વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નચિકેતા

નચિકેતા

એક ક્ષણ માટે તો મને એવું જ લાગ્યું કે જાણે મારી સમક્ષ દાદુ જ ઊભા છે. મેં એકીટશે એમને જોયા કર્યું. બીજી જ ક્ષણે મને ભાન થયું કે મરનાર વ્યક્તિ કદી પાછી નથી ફરતી. જો દાદુ હોત તો, ત્રણ વર્ષ પછી ઓચિંતી જ મને આવી ચઢેલી જોઈને વળગી જ પડ્યા હોત! પણ એ વૃદ્ધે લારીમાંથી એક તરોપો મારી તરફ લંબાવવા સિવાય કશું કર્યું નહીં. એમને કદાચ મારા પ્રત્યે લાગણી થઈ આવી હોય તોયે, કોઈ ટુરિસ્ટને એમનું એવું વર્તન ન ગમે એમ ધારીને એમણે મન પાછું વાળી લીધું હશે. આમ પણ વૃદ્ધો મનને પાછું વાળી લેવામાં આગળ હોય છે.

‘પહેલી જ વખત માથેરાન આવ્યાં છો, મેડમ?’ ચારેય દિશાઓમાં ફેલાયેલો પહાડી વિસ્તાર મને ટેબ્લેટમાં કેદ કરતી જોઈને વૃદ્ધે પૂછ્યું.

મેં હળવું સ્મિત રેલાવીને એમની તરોપામાંથી મલાઈ કાઢવાની પ્રક્રિયાનું પણ રેકોર્ડિંગ કર્યું.

‘અહીં ભાગ્યે જ કોઈક એકલું આવે છે!’ પાર્ક કરેલી મારી ખાલી કારને જોઈને તેઓ બોલ્યા, ‘હા, કોઈક વૃદ્ધ હોય તો અલગ વાત છે.’

‘એકલાં રહેવાની તો આદત પડી ગઈ છે! હું ટ્રાવેલ-બ્લોગર છું.’ મેં નાળિયેરપાણીનો ઘૂંટ ગળા નીચે ઉતારતાં કહ્યું. વૃદ્ધ મારી તરફ કોરી આંખોએ જોઈ રહ્યા. એમની મૂંઝવણ પારખી જતાં મેં કહ્યું, ‘દેશવિદેશ ઘૂમતી રહું છું. કોમ્પ્યુટર ઉપર એ પ્રવાસોના અનુભવો લખું છું. માથેરાન તો નજીક જ છે, છતાં પહેલી જ વખત આવી છું.’

‘માણસ દૂર દૂર ખાનાબદોશી કરતો રહે છે. નજીકમાં ક્યાં એની નજર જાય છે!’ લારીમાં મૂકેલા એક યુવકના ફોટો ઉપર ખરબચડી આંગળીઓ પસવારતા તેઓ બોલ્યા, ‘નજીક હોય એની ઉપેક્ષા..!’

તરોપાવાળા વૃદ્ધે પણ દાદુની જેમ સફેદ કફની-પાયજામો પહેર્યા હતા. ઝીણી આંખો ઉપર ચશ્માં, માથે ઊનની ટોપી ને ગળા ફરતે મફલર... દાદુ પણ દરેક ઋતુમાં માથે ગરમ ટોપી અને ગળામાં મફલર વીંટાળી જ રાખતા. મુંબઈની ફૂટપાથ ઉપર ચાલવા નીકળતા તો વળતા તરોપો લઈ આવતા. મોમ-ડેડ તો જોબ ઉપર ગયાં હોય. અમે જ તરોપાનું મીઠું પાણી પી જતાં. દાદુ છરી વડે તરોપાની અંદરથી કોપરું કાઢીને મારા મોંમાં મૂકીને કહેતા, ‘તું પણ આ તરોપા જેવી છે, પિહુ! ઉપરથી સખત અને અંદરથી મલાઈ જેવી.’

‘લે, બેટા! મલાઈ ખા.’ તરોપાવાળા વૃદ્ધનો અવાજ સાંભળીને મારી તંદ્રા તૂટી. દાદુની પ્રતિકૃતિ જેવા એ વૃદ્ધે ખાલી થઈ ચૂકેલા તરોપામાંથી કોપરું કાઢીને મારી હથેળીમાં મૂક્યું. ‘કોપરાથી યુવાની તરોતાજા રહેશે. આયુષ્ય દીર્ઘ બનશે. હું પણ આ અમૃતના સેવનથી મૃત્યુને પાછળ ઠેલતો રહું છું.’ કહીને તેઓ ખડખડાટ હસી પડ્યા. પ્રવાસી-ગ્રાહકોને આકર્ષવાનો કીમિયો... મેં વિચાર્યું.

‘મૃત્યુ!’ તાજું કોપરું મોંમાં મૂકી રહેલો મારો હાથ ઓચિંતો જ થંભી ગયો. મૃત્યુને પાછળ ઠેલી રહેલા વૃદ્ધ તરફ હું જોઈ રહી. ‘મૃત્યુ શું છે? મૃત્યુ ક્યારે આવે?’ વૃદ્ધના ચહેરા ઉપર થંભી ગયેલી મારી નજર ઓચિંતી જ ત્રણ વર્ષ પહેલાંના દ્રશ્યની ખાઈમાં ગબડી પડી.

*

‘આજે કેમ આ માસૂમ ચહેરો ઉતરેલો જણાય છે?’ દાદુએ મને પૂછ્યું હતું.

‘દાદુ! હિમાદ્રિ ટ્રેકિંગ કેમ્પ...’ મેં ઢીલા અવાજે કહ્યું હતું.

‘તો પ્રોગ્રામને રેડ સિગ્નલ મળ્યું, એમ ને?’ તેઓ બોલ્યા, ‘કોના તરફથી, પપ્પા કે મમ્મી?’

‘બંને તરફથી.’

‘અચ્છા! ખર્ચ કેટલો આવશે?’

‘ઘણો બધો. એક મહિનાનો કેમ્પ છે, દાદુ! ડેડી કહે છે, આપણને ન પોસાય.’

‘તું ફિકર ન કર. મારી પાસે બહુ પૈસા છે.’ દાદુ હળવું હસ્યા. ‘નચિકેતા માટે મેં ભેગા કર્યા છે ને!’ પોતાના રૂમમાં પલંગ નીચે મૂકેલી પતરાની પેટી તરફ એમણે ઇશારો કર્યો.

મારો ચહેરો ખીલી ઊઠ્યો. ‘થૅન્ક્યૂ, દાદુ!’ હું એમને વળગી પડી. ‘પણ, નચિકેતા... કોણ છે એ? કોઈક છોકરી? આઇ મીન કોઈક દેખાવડી ડોશી? ગર્લફ્રેન્ડ?’ મેં આંખો નચાવતાં કહ્યું, ‘મને તો કહો, દાદુ! આપણે દોસ્ત નહીં?’

પ્રત્યુત્તરમાં ‘સસ્સ્સ્સ...’ અવાજ સાથે એમણે હોઠ ઉપર ઊભી આંગળી મૂકી દીધી.

‘પણ દાદુ, હું હિમાલય કેમ્પ ઉપર જઈશ; એક મહિનો નહીં હોઈશ તો તમે શું કરશો એકલા એકલા?’ મેં એમના ખભે માથું ઢાળી દીધું. ‘મારા વગર તમારી સાથે ટાઇમ કોણ ‘સ્પેન્ડ’ કરશે!’

‘હમમ...’ દાદુ ધીમેથી બોલ્યા, ‘હું માથેરાન ફરી આવીશ.’

‘નચિકેતા સાથે?’ હું ખડખડાટ હસી પડી.

દાદુ પણ હસવા માંડ્યા. ‘તું ફિકર ન કર. તું આવે તે પહેલાં મારું મૃત્યુ નહીં આવે.’

‘મૃત્યુ..?’ આંખોમાં ઝળઝળિયાં સાથે હું બોલી, ‘માણસને મૃત્યુ ક્યારે આવે, દાદુ?’

‘મારી વાત છોડ, ગાંડી! તું આ અઢારની અલ્લડ ઉંમરે પર્વત પરથી મૂરતિયો નહીં પકડી લાવતી!’ દાદુએ હસવાનો પ્રયત્ન કર્યો.

‘હિમાલય ઉપર તો હજારો વર્ષથી તપ કરનારા યોગીઓ મળે, મૂરતિયા નહીં.’ હું એક આંખ મીંચકારીને હસતાં હસતાં બોલી.

‘તો એ હઠયોગીઓને પૂછજે...’ દાદુ એકાએક ખામોશ થઈ જતા બોલ્યા હતા, ‘મૃત્યુનો અર્થ શો?’

*

‘છે ને કોપરું એકદમ મલાઈદાર?’ ફરી એક વખત તરોપાવાળા વૃદ્ધે મને દાદુના વિચારોમાંથી બહાર ખેંચી કાઢી. પવનમાં ઉડી રહેલા મફલરને વીંટતા તેઓ બોલી રહ્યા હતા, ‘છે ને અમૃત જેવું!’

શી ખબર હતી, દાદુ સાથે ત્રણ વર્ષ પહેલાં વિતાવેલી એ પળો આખરી હશે! મૃત્યુ ક્યાં આગોતરા અણસાર આપીને આવે છે! યુવકના ફોટો ઉપર આંગળીઓ પસવારી રહેલા વૃદ્ધ તરફ જોતાં મારા મોંમાંથી અનાયાસે જ સરી પડ્યું, ‘દાદુ, માણસને મૃત્યુ ક્યારે આવે? મૃત્યુનું રહસ્ય શું?’

તરોપાવાળા વૃદ્ધને મારા અણધાર્યા પ્રશ્નથી અચરજ થયું કે આઘાત લાગ્યો એ હું નક્કી કરું એ પહેલાં તેઓ બોલી ઊઠ્યા, ‘બેટા, જો હું જાણતો હોત કે મૃત્યુ...’ આગળના શબ્દો તેમના ગળે બાઝેલા ડચૂરામાં ફસાઈ ગયા.

થોડી વારની નિસ્તબ્ધતા પછી પાણીનો ઘૂંટ ગળા નીચે ઉતારતા તેઓ બોલ્યા, ‘પેલી ટેકરી ઉપર એક આશ્રમ છે.’ એમણે આંગળી ચીંધી. ‘કદાચ ત્યાં તારા પ્રશ્નનો ઉત્તર મળી જાય. એક વખત ત્યાં જઈ આવ, તને કમ્પ્યૂટર પર લખવામાં કંઈક કામ આવે!’ તેઓ ‘મેડમ તમે’માંથી ક્યારે ‘બેટા તું’ કહેવા માંડ્યા હતા એ વાતનો અમને બંનેને ખ્યાલ નહોતો રહ્યો.

હું ફરી પાછી દાદુ સાથે ગાળેલા એ દિવસોમાં ઉડવા માંડી. દાદુએ તો એમની બચતમાંથી મારા ‘હિમાદ્રિ કેમ્પ’ની ફી ભરી દીધી. હું એક મહિના માટે ઉપડી ગઈ. ‘જીવનનો મર્મ પામજે, બેટા!’ દાદુએ મારા માથે હાથ ફેરવતા કહ્યું હતું. ક્યાં ખબર હતી કે એ મારા નસીબનો આખરી હૂંફાળો સ્પર્શ હશે!

એક મહિના પછી હું હિમાલય-પ્રવાસેથી પાછી ફરી. ડેડી મને ઍરપૉર્ટ ઉપર ‘રિસીવ’ કરવા આવ્યા. ‘ડેડી, આપણે આ તરફ ક્યાં જઈ રહ્યાં છીએ?’ ઍરપૉર્ટ ઉપરથી નીકળ્યા પછી ટૅક્સીને અલગ રસ્તે ફંટાઈ જતી જોઈને મેં પૂછ્યું.

‘ઘરે...’

‘પણ આ રસ્તો ક્યાં આપણા ઘરે જાય છે?’ મેં હાઇવે ઉપર નજર દોડાવી.

‘આપણે મુંબઈ છોડી દીધું છે. હવે આપણે પૂણેમાં રહીએ છીએ.’ ડેડી બોલ્યા, ‘ફરીથી મારું ટ્રાન્સફર થઈ ગયું છે. સમય ઓછો હતો ને આપણા ક્યાં કોઈ સગાંવહાલાં છે કે... તારો મોબાઇલ સંપર્કની બહાર હતો. વી અન્ડરસ્ટેન્ડ, પહાડ ઉપર નેટવર્ક નહીં હોય. એટલે જ તો દાદુની ખબર પણ તને નહીં આપી શકાઈ.’

‘દાદુની ખબર?’ મને કશુંક બદલાઈ ગયેલું લાગ્યું, ‘શું થયું દાદુને?’

‘બેટા, પિહુ!’ ડેડીએ પ્રથમ વખત મારો હાથ એમના હાથમાં લીધો. ‘તારા દાદુ નથી રહ્યા.’

હાઇવેના બફારામાં ઓચિંતી જ હું થીજી ગઈ. આટલી શિથિલતા મેં હિમાલય ઉપર પણ નહોતી અનુભવી. જાણે કે કોઈએ પહાડ ઉપરથી ધક્કો મારી દીધો હોય!

‘એક રાતે ઓચિંતો જ એમને હૃદયરોગનો હુમલો...’ ડેડી બોલી રહ્યા હતા. એમના અવાજના અસ્તવ્યસ્ત ટુકડા મારા મસ્તિષ્કમાં બરફની કરચોની જેમ ઘોંચાઈ રહ્યા હતા. કાશ! દાદુએ મારા કેમ્પની ફી ન ભરી હોત... આખરી પળોમાં હું એમની સાથે રહી શકી હોત! મૃત્યુ અંગે પ્રશ્ન પૂછનારા દાદુ પોતે જ મૃત્યુની આગોશમાં જઈ ચૂક્યા હતા.

‘બે તરોપા...’ ઘોઘરો અવાજ કાને પડતા હું અતીતમાંથી વર્તમાનમાં ફંગોળાઈ. લારીની આસપાસ ભીડ થવા માંડતા હું તરોપાના પૈસા ચૂકવીને કારમાં બેસી ગઈ. ટેકરીની ઊંચાઈ ભણી નજર કરતાં સહેજે એવી લાગણી થઈ આવી, દાદુના અંતિમ પ્રશ્નનો ઉત્તર મેળવવો જોઈએ. હિમાદ્રિ જઈને તો ન પામી શકી, કદાચ આ આશ્રમમાં, દાદુને શ્રદ્ધાંજલિ સ્વરૂપે... એ નિમિત્તે ટ્રાવેલ-બ્લોગ માટે એક ‘સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ’ કદાચ મળી રહે! મેં આશ્રમ તરફ ગાડી ઘુમાવી.

વધુ ઊંચાઇએ પહોંચતાં મને ઠંડક ઘેરી વળી. દ્વાર ઉપર ‘બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિસ્થાન’નું બોર્ડ ઝૂલી રહ્યું હતું. આશ્રમમાં પ્રવેશતાં જ કોલાહલ સમવા માંડ્યો. જાણે કે અલગ જ દુનિયામાં આવી પડી હોઉં! સ્વામીજીનું પ્રવચન ચાલી રહ્યું હતું. મને જાણવા મળ્યું – ત્રણ દિવસની શિબિર હતી. અંતિમ દિવસે ભક્તો સાથે પ્રશ્નોત્તરીની પ્રથા હતી. ધીમે ધીમે હું શિબિરનો એક હિસ્સો બની ગઈ. મૃત્યુના રહસ્ય અંગેના કુતૂહલને લઈને ત્રણ દિવસ સુધી આશ્રમમાં રોકાયેલી રહી. શિબિર પૂર્ણ થતાં જ મારો પ્રશ્ન ઉછળી પડ્યો, ‘માણસને મૃત્યુ ક્યારે આવે, સ્વામીજી? મૃત્યુનો અર્થ શો?’

આસપાસ બેઠેલા ભક્તોની નજર મારા તરફ મંડાઈ. કદાચ વિચારી રહ્યા હશે, આટલી યુવાન વયે મૃત્યુ અંગેની જિજ્ઞાસા? સ્વામીજી એમના તરફ જોતા હળવા શબ્દોમાં બોલ્યા, ‘મૃત્યુને સમજવાની કોઈ વય નથી હોતી.’ પછી મારા તરફ જોઈને મરકમરક હસતા કહ્યું, ‘કઠોપનિષદ મુજબ, પાંચ વર્ષનો ઋષિપુત્ર નચિકેતા જ્ઞાનની શોધમાં યમપુરી જવા નીકળી પડે છે. કઠોર પરિશ્રમથી એ ત્યાં પહોંચે છે, પણ યમરાજ હાજર નહોતા. ત્રણ દિવસ સુધી ભૂખ-તાપ વેઠીને બાળક એમના પાછા ફરવાની રાહ જુએ છે. યમરાજ આવતા જ પ્રશ્ન કરે છે, ‘આત્માનું રહસ્ય શું? મૃત્યુનો અર્થ શો?’ ઘણી આનાકાની પછી આખરે યમરાજા એને બ્રહ્મજ્ઞાન આપતા જણાવે છે, ‘મૃત્યુ એટલે સ્વજનોથી છૂટાં પડવું... મૃત્યુ ત્યારે આવે જયારે સ્વજનો તમને તરછોડી દે...’

શિબિર પૂર્ણ થતાં હું એક ટેકરી ઉપર જઈને બેઠી. ડૂબતો સૂરજ આકાશ અને ધરતી વચ્ચે પીસાઈને પોતાનું તેજ ગુમાવી રહ્યો હતો. ક્યાંયે સુધી હું દાદુનો ચહેરો ક્ષિતિજમાં ફંફોસતી રહી. મારી નજર સામે તરોપાવાળા વૃદ્ધનો ચહેરો ઊપસી આવ્યો. લારીમાં મૂકેલો ફોટો એના પુત્રનો હતો? કે પછી પૌત્ર? શું એ મૃત્યુ પામ્યો હશે કે પછી વૃદ્ધને તરછોડીને...

રાત્રિભોજન માટે આશ્રમનો ઘંટ રણકી ઊઠ્યો. મારી વિચારધારા અટકી. હું ઊભી થઈ ગઈ. મારી નજર ટેકરીની પેલે પાર જઈ પહોંચી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે ત્યાં દાદુ ઊભા છે. પરિચારિકા કોઈક વૃદ્ધનો હાથ પકડીને તેડી જઈ રહી હતી. મારાથી હળવેથી હસાઈ ગયું. દરેક વૃદ્ધમાં મને દાદુ જ દેખાતા હતા. હું ચાલવા લાગી. ટેકરી વટાવીને અમે એ રસ્તે આવી પહોંચ્યા જ્યાં બે અલગ અલગ પગદંડીઓ એક થઈ જતી હતી. વૃદ્ધની એક ઝાંખી નજર મારી ઉપર પડી. મારી નજર સાવ નજીક આવી ચૂકેલા એ વૃદ્ધના ચહેરા ઉપર છવાઈ ગયેલી સફેદ દાઢી ઉપર અટકી ગઈ. એ જ સફેદ કફની-પાયજામો... માથે ગરમ ટોપી... ગળામાં મફલર... અદ્દલ દાદુ જ! પણ મને ખબર હતી, મૃત વ્યક્તિ કદી પાછી નથી ફરતી. દાદુ હોત તો મને જોઈને વળગી પડ્યા હોત. ત્રણ વર્ષ પછી શું હું એટલી બદલાઈ ગઈ છું કે દાદુ ઓળખી પણ ન શકે! હું એમને જતાં જોઈ રહી.

જમવા માટે ભક્તો એકત્ર થઈ રહ્યા હતા. એક પરિચારિકા બોલી, ‘સ્વામીજી ખરેખર ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે!’

‘ગરીબોને અનાજ, રહેઠાણ, શિક્ષણ, તબીબી સારવાર વિનામૂલ્યે... આ જ ખરી સમાજસેવા છે.’ બીજી બોલી.

‘જેમને સ્વજનોએ તરછોડી દીધાં છે એવા નિરાશ્રિતોને સ્વામીજીએ આશ્રયસ્થાન પૂરું પાડ્યું છે.’

‘વૃદ્ધો માટે પણ ખાસ વૃદ્ધાશ્રમની વ્યવસ્થા.’

‘કહેવાય છે કે, સ્વામીજી એમની દરેક શિબિરમાં યમરાજા પાસે બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિ માટે ગયેલા પેલા બાળકની કથા અવશ્ય કરે છે.’

‘હાસ્તો! અને એ ઋષિપુત્રના નામ ઉપરથી જ તો ઘણા લોકો આ આશ્રમને ‘નચિકેતા આશ્રમ’ તરીકે ઓળખે છે!’

મોંમાં મૂકવા માટે ઉપાડેલો કોળિયો મોં સુધી પહોંચે એ પહેલાં મારો હાથ અટકી ગયો. ‘નચિકેતા...’ મારા મસ્તિષ્કમાં ગુંજી ઊઠ્યું. ‘ઋષિપુત્ર?’

ત્રણ વર્ષ પહેલાંના કેટલાંક તંતુઓ જોડાઈ રહ્યા હોવાની અનુભૂતિ થઈ આવી. હું ઝડપભેર ઊભી થઈ ગઈ. એ તરફ ભાગી જ્યાં સૂર્યાસ્ત નિહાળી રહેલા વૃદ્ધને પરિચારિકા તેડી ગઈ હતી. વિશાળ આશ્રમના એક એવા હિસ્સામાં હું જઈ ચઢી જ્યાં શિબિર દરમ્યાન ગઈ નહોતી – ‘વૃદ્ધાશ્રમ વિભાગ’.

‘દાદુ!’ હું ચીસ પાડીને દોડી ગઈ. દાદુને વળગી પડી. રડતાં રડતાં મેં પરિચારિકાને આખી વાત જણાવી. ‘નચિકેતા – ઋષિપુત્ર? હું તો સમજતી હતી કે દાદુની કોઈક...’ દાદુને જમાડી રહેલી પરિચારિકાની આંખો ભરાઈ આવી.

‘અમે આ વૃદ્ધાશ્રમ માટે જે નજીવી રકમ લઈએ છીએ, સાંભળ્યું છે કે તમારા દાદુએ એ ખર્ચ પોતાની બચતમાંથી કાઢ્યો હતો!’ પરિચારિકા બોલી, ‘ત્રણ વર્ષ પહેલાં પહેરેલે કપડે તેઓ એકલા જ અહીં આવી પહોંચ્યા હતા. બહારથી તો તેઓ સારા જ જણાતા હતા, અંદરથી તો કોણ જાણી શકે!’

‘પણ દાદુ મારી સાથે વાત કેમ નથી કરતા?’ મેં ડૂસકાં ભરતાં કહ્યું, ‘મને ઓળખતા કેમ નથી? શું ત્રણ વર્ષમાં હું એટલી બદલાઈ ચૂકી છું?’

‘એમને બે વર્ષથી ‘અલ્ઝાઇમર’ છે. માત્ર તમને કે અમને જ નહીં, તેઓ પોતાને પણ નથી ઓળખતા. કશું યાદ પણ નથી રહેતું.’

ત્રણ વર્ષમાં કોણ બદલાયું હતું, દાદુ કે હું? અમે એકબીજાને ઓળખી પણ નહીં શક્યાં! મારા મનમાં દાદુના આખરી પ્રશ્નો વલોપાત કરી રહ્યા હતા. ‘મૃત્યુ ક્યારે આવે? મૃત્યુનો અર્થ શો?’ જવાબ મને મળી ચૂક્યો હતો. મૃત્યુ એટલે સ્વજનોથી છૂટાં પડવું. મૃત્યુ ત્યારે આવે જયારે...

પણ મારા મસ્તિષ્કમાં હવે અન્ય પ્રશ્નો તાંડવ કરવા માંડ્યા હતા. એના ઉત્તરો કોણ આપશે? શું દાદુ ખરેખર પોતાની મરજીથી અહીં આવી ગયા હતા? શું મોમ-ડેડ સાથેના એમના સંબંધમાં એટલી ઊંડી ખાઈ પડી ચૂકી હતી કે દાદુએ પોતાનું જ ઘર છોડી દેવું પડ્યું? ડેડીએ એવું કેમ કહ્યું હતું કે દાદુ મૃત્યુ પામ્યા છે? શું દાદુને અગાઉથી જ અંદેશો આવી ગયેલો કે ઢળતી ઉંમરે એમને કોઈ સાથે નથી રાખવાનું? તેઓ જે પૈસા ભેગા કરતા હતા તે... તે આ નચિકેતા? આ આશ્રમ? પાછલી જિંદગી અહીં વિતાવવા માટે તેઓ બચત..? ઓહ્હ! જાણે કે બધા જ પ્રશ્નોનું ગળું ટૂંપી દેવા માગતી હોય એમ બંને હાથે મેં મારું માથું દબાવી દીધું.

ભારે હૃદયે હું ઑફિસ તરફ આગળ વધી. એક ફૉર્મ ભરીને જમા કરાવ્યું. મૅનેજરે પૂછ્યું, ‘શું ખરેખર તમે એ વૃદ્ધને દત્તક લેવા ઈચ્છો છો?’

મેં ફૉર્મ ઉપર સહી કરી આપી.

‘તમે એકલા છો? કોઈ સ્વજન..?’

મારા ઊંડાણમાં જવાબ ખોળતી હું ધ્યાનકક્ષ તરફ આગળ વધી ગઈ.

દીવાલ ભીતર રહેલાં સ્પીકરમાંથી સ્વામીજીનો અવાજ વહી રહ્યો હતો: ‘જીવન જીવવા માટે મૃત્યુને જાણવું જરૂરી છે. સ્વને પામશો તો સ્વજનને પામી શકશો.’

***સમાપ્ત***

(ઢળી ચૂકેલી વયને અર્પણ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ