોળતાં મોહનને સવારનો પો ફાટ્યો ત્યાં સુધીમાં એક વાત પાકી સમજાઈ ગયેલી કે હવે આ ઘર અને ગામ સાથેની તેની લેણદેણ પુરી થઈ ગયી છે .


ઘોડિયામાં સુતેલું બાળક ધીમું રડયું અને દોરી હાથમાં ઝાલીને પોઢેલી માંની આંખો ઉઘડી ગયી . ભુખ્યાં થયેલા બાળકને ગોદમાં લઈને એણે થોડે દૂર સુતેલા પતિ તરફ નજર કરી ..પણ આ શું ઉગતા આછા અજવાળે જોયું કે  તે તો એકધારો છતને તાકતો જાગે છે . ચિંતિત સ્વરે એણે પૂછ્યું , " એ હાંભળો સો ..હજી તો મોં સુઝણું ય નથ થયું કેમ અતારમાં જાગી ગ્યા છો ..?? "


મોહન સરકીને પત્ની પાસે આવ્યો અને બોલ્યો , " રાધું હવે પગ ગોદડીની બારે નીકળી જાય છે ..હવે આ ઘરનું છાપરું આપણને હંધાયને નઇ હાચવી હકે ને ..આપણે ગામ બારે નીકળવું પડશે ..!! " 


રાધું , મોહનની પત્ની આંખો ચોળતાં બોલી , " તમે આજ કેમ આવાં વેણ બોલો છો હવાર હવારમાં ..?? મને કાંઈ સમજાતું નથ ..જોવો મોટાભાઈ કાંક બોલિયાં હોઈ તો ય મન પર નૈ લેતાં ..ઇ તો કાલ ભાભીએ દિવાળી આવે છે તો છોકરાઉ હાટુ કપડાં લેવાનું કીધું તો ઇમને ય ખિજાવા લાગ્યા તા ..!! "


" અરે મારી ભોળી બાયડી ..હું હમજી વિચારીને કઉં છું બધુંય...બાકી મોટાભાઈ તો મારા બાપ ઠેકાણે છે.. જો હું કહું છું મનડું દઈને હાંભળજે .."


રાધાએ હામી ભરી એટલે મોહને કહેવાનું શરૂ કર્યું , " જો તને તો ખબર છે કે મારાં બાપુ કરસન પટેલ સમજદાર અને ઉદાર સ્વભાવનાં કારણે ગામનાં પહેલા પાંચમાં પુછાતા વળી આપણી જમીનનો ટુકડો સારો ઉપજાઉ પણ હતો ત્યારે ..તેટલે ખાધેપીધે પણ કોઈ કમી નોતી ..પણ પછી માં ગુજરી ગયાં એમનાં કારજમાં અને અમે ત્રણ ભાઈઓ અને બે બહેનનાં લગ્નમાં જે ખર્ચો થયો એમાં આપણી અર્ધી જમીન ગીરવે મુકાઈ ગયી અને બાપુએ રજા લીધી ત્યારે બે ભેસું વેચવી પડી તી . હવે એ અર્ધા બચેલા જમીનનાં ટુકડાંમાંથી મોટાભાઈની ત્રણ છોકરીઓ અને એક છોકરો એમ છ જણા , વચલાભાઈના બે છોકરા અને એક છોકરી એમ પાંચ થયા અને આપણો રઘુ ગણીને આપણે ય ત્રણ થયાં . આવડાં વસ્તારી કુટુંબનું પૂરું કરવું અઘરું છે અને જો મોટાભાઈને હવે ઉંમરની અસર વર્તાતી હોય જરા અને વચલાભાઈને કાળિયા ઠાકોરે બુદ્ધિ બૌ માપે દિધીબ છે એમને ખેતરનું કામ માંડ સુજે છે ત્યાં બીજી શુ આશા રાખવી ..!! પણ હું તો દસ ચોપડી પાસ છું અને આપણે લાંબો વસ્તાર ય નથી હજી , રાધું તું સમજે છે ને મારુ કેવાનું ?? " 


રાધાની આંખોમાં પતિ પ્રત્યે શ્રદ્ધા હતી પરંતુ મોહન શું કરવાં માંગે છે એ તેને સમજાતું નહોતું , એ ડોકું ધુણાવતા બોલી , " હા ..મને ય સમજાય છે તમારી વાત કે ઘરમાં બૌ ખેંચ પડે છે  ..પણ આપડે શું કરહું ..ક્યાં જાશું.. રૂપિયા કેવી રીતે કમાઈ હકશું એ કાંઈ સમજાતું નથ મને હા.."


" મોહને મુંજાયેલાં પારેવા જેમ ફફડી રહેલી પત્નીને માથે હાથ મૂકીને કહ્યું , " હું છું ને ..તું કાંઈ ચિંતા કર્યા વના બસ બે થેલકા તૈયાર કરી લે જે ." 


રાધાએ આછું હસીને ડોકું હલાવી હા કહી દીધી . મોહન રાધાનાં આ સમર્પણભાવને જોઈને મીઠડું હસતાં બોલ્યો ," તું મને બૌ વાલી લાગેશ હો " બહાર નીકળીને મોહને જોયું કે મોટાભાભી ભેંસને દોઈને દૂધ બરણીમાં રેડી રહ્યા હતા અને મોટાભાઈ આ જોઈને નારાજગીથી બોલ્યા , " આજેય આટલું જ દૂધ બચ્યું છે એમ ને ?? "


" હા તો ઘરમાં આટલાં ખાનારા છે અને એ હંધાયને શિરાવામાં ય દૂધ જોતું હોય ને ..બે ભેસુંમાથી એકનું તો ઘરમાં જ વપરાઈ જાય ..કાંઈ હું નથ પી જાતી " ભાભીએ પણ છણકો કરી લીધો .


મોહન સમજી શકતો હતો કે આ બેય ધણી ધણીયાણી ભેગાં મળીને ઘરને ચલાવવા પ્રયત્ન કરે રાખે છે પણ ઘટતી આવક અને વધતા ખર્ચાથી અકળાયેલાં બેય બીજા કોઈને કાંઈ કહી નથી શકતા તેટલે એક બીજાને કહીને શાંત થઈ જાય છે . તે મોટાભાઈ પાસે આવીને બોલ્યો , " મોટાભાઈ , હું મારી ઘરવાળી અને છોકરાને લઈને શેર જાવું છું."


મોટાભાઈ ચમક્યા પછી હસીને બોલ્યા , " ઠીક બાજુના મોટા ગામ જાશ ને ..વઉંને ફિલમ દેખાડવું હશે ને ...કેટલા પચા રૂપિયામાં થઈ જાશે ને નાનકા ..?? "


" ભાઈ, અમે બાજુનાં ગામ નઇ ..મોટટા શેરમાં જઇ છી ..તિયા હારી કમાણી થાય છે ઇમ કેતા હોઈ છે મારા હંધાય ભૈબંધુ ." મોહન હિંમત કરીને ધીમા સાદે બોલી ગયો .


મોટાભાભી આ સાંભળીને ચિંતાથી બોલી ઉઠયા ," અરે , એમ અજાણી ભોમકા પર ફૂલ જેવડાં છોકરાંને અને બચાડી હાવ ગા જેવી રાધુને લઈને કિયા જૈસ તું ભાઈ ..!! ''


મોહન જાણતો હતો કે ભાઈ ભાભીની ચિંતા સાચી હતી , પણ હવે પારોઠનાં પગલાં ભરી શકાય એમ પણ ક્યાં હતું ..??  એને આશા હતી જો પોતે સફળ થઈ જશે તો ઘરનાં હંધાયને માટે કાંઈક કરી શકશે અને જો ઝાઝું કાઈ નાં થયું તો ય પોતે મોટાભાઈના ખભેથી ત્રણનો બોજ તો હટાવી જ શકશે , થોડીક જ ક્ષણોમાં મોહનના મનમાં કેટલાંય વિચાર આવ્યા અને ગયા , ખોંખારો ખાઈ બધી બીકને મનમાંથી બહાર ફેંકીને એ બોલ્યો , " હંધુય થઈ રેશે ભાઈ -ભાભી ..બસ તમે માથે હાથ મૂકી દયો ."


મોટાભાઈએ કીધું , " નાનકા તું જન્મ્યો તઈનો આ હાથમાં ઝાલીને ઉછેર્યો છે , તેટલે જીવ તો નથી હાલતો પણ કદાચ તારું નસીબ સાદ દેતું હશે એમ માની આડો હાથ નૈ દઉં હો ..માતાજી અને કાળિયો ઠાકોર તમારાં રક્ષણ કરે એમ હાથ જોડીને માંગુ છું ."


એકાદ કલાક પછી જ મોહન ,રાધા અને એની કાંખમાં તેડેલો નાનકડો બે વર્ષનો દીકરો રઘુ બધાયની આંખોમાં 

ચોમાસુ વાવી ઉતાવળા પગલે ગામ બહાર જવાના રસ્તે નીકળી પડ્યા .એક થેલો ખભે અને બીજાં હાથમાં પોટલું ઝાલીને ઉતાવળા પગલે ચાલતાં મોહનની લગોલગ રહેવા ધીમું દોડતી રાધા બોલી , " હે હાંભળો સો ..આપડે જીયા જાય છીએ એ શેરનું નામ શું ..?? " 


" એ તો મારો ઠાકોરજી જાણે " એ ભોળિયો ગામડિયો બોલ્યો . પરંતુ પછી લાગ્યું કે રાધાને પોતાના પર ગમે તેટલી શ્રદ્ધા હોય પણ છે તો નાજુક સ્ત્રી જ ને ..!! એ ગભરાટની મારી રોવા નાં બેસી જાય અત્યારે તેટલે મનમાં સુજ્યું એ બોલી ગયો , " જો મારા ભૈબંધ કેતા'તા કે એક બૌ મોટું શેર છે અમદાવાદ કેવાય .. તિયા હંધાયને કાંઈક કામકાજ જડી જ જાહે ..તો ગામ બારે જે મોટો રોડ છે તિયાંથી એની બસ જડવી જોહે ..ને જો તારું મન તિયા જવાનું ના હોય તો તારાં પિયરે મૂકી જાઉં તને પેલા પછી હું જૈસ કમાવા "


આ સાંભળતા જ એ ઉંમરમાં નાની પણ સમજદાર અને સ્વમાની પતિભક્ત સ્ત્રી બોલી , " તમારાં હારે પરણી ગયી તે દનથી પિયર તો પારકું થઈ ગિયું .. હવે તિયાં જઈને ઓશીયાળો રોટલો અને ઓટલો મળે એ કરતા તમારાં હારે જેમ રેવાશે એમ રઇ લઇશ ." 


પત્નીનાં આવા વેણ સાંભળીને મોહનની આંખોમાં ભીનાશ તરી આવી પણ એ મરદે એક ખોંખારો ખાઈ પોતાની જાતને સંભાળી લીધી .એટલે જ કહ્યું છે ને કે જગતના દરેક પુરુષ થોડાઘણા અંશે શિવજીની જેમ દુઃખના ઝેરને 

પોતાનામાં સમાવીને બેઠાં હોય છે . રોડની કોરે ઉભેલા એ બંનેના ચહેરા પર ચિંતા હતી પણ માંની ગોદમાં પોઢેલું બાળ એકદમ નિશ્ચિત બનીને નિંદર ખેંચી રહ્યું હતું , તેની આખી દુનિયા કદાચ માંના ખોળામાં જ સમેટાઈ જતી હતી .દૂરથી એક બસ આવતી દેખાઈ , દસ ભણેલા મોહને વાંચ્યું ' અ.. મ..દા.. વા..દ.. ' એ બોલી ઉઠ્યો  ,"એ રાધુ હાલ આપડે આમાં જ જાવાનું સે ..!! "એ નાનકડાં ગામડાંનાં માણસો ગામમાં બધે તો ચાલતા જ પહોંચી જતા અને આસપાસના ગામમાં જવા માટે છકડારિક્ષામાં લટકતાં જવાની એમને આવડત અને ટેવ હતી , તેટલે બસમાં આવીને એ બેય સંકોચાઈને માંડ ગોઠવાણા . મોહને ભાઈએ આપેલાં બસો રૂપિયા જે ખીસામાં રાખેલા તેને જરાં અડકીને ચકાસી લીધું .


કંડક્ટરે આવીને પૂછ્યું , " ક્યાં જવું છે ..? "


" અમદાવાદ ..અમને બેય માણાને જાવું છે હો ''


"હાં.. બસો રૂપિયા આલો ." કન્ડેક્ટરે રુક્ષતાપૂર્વક કહ્યું .


એ ગામડાનો સાદો માણસ બસના લાલ પાટીયાનો મતલબ ક્યાં જાણતો હોય ..!! કોઈકે તેના શ્વાસ માંગી લીધા હોય એણે એ રૂપિયા જાળવીને કડક્ટરના હાથમાં મુક્યા. આસપાસ ઉભેલા અને બેઠેલાં માણસોને અચરજથી જોતો મોહન અને થોડી થોડી વારે રડતાં બાળકને માંડ છાનું રાખવા મથતી રાધા બપોર થતાં તો ભૂખ્યા પેટે અને તરસથી સુકાતાં ગળે અમદાવાદમાં ઉતર્યા . પરંતુ સ્વર્ગની આકાંક્ષામાં કોઈ માણસ આખી જિંદગી પુણ્ય ભેગું કરે રાખે અને પછી નર્કમાં એન્ટ્રી પડતી જોઈને એના જેવા હાલ થાય એવું જ કાંઈક મોહને અમદાવાદને જોઈને અનુભવ્યું . દોડતાં, ભાગતાં ,અથડાતાં અને તો ય દોડતાં જતાં આ માણસો મોહન અને રાધાને બહુ અજીબ લાગ્યાં . એ ટોળાઓનાં ધક્કાઓમાં અથડાતાં તેઓ બસ સ્ટેન્ડની બહાર આવીને ઘણે દૂર પહોંચી ગયેલાં .


પરંતુ હવે ભીડથી ગભરાયેલો રઘુ ઉચ્ચ સ્વરે રુદન કરવાં લાગ્યો હતો ,અને રાધાથી પણ હવે ભૂખ અને તરસ સહન નહોતી થતી . તેણે જરાં આગળ ચાલતાં અને આસપાસ ડાફોળીયાં મારતાં મોહનને કહ્યું , " એ હાંભળો સો આ છોરો હવે ભૂખ્યો નૈ રહી હકે ..ને મારુ ય ગળું સુકાય છે કિયાક બેસવું પડશે ."


મોહને સમજી ગયેલો કે આસપાસની બધી જ દુકાનો વસ્તુઓ અને માણસોથી ઉભરાતી હતી .પરંતુ પોતાની પાસે કાંઈ જ રૂપિયા નહોતા તેટલે તે જો કોઈ દુકાન આસપાસ ફરકશે તો આકરા શબ્દોમાં જાકારો જ સાંભળવા મળશે .તેણે નજર કરી તો દૂર એક સૂકું માંડ જીવતું રહેલું ઝાડ દેખાયું . તેણે રાધાને ત્યાં બેસાડી અને પછી રાધાને આશ્વાસન આપતો હોય એમ બોલ્યો , " જો રાધું કેવડો મોટો કારોબાર હોઈ ને શેરમાં તો ..અહીં તો કામનાં ઢગલા પડ્યાં સે ..હું કાંઈક મજૂરી કરી અબઘડી તમ બેય હારુ ખાવાનું લઈને આવું હો ..!! " જો કે મોહન પોતે પણ જાણતો હતો કે આ વાત તે મુંજાયેલા ગામડિયાએ પોતાને હિંમત બંધાવા જ કહી હતી .


દુકાને દુકાને ફરીને મોહન પૂછતો , " એ શેઠ ..કાંઈ કામ-કાજ હોઇ તો ચીંધો એ કરી દઈશ ..હું દસ ચોપડી પાસ છું હો ..તમે કેશો એ મજૂરી ય કરી દઈશ ." 


પણ દુકાનનાં માલિકો મોઢું બગાડીને કહેતા , " લ્યા ..કાંઈ કામ નથી ..બીજે જા.. ધધાંના ટાઈમે ક્યાંથી આવા આવી જાય છે ખોટી કરવા ..!! " 


મોહનને દૂર ઝાડ નીચે રઘવાયેલી હરણી જેવી બેઠેલી રાધું દેખાતી હતી અને હવે તરસથી બેહાલ માતાનું દૂધ પણ સુકાઈ ગયું હોવાથી રડતો નાનકડો દીકરો દેખાતો હતો અને ફરી એ હિંમત હારતો બાપ અને પતિ પોતાનાં પગને આગળ ધકેલતો હતો , પરંતુ હવે એના સ્વરમાં ગામડાંના પટેલની ખુમારીની જગ્યાએ બાપની કરુણતા આવી ગયેલી , એ જતાં આવતા સહુને પૂછવા લાગ્યો , " હે ભાઈ અહીંયા કામ કિયા જડશે ..એ મારી બૈરી અને છોકરો ભૂખ્યાં થયા છે ..મને કામ જડી જાય તો એમના હાટુ કૈક જમવાનો જોગ થાઈ .." 


પરંતુ પોતાની મુસીબતોના પોટલાં લઈને દોડતા આ શહેરમાં બીજાનું દુઃખ સાંભળીને અટકવાની નવરાશ ક્યાં હતી , એક સજ્જન અટક્યો અને બોલ્યો , " લ્યા , અહીં કામ આસાનીથી નહીં જડે પણ હા ખાવાનું માંગી જો ..મળી જશે . "


આટલું કહીને એ માણસ તો ટોળામાં ભળી ગયો પણ મોહનની આંખમાં ભીનાશ છવાયી ગયી .તેને ધુંધળી થયેલી એક આંખમાં પોતાનું ગામ ,ઘર , સફેદ મૂછો પર તાવ દેતા પોતાના પિતા અને એમની ઉંચી આબરૂ દેખાતાં હતા , અને બીજી આંખમાં ભૂખે અને તરસે ટળવળતા પત્ની અને છોકરો દેખાતાં હતા . ફૂટપાથની એક કોરે ઉભેલા મોહનનો હાથ જરાંક આગળ લંબાયો અને પાછો ખેંચાઈ ગયો. આખરે થાકેલા હારેલા એ માણસે પોતાનામાં હતી એ બધી હિંમત ભેગી કરીને ક્યારનાં બોલાઈ બોલાઈને જીભે ચોંટી ગયેલા કામ માગવાનાં વાક્યોને હટાવીને હવે શુ બોલવું પડશે એ શોધવા લાગ્યો . 


આખરે મોહન હાથને જરાક આગળ લાવીને એ બોલવા જતો હતો ,ત્યાંજ એનાં કાને એક વાક્ય અફળાયું,"લૂંટ માંડી છે તમે મજૂરોએ તો ..આ રસ્તાની પેલી બાજુએ આવેલા ગોડાઉનથી દસ ગુણી સારી લાવવાંના બસો રૂપિયા તે હોતા હશે..!! " 


મોહને નજરને એ અવાજ તરફ ફેરવી, તો જોયું કે પેલો મજૂર જેવો લાગતો માણસ ગુસ્સામાં હાથ ઉલાળતો અને કાંઈક બબડતો ચાલ્યો ગયો , પણ આ જોઈને હરખાયેલો મોહન ત્યાં જઈને બોલ્યો , "શેઠ , હું સો રૂપિયામાં કરી દઈશ ." 


પેલા માણસે મોહનના કસાયેલા શરીર પર અને પછી તેના દુઃખથી ગરીબડા બનેલા ચહેરા સામે જોયું અને

 કહ્યું ,"હાલ ભાઈ, તો જા મારા માણસ સાથે અને માલ સારી આવ ..તને સો રૂપિયા જડી જશે . " 


એકાદ કલાક પછી મોહન એક કાગળમાં વિટેલી રોટલી, શાકનો પડીઓ ,પાણીની ચાર કોથળીઓ અને બાળક માટે દૂધની થેલી લઈને તે ઝાડ તરફ જતો હતો ત્યારે તેનાં ચહેરા પર કોઈ યુદ્ધ જીતેલા યોદ્ધા જેવી ચમક હતી .


સમય વીતતો જતો હતો . ફરી એક સવારે એ ગામડાંના રોડ પર એક લાલ પાટિયાવાળી સરકારી બસ આવીને ઉભી રહી , તેમાંથી એક નવા નકોર કપડાં પહેરેલું યુગલ એક હસતા ગુલાબનાં ગોટા જેવા ચારેક વરસનાં બાળકને લઈને ઉતર્યુ . તેમના કદમોમાં એટલો ઉત્સાહ હતો કે ચાલવાનાં બદલે ઉડતા હોય એમ લાગતું હતું .એ જૂનવાણી ઘરની બહારથી ડેલીને ભેદીને બુમ સંભળાઈ , " ભાભીમાં.. મોટાભાઈ .. જોવો અમે આવી ગિયા .." 


આ સાંભળનાર ઘરના દરેક સભ્યના ચહેરા પર આનંદની છોળો ઉમટી .જાણે ફોટામાં બેઠેલા કરસન પટેલ પણ મૂછે વળ દેતા હસી પડ્યા . મોહન અને રાધાના આગમનથી જાણે ઘર આખું ખીલી ઉઠ્યું હતું  .બપોરે મોહને બેય ભાઈ અને ભાભીની હાજરીમાં પોતાને મજૂરી આપનાર શેઠ વિશે વાત કરતા કહ્યું , " એ શેઠ મને તેમના દીકરા જેમ રાખે છે અને દુકાનની ચાવી ય મને દીધેલી છે એટલો ભરોસો કરે છે .રાધા પણ અમે રહેતા એની આસપાસના બૈરાઓને ભરતકામ શીખવાડીને અને મોટી શેઠાણીઓના કપડામાં ભરત ભરી દઈને હારું કમાઈ લેતી હતી .હવે આપણી પાસે એટલા રૂપિયા છે કે આપણી જે જમીન ગીરવે મૂકી હતી એ પણ છોડાવી શકશું ."આ સાંભળીને મોટાભાઈ અને ભાભીમાંની આંખો ગર્વથી છલકાઈ ગયી . એ સાંજે વાળું સમયે ભાભીમાએ મોહનની ખીચડીમાં પળીને છલોછલ ભરીને ધી રેડી દીધું .


ઋતુલ. ઓઝા "મહેચ્છા "


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ