વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શૈલાની લૈલા

           “ શૈલાઆ…. “અવાજ પડતાં જ ઘરમાંથી તે બોલ્યો, “એ આવ્યો” શૈલો એટલે શૈલેષ પંચમતિયા  પણ ગામલોકો તેને બાળપણ થી શૈલો જ કહેતા. જેવું એનું નામ એવો જ ડિફરન્ટ શૈલો   એકવડિયો બાંધો એવો કે જાણે ખાખરા પહેલવાન જ જોઈ લો.એમાંય ગોળ થાળી જેવું મોં અને તેમાં ફીટ કરેલી બે લખોટી જેવી આંખો   નાક એટલું લાંબુ કે હોઠ સુધી અડી જાય ભલું કરજો એ મૂછો નું કે તેને નાક અને હોઠ વચ્ચે કાળી બોર્ડર બનાવી દીધી. આવા આપણા શૈલેષભાઈ ચોંત્રીસનાં થયા પછી તેને પૈણ ઉપડ્યું .

            ગામની માનીતી ડોશીઓને પોતાના માટે છોકરી શોધવા ઘણું કહ્યું પણ દરેક વખતે બિચારાનું ખાખરાતોડ શરીર કે પછી માથા પરનો ચાંદ ગ્રહણ રૂપ બનતો હતો. છેવટે આપણા શૈલાએ જ્યાતિષ મહારાજને પોતાની કુંડળી બતાવી.

           “ભાઈ આ તમારી કુંડળી માં તો મંગળ દશામારીને બેઠો છે ઉપરથી આ શનિ ક્યાંથી થાય તમારા લગ્ન ?” જ્યાતિષે મંગળ-શનિની દશા બતાવતાં કહ્યું.

            “તો શું મારા નસીબમાં વસંત લખી જ નથી ! ખાલી પતઝડ જ!” પોતાની ઉજડે ચમન જેવી ટાલ પર હાથ ફેરવતાં શૈલાએ પૂછ્યું.

           “ના….ના ભાઈ જ્યોતિષશાસ્ત્ર માં દરેક તોડનો મોડ છે . જો તારા બેરંગી જીવનને રંગ દે બસંતી કરનારી ન લાવું તો મારૂં નામ ‘…..’ નહીં”. કહી જ્યોતિષ મહારાજે શૈલાનાં મનમાં આશા જગાવી.

            પછી તો શૈલા એ જ્યોતિષે કહ્યા મુજબ બધું કરવાનું શરૂ કર્યું સવારમાં ઉઠતાં જ કોઈ કુંવારી કન્યાને નિહાળવાથી રાતનાં ઉંઘતી વખતે પણ ઓશિકા નીચે મનગમતી હીરોઈનનો ફોટો રાખવા સહિત બધું કર્યુ. છતાં પણ બિચારા શૈલાને તેની લૈલા ના જ મળી .

          “મહારાજ તમે કહ્યા મુજબ બધું કર્યુ છતાં હજુ કંઈ મેળ પડ્યો નથી.” શૈલો ફરી જ્યોતિષનાં શરણે ગયો.

            “અરે, ભાઈ જો આ તારી કુંડળીની દશા હોળાષ્ટક બાદ બદલે છે બની શકે કે આવનારી ધૂળેટી એ તને પણ રંગનારી કોઈ મળી જાય “. જ્યોતિષે દેખાડેલા સ્વપ્નમાં રાચતો શૈલો ત્યાંથી નીકળતો જ હતો ત્યાં જ્યોતિષ ફરી બોલ્યા , “આ ધૂળેટી એ તારી આ ચમકતી ટાલ પર જે લાલ રંગ નાંખે એ તારી લૈલા .જા બસ મારા આશિષ છે તને” જ્યોતિષની વાત થી હરખાતો શૈલો આખા રસ્તે નીકળતી બધી જ સુંદરીઓને જોતો મનમાં ભાવિ પત્નીનાં સ્વપ્નમાં ખોવાઈ ગયો.

           “ કોણ હશે એ જે મારી ટાલને લાલ કરશે ? પેલી નાગણ જેવા વાળ વાળી રેખા કે પછી પેલી નાજુક નમણી કમુ કે પછી પેલી રૂખી ? ના…ના રૂખી બહુ સૂકી છે એ નહીં તો પેલી ચંપા કે તેની પેલી બહેનપણી શું નામ હતું એનું? ભૂલી ગયો જે હોય તે પણ જે ધૂળેટી એ મારી ટાલને લાલ કરે ઈ મારી બસ” સપનાંમાં રાચતો શૈલેષ ઊંઘી ગયો.

            આમ ને આમ એ શુભ દિવસ આવી ગયો જેની તે રાહ જોતો હતો . સવારમાં ઉઠીને સરસ નવા વસ્ત્રો પહેરી પોતાની ટાલને તેલથી ચમકાવી ભાઈ નીકળા ગામમાં .

           ગામની એક પછી એક ગલીઓ ઘૂમતો જ્યાં જ્યાથી પસાર થાય ત્યાં પોતાની ટાલ નીચી કરે પણ મજાલ છે એક પણ છાંટો ટાલને અડે .

          નિરાશ થતો શૈલો પાછો પોતાના ઘર તરફ ફરતો હતો ત્યાં જ કેટલીક છોકરીઓ રંગે રમતી હતી અને અચાનક તેમાંથી પીળો, લીલો, કાળો ,દૂધીયા અને લાલ બધા જ રંગ થી શૈલા ભાઈ રંગાઈ ગયા . “આ તો મુસીબત થઈ લાલ રંગની જ વાત હતી અને આ તો બધા રંગ ! હવે ?” પણ આપણો શૈલો બહુ બુદ્ધિશાળી હોં બાકી તેને એ છોકરીઓ માંથી લાલ રંગ કોના હાથમાં છે એ શોધી કાઢ્યું . અને લાલ રંગ વાળીને જોતાં શૈલાનું મોઢું પડી ગયું , “આ તો રૂખી કાળી તો એવી કે કોલસો રૂપાળો લાગે આ ! આ મારી” વિચારતા શૈલાની સામે રૂખી હસી અને શૈલાભાઈ બોલ્યા, “તેના દાંત કેટલા રૂપાળા છે .કાળી તો કાળી આ દ બનશે મારી ઘરવાળી”. આમ જ્યોતિષ મહારાજની લાજ પણ રહી ગઈ અને ધૂળેટી એ શૈલાને તેની ટાલ રંગનારી તેની લૈલા પણ મળી ગઈ. 

  

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ