વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાદળિયાં

ધરતીએ લખ્યાં કૈંક આભને કાગળિયાં,

   આકાશે ઉમટ્યાં આજ એટલે વાદળિયાં.

    

ઓલ્યા ચૈતરના સૂરજનો મોટો છે ફૈડકો

      વૈશાખી વાયરાનો વાગ્યો ભૈ ઝૈડકો,

તરસી આ ધરતીને આવ્યાં ઝળઝળિયાં,

    આકાશે ઉમટ્યાં આજ એટલે વાદળિયાં


રૂડી અષાઢી ઢેલડીના અનહદ ઉફાળા,

       ટળવળતાં ચાતકના વધ્યા કૈં ચાળા,

નેજવું કરીને ઉભા ખેડૂત ધાબળિયા,

     આકાશે ઉમટ્યાં આજ એટલે વાદળિયાં.


આયખાની કળતર પર શ્રાવણિયો વરસાદ,

     જીવતરની કથાને લાગણિયો પરસાદ.

લીલાંછમ્મ કરવા સૌ આંગણને ફળિયાં,

       આકાશે ઉમટ્યાં આજ એટલે વાદળિયાં.


અનરાધાર આંખોથી બોલ્યા છે મોર,

     પછી ભાદરવી ભીંડાનેય ચડ્યો કૈં તોર,

લીમડાની સાથે ઓલ્યા ફાલ્યા બાવળિયા,

      આકાશે ઉમટ્યાં આજ એટલે વાદળિયાં.


આસોની અટકળ ભૈ સાવે અનોખી,

        વરસે તો અઢળકને નહિતર સાવ જોખી,

ઓલી છેવાડી છાપરીનાં વેચાય ના નળિયાં,

       આકાશે ઉમટ્યાં આજ એટલે વાદળિયાં. .


ધરતીએ લખ્યા કંઈક આભને કાગળિયાં,

   આકાશે ઉમટ્યાં આજ એટલે વાદળિયાં.


        ડૉ.કિશોર ઠક્કર,ગાંધીધામ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ