વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શણગાર

મન કહે આ મેહુલાને મારી બથમાં ભરી લઉં,

ભીની મહેક માટીની શીશીમાં કેદ કરી લઉં!

                         મન કહે આ મેહુલાને ....

                        

ટીપે ટીપે ઉઠતા તરંગને કાનકુંડળ કરી લઉં,

કાળી ભમ્મર વાદળીઓને ચોટલે ગુંથી લઉં!

                         મન કહે આ મેહુલાને ....


ઘનઘોર ઘટાયુ ઘોળીને આંખોમાં આંજી લઉં ,

ઉતારી આભેથી લેરીયું મેઘધનુષી ઓઢી લઉં!

                          મન કહે આ મેહુલાને ....


તરણે ટપકતાં મોતીની માળા બનાવી લઉં,

ડુંગરે નીતરતા ઝરણાનો કંદોરો બનાવી લઉં!

                          મન કહે આ મેહુલાને ....


ગરજતી વીજનો રણકાર કડલીએ પુરાવી લઉં,

ઝરમર ઝરતી જળબુંદો ઝાંઝરમાં પરોવી લઉં!

                           મન કહે આ મેહુલાને ....


આજનાં રે શણગાર સઘળાં મેહથી માંગી લઉં,

ને હેલી પીયુના પ્રેમની મારા હૈયામાં ભરી લઉં!

                            મન કહે આ મેહુલાને ....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ