વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાર કે જીત?

આમ તો દરેક જગ્યાએ કોઈ હારે તો સામે કોઈ જીતતું જ હોય છે, પણ પ્રાપ્તિને એ જ નથી સમજાયું કે જીત્યું કોણ?
          પોતાને ભાઈ- બહેન કોઈ ન હોવામાં પણ એનો વાંક ગણીને નાનપણથી જ ઉપેક્ષાનો ભોગ બનતી આવી, અને આ ન કરેલા ગુનાની સજા રૂપે સરખું ભણી  પણ ન શકી, અને આ ઓછું હોય એમ એની મરજી વિરુદ્ધ ena લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા.
          સૌ કહે છે લગ્ન બાદ એક નવા જીવનની શરૂઆત થાય છે, પોતાનું પણ જીવન હવે બદલાશે એવી આશામાં પ્રાપ્તિ પિયુ ઘરે આવી, પણ અહીં પણ આશા તો ઠગારી જ નીકળી, પતિ તો પહેલેથી જ પોતાની ભાભીના મોહપાશમાં બંધાયેલો હતો. પ્રાપ્તિ સાથેના લગ્ન તો સમાજનું ધ્યાન પોતાની પાપલીલા તરફથી દૂર કરવાનું ષડયંત્ર માત્ર હતું.
          પિતૃગૃહે સતત ઉપેક્ષાનો ભોગ બનેલી અને ઓછા ભણતરનાં કારણે પ્રાપ્તિ પાસે બીજે ક્યાય જવાનો કે આ  પ્રપંચનો સામનો કરવાનો સવાલ જ ક્યાં રહ્યો?  ન કહેવાય કે ન સહેવાય એવી પરિસ્થિતિમાં એ પડ્યું પાનું નિભાવી રહી હતી.  લગ્ન કર્યા બાદ ભોગવટાનો હક્ક મળી ગયો માનીને પ્રાપ્તિનો પતિ પ્રાપ્તિના દેહને મન ફાવે ત્યારે ભોગવી પણ લેતો. આ ફળસ્વરૂપે પ્રાપ્તિએ પહેલા એક દીકરાને અને ત્યાર બાદ એક દીકરીને જન્મ આપ્યો.
          ભાઈ ભગવાને આપ્યો નહીં, પતિ પહેલેથી બીજાનો હતો, પણ હવે દીકરો છે ને...! એના સહારે જિંદગી જીવી જવાશેની આશામાં પ્રાપ્તિ દિવસો પસાર કરવા લાગી. બેમાંથી એકેય બાળકની જવાબદારી પ્રાપ્તિના પતિએ લીધી નહીં અને સિલાઈકમ કરીને પ્રાપ્તિએ બંને બાળકોનો ઉછેર કર્યો, બંને બાળકોને માસ્ટર ડિગ્રી સુધી ભણાવ્યા.
          દીકરો 18/20 વર્ષનો થયો ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું, પણ પછી દીકરાના જીવનમાં એક યુવતીનો પ્રવેશ થયો, અને બધું બદલવા લાગ્યું,  દીકરો હવે મા થી દૂર થઈ રહ્યો હતો.
          દીકરાની પસંદને સહર્ષ સ્વીકારનાર પ્રાપ્તિને ક્યાં ખબર હતી કે હજી ઘણી હાર બાકી છે એના જીવનની...!  5/6 વર્ષ મિત્રતામાં રહ્યા બાદ યુવતી સાથે લગ્નનાં બંધનમાં બંધાવાનું પણ નક્કી કર્યું દીકરાએ, અને પ્રાપ્તિએ એ વાત પણ સહર્ષ સ્વીકારી, ઓન પછી ન જાણે શું થયું કે દીકરો અને તેની મિત્ર જુદા થયાં, અને પેલી યુવતીએ જુદા થવાના કારણમાં પ્રાપ્તિનું નામ લીધું, જયારે હકીકતમાં પ્રાપ્તિ ક્યાં વચ્ચે હતી જ...!
          જે છોકરી વહુ બનીને આવવાની હતી એની માફી માંગવાની , એને નમવાની દીકરાએ ફરજ પાડી, અને દીકરાની ખુશી માટે પ્રાપ્તિએ એ પણ કર્યું, નમી, માફી માંગી, બદલામાં અસહ્ય કડવા વેણ અને અપમાન સહન કર્યું, કોઈ જ વાંક વગર.
          એ યુવતી તો પછી ન આવી, અને બીજે પણ પ્રેમલગ્ન જ કર્યા, પણ દીકરો સમજી ન શક્યો કે બીજે પણ પ્રેમલગ્ન કર્યા તો પોતાની સાથે એનો સંબંધ શું હતો?  દીકરો હવે પ્રાપ્તિથી દૂર થવા લાગ્યો, જે દીકરાના સહારે બાકીની જિંદગી ગુજરવાનું પ્રાપ્તિ સપનું જોતી હતી એ સ્વપ્ન સાવ તૂટી ગયું.
          જિંદગીની આ રમતમાં પ્રાપ્તિ સતત હારી, એને એ જ નથી સમજાતું કે ખરેખર જીત કોની થઈ?

પારૂલ ઠક્કર "યાદ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ