વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુખની કુંજી



આપણે બધા દિલથી ખૂબ મહેનત કરીએ છીએ , આપણા શમણાંને સાકાર કરવાનો ખૂબ પ્રયત્ન કરીએ છીએ કારણ આપણને બધાને સુખી થવું છે. આપણા પરિવારને સુખી કરવો છે. તેને માટે જરુરી છે આત્મશ્રધ્ધા, સાચી દિશામાં કરેલો અથાક પરિશ્રમ , કાર્ય પૂર્ણ કરવા પ્રત્યે કટિબધ્ધતા, માર્ગમાં આવતી અડચણોનો હિંમતથી સામનો કરવાનો દ્રઢ નિર્ધાર અને નિષ્ફળતાઓને પચાવવાની તેમજ સંજોગોને પોતાનાં પક્ષમાં પલોટવાની હિમ્મત.

ઘણીવાર આપણને સફળતા નથી મળતી, આપણું ધાર્યું નથી થતું તો આપણે દુ:ખી થઈએ છીએ. નસીબને દોષ આપીએ છીએ. બીજાનો વાંક કાઢીએ છીએ. ત્યાં સુધી કહી દઈએ છીએ કે આજે કોનું મોઢું જોયું મારો તો દિવસ જ ખરાબ ગયો. ભલા માણસ! તું સવારમાં ઉઠીને અરિસામાં કોનું મોઢું જુએ છે હં...પણ માને કોણ ?


મેં તો હૈયે ભીડી હામ હુંકાર કરી દીધો

દુ:ખ ત્રાટકે એ પહેલાં દુ:ખને ડારો દઈ દીધો.

દુ:ખ મુઠ્ઠી વાળી નાઠું, કહે ન જાવું એની કોર

સુખે ડેલે દીધી દસ્તક, ઉમટ્યો આનંદનો ઓઘ.


એક ઊંડો શ્વાસ લઈને કર એ દુ:ખ, તકલીફો સામે હુંકાર અને તારી હિંમત સામે સઘળું નતમસ્તક થઈ જશે. રાખજે હૈયામાં હામ અને તારા સઘળા કાર્ય થઈ જશે આસાન. 


કહી દે વિધાતાને પણ-

ચલાવ ઓ વિધાતા! તું મુશ્કેલીઓનાં સહસ્ત્ર બાણ,હવે તો ખેલ ખરાખરીનો આજ ખેલવો છે મારે. ગમ નથી મુને મોત આવે તુજ સંગ લડતા લડતા, થઇને શહીદ તુજ દરબાર માં આવવું છે મારે. 

 

આપણી દિશા ખોટી હતી કે મહેનત ઓછી કરી

કે આગળ વધવા હિમ્મત જ ન કરી એ આત્મ નિરીક્ષણ કરવાની ખૂબ જ જરૂર છે. ખોટા પડેલા દાખલાને સાચો કરવા નવેસરથી મહેનત આપણે જ કરવી પડે છે. એમને એમ દુ:ખી થઈને બેસી રહેવાથી કે દુ:ખના રોદણાં રડ્યા કરવાનો કોઈ મતલબ નથી. ભગવાન તમારા ખોટા દાખલાને એમને એમ સાચો નથી કરી દેતા. તમે મહેનત કરો તો એ તમારા પ્રયાસને સફળ બનાવવા સહાય કરે છે. આપણને જોઈને ઈશ્વરને પણ ગર્વ થવો જોઈએ કે જે જીવને મેં પૃથ્વી પર મોકલ્યો તેણે પોતાનાં સંસ્કાર , હિંમત , પરિશ્રમ દ્વારા સુખ અને સિધ્ધી મેળવ્યા છે. 

આપણાં સુખની કુંજી આપણાં જ હાથમાં છે.

- ભારતી વડેરા



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ