વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવસંચાર

      ગભરામણ અને બેચેની સાથે જ મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. જે મન આખો દિવસ કામના ભાર અને અનેક આયોજન સાથે ઘણીવાર દબાણ અનુભવતું તો ક્યારેક સ્વજનોના સાથની ખુશીથી ઝૂમી ઉઠતું, એ મન આજે જાણે એક ઊંડી નિરાશાની ખાઈમાં ડૂબી રહ્યું હતું. અને એમાંથી બહાર આવવા આંતરદ્વંદ્વ કરી રહ્યું હતું. પણ, અનેક મથામણ પછી પણ આ નિરાશાની ખાઈ વધુ ઊંડી થઇ રહી હોય એમ લાગતું હતું. 


        પ્રાચી ઘરે એકલી હતી. પાંચ વર્ષની બાળકી હતી સ્વરા. એને એના મમ્મી - પપ્પાથી  દૂર ગામમાં મોકલી હતી. હજુ પરિસ્થિતિ એટલી વિફરી નહોતી. એને ધ્યાનમાં લેતાં પ્રાચીએ એને પોતાની સોસાયટીમાં કેસ વધતાં એને તો પંદર દિવસ પહેલાં જ ગામડે મોકલી હતી. એને સ્વરાની ખુબ યાદ આવતી પણ એને થતી સતત ઉધરસને કારણે અને એનો અવાજ સાંભળ્યા બાદ હવે તો એનાથી રડી જ દેવાતું. જે પરિસ્થિતિમાં પ્રાચી હતી એમાં સહુથી વધુ એને સ્વરા જ યાદ આવતી.


      પ્રાચી કોઈપણની પણ સાથે ફોન પર વાત પણ કરી શકતી નહોતી. એને સતત ઉધરસ આવતી હતી. એણે સતત થતી ઉધરસ સાથે જ કોઈક સાથે ફોન પર વાત કરી પણ ઉધરસના કારણે એ ખુબ હેરાન થતી હતી માટે એણે કંઈપણ બોલ્યાં વગર જ ફોન કટ કરી દીધો. એ ફોન એના પતિ નિતેશ, જે બે દિવસ પહેલાં હોસ્પિટલમાં એડમિટ થયા હતા એમનો હતો.


     પ્રાચી બેડ પર સુતેલી હોવા છતાં સતત આવતી ઉધરસના કારણે વચ્ચે-વચ્ચે બેઠી થતી હતી. સ્વજનોના અને મિત્રોના ફોન આવતા, પાડોશીઓ પણ ફોન પર કાઈ મદદ હોય તો જણાવજો એમ કહેતાં. ઘણી કાળજી અને તકેદારી પછી પણ એ બાકાત ન રહ્યા. પ્રાચીના પતિ નિતેશ હોસ્પિટલમાં એડમિટ હતાં. એમની તબિયત વધુ ખરાબ હતી.


    પાડોશીઓ સારા હતાં. કહી શકાય, સારા નહીં ઘણાં સારા, જેમણે પ્રાચીને જમવાથી માંડીને ફ્રૂટ અને જરૂરી વસ્તુઓ લાવી આપવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી હતી. પ્રાચીએ તો બે ટાઈમનું ટિફિન બંધાવેલું એને પણ એ લોકોએ આગ્રહપૂર્વક ના પડાવી હતી. સાથે જ ફોન કરીને પૂછતાં રહેતાં કે કંઈ જોઈતું હોય, કંઈ ખાવાની ઈચ્છા હોય તો પણ આ કોરોના બીમારી જ એવી કે જમવાનું તો બંધ જ થઈ ગયેલું સાથે સ્વાદ પણ જતો રહ્યો હતો માટે કંઈ ખાવાની ઈચ્છા પણ ન થતી. આ પહેલાં ક્યારેય એ આ રીતે એકલી રહી નહોતી.


       સવારથી રાત ફક્ત ગરમ પાણી પીવું, વરાળ લેવી, ત્રણ ટાઈમ મેડિસિન લેવાની અને બીજા ઘરગથ્થુ ઉપચારમાં સમય જતો. એ સિવાયનો સમય રહેતો એ બેડમાં પથારીવશ પસાર થતો. બપોરના સમયે એ બેડમાં  આડી પડી સ્થિર નજરે કંઈ વિચારી રહી. ત્યારે એનો ફોન રણક્યો અને એણે જોયું તો એની એક સ્કૂલ સમયની સખી જેની સાથે એને ક્યારેય ન બનતું એનું નામ હતું. એ જોઈને એણે  વિસ્મયથી કોલ રિસીવ કર્યો.


     " હા, હું જોઇશ, ચોક્કસ, અરે હમણાં જ જોઉં છું. " સામે એની સખીની વાત સાંભળીને એણે વળતો જવાબ આપ્યો. ઉધરસના કારણે નજીવી ક્ષણના વિરામ બાદ  " નિધિ, તેં જૂની વાતો ભૂલીને, ભૂલ જેની પણ હોય પણ બધી કડવાસ ભૂલીને મને આવી પરિસ્થિતિમાં યાદ કરી સાંત્વના આપી,  મને પ્રેરણા અને હૂંફ આપી. "


     " પ્રાચી, આ સમય કંઈ કડવાશ કે અણગમા રાખવાનો નથી પણ મદદ કરવાનો અને હૂંફ આપવાનો છે. દવા તો એનું કામ કરે જ પણ આપણાં શબ્દો પણ ઘણીવખત ઔષધનું કામ કરી જતાં હોય છે. " 


      નિધિની આટલી વાતથી જ પ્રાચીના મનમાં એક નવસંચાર ઉત્પન્ન થયો હતો. એને તરત યાદ આવ્યું કે નિધિએ એને કંઈક સેન્ડ કર્યું છે જેને જોવા અને સાંભળવા એણે કહ્યું હતું. એણે તરત જ  નિધીએ સેન્ડ કરેલ મેસેજ ચેક કર્યો. એણે જોયું એક વીડિયો હતો. એણે જોવાનો શરૂ કર્યું તો એના દરેક શબ્દ નિધિએ કહેલ એમ જ જાણે અત્યારે પ્રાચીને ઔષધ સમાન લાગી રહ્યા હતાં. એને ધ્યાનમાં આવ્યું  કે આ સુંદર ચિત્રો સાથે એડિટ કરેલો વીડિયોનો અવાજ તો નિધિના અવાજ જેવો જ હતો અને જેવી એ વીડિયોની સ્પીચ પુરી થઈ કે એનો અંદાજો સાચો જ પડ્યો. વીડિયોના અંતમાં એની સામે આભાર માનતો, હાથ જોડેલી, નમસ્કારની મુદ્રામાં એક ચહેરો નજરે પડ્યો. એ પોતે નિધિ જ હતી.


       આ જાણ્યા બાદ પ્રાચીએ એને તરત જ કુતૂહલવશ ફોન કર્યો તો જણાવ્યું કે એણે આ મહામારીમાં પોતાના ભાઈને ગુમાવ્યો. પોતાના દીકરાના મૃત્યુથી ભાંગી પડેલાં પોતાના માતા - પિતાની દેખભાળ કરતાં-કરતાં અને એમને હૂંફ અને સાંત્વના આપતાં એને વિચાર આવ્યો કે કે આ હુંફમાંથી, આ અનુભવમાંથી એક મુઠ્ઠી ઉજાસ હું બીજા જે પણ મિત્રો, સગા, પાડોશીમાં કેમ ન વહેંચું ! અને એનાથી પણ વધીને કોઈ અન્યના કાનમાં અનાયાસે આ શબ્દો પડે અને કોઈને હૂંફ મળે, કોઈ એક વ્યક્તિના મનમાં પણ આ પરિસ્થિતિ સામે લડવાનો કે એની સામે ઝઝૂમવા માટેની પ્રેરણાનો નવસંચાર થશે તો પોતે ભાગ્યશાળી હશે.  આ જ વિચારથી એણે બધાને આ ઔષધરૂપી શબ્દોને સોશિયયલ મીડિયાના માધ્યમથી પોતાના વીડિયો અને અનુભવને  વહેંચવાનું નક્કી કર્યું અને એમાં જ આગળ વધી એ નજીક પડતાં લોકોને શક્ય બનતું તો જમવાનું પણ પહોંચાડવાનો આગ્રહ રાખતી એમાં એણે પોતાના અન્ય મિત્રોની પણ મદદ લીધી હતી.


      આ સાથે નિધીએ આ મહામારીના કારણે ઉપજેલી પરિસ્થિતિએ જીવનમાં કેટલાં અમૂલ્ય પાઠ ભણાવ્યાં છે. એ પણ એને જણાવ્યું જેમ કે, સંબંધોનું મહત્વ, બચત કેટલી અને કેવી કરાય, માણસાઈનો ગુણ કેળવાયો, અન્યને મદદરૂપ કેવી રીતે થવાય આ બધી બાબતો પણ એને આ જ સમયે શીખવા મળી.


     પ્રાચીએ આ બધું જાણ્યા પછી એનામાં એક નવી ઉર્જા જન્મી. પ્રાચીના પ્રેરકબળ હેઠળ જાણે એનામાં શક્તિ, આત્મબળ, હકારાત્મકતાનો નવસંચાર થયો એણે ઉત્સાહપૂર્વક એ વીડિયો એના પતિ નિતેશને શેર કર્યો. સાથે જ ફોન પર વાત કરીને નિધિ સાથે થયેલી બધી જણાવી.


      જ્યારે પ્રાચી અને નિતેશના સ્વાથ્યમાં સુધાર આવી ગયો અને એ કોરોના નામની મુસીબતમાંથી હેમખેમ પાર પડ્યા, ત્યારે સહુથી પહેલાં એમણે પાડોશીઓ, જે આવી કપરી સ્થિતિમાં મદદરૂપ થયાં અને હિંમત અને હૂંફ આપ્યા, એમનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ એમણે પણ નિધિના સહકાર અને માર્ગદર્શન હેઠળ પોતાનાથી બનતી મદદ કરવા નિર્ણય લીધો. એમાં એનાથી પીડાતા દર્દીઓમાં અને એના સ્વજનોમાં ફોન પર વાતચીત કે વિડિયો દ્વારા એક ઉત્સાહ અને હૂંફનો સંચાર કરવા પૂરાં પ્રયાસ કરતાં.


     એ સાથે જ એમને જરૂરી મદદ કરતાં જેમ કે આખો પરિવાર કવોરેન્ટાઈન હોય તો જમવાનું પહોંચાડતાં અને કોઈએ સ્વજન ગુમાવ્યું હોય તો એને હિંમત સાથે પ્રેરકબળ પૂરું પાડતાં. પોતાના આ  કામ દ્વારા  જ્યારે કોઈ વ્યક્તિ કે  પરિવારને એક સાથ અને એક હૂંફ મળ્યાનું કબુલતાં ત્યારે એ કાર્ય કર્યાનો એમને અમૂલ્ય આનંદ પ્રાપ્ત થતો જે કોઈપણ મૂલ્ય ચૂકવીને પણ કદાચ પ્રાપ્ત ન કરી શકાય.


✍.....  ઉર્વશી. " આભા "

     

           05 Jun 2021


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ