વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લથપથ

"ટીપ ટીપ બરસા પાની.." પોતું કરી રહેલી ગોમતીની નજર બે ઘડી ટીવીમાં ચાલી રહેલા દ્રશ્ય પર સ્થિર થઈ ગઈ. વરસાદમાં ભીંજાતા રોમાન્સ કરી રહેલા યુગલને જોઈ એના શરીરમાં હળવો કરંટ દોડી ગયો. એકાએક સામે બેઠેલાં માલકીનની હાજરી યાદ આવતા એ ઝડપથી પોતું કરી રસોડામાં જતી રહી. વાસણ માંજતા પણ એ આંખના ખૂણેથી બહાર ચાલી રહેલા દ્રશ્યો જોઈ રહી હતી. આખરે કામ પૂરું કરી ઘરે પાછી ફરી રહેલ ગોમતીના મગજમાં એ ગીતના દ્રશ્યો જ ચાલી રહ્યા હતા. એની દ્રષ્ટિ પોતાની ઝાંખી થઈ ગયેલી સુતરાઉ સાડી પર પડી અને એક નિશ્વાસ મુકાઈ ગયો.

ઘરે પહોંચી તો રઘુ મજૂરીએથી આવી ગયો હતો. ગોમતી ઝડપથી ચૂલા પાસે બેસી ગઈ. એનું આખું શરીર ઉનાળુ તડકામાંથી આવવાને કારણે પરસેવે રેબઝેબ હતું. બ્લાઉઝની બાંયથી કપાળ લૂછતી એ ચૂલામાં ફૂંક મારવા લાગી.

સહસા એની ગરદન પર રઘુની આંગળીનો સ્પર્શ થયો અને એના રૂંવાડા ઉભા થઈ ગયા. એની પરસેવાથી નીતરતી કાયા પર ચીપકી ગયેલી સાડી પર રઘુનો હાથ ફરતા જ ગોમતીને ટીવીમાં ચાલી રહેલું ગીત યાદ આવી ગયું. એનું શરીર સંકોરાઈને રઘુમાં સમાવા તત્પર થઈ ઉઠ્યું. એના હૃદયમાં આટલી ગરમીમાં પણ અમી છાંટણા થઈ ગયા.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ