વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોટી રાત

મોટી રાત

મગરિબની અઝાન થઈ ચૂકી હતી. સંધ્યાકાળની આરતીનો ગુંજારવ સૂર્યની સાથે આથમી ચૂક્યો હતો. ઘંટડીઓનો રણકાર પણ શમી ચૂક્યો હતો. દૂર ટેકરી પર એકલવાયા રહી ગયેલા એક ખોરડામાં આરતી પછી એક આશ્કા હજુયે પ્રગટી રહી હતી. નકાબમાં ગોંધાયેલી બે નિર્જીવ આંખો ખીણની ગહેરાઈમાં સ્થિર થયેલી હતી. આજે ‘મોટી રાત’ હતી, ‘શબ-એ-બરાત’ની પાક રાત... ઉઝમાનાં હાથ દુઆમાં ઉંચે ઊઠ્યા, ‘યા અલ્લાહ! જાનતી હૂં મેરા મજહબ મુઝે ઈસકી ઈજાઝત નહીં દેતા, મગર...’ એણે આખરી વક્તનો ક્લ્મો પઢયો, ‘લા ઈલાહા ઇલ્લલા મહમદ રસુલુલ્લા…’

એનું બદન ખીણની અંધારી ગહેરાઈમાં ઝુકે એ પહેલાં એણે એક ઝાટકે પોતાનો બુરખો ખેંચી કાઢતાં યાચના કરી, ‘યા ખુદા...’ એ સાથે જ પૂરી કાયનાત તાજ્જુબ થઈ જાય એવા રૂપના આ પહાડી પ્રકૃતિને દીદાર થયા. આછા અજવાળામાં એનું સૌન્દર્ય ચાંદની ફેલાવી ઊઠયું. લગભગ ત્રણેક મહિનાથી કાળા કપડામાં ગૂંગળાતી રહેલી રૂહ જીંદગી સામે બગાવત કરી બેઠી.

ઉઝમાએ વ્હિલચેર પરથી પોતાનું શરીર ખીણ તરફ ઝુકાવ્યું, ને પડતું મૂક્યું. એ સાથે જ વ્હિલચેર નજીકમાં રહેલા એક ખડક સાથે અથડાઈને ઉંધી વળી ગઈ. ઉઝમાનું અર્ધ-નિર્જીવ શરીર બે ક્ષણ માટે હવામાં ફંગોળાયું. પછી કાંટાળા ઝાડી-ઝાંખરામાં પટકાયું. ડુંગરાળ જંગલી વેલાઓ વીંટાળતું, નાનાં-મોટાં પથ્થરો ગબડાવતું એનું શરીર અંધારી ખીણમાં અદ્રશ્ય થઈ જાય એ પહેલાં એક મોટી ચટ્ટાન સાથે અફળાયું. જાણે કે એક ક્ષણ શ્વાસ લેવા થંભ્યું! ઉઝમા હોશોહવાસ ખોવા માંડી હતી, પણ મકસદ એનો હજુયે કાયમ હતો. ફરી એકવાર ગહેરાઈમાં ગોતા મારવા – જાતને ખતમ કરવા એણે પોતાનું શરીર ઢસડવા માંડ્યું. પોતાના મજબૂત મનસૂબામાં કામયાબ થઈને મોતને આગોશમાં સમાવી લે એ પહેલાં બે હાથોએ એને સખતાઈથી જકડી લીધી. જીવવા માટેના ધમપછાડા કરીને આખરે હારી ચૂકેલી ઉઝમાએ મરવા માટે હવાતિયાં મારવા માંડ્યા, ‘ક..કૌન હો તુમ..? છોડો મુઝે... મૈ અપાહિજ ઈસ... ઈસ ઝીલ્લતભરી જિંદગી સે...’ અધૂરા વાક્યે જ એણે પૂરો હોશ ગુમાવી દીધો. અશક્ત શરીરની ઊર્જા ખતમ થઈ ચૂકી હતી. બેહોશીની હાલતમાંયે એ ક્યાંય સુધી બડબડાટ કરતી રહી, ‘ઉડના મેરી ખ્વાહિશ હૈ... ચાંદ કો છૂના મેરા ખ્વાબ... ઝિંદાદિલી મેરી આરજૂ હૈ, ઔર ખુશહાલી હી મેરી હસરત! લેકિન...’

* * *

ઉઝમાને અધકચરો હોશ આવતાં જ ઘરના સર્વેને હાશકારો થયો. એક આભારભરી નજર સૌ કોઈ એ આગંતુક સ્ત્રી પર નાખીને ઉઝમાનાં કમરામાંથી સહર્ષ વિદાય થયાં, ‘તમે બંને સહેલીઓ નિરાંતે વાતે વળગો. હમ ખાના લગાતે હૈ...’ ઘરની સ્ત્રીઓ બોલી ઊઠી.

વડીલ ખાલાજાન ઉઝમાને માથે હાથ ફેરવતા બોલ્યા, ‘તુમ્હારી ઈસ સહેલી કી વજહ સે તુમ ખૈરિયત મેં હો, બેટા. ઔર યે છોટી-મોટી ચોટ તો તુમ સેહ હી લોગી, હંમેશા કી તરહ, હૈ ના..? તુમ તો આયા કો લેકર પહાડી પે ઘૂમને ચલી ગઈ. ફિર આયા કો આધે ઘંટે બાદ આને કા ફરમાન દે કર ઉસે ‘સનસેટ પોઇન્ટ’ સે ભેજ ભી દિયા.’

ઉઝમા ખાલાજાનને કોરી નજરથી તાકી રહી.

‘-વો તો શુક્ર ખુદા કા, કી તુમ્હારી યે સહેલી નજદીક હી અપની પઢાઈ કર રહી થી. તુમ્હારી યે વ્હિલચેર હવા કે તેજ ઝોંકો સે હિલ ઊઠી; તુમ ગીર ગઈ; સર ચટ્ટાન સે ટકરાયા; ઔર તુમ બેહોશ હો ગઈ...’ ઉઝમા મૂંઝાતા મને ખાલાને જતાં જોઈ રહી.

‘સહેલી...?’ ઉઝમાએ વિસ્મયતાથી કમરામાં ચોતરફ નજર દોડાવી.

‘હું, પ્રેરણા... આપનાં વિશે જાણીને દુઃખ થયું.’ આગંતુક સ્ત્રી થોડું મુસ્કાઈ.

‘મૈ યહાં... કેવી રીતે...? આપ...?’

‘હું હમેશની માફક સાંજે પહાડી પર ‘માઉનટેઇન કલાઇમેટ’ વિષય પર મારું પ્રોજેક્ટ-વર્ક કરી રહી હતી – કે આવું આહલાદક વાતાવરણ માનવજીવનને કેટલી માત્રામાં હકારાત્મક ઉર્જા આપી શકે!’

‘ઔર મૈ... હું તો...’

‘જાણું છું. બટ, ડોન્ટ વરી. તમારાં ઘરના સભ્યોથી મેં તમારી એ ખીણવાળી ચેષ્ટા છૂપાવી છે...’ પ્રેરણાએ ઉઝમાનો હાથ ધીરેથી દબાવ્યો, ‘ખુદાએ આપેલી ખૂબસૂરત જિંદગીનો આમ અંત...? ક્યૂં?’

‘ખૂબસૂરત!’ ઉઝમાએ ઠંડાપોરનો એક દઝાડી દે એવો નિસાસો મૂક્યો.

‘હતાશાનો હાર પહેરીને જિંદગી ક્યાં જીવાય છે! શું હું કોઈ સહાય કરી શકું? હું પોતે એક નર્સ છું.’

ઉઝમાએ ત્રાંસા હોઠ કરીને તિરસ્કારભર્યું સ્મિત વેર્યું.

‘ચિંતા ના કરશો, ઍડવાન્સમાં એનો કોઈ ચાર્જ નહીં લઉં, તમને ફરક લાગે તો વિચારજો...’ પ્રેરણાએ પણ સામે એક મક્કમ સ્મિત વેર્યું.

ઉઝમા વિચારી રહી – બોલવું કેટલું સરળ હોય છે. બહારથી દેખાતા દુઃખ માટે હર કોઈ દિલાસો આપે, પણ આંતરિક ઉલઝન શું હોય, કોઈ કેમનું કલ્પી શકે? જયારે પોતાની ઉપર આવી પડે ત્યારે સૌને ભાન થાય કે એ દુઃખ કેમનું જીરવાય. આ અગાઉ પણ તો ઘણાં આવ્યાં જ ને, મને ઠીક કરવા. શારીરિક તથા માનસિક બિમારીનો ઈલાજ કરવાવાળા ડૉક્ટરો, માયૂસી ખંખેરીને આગળ વધવાનો રસ્તો સૂઝાડનારા વ્યાવસાયિકો, આધ્યાત્મિક અનુભૂતિ કરાવનારા અનુયાયીઓ. ઘણાંયે આવ્યાં ને ગયાં. ભારે-ભરખમ ફી પણ વસૂલી. મારી વિવશતા પર અફસોસ વ્યક્ત કર્યો. મને હતાશાની ગર્તામાંથી મહત્વાકાંક્ષાનાં શિખર પર પહોંચાડવાના અખતરાયે ઘણાં કર્યા, પણ...

‘હું તમારો વધારે સમય નહીં લઉં, ફક્ત સાત દિવસ...’ પ્રેરણાએ મુદ્દત માંગી, જિંદગી જીતવાની મુદ્દત.

ઉઝમાનું મન સળવળ્યું, ‘સમય...? જ્યાં જિંદગી આખી ફાજલ પડી છે ત્યાં..’ આયાએ આવીને એને બેડ પરથી ઉઠાડીને પ્રેરણાની મદદથી વ્હિલચેર પર બેસાડી. જમવાનું તૈયાર હતું. આયાએ વ્હિલચેરને હળવો હડસેલો માર્યો, ને ઉઝમાએ થોડી ગતિ અનુભવી.

‘બેટા, પ્રેરણા... થોડે દિન રુક જાતી તો તુમ્હારી સહેલી કા ભી દિલ બહેલ જાતા. વૈસે ભી તો તુમ હોસ્ટેલ મેં હી તો...’ ડીનર કરતી વખતે ખાલાજાને આંખોમાં એક ઉમ્મીદ લઈને હળવેથી ગુજારીશ કરી.

પ્રેરણાએ સામેથી મળેલો મોકો ઝડપી લીધો.

પછી તો રાત પડી, ને બીજો દિવસ પણ રોજની જેમ જ ઉગ્યો. પ્રેરણાએ ઉઝમા વિશે ભેગી કરેલી માહિતીની પુષ્ટિ કરી. ‘અમન વિહાર’ પાર્કમાં થયેલો બોમ્બ-બ્લાસ્ટ... શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ચૂકી હતી. લોકોએ ભાગદોડ કરી મૂકી હતી. ધક્કા-મૂક્કીમાં ઉઝમા પણ પોતાનો જીવ બચાવવા ઘર તરફ ભાગી હતી. ને કોઈકનો ધક્કો લાગતા સડક પર ચત્તીપાટ પડી. બસ એ જ ક્ષણે પૂરપાટ ઝડપે આવતી એક ટ્રક એનાં બંને પગ પર બેરહમીથી ફરી વળી...

અકસ્માત પહેલાંની એની મોજ-મસ્તી, એનું અલ્લડપન, એની ખુશમિજાજી... પતંગિયાની જેમ ખુલ્લા આકાશમાં વિહરતી બેગુનાહ ઉઝમા અકસ્માતનો ભોગ બની. પોતાના બંને પગ ગુમાવી વ્હિલચેર પર કાયમ માટે સ્થિર થઈ ગઈ. જીવન પ્રત્યે એ હતાશ થઈ ગઈ. એની વહેતી રહેતી પાણીદાર આંખો ખુદાને ફરિયાદ કરતી રહી. જોકે પ્રેરણા સાથેની આ બધી માહિતીઓ-ચર્ચાઓ ઉઝમા માટે એક રૂટીન સમાન જ હતી જે આ અગાઉ પણ ઘણાં સાથે થઈ ચૂકી હતી. ઉઝમાને તો ખ્યાલ જ હતો કે આનું કશું જ પરિણામ નથી આવવાનું. જીવન પ્રત્યેની એની ઉદાસી ઓછી નથી જ થવાની. એનું ભાંગેલું મનોબળ હવે મજબૂત નથી જ થવાનું.

દિવસો ઉગતા રહ્યા, ને આથમતા રહ્યા. પ્રેરણાનું હકારાત્મક જીવન પ્રત્યેનું ‘લેકચર’ ચાલતું રહ્યું. ઉઝમા ક્યારેક ક્યારેક પ્રેરણાની – એની નર્સની મજાક ઉડાવતી રહેતી હતી. એની વાત વચ્ચેથી જ કાપી નાખતી. એનું અપમાન કરી બેસતી. પ્રેરણાને ગુસ્સો અપાવવા માટે એ એના ‘મોટીવેશનલ’ પ્રવચનોની ઠેકડી ઉડાડતી રહેતી, કે જેથી પ્રેરણા કંટાળીને, હારી-થાકીને સાત દિવસ પહેલાં જ ભાગી જાય. એ પોતે તો જોકે આ બધી તોફાન-મસ્તીની મઝા જ લેતી! આમ ને આમ ઉઝમા ઘણીવાર પ્રેરણાને અકળાવી મૂકતી. નિરાશ કરી દેતી.

એક દિવસ આમ જ ઝોહરની અઝાન થઈ. ઉઝમા ગુમશુમ હતી. ન તો એનું અઝાનમાં ધ્યાન હતું કે ન તો એને પરવરદિગાર પર ભરોસો રહ્યો હતો. એનો એક જ સવાલ હતો, ‘અય ખુદા, ઈસ મેં મેરી ક્યા ગલતી? તો ફિર મુઝે કયું યે સજા?’ સામેથી એને કોઈ જવાબ ન મળતો.

જયારે ઉઝમાની આંખો ખૂલી ત્યારે એની વ્હિલચેર નજીક પાણીથી ભરેલી બાલદી પડી હતી. એ ઈબાદતની આનાકાની કરે એ પહેલાં પ્રેરણાએ એનાં નિર્જીવ પગ પર ઠંડું પાણી રેડ્યું. એ માત્ર અચંબાથી જોતી રહી. પછી પ્રેરણાએ એનાં બંને હાથ કોણી સુધી ધોઈ આપ્યાં. ‘નમાજ પહેલાં વુઝૂ જરૂરી છે, હેં ને?’ બોલી પ્રેરણાએ એને ઉપરવાળા સાથે ઐક્ય સાધવા એકાંત પૂરું પાડ્યું. ‘દુઆ મેં યાદ રખના.’ ઘણાં દિવસો બાદ ઉઝમાનાં હાથ જાણે કે પોતાની મરજીથી ઊઠ્યાં!

મજાક-મસ્તીમાં અને હકારાત્મકતા તથા નકારાત્મકતા વચ્ચે જોતજોતામાં સાત દિવસ વીતી ગયા.

પ્રેરણા જતી રહી.

ઉઝમા ફરી એકલી પડી ગઈ. ફરી એ જ તનહાઈ. હવે એની પાસે એવું કોઈ નહોતું જેની સાથે એ મસ્તી કરી શકે. એવું કોઈ નહોતું જેનું એ અપમાન કરી શકે, જેની વાત અડધેથી કાપી નાખી શકે. એવું પણ ક્યાં કોઈ હતું જેને એ કંટાળો આપી શકે, નિરાશ કરી શકે! નજીક પડેલાં સામયિકો – જે છેલ્લાં ત્રણ મહિનાથી વણખોલ્યાં પડ્યા હતા, એણે નજર સુદ્ધાં નહોતી નાંખી – એમાંથી એક સામયિક ઊઠાવ્યું, ને વાંચવાનું શરૂ કર્યું. એમાં છપાયેલાં ટુચકાઓ વાંચી એ ખિલખિલાટ હસવા માંડી. એક લાંબા અરસા પછી જાણે કે એણે પોતાનું મુક્ત હાસ્ય મહેસૂસ કર્યું! થોડાં દિવસો એમ ને એમ વીત્યા.

આખરે એક દિવસ પ્રેરણાનો પત્ર આવ્યો.

ઉઝમાએ પત્ર વાંચવાનું શરુ કર્યું, ‘મને નથી ખબર કે એ સાત દિવસોમાં જીવન પ્રત્યેનો તારો અભિગમ કેટલો હકારાત્મક બન્યો, પણ મારાંમાં મેં ખાસ્સું એવું પરિવર્તન અનુભવ્યું છે. તે દિવસે ન તો હું કોઈ ‘માઉનટેન કલાઇમેટ’ પર પ્રોજેક્ટ માટે આવી હતી, કે ન તો તારી કોઈ મદદે... તને હજુયે એવો ભ્રમ હશે કે તારી જિંદગીની હિફાજત માટે ખુદાએ ફરિશ્તારૂપે મને મોકલી. પણ નહીં, હકીકત એ છે કે જિંદગી તો મારી બચી છે, તારા ઝરીયે...! ઉદાસી છોડી પ્રસન્ન રહેવાનું જે વલણ હું તને અપનાવવા પ્રેરતી હતી એ બધું હું ખુદને કહેતી હતી.’

‘અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર... અશહદુ અલ્લાહ ઈલાહા ઈલ્લલ્લા...’ અઝાનનાં પાક સૂર રેલાઈ ઊઠ્યાં.

‘...ત્રણ મહિના પહેલાંના એ ગોઝારા દિવસે ‘અમન વિહાર’ પાર્કમાં થયેલા બોમ્બ-બ્લાસ્ટથી ઘણી જિંદગીઓ તબાહ થઈ ગઈ હતી. એ કાળમુખો દિવસ મારી જિંદગી પણ જહન્નુમ બનાવી ગયો હતો. પાર્કમાં આતંકવાદનો ભોગ બનેલા સેંકડો માસૂમ બાળકોમાં મારો સાત વર્ષનો દીકરો પણ શામેલ હતો. ‘સનસેટ પોઇન્ટ’ ઉપર હું આત્મહત્યા કરવા આવી હતી. તને મોતના મુખમાં ધસી જતી જોઈ, ને એકાએક મારી અંદરની ‘નર્સ’ જાગી ઊઠી. બેહોશીની હાલતમાં તારાં બડબડાટમાં તારી જીવવા માટેની જીજીવિષા છલકાતી હતી. અમારાં તબીબી વ્યવસાયમાં અમે એક શપથ લઈએ છીએ – છેલ્લાં શ્વાસ સુધી દર્દીને બચાવવાની કોશિશ..! મને ત્યારે અનુભૂતિ થઈ કે તારાં બડબડાટમાં જે જિજીવિષા હતી એ જ મારી હતાશા દૂર કરશે.’

‘અલ્લાહુ અકબર...’ દૂરથી ધીમા સાદે સંભળાતા અઝાનનાં શબ્દો ઉઝમાને એક અનોખી ઉર્જા પ્રદાન કરી રહ્યા હતા.

‘તારી સાથે ગાળેલ એ સાત દિવસ પછી મેં આત્મહત્યા નહીં કરવાના શપથ લીધાં. જીવન પ્રત્યેની તારી મજા-મસ્તી જોઈ મેં સ્વીકારી લીધું કે મારે હવે દીકરા સાથે નહીં, દીકરાની રમતિયાળ યાદો સાથે જીવવાનું છે. આભાર, બહેન! થઈ શકે તો મને માફ કરજે. – તારી પ્રેરણા…'

ઉઝમા હતપ્રભ થઈ ગઈ, પણ દુખી નહીં થઈ કે ન તો અફસોસ કર્યો. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, કદાચ પ્રેરણાનાં! જે વ્હિલચેર માત્ર આયાનાં સહારે આજ દિન સુધી ધકેલાતી રહી હતી એને આજે ઉઝમાનાં પોતાના હાથનો વેગીલો સ્પર્શ થયો, જોશભેર..! વ્હિલચેર એક રફતારથી આગળ સરકી રહી. ઉઝમાએક હકારાત્મક ગતિ અનુભવી! ને વુઝૂ-નમાજની તૈયારી કરવા માંડી.

‘તારી પ્રેરણા...’ પત્રના આખરી શબ્દો દોહરાવતા ઉઝમાએ ફેફસાંમાં ઊંડો શ્વાસ ભર્યો, ‘હા, મારી પ્રેરણા!’

***સમાપ્ત***

◆ ધર્મેશ ગાંધી

(શબ્દો: ૧૫૯૦)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ