વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પીઝાનો એક ટુકડો

પીઝાનો ટુકડો

આજે પણ ઓફિસમાં જ મોડું થઈ ગયું. ખૂબ મોડું. ઊંચા પગારની નોકરી કરવા એટલી તો તૈયારી જોઈએ જ. મેં સહુ ટીમ મેમ્બર્સને ગુડનાઈટ કહી બાઇક ભગાવ્યું. 


ટ્રાફિક આટલી મોડી રાત્રે પણ સરખો એવો હતો. શુક્રવારની રાત. શહેર હવે બે દિવસ 'રાતકો ખાઓ પીઓ દિનકો આરામ કરો' ના મુડમાં આવી ગયું. ક્યાંક ફુગ્ગાવાળાઓ, તો ક્યાંક રમકડાં વેંચતા ફેરિયા, ગોળાવાળા, ખાણીપીણીની લારીઓ અને એના પર મધપુડે ભમતી મધમાખીઓની જેમ લોકો. સસ્તી અને સારી હોટલો બંધ થઈ ગયેલી. લારીઓ હવે જ ધમધમતી થઈ હતી. હું હજુ એકલવીર. પેટપુજા કરવા- અરે રે, પીઝા સિવાય મારે કોઈ આરો નથી. હું ઘર નજીકની, રાત્રે મોડા પડતાં મારો એક માત્ર સહારો 'પીઝાહટ' માં ગયો. આંતરડી ઠરી એટલે મગજ એની મેળે ઠરવા માંડ્યું. 


મેં બાઈક મારા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં દાખલ કર્યું. સિક્યોરિટીવાળાએ ગેઇટ ખોલી આપ્યો. મેં એને 'જય રામજી કી' કહ્યું. મોટે ભાગે એ નોકરી યુપી, બિહારના લોકો  જ કરતા હોય છે, એ લોકોનું આ જ ગ્રીટિંગ વાક્ય છે. એણે મીઠું હસી :ગુડ નાઈટ સરઅઅ..' કહયું. દક્ષિણ ભારતીય! ઇડલીની લારી ચલાવવાને બદલે અહીં ?


સોમવારની સવાર. મેં બાઈક પે હોકે સવાર.. મેં ખુલ્લા ગેઇટમાંથી બાઇક કાઢતાં સિક્યોરિટી કેબીનમાં જોયું. શુક્રવારની રાત વાળો જ ગાર્ડ હતો. ક્લીન શેવ, યુનિફોર્મમાં,  સુંદર રીતે ટ્રિમ કરેલી મૂછો, ઇસ્ત્રીબંધ કપડાંમાં. 


હું બ્રાન્ડેડ ટીશર્ટ, જીન્સ અને સ્પોર્ટ શૂઝ માં. એ તો સારું છે એવું પણ પહેરેલું. અમારી આઇટી કંપનીઓમાં શોર્ટ્સ અને ફ્લોટર્સ પહેરીને પણ લોકો નોકરીએ આવે છે. 


અમારી આંખો મળી, મેં આજે પણ 'જય રામજી કી'  કહ્યું, એણે 'ગુડ મોર્નિંગ સરરઅ..' કહ્યું. દક્ષિણનો જ. કન્ફર્મ. સારું, હવે ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ કહીશ. એ તો હું એટલું પણ ગ્રીટ કરું છું, આ એપાર્ટમેન્ટમાં વસતા હાઈફાઈ લોકો એને તો એક સ્ટેચ્યુ જ સમજે છે. એક બીજાને પણ માંડ પાંચ ડિગ્રી ડોકું નમાવે, મુખ પર સ્મિત ? એ વર્ગ માટે વર્જ્ય છે.


ફરી એ જ ચક્ર, એ શની-રવી અને એ જ ઘટમાળ. રોજ મારું આવવું જવું અને ગેઇટ પર અમારે ગ્રીટ કરવું. એકાદ વાર હું વહેલો હતો. એને નજીકની લારીએ બીજા યુનિફોર્મમાં સજ્જ ગાર્ડસ સાથે ચા પીતાં જોયો. એ લોકો ત્યાં જ ખાઈ શકે. મારાથી ત્યાં ન જ ઉભાય. સિંહ ઘાસ ખાય તો પણ 200 રૂ.ની થાળી વાળી હોટલમાં ! મેં મનોમન ખોંખારો ખાધો. હા, ભણતર, કડી મહેનત અને નસીબનો સાથ. નહીંતો હું ક્યાં હોત? આ ગાર્ડની જેમ ઇસ્ત્રીટાઈટ યુનિફોર્મમાં ગેટ પર હોત, આ લારીવાળાની જેમ ચા કે ફ્રુટ વેચી પોતાને સેલ્ફ એમ્પ્લોઇડ જાહેર કરી મારી દુનિયામાં રાચતો હોત.


આજે તો મહીનાની આખર તારીખ. પગાર સુદ એકમ. રાજા હોય કે રંક, પગાર આવે અનેરી ખુશીમાં રાચતો હોય છે. એનું બજેટ પણ પગારના દાયરામાં ગોઠવાઈ ગયું હોય છે. આજે તો બિલો ભરીશ, એટીએમની લાઈનમાં ઉભીશ, સારી હોટલમાં ચોક્કસ જમીશ.


શીટ.. આજે પણ મોડું થઈ ગયું. ચાલો આજે પણ એની એ પીઝાહટમાં જઈ પીઝાથી પેટ ઠારવું પડશે. કંટાળો ન આવે? રોજ ખાઈખાઈને પીઝા જ? પણ છૂટકો નથી. એ પણ એકની એક જગ્યાએ? મોટાં રેસ્ટોરાંમાં ડીનર  કાલે તો મિત્રો સાથે ચોક્કસ.


મેં કાઉન્ટર પર જઈ ઓર્ડર આપ્યો, ઉપર ડિસ્પ્લેમાં નંબર આવે એની રાહ જોતો વિચારે ચડ્યો. આ પગાર સારો તો છે જ પણ આમાંથી થતી બચતમાંથી મારાં તેમજ મા-બાપનાં સ્વપ્નાં ખરીદાય એ મુશ્કેલ છે.  હજુ વધુ પગારની નવી નોકરી જોવી પડશે.  હું તો આઇટી વાળો. આ જ શહેરમાં  બીજી નોકરી જલ્દી મળી જશે.


મેં ડિસ્પ્લેમાં નંબરો જોતાં આમતેમ દ્રષ્ટિ ઘુમાવી. આ શું? પેલો ગાર્ડ, સાથે ઇસ્ત્રીબંધ ફ્રોક પહેરી બેઠેલી એની યુવાન પત્ની, એક ટગરટગર જોતો પાંચેક વર્ષનો બાળક. બાળક ગાભરીગાભરી આંખે, થોડું કુતુહલ, થોડા ભય, થોડા અચંબા સાથે આમતેમ જોતો હતો. મારી પાછળના ટેબલે જ એ લોકો બેઠેલાં.


મારો પીઝા આવ્યો. મેં ચીલી ફ્લેક્સ નાખી, કટરથી ટુકડો કાપતાં પેલો ગાર્ડ બેઠેલો ત્યાં એક નજર નાખી. એનો નંબર આવ્યો. એ પીઝા લઈ આવ્યો અને  પીઝા જોતાંવેંત એની પત્નીનું મુખ પીઝાના ટોપીંગ કરતાં પણ  વધુ ખીલી ઉઠ્યું. એ લોકો 'થ્રી ચિયર્સ' કહેતાં હોય એમ ખીલ્યાં.


જાણે રાજાએ સુવર્ણ, રત્નો ભરેલી તાસક આપી હોય એમ પીઝાની પ્લેટ સામે જોતાં  તેઓ નાચી ઊઠ્યાં.


બોલો, સિક્યોરિટી ગાર્ડને પણ 'પીઝાહટ' પોષાય છે જ્યાં એના 'શેઠ' (મેં અજાણતા જ કોલર ઊંચા કર્યા) ખાય છે!


કાલ તો ભલે ડીનર મોટી રેસ્ટોરાંમાં લેશું. આજે ખાઈખાઈને પીઝાનો ટુકડો! અવારનવાર એકની એક  ચીજ ખાવાની!


પેલો ગાર્ડ પીઝા લાવી ટેબલ પર બેઠો. એની યુવાન પત્ની બાબાને કહે, “સન, આને પીઝા કહેવાય. લે ખા ગરમ ગરમ, ક્રિસ્પ પીઝાનો ટુકડો.”


ગાર્ડે પત્નીના હાથ પર હાથ મૂકી 'થેંક્યુ ડીયર' કહ્યું. પત્નીએ પોતાની પર્સમાંથી આઈકાર્ડ કાઢી ટેબલ પર મૂક્યું. ટેબલ પર પડેલું એ આઈકાર્ડ ઉપાડી બન્નેએ રીતસર ચુમ્યું, હાથથી ક્રોસની સાઈન કરી, મસ્તક નમાવ્યું. 


પીઝા મોંમાં મુકતાં એ એક ક્ષણ અટકી ગયો, એની દાઢી સહેજ ધ્રુજી. કદાચ રડુંરડું થયો. હા, એની આંખો સજળ લાગી. એક ક્ષણ માટે પત્ની પણ ડૂમો ભરાઈ આવ્યો હોય એવી થઈ, તુરત જ ગર્વ અને આંસુ એની આંખમાં એકસાથે છલકાયાં. બાબો નીચો નમી પીઝાની પ્લેટ પકડી ઝુક્યો. એણે સહેજ ડર, વધુ નવાઈ અને ખુબ લોલુપતાથી પીઝા સામે જોયું, ચીઝનું  ટોપીંગ આંગળીથી ચાટયું. એક ટુકડો કાપી હાથમાં લઈ ‘આ ખાઉં ને?’ એમ પુછતો હોય એમ મા-બાપ સામે જોયું. માએ એને પંપાળ્યો અને પોતાના હાથે એને પીઝાનો ટુકડો ખવરાવ્યો. બન્ને પતિ-પત્નીએ એક એક ટુકડો મોંમાં મુક્યો. એમની આંખોમાં આભાર, સંતોષ, આંસુ 'પીઝાહટ'ની  ઝાકઝમાળ લાઈટમાં સ્પષ્ટ ઝળકી રહ્યાં.


“નેન્સી, તું હતી તો આને પીઝાનો ટુકડો ખવરાવી શક્યાં. નહીં તો હું..”


“નો ડિયર. ગોડ આપણી સાથે છે. તું કામ કરે છે જ ને? સપોર્ટ આપે જ છે ને? એન્જોય. ખા આ પીઝાનો ટુકડો.. ટુ ધ લવ ઓફ..”


“યોર જોબ.” પતિ બોલ્યો.


મારૂં કુતુહલ ઝાલ્યું ન રહ્યું. બિલ ચૂકવી બહાર આવતાં મેં એને હલ્લો કહ્યું. 


“ફેમિલી? પાર્ટી?”


“યસસ સરરઅ.. “


એણે પત્ની અને બાળકની મારી સાથે ઓળખાણ કરાવી. પત્નીને નર્સ તરીકે જોબ મળી હતી, આ એનો પહેલો પગાર હતો. એ કહે એ પણ બી.એસ.સી. હતો, જોબલેસ રહી એન.સી.સી કરેલ હોઈ સિક્યોરિટી ગાર્ડની નોકરી મળેલ.


એણે કહ્યું, "મારો કે વાઈફનો એકલો પગાર અમને આ પીઝાહટમાં  પીઝાનો ટુકડો ખવરાવી શકે એમ ન હતો. રોટલા પણ માંડ ભેગા થાય ત્યાં બહારનું ખાવાનું તો ક્યાંથી થાય? એમાં આ લીટલનું એજ્યુકેશન. 

આ તો નાન્સીના પહેલા પગારનું સેલિબ્રેશન હતું.


અમારા આ લીટલને એવો ભણાવશું કે અમે ‘ઇટ, ડ્રિન્ક, મેરી’  કરી શકીએ. ભલે પીઝાના ટુકડે.”


એણે લીટલને કહ્યું કે સરને નમસ્કાર કર. 


મને કહે, “એને બ્લેસ કરો કે આપના જેવો આગળ વધે.”


મેં કહ્યું, “એ જરૂર ભણશે, મમ્મી જેવો સિન્સિયર થશે, પપ્પા જેવો વેલ ડ્રેસ્ડ ફરશે અને નોકરી નહીં, પોતાનો આવો ચેઇન આઉટલેટ ખોલી લોકોને ખવરાવશે.   ગરમાગરમ ક્રિસ્પ  પીઝા. બોલ લીટલ, કરીશ ને?”


લીટલ વિશ્વાસથી ટગરટગર મારી આંખમાં આંખ મેળવી જોઈ રહ્યો. એ આસપાસ ડેકોરેશનો જોતો  આંગળી ચાટતો હતો. એના મોમાં  અને આંગળીઓ પર હજુ  પહેલીવાર ખાવા મળેલા પીઝાનો સ્વાદ હતો.

(એક સત્ય ઘટના પર થી)

-સુનીલ અંજારીઆ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ