વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાથ-અનાથ.

           નાથ અનાથ.

           ---------------


  હા,આજના લખમશી શેઠ એક જમાનામાં લખુ ભંગારીયો નામે ઓળખાતા.લખુ સવારના જ ખાલી કોથળો લઈ બજારમાં તેમજ શેરીઓમાં નીકળી પડતો અને એની બૂમ"એ છે કંઈ ભંગાર"...એના પડઘારૂપે નાના છોકરાઓ પણ એવા લ્હેકાથી બોલી ઉઠતા.

  

  શરૂઆતમાં તો તે કોથળો ખભ્ભે નાખી ફરતો પણ કંઇક આવક થતા તેણે રેકડી ખરીદી.હવે તે વધારે ભંગાર ભેગો કરી શકતો.પરસેવો પાડવો અને ઈમાનદારી તો તેના ચહેરાપર રમતી.


  ટાઢ,વરસાદ કે,તડકો લખુને રોકી શકતો નહીં. ઘેર ઘરડા મા-બાપ અને તેની ઘરવાળી સાવિત્રી એજ એનો સંસાર.એની ધગશ અને મહેનત દિવસો દિવસ રંગ લાવતી રહી.


  હવેતો તેણે ભંગાર રાખવા માટે એક નાનો વાડો પણ ખરીદી લીધો.પણ લખુના જીવનમાં બે બનાવો એકસાથે બન્યા.


  એક તરફ તેના વૃદ્ધ પિતાનું અવસાન થયું અને એના ઠીક પંદરમે દિવસે સાવિત્રીને પુત્રજન્મ થયો.પિતાની અણધારી વિદાય લખુને હચમચાવી ગઈ તો બીજી તરફ સાવિત્રી અને લખુ પુત્રજન્મને લીધે થોડા વખતમાં પુત્ર પ્રેમમાં ગરકાવ થયા.


  લખુની મા ગોદાવરી પણ પતિના અવસાનને,આ તો જિંદગીના ફેરા સમજી ભૂલવા મથતી રહી.હવે તેની જિંદગી લખુના પુત્રમાં રમમાણ થઈ ગઈ.એક અફસોસ રહી ગયો કે,લખુના બાપ લખુના છોરાનું મોં ન જોઈ શક્યા. ધીરે ધીરે જિંદગીની રફતાર આગળ વધતી ગઈ.


  જોકે લખુના મા બાપ તો સાવિત્રી લખુને પરણી ઘેર આવી ત્યારથી તેને લક્ષ્મીનો જ અવતાર સમજતા.તેના આવ્યા પછી જ ઘરમાં બરક્ત સાથે મામુલી એવો ભંગારનો ધન્ધો પણ જોર પકડતો ગયો હતો.વાડેથી રાત્રે આઠેક વાગે લખુ ઘેર આવતો ત્યારે પુત્ર સતીશના પ્રેમમા તેનો આખા દિવસનો થાક ઉતરી જાતો.


  લખુમાંથી લખમશી થતા લખુને વર્ષો લાગ્યા હતા પણ તે પછી લખમશીમાંથી લખમશીશેઠ બહુ થોડા સમયમાં બની ગયા હતા તેનું કારણ લખુની ઈમાનદારી,મહેનત, પરગજુ સ્વભાવ અને બોલીમાં મીઠાશથી તેનું વ્યક્તિત્વ ખીલી ઉઠતું.


  હવે તો તેની પાસે મેનેજર સહિત મોટો સ્ટાફ કાર્યરત રહેતો.અલગ અલગ કંપનીઓમાંથી તે વાર્ષિક કોન્ટ્રાકટથી ખરીદી કરતો અને ત્યાંથી જ તેનો માલ અન્ય કંપનીઓમાં જતો.


  લખુની મા ઘણીવાર કહેતી કે,લખુ હવે બેટા ધીરો પડ, ઘણું કમાયો.હવે તો સાવિત્રીને હરાવ ફરાવ, પણ લખુ અને સાવિત્રી વાત હસીને કાઢી નાખતા.લખુ માને કહેતો કે,મા હવે તું યાત્રાઓ કર,અમને તો તારા આશીર્વાદ સિવાય કંઈ ન જોઈએ.


   લખુએ તેની મા સાથે ચારપાંચ ધાર્મિક સ્ત્રીઓને ચારધામ યાત્રા માટેની સારી ટુર્સ એન્ડ ટ્રાવેલની ટિકિટો બુક કરી તેના હાથમાં આપી ત્યારે મા આશીર્વાદ આપતા બોલી કે,તારા બાપા જીવતા હોત તો કેવા રાજીનારેડ થાત.


  મા યાત્રાએ ગઈ એ જ રાત્રે સતીશને રમાડી રહેલ સાવિત્રીને તે એકીટશે જોઈ રહ્યો.કેવું સૌંદર્ય છે સાવિત્રીમાં ! હું ધંધામાં એટલો ડૂબી ગયો છું કે,તેને હરવા ફરવા પણ ક્યાંય નથી લઈ ગયો.એના તરફથી કદી કોઈ ફરિયાદ નહીં. મારો પડ્યો બોલ ઉપાડે. મા અને બાપુ પણ ઘણીવાર કહેતા કે,સાવિત્રી તો લક્ષ્મીનો અવતાર જ છે.સતીશને સુવાડી દીધા પછી તેણે કહ્યું,


  "શું જુવો છો ! શું વિચારો છો !"


  લખુએ તેને પોતાની તરફ ખેંચી બાથમાં ભીસીને કહ્યું,


  "સાવિત્રી તું કોઈ 'દી તારી તો ઈચ્છા કે,"


  "કેવી ઈચ્છાની વાત કરો છો ?"...સાવિત્રીએ તેની સાથે દબાતા શરમાતા પૂછ્યું.


  લખુએ તેનો ગાલ ચુમતા કહ્યું,


  "તું ક્યાંક ફરવા જવાની વાત કર કંઈક ખરીદી કરવાની કે,કોઈ સિનેમા જોવાની ઇચ્છા કર,એવું તને....


પણ સાવિત્રીએ વચમાં વાત કાપી કહ્યું,


  "મારી માટે તો તમારી અને માની સેવા કરવી એજ ફરવું છે.અને મારી પાસે શું નથી ? તમે બધું અપાવ્યું જ છે.કપડાલત્તા સોનાના ઘરેણાં બધું જ છે તો....?"


  લખુ ક્યાંય સુધી તેને હાથ ફેરવી પંપાડતો રહ્યો. સાવિત્રી જેવી પત્ની મળવા થકી પોતાની જાતને તે ભાગ્યશાળી સમજતો. 


  લખુ તેના પિતા પાછળ ઘણું દાનપુન કરતો રહેતો.કોઈપણ ધાર્મિક પ્રસંગોમાં તેનો આગવો ફાળો રહેતો.શહેરમાં આવેલી સંસ્થા જીવનસંધ્યા ઘરડાઘર ચલાવતી, તેના ટ્રસ્ટી જીવણલાલ તેના મિત્ર નાતે તેની પાસે ઉદાર હાથે ફાળો લઈ જતા.લખુએ તેના પિતાની યાદગીરી રૂપે તે ઘરડાઘરમાં બે રૂમ બંધાવી આપેલા.તેને ક્યાં ખબર હતી કે,એ રૂમ જ પોતાનો આખરી મુકામ હશે.


  લખુ અને તેની પત્ની સાવિત્રીને સતીશને ખૂબ ભણાવવાની હોંશ. શહેરની મધ્યમાં બંગલો અને આજુબાજુના રહીશો પણ એજ્યુકેટેડ એટલે સ્વભાવિક રીતે સતીશને સારી સ્કૂલમાં શિક્ષણ મળતું રહ્યું.સતીશ ભણવામાં હોશિયાર સાબિત થયો.એવામાં લખમશીની મા પણ પરલોકગતિ પામ્યા.


  સતીશ મોટો થતા તેને મિત્રો પણ ખૂબ સારા મળ્યા.ભણવામાં તે અવલ્લ નંબરે જ આવતો.લખુ અને સાવિત્રી પણ છોકરો ગુણિયલ થવાથી ખૂબ રાજી અને ખુશ રહેતા પણ ભાવી કોણ જાણી શક્યું છે ?.


  લખુ અને સાવિત્રી પોતાની ગરીબાઈ ભૂલ્યા નહોતા તેથી બીજા કોઈ હાથ લાંબો કરતા ત્યારે આપતા અચકાતા નહીં.સતીશ પણ કોલેજના ભણતર સાથે પિતાના વ્યવસાયમાં મદદરૂપ થતો.તે આજ્ઞાંકિત પુત્ર સાબિત થયો.


  અત્યાર સુધી દૂર દૂર સુધી કોઈ સગાંવહાલાં નજીક નહોતા તેઓ જાણે બમણા થઈ ડોકાવા લાગ્યા.લખુને ત્યારે એ કહેવત યાદ આવતી કે,સગા સૌ સ્વાર્થના.પણ લખુ મનમાં ન લઈ સૌનું માન રાખતો.


  સતીશની કોલેજ પુરી થઈ કે,છોકરીઓ વાળાઓએ લાઈનો લગાવી.દિવસ આખામાં કોઈ એકાદ સગું તો આવીને લખુને કહી જ જાય કે,ફલાણાની છોકરી ખૂબ સારી છે.તેઓનું ખાનદાન ઉંચુ છે.ભૂલવા જેવું નથી.આ વાતથી સાવિત્રી અને લખુ પોરસાતા. અને સતીશને પરણાવવાની બંનેની ખૂબ હોંશ પણ ખરી પણ સતીશ કહેતો,હું કંઈક કમાતો થાઉં,મારા પગપર ઉભો રહું ત્યારે વાત,કહી તે હસી પડતો.


  સતીશને આગળ ભણવાની ખૂબ હોંશ હતી.તેની ઇચ્છાને માન આપી પોતાનું મન ન માનતું હોવા છતાં લખુએ એની મરજી પ્રમાણે ઓસ્ટ્રેલિયા ભણવા મોકલ્યો.


  લખુને ઈચ્છા હતી કે,હવે તે અહીં રહી તમામ કારોબાર સંભાળી લે,પણ સતીશના સપના બહુ ઉંચા હતા.ઓસ્ટ્રેલિયાથી તે દર વર્ષે આવતો રહેતો ત્યારે બને માણસો ખૂબ આનંદમાં આવી જતા.તેની સાથે હરતા ફરતા.


  એ દરમિયાન સતીશ પેઢીએ આવી બાપને મદદ કરાવતો.અરે જરૂર લાગે ત્યાં કંઈક ફેરબદલી કરવાનું પણ કહેતો ત્યારે એની બુદ્ધિપર લખુ વારી જતો.મનમાં તેને ગર્વ થતો કે,છેવટે દીકરો કોનો છે ? બાપ કરતા દીકરો સવાયો જ થાય.


  પણ લખુને આંચકો ત્યારે લાગ્યો કે,સતીશે ત્યાંથી કોલમા કહ્યું કે,મારુ ભણતર અહીં પૂરું થતા જ મને અમેરિકાની કંપનીમાં જોબ મળી છે તેથી અહીંથી સીધો ત્યાં જવું પડશે.લખુને મનમાં થયું નોકરીની જરૂર જ શું છે ? આપણો ધંધો પણ કંઇ નાનો સુનો તો નથી.


  પણ પુત્રની તેજસ્વી કારકિર્દી આગળ તે લાચાર હતો.અને સતીશ આઠ દિવસ માટે આવ્યો ત્યારે લખુએ અને સાવિત્રીએ તેને લગ્નમાટે દબાણ કર્યું ત્યારે પણ તેણે હસીને વાત કાઢી નાખી.એની રીતે તે સાચો હશે પણ લખુ-સાવિત્રીને એ વાત પચી નહીં.


  તેના ગયા પછી બને કંઈક ઉદાસ રહેવા લાગ્યા પણ એકાંતમાં.બને એકબીજાના મનોભાવ સમજતા પણ વાતો કરતા ત્યારે પોતાનો મનોભાવ છુપાવી સતીશની વાતો યાદ કરી એકબીજાને આનંદ પમાડવા મથતા.


 એક દિવસ સતીશનો કોલ આવ્યો કે,તમને સરપ્રાઈઝ આપવા હું આવું છું.હજુ તો સરપ્રાઈઝ શું હશે તેની બને વાતો કરતા બેઠા.બંનેને એક્વાતે શાંતિ થઈ કે,જે હોય તે પણ દીકરો ઘેર આવવા જેવી બીજી કોઈ સરપ્રાઈઝ ન હોઈ શકે. કે,ત્યાંજ બહાર હોર્ન સંભળાયું કે,બંનેએ નજર ફેરવી તો સામે સતીશ.સતીશે એરપોર્ટથી જ કોલ કર્યો હતો.


  પણ સતીશ સાથે તો કોઈ સ્ત્રીને જોઈ બને આશ્ચર્યમાં પડી ગયા.સતીશે ઈશારો કરતા તે સ્ત્રી બંનેને જયશ્રીકૃષ્ણ કહી પગે લાગી.   બંનેએ આશીર્વાદ આપ્યા અને સતીશ ખડખડાટ હસી પડ્યો અને માને ભેટતા કહ્યું,"માં આ તમારી વહુ છે."


  એ અમેરિકા રહેતા કોઈ ધનાઢય પટેલ કુટુંબની દીકરી હતી.તે અને સતીશ ઓસ્ટ્રેલિયામાં સાથે ભણ્યા અને અમેરિકામાં સાથે જ જોબ કરતા થયા અને હવે સાથે નવો બિઝનેસ ચાલુ કરવાના હતા.ફક્ત ચાર દિવસના રોકાણમાં સાવિત્રી અને લખુ તો ભાવવિભોર થઈ ગયા.


  માનસીવહુ તો જાણે અન્નપૂર્ણાનો અવતાર.ચાર જ દિવસમાં તેણે સાસુ સસરાની સેવા કરી દિલ જીતી લીધા.સવારે વહેલા ઉઠી પૂજાપાઠ કરે,સાવિત્રીને તો કંઇ કામ જ ન કરવા દે.રાત્રે સાસુના અચૂક પગ દબાવી ખૂબ વાતો કરે.તેના કુટુંબની પણ વાતો કરે અને તમો ત્યાંજ ચાલો એવો આગ્રહ કરે.


  લખુ અને સાવિત્રી તો ગદગદ થઈ ગયા.ઘડીકમાં એ પણ ભૂલી ગયા કે,આ ચાર દિવસની ચાંદની છે.જ્યારે જવાનો સમય થયો ત્યારે સાવિત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.લખુ પણ મનમાં વલોવાઈ ગયો.


  સતીશ કરતા તો માનસી સાવિત્રીને ભેટીને ખૂબ રડી પડી.આખરે બને વિદાય થયા.ફરી બંનેના જીવનને એકલતા ખાઈ ગઈ.


  લખુને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવે.સતત વિચારે કે,મેં જીવનમાં શી ભૂલ કરી ? .છોકરો પણ બરોબર છે વહુ પણ સરસ મળી.એની વાતે તેઓ સાચા છે તો હું પણ મારી રીતે સાચો છું.શું મળ્યું જીવનમાંથી ? નરી એકલતા.આટલા વર્ષો હું શેના માટે ઝઝૂમતો રહ્યો ? પણ તેને ઉત્તર ન મળ્યો.


  વર્ષો વીતતા ગયા.સતીશનો પણ ત્યાં બિઝનેસ ખૂબ આગળ વધ્યો.તેને બાપના પૈસાની કોઈ જરૂર ન રહી.તે હમેશ કહેતો કે,આપ અહીં આવી જાઓ.


    અને કિસ્મતની બલિહારી કેવી કે,સાવિત્રીને જ્યારે છેલ્લા સ્ટેજનું કેન્સર નીકળ્યું કે,લખુ ભાંગી પડ્યો.તેની પાછળ તેણે પાણીની જેમ પૈસો વાપર્યો પણ સાવિત્રી જાણે કહેતી હોય કે,હવે આવતે ભવે મળીશું કહી તે વિદાય લઈ ગઈ.


  હવે શું કરુંની દિદ્ધામાં તે જાણે અનાથ થઈ ગયો.સતીશ અને માનસી આવેલા એ અહીં વીસેક દિવસ રોકાયા.તેઓએ પણ પપ્પાને સાથે લઈ જવા ખૂબ આગ્રહ કર્યો,બને રોઈ પડ્યા પણ લખુ ન માન્યો.


  એકલવાયું જીવન તેને કોઠે ન પડ્યું.તેણે દાનપુણ્ય કરી પોતાની અડધી મિલકત તો ધર્મદામાં ખર્ચી નાખી.સતીશને તો કોઈ જરૂર જ નહોતી.ક્યારેક લખુ ખૂબ આગ્રહ કરતો ત્યારે જ તે કચવાતે મને હા પાડી થોડાઘણા પૈસા પોતાની બેંકમાં ટ્રાન્સફર કરાવતો જેથી પપ્પાને શાંતિ થાય.


  છેવટે લખુએ એક નિર્ણય લીધો કે,વ્રધાશ્રમ જઈ રહેવું અને ભક્તિભાવ કરી જીવન પૂરું કરવું.સતીશને આ વાતની જાણ કરી ત્યારે તે પણ હેરાન થયો.ત્યાં આવવા ઘણું સમજાવ્યા છતાં લખુ ન માન્યો અને કહ્યું કે,હું અનાથ તરીકે થોડો જાઉં છું ? હું તો ત્યાં નિવૃત્તિનો આનંદ લેવા અને ભક્તિભાવ કરવા જાઉં છું.


  સઘળું ભેગું કરતા એકકરોડજેવી રકમ તેણે પોતાના મિત્ર જીવણલાલની જીવનસંધ્યા ઘરડાઘર સંસ્થામાં આપી જેથી તેના વ્યાજમાંથી સઘળું ચાલે અને ત્યાં રહેવા ચાલ્યો ગયો.જોકે જીવણલાલ તો પરલોક સિધાવી ગયેલા,અત્યારે તો એ સંસ્થાનો ટ્રસ્ટી તેનો પુત્ર જગદીશ જ હતો. જીવણલાલ જેવા પરગજુ અને માયાળુ હતા તેનો દીકરો પણ તેવો જ સેવાભાવી હતો. 


  હજુ લખુને ત્યાં ગયે પંદરેક દિવસ થયા હશે.હજુ લખુની કર્મની કઠણાઈ તો બાકી હતી.લખુ મનમાં પોતાની જિંદગીના લેખાજોખા કરતો રહેતો.જિંદગીમાંથી પોતાને શું શીખ મળી એ વિશે તે વિચારતો રહેતો.


  માણસને જે જોઈએ તે અહીં હાજર હતું.રહેવું,ખાવું,પીવું પણ,અહીં રહેતા ત્રેપન લોકોની કહાની બિલકુલ અલગ અલગ હતી. દરેકની જીવનવાર્તા અલગ હતી.એ સૌ અલગ અલગ જીવનયાત્રીઓ છેવટે એક જ છત નીચે પોતાના સુખો દુઃખો વહેંચવા જાણે અહીં ભેગા ન થયા હોય તેમ રહેતા.


  અને લખુને અમેરિકાથી તેની વહુ માનસીનો કોલ આવ્યો જે સાંભળીને લખુના છાતીના પાટીયા બેસી ગયા.તેને ચકર આવતા નીચે ફસડાઈ પડ્યો.જેની વિગત આ પ્રમાણે હતી.


  માનસીએ કહ્યું કે,'બાપુજી અહીં બિઝનેસમાં ખૂબ મોટી ખોટ આવી પડી છે.લેણદારો બહુ પઠાણી ઉઘરાણી કરે છે.જો પંદરેક દિવસમાં અમુક રકમ નહીં ભરી શકીએ તો કદાચ મને અને સતીશને જેલ પણ થઈ શકે એમ છે.'


 ' તમારા દીકરાએ તો મને આ વાત તમને કરવાની ના પાડી છે પણ મારાથી રહેવાયું નહીં.તમને તો ખ્યાલ છે કે,અમારા પ્રેમલગ્ન થકી મારા માવતર પાસે હું નથી જઈ શક્તી તે છતાં હું ગઈ હતી પણ ત્યાંથી પણ જાકારો મળ્યો છે નહિતર તેઓના ડાબા હાથની વાત હતી.'


  અને લખુએ સતીશ સાથે ફોનપર વાત કરી ત્યારે તેણે રડતા રડતા પોતાની આપવીતી કહી.હું કંઈક કરું છું બેટા કહી લખુ ત્યાંજ બેસી રહ્યો.સતીશ અને માનસીની વાત સાચી હતી પણ હવે શું થાય.લખુએ ઘણું વિચાર્યું કે,હવે શું થાય ?.આખી રાત તે આંસુ સારતો બેસી રહ્યો.લખુએ માન્યું કે,આ જન્મમાં તો મેં કોઈ ખોટું કામ નથી કર્યું તો કદાચ ગયા જન્મના કોઈ પાપ નડ્યા હશે.


  આખી રાત તે પોતાના રૂમના દરવાજે વિચારતો બેસી રહ્યો.દીધા દાન કેમ પાછા મંગાય ? નહીંતર ઘણી જગ્યાએ પાંચથી પચીસલાખના દાન આપેલા છે.


  તેને આ સંસ્થાના સ્થાપક,ટ્રસ્ટી અને પોતાના સ્વ.મિત્ર જીવણલાલની ખૂબ યાદ આવી.એ હયાત હોત તો કોઈ રસ્તો નીકળત પણ એનો દીકરો જગદીશ ?...ના...ના..જગદીશ મારી વાત સમજશે.


 હું એક કરોડ તેની પાસે પાછા માંગીશ.ના પાડશે તો તેના પગમા પડી ભીખ માંગીશ અને કહીશ કે,મને અહીં તમારા સૌનો નાથ નહીં પણ અનાથ સમજજો.અને તે ટ્રસ્ટી જગદીશની ઓફિસ ખુલવાની રાહ જોઈ રહ્યો.

-------------------------------સંપૂર્ણ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ