વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક જ ડાળના પંખી!


સતત બે કલાકથી ચાલતી રીક્ષા જ્યારે મેઈન રોડ વટાવી અંતે પોતાના સ્ટેશને ઊભી રહી ત્યારે એણે મનોમન હાશકારો અનુભવ્યો. 'ઉમા ભવન કન્યા છાત્રાલય'ની સામે ઉતરી એણે રિક્ષાનું ભાડું ચૂકવ્યું અને હૉસ્ટેલનો મુખ્ય દરવાજો ઓળંગીને આગળ ચાલતી થઈ.


ધીમે ધીમે પગલાં ઉપાડતી એ ચારેકોર નજર ફેલાવતી કૅમ્પસને નીરખી રહી હતી. એની આંખોમાંથી ધીમે ધીમે જૂનાં દ્રશ્યોના પોપડાં ઉખડીને ત્યાં નવા દ્રશ્યો સ્થાન લેતા હતા. સામે જ્યાં ઉજ્જડ મેદાન હતું, ત્યાં નવો પાર્કિંગ એરિયા બની ગયો હતો. પાર્કિંગ એરિયાની બાજુમાં જાતજાતના કેટલાય નવા ફૂલો વાવેલા હતા. બહારની ઑફિસમાં પણ ખાસ્સો એવો ફેરફાર જણાતો હતો.


બહારની ઑફિસ વટાવી એ સાથે જ એના પગલાંની ઝડપ આપોઆપ વધી ગઈ. એ જાણતી હતી આગળની કાર્યવાહી ઑફિસ પાસે ગોપાલદાદા ખુરશી ઢાળીને બેઠા હશે. એણે કૅમ્પસ છોડ્યું એ વાતને આજે સાત વર્ષ વીતી ગયાં. બારમું પૂરું કર્યા બાદ બે વર્ષે કૅમ્પસમાં કોઈ કામ માટે આવેલી ત્યારે ગોપાલદાદા કેટલા હરખાઈ ગયા હતા! આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલા અને પહેલાની જેમ જ મુઠ્ઠી ભરીને ચૉકલેટ હાથમાં આપતા માથે હાથ ફેરવ્યો હતો. 


આજે ફરી એજ આશીર્વાદભર્યો સ્પર્શ પામવા માટે એ ઉતાવળી હતી. ગોપાલદાદા બેસતાં એ ઑફિસ આવી ગઈ, એણે નજર માંડીને જોયું પણ સામે ખુરશી ઢાળેલી નહોતી. એને ખુરશીની ગેરહાજરી ખૂંચી! એ દોડીને ઑફિસમાં ગઈ પણ ફરી એના મોં પર નિરાશાનો એક લસરકો ફરી વળ્યો! ત્યાં હાજર વિષ્ણુકાકાને એણે પૂછ્યું, 'ગોપાલદાદા કેમ નથી દેખાતા?' 


'ગોપાલદાદા તો બે વર્ષ પહેલાં જ રામચરણ પામ્યા, બેટા!' વિષ્ણુકાકાનો આ જવાબ સાંભળી એના શરીરમાં હળવી ધ્રૂજારી અનુભવાઈ.


અંદરથી તો એ ઢીલી પડી ગઈ હતી પરંતુ મનોમન ગોપાલદાદાના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી એણે મન બીજી દિશામાં વાળી લીધું. ડાબી બાજુએ દૂર સુધી નજર ફેરવતા છેડો ન દેખાય એવડું વિશાળ મેદાન હતું. જમણી બાજુએ નાનકડો પણ સુંદર બગીચો હતો. એની નજર વચ્ચોવચ ઊગેલાં વડલા પર સ્થિર થઈ. 'એક જ ડાળી પર બેસેલું પાંચ-સાત પંખીઓનું ટોળું ત્યાં કલબલાટ કરતું હતું!'  આ દ્રશ્ય જોઈને એને તરત જ પોતાની સહેલીઓ યાદ આવી. જેની સાથે  મોટાભાગના રવિવાર આ બગીચામાં જ ગાળ્યા હતા.  


બગીચાથી હૉસ્ટેલની બિલ્ડીંગ સુધીનો રસ્તો ટ્રેનના પાટા માફક સીધો જ હતો. એણે સીધી પટ્ટી ઉપર અંતર કાપવાનું શરૂ કર્યું. રસ્તાની બંને બાજુ જાતજાતના વૃક્ષોની લાંબી હરોળ હતી. જેમજેમ આગળ વધતી ગઈ તેમતેમ એના મનમાં વૃક્ષોની હરોળ જેમ હારબંધ ગોઠવાયેલા સ્મરણો એકાંતરે ડોકું કાઢી રહ્યા હતા. 


એ આખું કૅમ્પસ ફરી વળી. અંતે થાકીને કાર્યવાહી ઑફિસની સામેના બાંકડા પર બેસી ગઈ. ખળખળ વહેતા ઝરણાંની જેમ કેટલાય દ્રશ્યો એની નજર સામેથી વહેતા હતા... સામેનો ગેઇટ જ્યાં પપ્પા પહેલીવાર એકલી મૂકીને જતા રહ્યા, ઘરથી આટલે દૂર એકલી જ હતી! આવું પહેલી વખત બન્યું. ત્યાર પછી તો ગોપાલદાદા અસલ એની સગી પૌત્રી હોય એ જ રીતે વહાલ કરતા. કિંજલ, બંસી, રીના, ખુશી... આ ચારેય સાથે હતી તો કેવું ભર્યું ભર્યું લાગતું. ક્યારેક ક્યારેક ઘરની યાદ આવી જતી પણ આ ચારેય સાથે સમય પસાર થઈ જતો. સ્કૂલે જવાનું, સવારે વહેલા ઉઠવાનું, જાતે જ બધું કામ કરવાનું... આવું ઘણુંય હતું જે અત્યારે એકાએક એને યાદ આવતું હતું.


પાણીના છલકાતા ઘડાની જેમ એનું મન પણ ઉત્સાહથી છલકાતું હતું. ઘણા વર્ષ બાદ આજે પાંચેય સહેલીઓ મળવાની હતી. જિંદગીના ચાર વર્ષ એણે જેની સાથે વીતાવ્યા હતાં, આજે ફરી એને એ હૂંફ માણવી હતી. 


કિંજલ સાથે ચૉકલેટ માટે થતો મીઠો ઝઘડો, ખુશી સાથે હીંચકે ઝૂલવા માટે થતી ખરીખોટી માથાકૂટ, રીના અને બંસી સાથે રમાતી રમતો અને પરીક્ષાની આગલી રાતે જાગીને વાંચતી એ પાંચેયની ટોળકી.જાણે કાલની જ વાત! 


છેલ્લી વીસ મિનિટથી એ ઘડીક મુખ્ય દરવાજા તરફ નજર ફેંકતી તો ઘડીક કાંડામાં પહેરેલી ઘડિયાળમાં ડોકું કરતી હતી. અચાનક ખૂબ જ ધીમો પગરવનો અવાજ સાંભળતા એ સફાળી ઊભી થઈ ગઈ. સામેથી એક ટોળકી આવતા એના દિલમાં ઊંડે ઊંડે સુધી ઠંડક ફરી વળી! 


એણે દરવાજા તરફ દોટ મૂકી... પણ બીજી જ સેકન્ડે દરવાજા સાથે અથડાયને ફસડી પડી હોય એવું એને લાગ્યું! કિંજલ પોતાના થનાર પતિને સાથે લઈને આવી હતી. એ તરત અંદર જઈને એક પછી એક જગ્યાનો પરિચય આપવા લાગી, રીના અને બંસી આવીને તરત જ ફોટા પાડવા લાગી. એને એકાએક ઝાટકો લાગ્યો... તો પણ સ્વસ્થ થઈને પૂછી લીધું, 'ખુશી કેમ ન આવી?' 

'છેલ્લી ઘડીએ એને કોઈ ઇમર્જન્સી કામ આવતા એ ન આવી શકી' ફોટાનો પોઝ લેતા લેતા બરછટ અવાજે બંસીએ જવાબ આપી દીધો.


એના મસ્તિકમાં એક વંટોળ શરૂ થયો. જ્યારે બે-ચાર દિવસની રજા પડતી અને રજાના દિવસો પૂર્ણ કરી ફરી હૉસ્ટેલમાં આવતા ત્યારે બધી એકબીજાને કેવી ભેટી પડતી! આજે સાત વર્ષ પછી મળ્યા તોયે સરખી વાત કરવાનોય સમય નથી.


જ્યારે મળવાનું નક્કી થયું ત્યારે પોતે કેવી નાચી ઉઠી હતી! ગઈ રાતે કેટલા હરખથી કિંજલ માટે ચૉકલેટ બનાવી, બંસીને ફોટાનો કેટલો શોખ... તો એના માટે જૂનાં કેટલાય ફોટાઓ ગોતી ગોતી જાતે જ ફોટોફ્રેમ બનાવી, એમાં કેટલીય જૂની સ્મૃતિઓ ફીટ કરી નાખી! ખુશીનો પણ એકવાર ફોન આવ્યો ત્યારે વાતવાતમાં કહેલું કે રસોઈનો ભારે શોખ જાગ્યો છે. તરત જ જઈને એના માટે અવનવી વાનગીઓની બુક લઈ આવી! ઘરેથી નીકળતી વેળાએ એણે કેવો ઝટપટ ગાજરનો હલવો બનાવ્યો. વિચાર્યું હતું કે રીનાને ખૂબ ભાવે, ગરમાગરમ ગાજરનો હલવો જોઈને રાજીની રેડ થઈ જશે. અત્યારે અચાનક એને જાણે આ સઘળી બાબતનો થાક લાગવા માંડ્યો. 


ઘરેથી કહીને આવી હતી, 'મમ્મી આજે તો રાત સુધી પાછી નહીં આવું. કેટલા દિવસે ચારેયને મળીશ. વાતો કરીશું, જૂનાં દિવસોને ફરી જીવીશું. બધી માટે ભેટ લઈને જાઉં છું તો કેટલો હરખ થશે એ સૌને!' મનોમન ગરમ દૂધની જેમ ઉકળતી એ હાથમાં રહેલા બેગને તાકી રહી.  એને એક ક્ષણ પણ અહીં અટકવાનું મન ન થયું. 


બંઘોરણામાં છાશ વલોવાતી હોય એમ એનું મન અંદરને અંદર વલોવાતું હતું. એણે બગીચા તરફ પગ ઉપાડ્યા. ત્યાં જઈને ઘટાદાર વડની નીચે બેસવા ગઈ તો એની નજર ઉપર બેઠેલાં પંખીઓ પર પડી. 'ઘડીકવાર પહેલાં તો એક જ ડાળી પર  સૌ બેઠાં હતાં. અત્યારે સૌ કોઈ અલગ અલગ ડાળી પર ગોઠવાઈ ગયા હતાં અને અમુક તો ઊડી પણ ગયાં હતાં.'


એને આજુબાજુ નજર ફેરવી. પાનખર ઋતુ હોવાથી એક પછી એક પર્ણો ખરીને નીચે પડતાં હતાં. અનાયાસે જ એ ખરતા પર્ણની સરખામણી એના મનની આશાઓ સાથે કરી બેઠી. એ ઊભી થઈને ત્યાંથી જવાની તૈયારી કરવા લાગી. જતા જતા ત્યાંની માટીની ફોરમ એને સાથે લઈ જવી હતી પણ કેમેય કરી એને આજે પહેલાં જેવી ફોરમ આવી જ નહીં! 


સામે ઊભેલી ચારેય સહેલીઓ, હૉસ્ટેલની બિલ્ડીંગ, ઑફિસ પાસે ખુરશીની ગેરહાજરી, કૅમ્પસના છેલ્લા સાત વર્ષમાં થયેલા ફેરફારને મમળાવતી એ ઘર તરફ રવાના થઈ. છેલ્લાં સાત વર્ષોથી એના મનમાં જે અકબંધ હતું એ આજે એને વિરવિખેર થયેલું લાગ્યું! 



✍️ © મીરા પટેલ


નોંધ:- તા. ૧૬/૩/૨૦૨૧ મંગળવારના રોજ 'ગુજરાત સમાચાર'ની 'સહિયર પૂર્તિ'માં પ્રકાશિત થઈ ચૂકેલી વાર્તા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ