વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સેલોટેપ

સેલોટેપ

 

"દીદી, પાંચ રૂપિયા આપો ને!" વરસાદી પાણીથી નીતરતી એક ભિખારણ છોકરીએ પ્રિતા પાસે હાથ લંબાવી પાંચ રૂપિયા માંગ્યા. પ્રિતાએ મોં બગાડ્યું. જવાબ આપ્યા વગર એ ઊંધી ફરીને ઊભી રહી ગઈ. છત્રી ઘરે ભૂલી ગયેલી પ્રિતાને વરસાદમાં ભારે ઠંડી ચડી અને ઉપરથી કોઈ વાહન પણ નહોતું મળતું. એ કાંપતા શરીરે એક ઝાડની આડશ લઈ વરસાદ બંધ થવાની રાહ જોતી ઊભી હતી.

 

થોડીવારમાં પેલી ભિખારણ છોકરીને ફરી પોતાની પાસે આવતી જોઈ કટાણું મોં કરી બોલી, "તને એકવાર કહ્યું ને! તો પણ પાછી માંગવા આવી ગઈ?"

 

"હું માંગવા નહીં, આપવા આવી છું." કહી પેલી છોકરીએ ઠંડીથી થથરતી પ્રિતા આગળ છત્રી ધરી.

 

પ્રિતાએ બીજું કંઈ જ વિચાર્યા વગર છત્રી લઈ લીધી. છત્રી ખોલતા જ એમાં પડેલા કાણાઓ તરફ એની નજર ગઈ. 

 

"મેં તમને થથરતા જોયાં. મારી પાસે છત્રી હતી પણ એમાં કાણાં હતાં... એટલે સેલોટેપ લાવીને લગાવવી હતી પણ..." અધૂરા મૂકેલા વાક્યના એ અધ્યાહાર રહી ગયેલા શબ્દો જાણે સેલોટેપ બની પ્રિતાના હોઠ પર ચોંટી ગયાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ