વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનવતા મહેકી ઉઠી છે




કંઇકેટલાય અજાણ્યા માટે અંતરથી  પ્રાર્થના કરી,

અપેક્ષારહિત સેવાકાર્યમાં જોતરાયેલા દૈવીતત્વોને જોઈએ

ત્યારે લાગે કે માનવતા મહેકી ઊઠી છે...


કોરોનાગ્રસ્ત પાડોશી બાળકોના પેરેન્ટસ બની  

લાડ સાથે સંભાળ રાખતા, લોકોને જોઈએ

ત્યારે લાગે કે માનવતા મહેકી ઊઠી છે...


હોસ્પિટલમાં કંટાળેલા, હારેલા જીવની સાંત્વના માટે

બધું ભૂલી, આનંદથી ગરબે ઘૂમતા વોરિયરસને જોઇએ

ત્યારે લાગે કે માનવતા મહેકી ઊઠી છે...


ઓક્સિજન, મેડિકેશન, વેક્સિનેશનથી હતાશ થયેલા લોકોને

સાંત્વના આપી હકારાત્મકતા પીરસતા સ્ટાફને જોઈએ

ત્યારે લાગે કે માનવતા મહેકી ઊઠી છે...


પરિચિતની આર્થિક સંકડામણને સમજી, મૂક બની

કશું પણ જતાવ્યા વગર, મેડિકલ બિલ ભરી લેતાં લોકોને જોઇએ

ત્યારે લાગે કે માનવતા મહેકી ઊઠી છે...


ખુદને અને કુટુંબના અસ્તિત્વને જોખમમાં મૂકી, અનેકને ખાતર

અવિરત, અથાગ અને સસ્મિત પ્રયાસે વળગેલી મેડિકલ ટીમને જોઈએ,

ત્યારે લાગે કે માનવતા મહેકી ઊઠી છે...


અંગત કુટુંબીજનોની ગેરહાજરીમાં, અજાણ્યાના પાર્થિવ દેહને

પંચતત્વમાં ગરિમાભેર ભેળવતા સહૃદયીજનોના અશ્રુ નિરખીએ

ત્યારે લાગે કે માનવતા મહેકી ઊઠી છે...


જીવનને પરમાત્માની ભેટ અને મહામારીને સત્કાર્યનો અવસર સમજી સમાજ કલ્યાણ માટે સમર્પિત હૈયા અનુભવીએ

ત્યારે લાગે કે ખરેખર


માનવતા મરી નથી પરવારી પરંતુ


માનવતા મહેકી ઊઠી છે.....



પૂર્વી ચોકસી

એપ્રિલ 2021













ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ