વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આખરી ઈચ્છા

હંમેશા સફેદ વસ્ત્રધારી તપસ્વી જેવો તેજોમય લાગતો  "આનંદવિલા" બંગલો આજે સાવ નિસ્તેજ લાગી રહ્યો હતો . બગીચામાં બાંધેલા સફેદ શમિયાણાં નીચે અનેક માણસો ઉદાસીનું સજ્જડ મહોરું પહેરીને બેઠાં હતા.

જો કે થોડીક આંખો રડીને લાલ પણ બની ગયેલી , એમનાં હૃદયમાંથી ધીમા ડૂસકાઓ નીકળીને વાતાવરણને ઔર બોજીલ બનાવી રહ્યા હતા. આ માનવ સમુદાય વચ્ચે જ રહેલો હોવા છતાં અલિપ્ત બનેલ અચ્યુત દેસાઈ યાદોની પુરજોશમાં ઉઠેલ ભરતીને મહામહેનતે હૃદયમાં સંઘરીને બેઠો હતો .સાંજનો ઢળતો સૂરજ અલોપ થતો ગયો એમ ધીમેધીમે એ કીડીયારાની જેમ ઉભરાયેલા માણસો ઓછા થતા ગયા. આવેલા સહુ અચ્યુત સામે હાથ જોડીને વિદાય લેવા લાગ્યા . 


હવે એકદમ આછા અજવાળામાં બગીચાને અડીને આવેલ પોર્ચની આરસની ગોળ થાંભળીને ટેકો દઈને બેઠેલો અચ્યુત એકલો જ હતો. એના બીડાયેલા પોપચાં પાછળ રોકી રાખેલ આંસુઓનો બંધ તોફાને ચડ્યો હતો . એને મોટ્ટો ભેંકડો તાણીને રડવું હતું . માં...માં.. એમ બુમો પાડીને પરલોકનાં અજાણ્યા રસ્તે ચાલી ગયેલી માંને પાછી બોલાવવી હતી . હૃદયને ભીંસી રહેલું દુઃખ સહન થતું નહોતું એનાથી , શહેરનો સહુથી જાણીતો અને બાહોશ ચાર્ટડ એકાઉન્ટન્ટ કે જે કાયદાની દરેક આંટીઘૂંટી પળમાં ઉકેલી લેતો એ જીવનની પરીક્ષામાં નપાસ થઇ ગયો હોય એવું લાગતું હતું તેને પોતાને જ ! 


આખરે થાકીને એણે આંખો ભીડી દીધી અને બંધ આંખોમાં દેખાવા લાગ્યો નાનકડો અચ્યુત અને એની આસપાસ રક્ષાકવચની જેમ વીંટળાયેલી એની માં ગીરીમા દેસાઈ . સપ્રમાણ ઉંચાઈ ,કમર ફરતે ખેંચીને પહેરેલી કોટનની કડક સાડી, લાંબા વાળનો ઢીલો અંબોડો, એમાંથી નીકળેલી લટો ગૌર ગળા ફરતે જુલતી રહેતી , લંબગોળ મરૂન કલરનો ચાંદલો , મોટી ભાવવાહી આંખો અને ગાલમાં પાણીમાં ઉઠતાં વલય જેવા ઊંડા સુંદર ખંજન , ટૂંકમાં કહીએ તો ગીરીમા દેસાઈને મળનાર હરકોઈ એમના જાજરમાન વ્યક્તિત્વથી અંજાઈ જાય એવાં સુંદર દેખાતા હતા તે . અચ્યુતને યાદ આવ્યું કે પોતે પણ નાનો હતો ત્યારે માંનો મમતાથી છલકતો સુંદર ચહેરો જોઈને કેવો હરખાઈ જતો હતો !


ભરજુવાનીમાં હજી અચ્યુત ચાર વર્ષનો હતો ત્યાંજ એક ગોઝારા કાર એક્સિડન્ટમાં પતિને ગુમાવી દીધા પછી તો  ગીરીમા દેસાઈની દુનિયા એના નાનકડાં દિકરામાં જ સમેટાઈ ગયેલી . કોલેજમાં પ્રોફેસરની સરકારી જોબ મૂકીને એ ઘરે જ ટ્યુશન કરવા લાગ્યા , જેથી નાનકડાં અચ્યુતની પાસે જ રહી શકે . માતા-પિતા બેયની સઘળી ફરજો નિભાવીને એમણે અચ્યુતમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરેલું . હરપળ પડછાયાની જેમ સાથે રહેનાર માંનુ આમ એકદમ ચાલ્યા જવું અચ્યુતને અસહ્ય લાગવા લાગેલું . ત્યાં જ રુદનને માંડ ખાળીને બેઠેલા અચ્યુતનાં ખભા પર એક કોમળ લાગણીભર્યો સ્પર્શ થયો .આ કોમળ હાથ તેની પત્ની રુચિતાનો નહોતો એ અચ્યુતને અનુભવાયું હતું . શુ આ મમતા નીતરતો સ્પર્શ તો મારી માંનો જ હશે ? ચોંકીને અચ્યુતે જોયું, પરંતુ એ તરફ તો તેની દીકરી સલોની હતી! 


" પાપા હું તમારી પાસે બેસું થોડીવાર ? " સલોનીએ પૂછ્યું .


" હાં બેટા બેસ ને, આમેય એકલા રહેવું અઘરું લાગે છે મને આજે ! "


" દાદીબા બહુ મિસ થાય છે ને પાપા ? " 


"હાં બેટા ,માં મને મૂકીને આમ એકાએક ચાલી જશે એવું તો સ્વપ્ને પણ નહોતું વિચાર્યું . સાચું કહું તો ભગવાને મારી પાસેથી મારુ આકાશ છીનવી લીધું હોય અને નોંધારો થઈ ગયો હોવું એવું લાગે છે . " અચ્યુતને આશ્ચર્ય થતું હતું કે પોતાની વ્યસ્ત લાઈફમાં ડૂબેલો રહેવાનાં કારણે ખાસ મળી જ નહોતો શકતો એ દીકરી પોતાને કેટલું સમજતી હતી ! 



સલોની બોલી , " પાપા દાદી પણ બહુ મિસ કરતા હતા તમને , એમણે એક લેટર લખ્યો છે તમારાં માટે અને કાલે રાત્રે જ મને આપ્યો હતો . " 


અચ્યુતે જોયું કે સલોનીએ હાથ આગળ લંબાવ્યો તો એમાં એક ગડી વાળેલો કાગળ હતો . એણે ઝડપથી કાગળની ગડી ખોલીને જોયું તો માંના પરિચિત અક્ષરો એ વર્ષો પછી પણ ઓળખી ગયો ! અચ્યુતની આંખો આતુરતાપૂર્વક માંનો સંદેશો વાંચવા લાગેલી.


*         *        * 


દીકરા અચું ,


હાં, તું નાનો હતો ત્યારે તને અચું કહીને જ બોલાવતી હું યાદ છે તને ? હું બુમ પાડતી અને તું " આવું માં " કહીને દોડતો આવીને મને ભેટી પડતો, તારા એ નાનકડાં હાથોમાં , એ ખિલખિલાટ હાસ્યમાં  , હું જમાડું તો જ જમીશ એવી લાડભરી જીદમાં , મારો પાલવ પકડીને જ ભણવાનું યાદ રહે છે એવા બહાનાઓમાં ...અચું, સાચું કહું તો મારી જિંદગી તારામાં જ સમેટાયેલી હતી .


તું નાનો હતો ત્યારે બોલાવતી, એમ જ ફરી હું તને બુમ પાડું અને તું મને વીંટળાઈ વળે એ સપનું કેટલીય વાર જાગતી આંખોએ જોયું છે પણ નાં હું કદી એમ બોલાવી શકી, કે નાં તું મારાં પાસે દોડીને આવી શક્યો. બેટા, આ તારી માં પાસે તારાં પર વરસાવવાનું અઢળક વ્હાલ હજી બાકી હતું, પરંતુ એ જીલવાની ઈચ્છા મોટો થઈ ગયા પછી તારામાં કદી દેખાણી જ નહીં ! 


બેટા , હું હવે વધુ જીવું એમ લાગતું નથી. રૂચિતા વહુ માટે કોઈ જ ફરિયાદ નથી, એનાં માટે હું એક સામાજિક ફરજ હતી , જે તેણે પુરી પ્રમાણિકતાથી નીભાવવા પ્રયત્ન કર્યો છે. તે પણ મને તારી દ્રષ્ટિમાં જે સુખ કહી શકાય એવી સુવિધાઓથી સંપન્ન જિંદગી આપવા પ્રયાસ કર્યો જ છે! પરંતુ અચું મને તો તારો થોડોક સમય જોઈતો હતો ,બીજું કાંઈ જ નહીં . કદીક તને બહુ ભાવતી લાપસી બનાવતી ત્યારે મારી મમતા ઇચ્છતી કે તું જમે ત્યારે ગરમાગરમ લાપસીનો કોળિયો બનાવી તને મારા હાથથી જમાડું . પણ ડાઇનિંગ ટેબલ પર જમતા વખતે પણ ક્લાયન્ટ સાથે વાત કરતો રહેતા તને બોલાવવાની હિંમત હું ગુમાવી ચુકી હતી . ક્યારેક દુખતા માથા માટે તું રૂચિતાની પાસે દવા માંગતો ત્યારે હું તારા માથામાં નાખવાં માટે તેલ લઈને આવતી,પણ આવ બેટા માથે ગરમ તેલની માલિશ કરી દઉં એમ બોલી નહોતી શકતી .


આ બધું હું કદી કહેવા નહોતી જ માંગતી , મને ખબર છે કે કુટુંબ માટે સુવિધાઓ એકઠી કરવાની પળોજણમાં મારો નાનકડો નાજુક દીકરો આટલો સખત બની ગયો છે . પરંતુ આ બધું કહીને તારી સંવેદનાઓને જગાવવી જરૂરી હતી તારી જ દીકરી સલોનીની ખુશી માટે! હા દીકરા , સલોની તારી દીકરી બહુ જ સમજદાર અને લાગણીશીલ છે .મેં સલોનીની આંખોમાં પણ એ જ ખાલીપો જોયો છે જે મારી આંખોમાં વસે છે. એ સમજદાર ઢીંગલી હમણાં થોડા વર્ષોમાં મોટી થઈને સાસરે જતી રહેશે, એ પહેલાં તું એને એનાં ભાગનું, હકકનું અને તેને આશા હોય એટલું વ્હાલ વરસાવી દે જે, મેં તને આપવા પ્રયત્ન કર્યો હતો એવો જ મજબૂત ટેકો તું સલોની માટે બને એ જ છે મારી આખરી ઈચ્છા છે.


લિખિતન ,

તારી માં 


*     *       *


કાગળ વાંચતા માંની તકલીફ વિશે વિચારીને અને સમજીને અચ્યુતની આંખો એની જાણ વગર જ વરસવા લાગી હતી . એને યાદ આવ્યું કે માં પાસે બેસીને એમના ક્ષેમ-કુશળ પૂછ્યાને પણ મહિનાઓ થઇ ગયા હતા . એ ક્યારેક આછડતી નજર કરી લેતો ત્યારે માંનું શરીર જરા કરચલીવાળું બનેલું પરંતુ સ્વસ્થ જણાતું હતું . એ પોતે ક્યારેય કલ્પી જ નહોતો શક્યો કે માંના હ્ર્દયમાં કેટલો બોજ વધી ગયો હતો! અને કદાચ એ જ એકલતાની પીડા સહન નાં થતા માંનું હૃદય ભાંગી પડ્યું હતું .


"માં... મને પણ જીવવું હતું તારા સાથે ..પણ આ સ્ટેટ્સનો આંચળો એવો વળગી ગયેલો કે એમાં બંધાયેલો હું ચાહવા છતાં તારો અચું બની જ ના શક્યો ..માં મને એમ હતું કે બસ હજી થોડાક રૂપિયા કમાઈ લઉં પછી એક દિવસ તારી પાસે બેસીસ શાંતિથી ..માં પાછી આવ ને ..મને માફી નહીં તો સજા દેવા આવ .." હિબકાઓ વચ્ચે ત્રુટક વાક્યોમાં માંના એકાએક ચાલ્યા જવાનો અને પોતે કાંઈ જ ના કરી શક્યાનો વલોપાત ઉભરાઈ રહ્યો હતો . 



ત્યાં જ રડતાં અચ્યુતનાં માથા પર એક વ્હાલસોયો હાથ મુકાયો . એણે આંસુભીની આંખે નજર કરી તો બાજુમાં બેસીને સાંત્વના આપતી સલોનીમાં તેને પોતાની માંનુ જ વ્હાલસોયું રૂપ દેખાયું .અચ્યુત દીકરીના ખભે માથું ઢાળીને પોક મૂકીને રડી પડ્યો. સલોનીની આંખોમાં પણ અનરાધાર વરસાદ હતો , જેમાં દાદીબાને ખોવાનું દુઃખ પણ હતું અને સાથે પિતાને સાચા અર્થમાં પામ્યાંની ખુશી પણ હતી .


ઋતુલ ઓઝા " મહેચ્છા "


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ